રાજકોટ સાઈડ સ્ટોરી(ભાગ:૧૦)
તે દર્દથી કણસી ઉઠી. હાથ રહી ગયો છતાં, સીડીનો ઘોડો ઊભો કર્યો અને સોકેટમાં ગોળો
ભરાવ્યો. અત્યંત આછા પ્રકાશ સાથે ગોળો જળહળયો. કદાચ, તેના
ભાગ્યમાં એટલો જ પ્રકાશ હશે. હાથ સોજાઈ ગયો હતો. એટલો ભાગ લાલઘૂમ થઈ ગયો. અંદર
પીડા થઈ રહી હતી. ઘોડો ઘસડી તે બ્હાર આવી અને કરંટ લાગેલા હાથની દવા કરવા લાગી.
સવાર-સાંજ તે મુખ્ય ઓરડામાં પરદા લગાવતી અને તેની
વચ્ચેની જગ્યાને કક્ષ ગણતી. આ સુભીનો કક્ષ, આ ભઈનો કક્ષ, આ મારો કક્ષ. મન ફાવે ત્યારે એમના
કક્ષમાં પ્રવેશતી. એમની કાલ્પનિક કૃતિ આંખોમાં ભરતી. ગમે ત્યારે કક્ષ મિટાવી દેતી.
પરદો ફેરવી કક્ષનો આકાર લાંબો-મોટો-નાનો કરતી.
“અને આ નિશાંતનો રૂમ...ના, ના. એ ક્યાં મારી ભેગું રે’વા માંગે છે. એનો રૂમ અમારી જોડે નય.” પેલો બંધ ઓરડો તેણે ખોલ્યો. જ્યાં હતો ફક્ત અંધકાર. એ ઓરડો નિશાંતના કક્ષ તરીકે રાખ્યો. અંધારું
હોલવવા તે ગોળો લગાવી રહી હતી ત્યારે કરંટ લાગ્યો હતો. ગોળાની સ્વિચ ચાલુ રાખી, તાળું માર્યું.
રોજ તે મુખ્ય કક્ષમાં પરદાના આવરણ વચ્ચે જીવતી.
ક્યારેક જમીન પર સૂઈ જતી અને આવરણો વચ્ચેથી બીજા કક્ષમાં જાંખતી. એમ લાગતું
પારદર્શક રીતે બધુ જોઈ શકે છે. બધા પોત-પોતાના કક્ષમાં તેમનું કામ કરતાં. તે બધા
પાસે બેસતી. ક્યારેક મદદ કરતી અને જમીન પર સૂઈ દરેકની પ્રવૃત્તિઓ નિહાળતી. તેને નિશાંતના
કક્ષમાં રહેવું હતું પણ નિશાંતની નારાજગીએ તેને અંદર ન આવવા દીધી. ગોળાના આછા જળહળ
પ્રકાશમાં પણ ગાઢ અંધકાર ઓરડામાં છવાઈ રહેતો. તે પરિવારમાં વ્યસ્ત થઈ ગઈ.
*
ત્રણ
કલાક સતત ગાડી ચલાવી હતી. બગોદરા પહેલા એક મોટું વિસામા માટે સ્ટેન્ડ આવતું. ત્યાં
એસટી અને પ્રાઈવેટ બસો સ્ટોપ રાખતી. અન્ય લોકો પણ ત્યાં બ્રેક પાડતા. નિશાંતે ચા
માટે ત્યાં ગાડી ઊભી રાખી. સૂર્ય જરાક નીચે ઉતર્યો. ચાર વાગ્યા હતા. ગરદન ઊંચી કરી
સામે જુઓ તો સુરજ આકરો તાપ. ચા પી, પાછો સફર માંડ્યો.
ચાંગોદરથી ૩૪
કિલોમીટર આગળ અડાલજ આવતું. ત્યાં ઐતિહાસિક અડાલજની વાવ હતી. શાલકીના વર્ણન મુજબની
એ જગ્યા ન હતી. છતાં, તેને
લાગતું હતું શાલકી ત્યાં હશે. ચાંગોદર આવ્યું. સર્કલ પર સ્વાગતની આકૃતિ હતી. જેના
નીચે લખ્યું હતું:’અમદાવાદમાં તમારું સ્વાગત છે.’ અહીંથી અમદાવાદની હદ શરૂ થતી. શહેરી વિસ્તાર શરૂ થયો. મજબૂત અને નવ્ય
પ્રકારની ઇમારતો, ફેક્ટરીઓ દેખાઈ. એ રસ્તો સરખેજ આવ્યો.
ત્યાંથી ડાબો ળાંક લીધો. જે એસ.જી. હાઇવે(સરખેજ-ગાંધીનગર હાઇવે) નામથી ઓળખાતો.
એસ.જી. હાઇવે પર મોલ, ઓફિસ, વિશ્વવિદ્યાલય, બાગ-બગીચા, ફલાયઓવર બ્રિજ, આધુનિક રસ્તાઓ, ઇમારતો અને સ્થળો દેખાયા. ત્યાં ચાર મોલ-ચાર થિયેટર છે. ચારમાંથી ત્રણ
મોલમાં મૂવી થિયેટર અને સ્નૂકર ગેમ રમવાની સુવિધા છે. બાળકો માટે સહેલાણી કેન્દ્ર
હતું. (જે હવે બંધ થઈ ગયું છે) જ્યાં અલગ અલગ પ્રકારની રાઇડ્સ હતી. રસ્તા પાસે
વિદેશી નાસ્તા-આઇસ્ક્રીમ કંપનીઓના મોટા સ્ટોર આવતા. વિવિધ જાતના ટેટૂ પાર્લર જોવા મળ્યા.
એક મોલની અંદર હ્રદય થડકાવનારું ભૂતિયા ઘર પણ છે. ઘણા અમદાવાદના લોકો માટે એસ.જી.
હાઇવે લાસ વેગાસ હતો. રાત્રે ખાણી પીણી બજાર ભરાતું. રાતે બ્હાર રખડનારાનો એસ.જી.
હાઇવે અડ્ડો છે.
જગત વિખ્યાત ઇસ્કોન બાલાજી મંદિરોમાંનું એક એસ.જી.
હાઇવે પર છે. એટલો વિસ્તાર ઇસ્કોન નામથી ઓળખાય છે. ત્યાંથી રાજકોટ-સૌરાષ્ટ્ર જતી
પ્રાઈવેટ બસો ઊપડતી. થલતેજ ગામ પાસે અંડરગ્રાઊન્ડ રસ્તો આવતો. ત્યાં ઉપર રોડ પાસે
શંકર ભગવાનની પ્રતિમા છે. જે દરેક રાહદારીનું ધ્યાન ખેંચતી. પછીના ચાર રસ્તા પર
ગુરુદ્વારા આવતું. આગળ અન્ય એક વિશિષ્ટ પ્રકારનું મંદિર આવ્યું. જે ૩૦ફૂટ ઊંચા
કોંકરીટના હાથી પર સ્થિત હતું.
આગળ વૈષ્ણોદેવી મંદિર આવ્યું, જેનો આકાર ખડકો જેવો હતો. અહીંથી
ગાંધીનગરની હદ શરૂ થતી. આસપાસ એટલા જાડ અને મોટા જૂના વૃક્ષો છે કે થોડા અંદર જતા
એમ લાગે કે જંગલમાં આવી ગયા હોઈએ. આવી બધી વૈવિધ્યસભર જગ્યા નિહાળતા તે અડાલજ
ગામમાં આવ્યો.
વાવના નિર્ગમદ્વાર પાસે ગાડી ઊભી રાખી. એક ચીની
બૌદ્ધ સાધુ વડના ઓટલે બેઠા હતા. તે પ્રવેશદ્વારથી અંદર આવ્યો. બાજુમાં નાની મઢૂલી
હતી. જે હાલમાં અંબે ચોકથી ઓળખાય છે. આસપાસ દીવાલ ચણી મંદિરનું નિર્માણ કરવામાં
આવ્યું છે. વાવની લોનમાં ઘણા સહેલાણીઓની ભીડ હતી. સજોડાઓ હાથ પકડી ચાલતા, કેટલાક ફોટા પડાવી રહ્યા હતા, બાકડા પર બેઠા હતા, કેટલાક નવયુગલો પોતાની પ્રિય
વ્યક્તિને લઈને લોનમાં બેઠા હતા, નાના બાળકો આમતેમ દોડી
રહ્યા હતા, ચાર-પાંચ વિદેશી આદમી-ઓરતો ટહેલી રહ્યા હતા, કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓનો એક સમૂહ વાતો-મસ્તી કરી રહ્યો હતો.
તે વાવના પગથિયાં ઉતર્યો. આસપાસના પિલ્લરો, ઝરૂખા અને ગોખલાનું રચનાત્મક કોતરણીકામ
જેટલું જોવો એટલું ઓછું લાગતું. ત્રણ ભાગમાં વાવ વિસ્તૃત હતી. ફક્ત પ્રથમ ભાગ ખુલ્લો
હતો. (વાવનો બીજો-ત્રીજો ભાગ બંધ છે.) દરેક ગોખલા-ઝરૂખા પાસે કો’ક ઊભા રહી અથવા એમાં બેસી ફોટા પડાવી રહ્યું હતું. પગથિયાં ઊતરતો વાવ નજીક
આવ્યો. નીચે ઠંડક હતી. બ્હાર કરતાં અહીંયા વાતાવરણ થોડું શીત હતું. નીચે ખાસી એવી
ભીડ હતી. લોકો પાણીમાં સિક્કા નાખી રહ્યા હતા. તેને પાળી પાસે જવાની તક મળી. એક
રૂપિયાનો સિક્કો કાઢી વાવનું પાણી જોઈ રહ્યો. તેમાં શાલકીનો ચહેરો દેખાયો, પહેલીવાર જ્યારે એને મળ્યો હતો:
“હાઇ, આઈ એમ શાલકી ધીરેન સોલંકી.” હાથ મળાવતા
શાલકીએ કહ્યું.
“વાવ... ફૂલ ઇન્ટરવ્યુ
મોડમાં તમે લાગો છો.”
“ધેટ્સ વોટ આઈ લર્ન્ટ, ઓલવેયઝ સે ફૂલ નેમ.”
તેને યાદ આવ્યું બંને ઘણીવાર સાથે જમવા બેસ્યા હતા,
શિયાળો હોવા છતાં રાતે તેની
સાથે ખાધેલ આઇસ્ક્રીમ, એક્ટિવા
પર સાથે ફરવાનો અદ્વિતીય અનુભવ. એ ફિલિંગ કઈક ઓર હતી પણ સૌથી વધારે તો એનું ‘CODING
HAS TAUGHT ME…’વાળી ટીશર્ટમાં ઊભા રહી પોસ્ટર દેખાડવું વધુ યાદ આવી
રહ્યું હતું. સિલ્વર એવિયેટર ટાઈપના ગોગલ્સમાં આકર્ષક લાગતી હતી. મારી પાછળ પાછળ
તેનું આવવું, કેફેટેરિયાની સિંકમાં સાથે હાથ ધોવા, મારૂ એના પર ચિડાવું, એનું ત્યાંથી મો ચઢાવી ચાલ્યા
જવું. તે ડ્રાઈવરના યુનિફોર્મમાં પણ પાઇલોટ જેવી લાગતી હતી. એ જ ખાસિયત છે સ્માર્ટ
લોકોની. તેઓ ગમે તે કપડાંમાં સ્માર્ટ જ લાગે. એનો હાથ પકડી ત્યારે કિસ કરવી જોઈતી
હતી. ખબર નહીં હું કશાકથી જકડાઈ ગયો હતો. કદાચ મારો ઇગો હતો. ડ્રાઈવરની સીટ પરથી
પાછળ મારા તરફ જોઈ તેણે જે સ્મિત આપ્યું હતું, એ હજુ ભૂલાયું
નથી. એના રૂમમાં મેં એને કિસ કરી હતી. છેલ્લા દિવસે કક્ષની બ્હાર આવવું, મારા ભાઈએ એના વાળ પકડી લીધા ‘ને અમે છૂટા પડ્યા.
તેનું રડવું, તેનું હસવું, તેના વાળ લહેરાવવા, ટીવીમાં બેધડક બોલી નાખવું વગેરે બધુ વિચલન કરી રહેલી પાણીની સપાટી પર
તરી આવ્યું. કિનારીએ હાથ મૂકી મૂઠીમાં સિક્કો રાખ્યો હતો. નિરસભાવે સિક્કો પાણીમાં
ફેંક્યો અને પાછો વળ્યો.
અહીં આવવું ભૂલ હતી. તે જરૂર કચ્છી ભૂંગામાં રહેતી
હશે. ભૂંગાની દીવાલો સફેદ હોય છે. અંદર ઠંડક હોય છે. શું ત્યાં જવું જોઈએ? તે નિર્ણય ન લઈ શક્યો શું કરવું? ઉદાસભાવે બ્હાર આવ્યો. શાલકી તું ક્યાં છે? મને કોઈ
હિંટ આપ. આકાશમાં કાળા વાદળ ઘેરાયા હતા. વરસાદ પડવાની તૈયારી હતી. બૌદ્ધ સાધુ તેની
સામે જોઈ રહ્યા હતા. વાવાજોડા જેવો પવન ફૂંકાયો. ધૂળની ડમરી ઊડી અને વાદળ ગરજી
ઉઠ્યા. ઉનાળામાં આવું વાતાવરણ અસ્વાભાવિક હતું. એક બે બાળકો-સ્ત્રીઓ ફફડી ગયા.
નિશાંતનું ધ્યાન સાધુ પર પડ્યું. નિસ્તેજ ભાવે તેમણે નિશાંત સામે નજર માંડી હતી.
તેમની આંખો, ભ્રમર કે શરીર પર કોઈ વાળ ન હતા. મરૂન રંગનો સાધવિક પહેરવેશ પહેર્યો હતો.
૭૦ વર્ષ ઉમર હશે. તેમણે પાસે આવવા ઈશારો કર્યો. નિશાંત એ તરફ ચાલ્યો. પવન જોરશોરથી
ફૂંકાય રહ્યો હતો. તેના વાળ હવામાં લહેરાયા. સફેદ શર્ટનું પહેલું બટન ખુલ્લુ હતું.
એ જગા સહેજ મોકળી થઈ. બાંય ચઢાવેલી હતી. કાળું ફોરમલ પેન્ટ તેણે પહેર્યું હતું, નીચે કાળા બુટ. બંનેની નજરો વિના પલકારે તાકી રહી. સાધુની નજરમાં
રહસ્યભાવ જણાઈ રહ્યો હતો. તે પાસે આવ્યો. સાધુએ સ્મિત સાથે બેસવા ઈશારો કર્યો, નિશાંત બેસ્યો. તેમણે બે હાથથી ઘરના છતની સંજ્ઞા કરી.
‘આમણે
મને તેમના ઘરે લઈ જવા માંગે છે?’ તેને થયું. તેમણે બીજી
સંજ્ઞા કરી, જે ન સમજાઈ. ચૂપચાપ જોઈ રહ્યો. નિશાંતને શાંત
બેસેલો જોઈ સાધુ પણ સ્થિર થઈ ગયા. બે ઘડી બંને સામે લોનના વૃક્ષો જોઈ રહ્યા.
ખોટો સમય વેડફાઇ રહ્યો છે, તેણે વિચાર્યું. તે
ઊભો થયો અને બોલ્યો:”મારે જવું પડશે. પછી ક્યારેક આવીશ તમારા ઘરે ચા પીવા.” સાધુ
તેને જોઈ રહ્યા, કોઈ પ્રતિકાર ન આપ્યો. આ જોઈ નિશાંત
બોલ્યો:”તમને સમજાય છે? હું શું બોલું છું? મુજે જાના પડેગા. બાદમેં ફીર કભી આઉંગા!” સાધુ સ્થિર બની તેને જોઈ રહ્યા.
તેને થયું સાધુ મનમૌજી છે. કશો જવાબ નહીં આપે. અહીંથી
નીકળવું જોઈએ. સાધુએ પહાડ જેવી સંજ્ઞા કરી, નદી વહી રહી હોય
એમ દર્શાવ્યું. નિશાંતે એમને હાથ જોડ્યા, પછી ગાડી તરફ ચાલવા
લાગ્યો. તેમણે એને જતાં જોઈ રહ્યા.
બૌદ્ધ સાધુઓ ધ્યાનના ભાગરૂપે મૌનની સમાધિ લઈ લેતા
હોય છે. જેનો સમયગાળો અમર્યાદિત હોય છે. જ્યારે આત્માની પૂરતી થાય ત્યારે મૌન ખોલે
છે. આ બૌદ્ધ સાધુ ૩૫ વર્ષથી મૌનની સમાધિમાં ઉતરી ગયા હતા. તેમણે કઈક સંકેત દર્શાવી
રહ્યા હતા પણ નિશાંતને તેમની વાત ન સમજાઈ.
એક ટ્રક રસ્તા પર પૂર ઝડપે પસાર થયો. આસપાસ બાળકો
રમતા હતા, તેમના વાલીઓએ બાળકોને પાસે બોલાવ્યા અને
રસ્તાથી દૂર રહેવા કહ્યું. નિશાંતે ટ્રકને ગતિમાં જતાં જોયો. મનમાં બોલ્યો:’બાપનો રોડ હોય એમ હાંકે છે હાળાં!’ નીકળતા પહેલા
પાણીની બોટલ લેવા એક દુકાને ગયો.
“કચ્છ જવા કયા માર્ગેથી
જવું જોઈએ?” તેણે દુકાનદારને
પૂછ્યું.
“પાછા એસ.જી. હાઇવે જવું
પડે. આગળ જમણી બાજુથી રિંગરોડવાળા રસ્તેથી પણ જવાય. એ રસ્તો વૈષ્ણોદેવી નીકળશે.”
“સારું. આ બાજુ શું છે?” તેણે વાવની ડાબી બાજુ બતાવી. જ્યાં ટેકરો
હતો.
“એ તો બંધ રસ્તો છે. આમ
રસ્તો ખરી પણ બોવ ખાડા-ખડિયા છે. પાકો રોડ નથી.” દુકાનદારે જણાવ્યુ.
“એ રસ્તો ક્યાં જાય?”
“ત્યાંથી આંબાવાસ જવાય. આ વાવ જેવી જ ઐતિહાસિક ઇમારત ત્યાં છે.” દુકાનદારે કહ્યું.
નિશાંત ટેકરો જોઈ રહ્યો.
તેને સાધુનો સંકેત યાદ આવ્યો, તેમણે કદાચ પહાડ નહીં, ટેકરો દર્શાવી રહ્યા હતા. નદી નહીં ખાડાવાળા રસ્તાનો સંકેત આપ્યો હતો. તે
વિચારમાં પડ્યો. શું સાધુ સાચે જ કઈક ખરી દિશામાં ઈશારો કરી રહ્યા હતા?
“એ કેવી ઇમારત છે?” તેણે દુકાનદારને પૂછ્યું.
“આવી જ સેમ ટુ સેમ પણ થોડી
નાની.”
“સારું.” તેણે વડના વૃક્ષ
સામે જોયું. સાધુ હજી ત્યાં જ બેઠા હતા.
તે પાછો આવ્યો. સાધુ નિખાલસ સ્મિત સાથે તેને જોઈ
રહ્યા. નિશાંતે ઇશારામાં પૂછ્યું:’ટેકરા બાજુ શું છે?’ સાધુ આંખો બંધ કરી ધ્યાનમાં
બેસી ગયા. તે દ્વિઘામાં મુકાયો. કશાક ઉત્તરની આશે તેમની તરફ મીટ માંડી પણ તેમને
જેટલું જણાવાનું હતું એટલુ જણાવી દીધું હતું. શું કરવું જોઈએ? તે વિચારવા લાગ્યો. આ બાવાની વાતમાં કઈ સાર હશે ખરો? એ તો આંબાવાસ ગયા પછી જ જાણવા મળે. સવાલ એ હતો કે શું ત્યાં જવું જોઈએ? કે પહેલાની યોજના મુજબ આગળ વધવું જોઈએ?
તેણે આંબાવાસ જવાનો નિર્ણય લીધો. ત્યાંથી પંદર
કિલોમીટર દૂર હતું. તો થયું જોતાં આવીએ, એ ઉમ્મીદે સાધુની દિશા શાલકી પાસે લઈ જશે. ટેકરા તરફ ગાડી વળાવી ત્યારે
દુકાનદાર ત્રાંસી નજરે દેખી સ્મિત કરી રહ્યો હતો. નિશાંતે તેની સામે જોયું.
ટેકરા આગળ ઘટાદાર જાડવા દેખાઈ રહ્યા. એમની વચ્ચે
ભરભાંખળું આકાશ. દુકાનદારની વાત સાચી હતી. થોડે આગળ જતાં જ ખાડા શરૂ થયા અને રસ્તો
સાવ મટી ગયો. આજુબાજુ વૃક્ષોના સીધા પટ્ટાથી અંદાજો લગાવ્યો આ માર્ગ ક્યાંક જતો
હશે. ‘ને દરેક માર્ગ ક્યાંક જતો જ હોય છે. માર્ગ
આપણને ક્યાંક લઈ જતો હોય છે, એમ કહીયે તો પણ ચાલે. તેને
લાગ્યું તે શાલકીને શોધી નાખશે. શોધ્યા પછી તેની સાથે શું કરશે? એ ન હતી ખબર પણ હવે અંત ઝાઝો દૂર ન હતો લાગી રહ્યો. એ તમામ પળો મનમાં
વાગોળવા લાગ્યો, જેનાથી માનસિક તાણ અનુભવવું પડ્યું હતું.
ટ્રકના પૈડાના નિશાન જમીનમાં ખૂંચ્યા હતા. ક્યાંક
ક્યાંક ટ્રકના ટોચલે જાડની ડાળખીઓ ભરાતા ઊખડીને નીચે પડી હતી. તે ઝડપથી આગળ વધી
રહ્યો હતો. મોટા અવાજે એનર્જેટિક સાઉંડટ્રેક્સ સાંભળતા ગાડી કૂદાડતા જઈ રહ્યો હતો.
થોડીવાર બાદ રસ્તો ખાડારહિત થઈ ગયો. જાડી-ઝાંખરાં ઓછા થયા અને મેદાનપ્રદેશ શરૂ
થયો. રસ્તો આખો વિરાન હતો. કોઈ પશુ કે માણસ દેખાઈ ન પડ્યું. તે આગળ વધ્યો.
થોડે છેટેથી એક વિલા પાસે ટ્રક ઉભેલો જોયો. એ જ ટ્રક
જતો, જે હમણાં રમસમ પસાર થયો હતો. તેણે
એક્સિલેટર પર જોર આપ્યું. નજીક આવતા ફરી વિલા પર નજર પડી. ઘરના દરવાજા પાસે એક
વ્યક્તિ ઊભી હતી. તે સરખું જોવે એ પહેલા સામે જોયું,
મોઢામાંથી એકાએક નિકળ્યું:”એએએ...” તેણે જાટકા સાથે બ્રેક મારી અને સ્ટિયરિંગ જમણી
કોર ફેરવ્યું. ચિચૂડા કરતી ગાડી વળી અને માટીવાળી ભૂમિમાં ટાયર ઘસાવાનો તીવ્ર અવાજ
પેદા થયો, ધૂળ ઊડી. ટ્રક પાસે ઉભેલા બંને આદમીનું ધ્યાન આ
તરફ ગયું. ઘરની બ્હાર ઉભેલી વ્યક્તિ અંદર જતી રહી.
વિલાનું દ્રશ્ય જોઈ ગાડી વાળી હતી. તેણે હાસકારો
અનુભવ્યો. સાદી ગતિએ ગાડી વિલામાં લીધી. ટ્રકના માણસો સામાન આપી ટ્રક ઉપાડી રહ્યા
હતા. નિશાંત પાસે આવ્યો:”શું આપવા આવ્યા હતા?”
“જી, અમે લાલ દરવાજાથી આવ્યા છીએ. કાપડબજારમાં
ભવ્ય ઇમ્પોર્ટ માંથી. સામાનની ડિલિવરી માટે.”
“કોના નામની ડિલિવરી છે?” નિશાંત એવી રીતે સવાલ પૂછી રહ્યો હોય જાણે
તે એ ઘરનો માલિક હોય અને તેની ગેરહાજરીમાં આ લોકો કઈક મૂકવા આવ્યા હશે.
“આ રઈ બિલની કોપી. શું નામ
લખ્યું છે? શાલકી સોલંકી.” કહી
તેણે ઇનવોઇસ દેખાડી. નિશાંતે નામ વાંચ્યું. તેના ચહેરા પર સ્મિત આવ્યું. પહોંચ
પાછી આપી વિલા સામે જોઈ રહ્યો. ટ્રક ત્યાંથી નીકળી ગયો.
“ત્યાંની દીવાલો... જે
સફેદ માર્બલની બની હશે.” તે બોલ્યો
અને સફેદ માર્બલથી બનેલા વિલા તરફ જોઈ રહ્યો. પાસે આવી દીવાલ પર હાથ
ફેરવ્યો:”જ્યાં હું અને તું જ હોઈશુ...” બોલ્યો અને હરખ સાથે હસી પડ્યો.
“કાનૂન ના પહોંચી શકે
ત્યાં હું પહોંચી ગયો!” તે મનોમન ડાઈલોગબાઝી કરવા લાગ્યો:”કબ તક છુપોગે હમશે? હમ વો હે જો તુમકો છોડ આયે...!”
દરવાજા પાસે આવી અત્યંત પ્રેમથી અને કાળજીથી દરવાજા
પરનું કડુ ટકોરયું, બે ક્ષણ
બાદ થોડા મોટા અવાજે ટકોરયું. કોઈ બારણે આવ્યું નહીં. તેની સહનશક્તિની ચરમસીમા આવી
ગઈ હતી, શાલકીને મળવા અધિરો બની ગયો હતો. તેણે જોરથી બારણાં
પર હાથ ઠોક્યો. ‘થડાક!’ કરતો અવાજ
આવ્યો અને બારણું ઉઘડ્યું. તેણે બીજું બારણું પણ ખોલ્યું. દરવાજા ઊઘડતા અંદર પ્રકાશ
પડ્યો, વાદળો ગાજયા, વીજળી કકડી અને
વરસાદ શરૂ થયો. પવન ફૂંકાતા હોલની બારીઓ ઠકાઠક ખોલબંધ થઈ. તે વિશાળ ખંડમાં
પ્રવેશ્યો.
સમગ્ર ખંડમાં સફેદ મખમલી પરદા લગાવ્યા હતા. વચ્ચે વચ્ચે સમપ્રમાણ કાપા
પાડ્યા હતા. દરેક કાપા વચ્ચે ચોરસ કક્ષ હતા. આખો ખંડ આવા કક્ષથી ભરચક હતો. પવન
લહેરાતા પરદા પણ લય લઈ રહ્યા. નિશાંતને ન સમજાયું આ શું છે. ગાડીમાંથી દરવાજા આગળ જે
વ્યક્તિની કૃતિ જોઈ હતી. તે જરૂર શાલકી હતી. ટ્રકવાળાની પાવતીમાં પણ એનું નામ
લખ્યું હતું માટે ચૂકનું અવકાશ રતિભાર ન હતું. શાલકી અહીં જ હશે. અહીં જ હોવી
જોઈએ.
“મારો અભાવ... મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ!”
-(મનોજ ખંડેરિયા)
તે શાલકીનો અવાજ હતો. બ્હાર પડતાં વરસાદના ટીપાં સંભળાઈ
રહ્યા. કેટલા દિવસ પછી શાલકીનો અવાજ સાંભળ્યો, મનને નિરાંત થઈ. તે બોલ્યો:
“અબ મેરી કોઈ ઝીંદગી હી નહીં,
અબ મેરી કોઈ ઝીંદગી હી નહીં…
અબ ભી તુમ મેરી જિંદગી હો ક્યાં...?”
-(જોન એલિયા)
“જોન એલિયા, માય ફેવરિટ.” તે મનોમન બોલી. નિશાંત દ્વાર પાસે ઊભો હતો. શાલકી એકાદ
કક્ષમાં હતી, બંનેએ હજુ એકબીજાને જોયા ન હતા. શાલકી બોલી:
“હું વિખૂટો થઈને પણ તારી જ સંગાથે હતો,
મારા ખુદમાં પણ સતત મારી કસર લાગી મને...”
-(બરકતઅલી વિરાણી)
નિશાંત સામો જવાબ આપતા, પરદો હટાવી કક્ષમાં પ્રવેશ્યો.:
“એ જ તો મારા હ્રદયના ઘાવ થઈ ગઈ છે હવે,
એક વખતે જે તારી આંખોની ટસર લાગી મને...”
-(બરકતઅલી વિરાણી)
એ કક્ષમાં કોઈ ન હતું. તે બોલ્યો:
“લૂંટી લીધી બધાએ એ રીતે કઈ જિંદગી મારી,
જીવું છું તોય લાગે છે મને જાણે કમી તારી.”
-(બરકતઅલી વિરાણી)
શાલકી અન્ય કક્ષમાં ચાલી ગઈ. તેનો અવાજ ગુંજ્યો:
“હવે એવું કહીને મારૂ દુખ શાને વધારો છો?
કે આખી જિંદગી ફિકી મને તારા વગર લાગી.”
-(અબ્બાસ વાસી)
નિશાંત ડાબી બાજુના કક્ષમાં ગયો. જે ખાલી હતો. તે બોલ્યો:
”તમે કાલે હતા કેવા અને આજે થયા કેવા?
તમારી સાથે પણ હું તમને સરખાવી નથી શકતો...”
-(અબ્બાસ વાસી)
તે અન્ય કક્ષમાં પ્રવેશ્યો, જ્યાં કોઈ ન હતું. બીજા કક્ષમાં શાલકી જતાં બોલી:
“આવી જતાં નહીં ફરીથી દરમિયાનમાં,
સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં...”
-(અબ્બાસ વાસી)
નિશાંતે નિસાસો નાખ્યો. બે ક્ષણ નીચે જોઈ રહ્યો, પછી બોલ્યો:
“રંજિશ હી સહી દિલ હી દુખાને કે લીએ આ...
આ ફીર સે મુજે છોડ કે જાને કે લીએ આ.”
-(અહમદ ફરાજ)
શાલકી ચૂપ થઈ ગઈ. તે એને બીજા કક્ષમાં શોધવા આગળ વધ્યો. શાલકીને
ખોળતાં બોલ્યો:
“કિસ કિસ કો બતાયેંગે જુદાઇ કા સબબ હમ?
કિસ કિસ કો બતાયેંગે જુદાઇ કા સબબ હમ,
તુ મુઝ સે ખફા હૈ તો જમાને કે લીએ આ...”
-(અહમદ ફરાજ)
શાલકી ઊભી રહી ગઈ હતી, તેણે નિશાંતને પૂછ્યું:
“ફરીથી દોસ્તી કરવી નથી મગર પૂછું છું,
તમારી સાથે હતી મારી દોસ્તી કે નહીં?”
-(અબ્બાસ વાસી)
આ વાતનો નિશાંતે જવાબ આપ્યો:
“કોઈ ખતા હો અગર, તો સઝા દી જાયે,
પર ઈશ્ક હે તુમસે ક્યાં કિયા જાયે?”
શાલકીની આંખે ઝળઝળિયા આવી ગયા. કેટલું તડપી અને તરસી ગઈ હતી
આ શબ્દો એના મોઢે સાંભળવા. તે અન્ય કક્ષમાં જતાં બોલી:
“કુછ તો મેરે પિંદાર-એ-મુહબ્બત(પ્રેમનું સ્વમાન) કા ભરમ રખ,
કુછ તો મેરે પિંદાર-એ-મુહબ્બત કા ભરમ રખ,
તું ભી તો કભી મુઝે મનાને કે લીએ આ...”
-(અહમદ ફરાજ)
નિશાંત એના અવાજની
દિશા તરફ વળ્યો. કક્ષમાં પ્રવેશતા બોલ્યો:
“અબ મેં સારે જહાં મેં હું બદનામ...
અબ મેં સારે જહાં મેં હું બદનામ,
અબ ભી તુમ મુજકો જાનતી હો ક્યા?
-(જોન એલિયા)
નિશાંતનો અવાજ પણ ભાવુક થઈ ગયો. શાલકીએ પ્રતિઉત્તર આપ્યો:
સદમા તો હૈ મુજે ભી કી તુજસે જુદા હૂઁ મેં,
લેકિન યે સોચતા હૂઁ કી અબ તેરા ક્યાં હૂઁ મેં?”
-(કતિલ શિફાઇ)
નિશાંતે પરદો ખોલ્યો. પ્રેયરની સ્થિતિમાં છાતીએ હાથ રાખી
શાલકી ઊભી હતી. તેના એક હાથે પાટો બાંધ્યો હતો. તે રડી ગઈ હતી. એથી આંખોમાં લાલી
હતી. બંનેના હ્રદય જોરથી ધબકવા લાગ્યા. તે બોલ્યો:
“કઇપણ કરી શકાય છે તારા વિચારમાં..,
“કઇપણ થતું નથી હવે તારા વિચારમાં...”
-(જવાહર બક્ષી)
શાલકીએ તેને ગળે લગાવી લીધો. તે એની બાહોપાશમાં લોથ થઈ ગઈ
અને હૈયાફાટ રડવા લાગી. નિશાંતની આંખોમાંથી પણ એક બે અશ્રુઓની ધાર નીકળી. બસ, એ ક્ષણમાં બંને ખોવાઈ ગયા. કોઈ પ્રશ્ન નહીં, કોઈ જવાબ નહીં, કોઈ ફરિયાદ,
કોઈ આક્ષેપ, રિસામણા, મનામણાં કે
સંભારણા કશું જ નહીં. એકમેકની કાયા અનુભવી રહ્યા. એકમેકમાં ભળી ગયા. કેટલો ગુસ્સો, કેટલું વેર મનમાં ભરી રાખ્યું હતું, સામે આવતા બધુ
ગાયબ થઈ ગયું. એક જ લાગણી જન્મી ગળે લાગવાની. ત્યાં સુધી લાગવાની કે બીજી વાર કોઈ
નોખા ના પાડી શકે. શાલકીની ખુશ્બુ શ્વાસમાં ભળતા તેના જીવમાં જીવ આવ્યો હોય એવો
અનુભવ થયો.
શાલકી તેનાથી અળગી થઈ, આંખો લૂછી. નિશાંતે તેની સામે જોયું, ખભે હાથ મૂકી
પૂછ્યું:“તું કેમ બધુ છોડીને ચાલી ગઈ?”
“મારે એટલે અસ્ત થઈ જવું પડ્યું,
કેમકે બીજી તરફ મારો ઉદય પણ એ જ છે.
-(બરકતઅલી વિરાણી)
“તું અહીં કેમ છે?” નિશાંતે પૂછ્યું.
“ઓચિંતું કોઈ મને રસ્તે મળેને કદી ધીરેથી પૂછે કે કેમ છે?
આપણે તો કહીયે દરિયા શી મૌજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.”
-(ધૂર્વ ભટ્ટ)
શાલકીએ શાયરાના અંદાજમાં જવાબ આપ્યો.
“હવે, આ શેરો-શાયરી બંધ કર.”
“કહે તો મારૂ માથું મૂકી લાઉ હથેળી પર?
પણ શેરો-શાયરી બંધ કરવી આપડને નહીં ફાવે.”
ખલીલ સાહેબનો શે’ર છે, મેં જરા ચેન્જ કયરો.
“સારું. પણ સિરિયસ્લી હવે, કોઈ શે’ર ના બોલતી.
મારી વાત સાંભળ.”
“સારું.” નિરાસભાવે તે
બોલી.
“તું અહીંયા શું કરે છે? ‘ને આયાં આવી કેવી
રીતે?”
“શું કરે છે એટલે? બધુ છોડી દીધું મેં. મારે નથી રહેવું ન્યાં
તમારા કોઈ પાસે. એ સંસાર અસાર છે.”
“એમ? તો કાં રડવા લાગી હમડા?” તેણે પૂછ્યું. બે ઘડી નીચે જોઈ, પછી બોલી:
“સમય લાગશે મને, તારી જેમ કઠોર થાતાં પણ બની જાઈશ હું.”
“શાલકી યાર... મૂકને એ વાત
આઈમ સોરી, આઇ લવ યુ!”
તે એની સામે જોઈ રહી. કશું
બોલી નહીં. નિશાંતે કહ્યું:
“ચલ, હું તને લેવા આવ્યો છું.”
“ના...
સમય ચાલ્યો ગયો જ્યારે અમે મૃગજળને પીતા’તા,
હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યાં છે!
-(બરકતઅલી વિરાણી)
“પાછું ચાલુ કર્યું
આણે... તારે આયાં શું કરવું છે તો?”
“તું તારી જિંદગી જીવ. મને
મારી જીવવા દે. મારે તમને કોઈને હેરાન નથી કરવા.” શાલકી બોલી.
“તે મને હેરાન કર્યો છે, તારી બેનપણીએ, તારા
ભાઈએ, તારા પરિવારે, તારા કાર્યકર્તાઓએ
બધાએ મારૂ જીવવું હરામ કરી નાખ્યું છે. તે જ લયખું’તું ‘ને ડાયરીમાં:’તું મારી રાહ જોઈશ.’ તું મને અહીં લાવવા માંગતી હતી, જો હું આવી ગયો.
બોલ હવે શું કરવું છે તારે?”
“આટલા દિવસો પછી, છૂટા પડવાથી મને એમ કે તારામાં બદલાવ આવશે
પણ તું હજી એવો જ છે. કોઈ બદલાવ નથી.”
તે મૌન થયો. શાલકીની વાત યોગ્ય લાગી. હવે જૂની વાતો
ભૂલી જવી જોઈએ અને આગળ વધવું જોઈએ. શાલકીના પાટાવાળા હાથ પર નજર પડી. “આ શું થયું?” તેણે પૂછ્યું.
“તારા રૂમમાં ગોળો લગાવતી
હતી તો કરંટ લાગ્યો.”
“મારો રૂમ?”
“હા…” તે નિશાંતને એના કક્ષ તરફ લઈ ગઈ. પરદા
હટાવતા તેઓ આગળ વધ્યા. આટલા બધા પરદા જોઈ નિશાંતે પૂછ્યું:
“આ બધુ શું છે? આટલા બધા પડદા?”
“આ મારૂ નગર છે. આ બધા ઘર
છે લોકોના.”
તેને આ જવાબ સાંભળી આશ્ચર્ય
થયું.“અહીં કોઈ રહેતું નથી?”
“ના. આયાં વસાહત નથી
કરવાની. ફક્ત હું. હા, મારૂ ઘર
ત્યાં પેલા ખૂણા એ હતું. ત્યાં મેં બધાના કક્ષ બનાયવા’તા.
મારા ઘરના લોકો હારે હું રે’તી’તી. હવે, તો એમણે પણ જતાં રહ્યા સે. બચી હું. તો હું જીવી રય છું આયાં.” નિશાંતની
સામે જોતાં તે બોલી. નિશાંતના કક્ષ આગળ આવી ગયા. દરવાજે તાળું લગાવ્યું હતું.
“તાળું માયરું છે? ચાવી ક્યાં?”
“મારી પાસે.”
“ખોલ.”
“ના. તું આ નગરનો રહેવાસી
નથી. તે કશું સારું કયરું નથ, મને
નકરી પીડા આપી છે. માટે તને અમે આ કક્ષમાં પૂરી રાયખો છે. તારા સારા માટે બલ્બ
લગાવા ગય, એમાય મને કરંટ લાયગો. કાંય તારા માટે કરવા જેવુ
નથી.”
“તો એ ગોળો હવે ચાલુ જ
રાખજે. ક્યારેય બંધ નો કરતી.”
“સારું.”
“આ કોનું મકાન છે? તું ક્યારે આવી? આટલા
દિવસ શું કયરું તે?”
“આટલા બધા સવાલ?” શાલકી બોલી.
“મારે જાણવું છે.”
“સારું. એક પછી એક સવાલ
લઈએ. પહેલો સવાલ આ મકાન કોનું છે? તને
ખબર છે ફેમસ થવાનો ફાયદો શું? લોકો નોય હોય તમારા મિત્ર
બનવાનો પ્રયત્ન કરે. BCAમાં મારી બેચમાં એક અમીર છોકરો હતો. જ્યારે
એને મારા કામ વિષે ખબર પડી તો એણે મને કહ્યું, તે પણ અમારી
સાથે જોડાવા માંગે છે અને પછી એકવાર વાતો વાતોમાં આ વિલા વિષે જણાયવું. આયાં કોઈ રે’તું નથ તો થયું લાવો હું જ આવી જવ.”
“અચ્છા, આટલા દિવસ શું કર્યું?”
“મજા કરી. બાજુમાં નટુદાદા
અને એમની છોકરી રયે છે. એમને જમવાનું અને ચા ભાખરી આપી જતાં. હું અમદાવાદ ફરવા જય
આવી. લાલ દરવાજા જઈ, ન્યાંથી આ
બધા પડદા ખરીદ્યા. એસ.જી. હાઇવે ગઈ. વૈષ્ણોદેવી મંદિર જઈ આવી. એવું બધુ કયરું.”
શાલકીએ જણાવ્યુ. તેઓ ખંડ વચ્ચે સીડીઓ પાસે આવ્યા. નિશાંત તેની સામે ઊભો રહ્યો. તે
પહેલા પગથિયાંના કઠેડા પાસે ઊભી રહી.
“વાહ, અમે બધા ચિંતા કરીયે ‘ને તમે આયા ઉજાણી કરો છો.”
“જો, મેં તો કોઈને નથી કીધું મારા માટે ચિંતા કરે? જાતે કરી રહ્યા સે.”
“પણ એકવાર કહીને નો નીકળાય?”
“તો તું આયા આવત નય ને...”
“તો તું ખોટું વિચારે
છે... હું આયવો હોત. મને પણ તારા વિના ગમતું નથી.”
“એમ...” શાલકીએ ખરાઈ કરી.
“હા.”
“માટે હું તને લેવા આયવો
છું.”
“હું નથી આવવાની.”
“કેમ?”
“આય રે’વા માટે તારી યાદો જ પૂરતી છે. તું મારી
પાસે નો હોય તો પણ હાલશે હવે. તારે મારી જોડે રે’વું હોય તો
અહીંયા આવી શકે. બાકી, મારે પાછા રાજકોટ નથી આવવું. ‘ને આ સબંધ પણ જો તારે આગળ રાયખવો હોય તો આપડે અહિયાં જ રહેવા આવવું પડશે.”
નિશાંતે ધીરજથી જવાબ
આપ્યો:”સારું. આપડે અહી જ રે’વા
આવી જાશું લગન પછી પણ અત્યારે દીકું જવું પડશે ને રાજકોટ.” શાલકીને રીઝવવા એવું
કહ્યું.
“કાં?”
“મેં લોકોને પ્રોમિસ આયપુ
છે હું તને પાછી લાવીશ. બધા તારી રા’ જુવે છે, પોલીસ શોધી રય છે તને. સૌને તારી ચિંતા થઈ
રય છે.”
“સારું. લાય હું ફોન પર
વાત કરીને બધાને કહી દવ છું હું ક્યાં છું પણ હું પાછી નય આવું એટલે નય આવું!”
શાલકી બોલી.
નિશાંતનો પારો છટક્યો. ના
છૂટકે તેણે બોલવું પડ્યું:
“જો મને મજબૂર નો કરીશ લઈ
જાવા માટે...”
“મજબૂર? નય આવું તો કેવી રીતે લઈ જાઈશ? મને ફોર્સ કરીશ તું?”
“ના. મીડિયાને આયા લેતો
આવીશ ‘ને જણાવીશ જેની તમે ચિંતા કરતાં હતા એ છોકરી
આયા જલ્સા કરી રય છે. તારા ઘરના જશે જેલમાં પોલીસને ભરમાવાના ગુનામાં. પછી કર્યા
કરજો આંટા ફેરા કોર્ટ કચેરીના!”
“તું હજુ પણ મારૂ પતન કરવા
ઈચ્છે છે?”
નિશાંત તેની પાસે આવ્યો.
કમરમાં હાથ જવા દીધો, તેના હોઠ
નજીક આવી બોલ્યો:”એવું કઈ મારે નથી કરવું જેનાથી તને કોઈ તકલીફ પડે. ‘ને આપડે કરીશું કઈક તારે જેમ જીવવું છે એમ જીવવા માટે. પણ અત્યારે જવું
પડશે જાન. કોઈના માટે નય તો મારા માટે તો આવ... પ્લીઝ મારા માટે આવ, આટલું નય કરે?”
શાલકી તેની સામે જોઈ રહી.
તે હળવેથી બોલ્યો:”પ્લીઝ આવ, મારા... માટે... આટલું નય... કરે.” તેણે એના હોઠ પર કિસ કરી. શાલકી સહેજ આગળ
નમી. તેણે નિશાંતના ખભા પર હાથ રાખ્યો હતો. માથું હંકારી
તેણે આવવા માટે હા પાડી. નિશાંત તેનું માથું ચૂમી, ગળે
લગાવી.
શાલકીએ તેની બેગ તૈયાર કરી. નટુદાદાને મળી, ચાવી આપી તેઓ નીકળી ગયા. ગાડીમાં એકબીજાનો
હાથ પકડી રાખ્યો હતો. વગર કારણે તેઓ એકમેકની સામે જોતાં, સ્મિત
આપતા. આગળ ખાડાવાળો રોડ આવ્યો અને રમૂજી રીતે બંને કૂદી પડતાં હતા. જેથી હસવું આવી
ગયું. તેઓ પાછા અડાલજ ગામમાં આવ્યા. ઓટલેથી પસાર થતાં નિશાંતને તે સાધુ યાદ આવ્યા:
“આ પેલા ચીની બાવાને તું
ઓળખે છે? જે અહીં બેસે છે?”
“હા. એમનું નામ સેંગ
યાત્સુ છે. મેં એમને કહ્યું હતું કે જો કોઈ મને શોધતું આયા આવે, નિરાશ લાગતું હોય તો એને કે’જો હું આંબાવાસ રવ છું.”
“એવું તે કેમનું કીધું? મને તો એમના કોઈ ઈસારા સરખા સમજાતા ન’તા.”
“બોલીને કીયધું મેં. હું
થોડી મૌનમાં છું તો મારે ઇશારા કરવા પડે. એમણે સાંભળીને સમજી તો શકે ને. મને હતું
જ કે તું આપડી જગ્યા એટલે સમજી જઈશ. આટલી વાર લાગશે, ન’તી ખબર. પણ લાગતું હતું કે તું આવીશ.”
“તારી પાછળ જે લોકો ગાંડા
થયા છે, શું શું થઈ રહ્યું છે રાજકોટમાં તું કલ્પના
નય કરી શકે.” નિશાંતે કહ્યું.
“એમ, શું થઈ રયું છે ત્યાં?”
નિશાંતે સમગ્ર વાત જણાવી. તેના ગયા પછી જે ઘટનાઓ
બની હતી, એ સાંભળી શાલકીએ વિચાર્યું ન હતું કે વાત
આટલી હદે વકરશે.
“મેં કહ્યું જ હતું કે તમે
સરકારને છેતરી કે’વાય. ત્યારે
પણ તે મારી વાત નો’તી માયની.” નિશાંતની કંપનીની નોટિસ વાળી
વાત સાંભળી તે બોલી.
“આમાં ખોટું કશું નથી. બસ, સરકારને જાણ નથી કરી. બાકી કઈ ઉંધા ધંધા
થોડી કરીએ છીએ અમે?” બચાવમાં તે બોલ્યો.
“કર ચોરી તો કરી ને? ‘ને એ હોય કે નો હોય.
હવે લીગલ પ્રોસેસ ચાલુ કરી નાખ. આટલા બધા લોકોની જોબ જોખમમાં નો મુકાય.”
“સારું.” તે બોલ્યો.
તેઓ
એસ.જી. હાઇવેથી પાછા બગોદરા રોડ પર આવ્યા. તેણે
પ્રશાંતને કોલ કરી જણાવી દીધું શાલકીને લઈને આવે છે. પ્રદર્શનકારીઓ ઘરે જવાની
ગણતરીમાં હતા. પ્રશાંતે બ્હાર જઈ બધાને ઊભા રાખ્યા.
તે શાલકીને પાછી મેળવીને ઘણો ખુશ હતો. રસ્તામાં
એકાદ-બે વિરાન જગ્યાએ ઊભા રહી,
ખુલ્લુ આસમાન અને અફાટ વેરાન પ્રદેશ જોઈ રહેતા. ટિમ ટિમ ચમકતા તારાઓથી ભરેલા આકાશ
વચ્ચે એકબીજાને આલિંગન કરી ગાડીના ટેકે ઊભા રહેતા. એક-બે વાર હોઠથી પ્રેમ કર્યો
અને પાછો સફર ચાલુ રાખ્યો. ર કલાક જેટલો સફર કર્યો. રાતના ૮ વાગ્યા હતા. જમવા માટે
વિસામો પાડ્યો. રેસ્ટોરાંમાં બંને જમવા ગયા. જમતી વેળાએ નિશાંતે પૂછ્યું:પેલા
ટ્રકમાં શું હતું? ડિલિવરી માટે આવ્યો એ?”
જમતા-જમતા તેનાથી હસી
પડાયું. ટીસ્યુંથી મો લૂછી જવાબ આપ્યો:
“પડદા મંગાયવા!”
“હજી કેટલા પડદા ભેગા કરવા
છે તારે? શું કરે છે તું?”
“અરે, મને બોવ મજા આયવી. ઉપર બીજો એક હોલ છે, ન્યાં પણ મારે આમ પડદા લગાવવા હતા. મને એમ કે તું આવીશ ન્યાં હુંધીમાં
ઉપર પણ પડદા લાગી જાશે પણ તું પહેલા આવી ગયો.”
“બાપ રે...” આશ્ચર્ય સાથે
તે બોલ્યો.
“કશું બાપ રે નથી. સસ્તા જ
છે ઈ પડદા. લાલદરવાજા બધુ સસ્તું મળે.”
“ઓકે.” જમીને તેઓ ઊભા થયા. સફર પાછો શરૂ થયો.
“તે મને ક્યારેય કહ્યું નય
તને ગઝલોના શે’ર આવડે છે.” શાલકીએ
પૂછ્યું.
નિશાંત હસ્યો:”તે પણ ક્યાં
કહ્યું હતું?”
“હા પણ મને તો પહેલાથી રસ
છે.”
“મને પણ છે, ક્લીયરલી આપડે બંને એ હજુ એકબીજા વિષે બોવ
બધુ જાણવાનું બાકી છે.” નિશાંત બોલ્યો.
તેણે માથું હંકાર્યું, પછી કહ્યું:”સાચું કહું, મેં મારૂ મન મનાવી લીધું હતું, કાઇપણ થાય પાછા નય
આવું પણ જ્યારે તે મારી સાથે શે’રની સામે શે’ર કહી વાત કરી તો મને કલ્પના ન હતી કે તું મારા માટે શે’ર બોલીશ. આહાહહા... જોન એલિયા, અહમદ ફરાઝ વાહ! It
was unexpected!”
“બેફામ, મરીઝ…” નિશાંતે
ઉમેર્યું.
“હા, ધ્રુવ ભટ્ટ, જવાહર
બક્ષી...”
“હા, એ પણ.”
“તે જેટલા પણ શે’ર કહ્યા. બધા મારા ફેવરિટ છે. તે મને
ઇમ્પ્રેસ કરી દીધી. I literally loved it! તારા શે’ર સાંભળી મારૂ મન પીગળી ગયું.”
“અચ્છા…” તે હસ્યો. શાલકી તેની પાસે આવી, તેનો ગાલ ચુમયો.
“થેન્ક યુ, મારી પાસે પાછા આવવા માટે.” શાલકીએ કહ્યું.
નિશાંતે સ્મિત કર્યું.
એમ વાતો કરતાં, મસ્તી કરતાં, પ્રેમ કરતાં તેઓ પાછા રાજકોટ આવ્યા. બધે
વાત ફેલાઈ ગઈ હતી કે શાલકી પાછી આવી રહી છે. માટે જ સોસાયટીમાં ભીડ હતી. પોલીસની
ગાડી આવી હતી, રિપોર્ટર્સ, બધા
કાર્યકર્તા, કોલેજના મિત્રો અને આસપાસના લોકો ભેગા થયા હતા.
શાલકીના ઘરના નિશાંતના ઘરમાં બેઠા હતા. સોસાયટીના સિક્યોરિટી ગાર્ડસે આવવા જવાનો
માર્ગ મોકળો રાખ્યો હતો. જેથી કોઈને તકલીફ ના પડે.
“અરે યાર...” શાલકી બોલી.
“શું?”
“લોકો પૂછશે કેમ વઈ ગઈ’તી તો શું જવાબ આપીશ?”
“તો પે’લા વિચારાયને. મને પૂછશે તો હું તો કહીશ કે
મેં એને એ વિલામાં જોઈ હતી.” નિશાંત બોલ્યો. તે એની સામે જોઈ રહી અને વિચારમાં પડી
કે શું જવાબ આપવો. રાત્રે સવા નવે તેઓ ઘરે પહોંચ્યા. ભીડમાં ગુસપુસ વધી. ઘરના સૌ
પ્રાંગણમાં આવી ગયા. દ્વારપાલ રસ્તો સાફ રાખવામાં જોડાયા. લોકો વાટાઘાટ કરવા
લાગ્યા, શાલકીને ગાડીમાં બેસેલી લોકોએ જોઈ. તેમને નિરાંત થઈ
અને ચહેરા પર ખુશી આવી. ઉભેલા લોકોએ હાથ હલાવી તેનું સ્વાગત કર્યું, સામે શાલકીએ પણ સ્મિત સાથે હેલો કર્યું.
ગાડી પ્રાંગણમાં લીધી. ગાર્ડસે જાળી આખી ખોલી નાખી.
બધા રિપોર્ટર્સ, વિડીયો\ફોટોગ્રાફર્સ સામે ગોઠવાઈ ગયા. લોકોનું ટોળું વળ્યું, આસપાસના લોકો તેમના ઘરની ગેલેરી/અગાસી પર આવી ગયા અને આ દ્રશ્ય જોઈ રહ્યા
હતા. નિશાંત નીચે ઉતર્યો. પછી બીજી બાજુ જઈ શાલકી માટે દરવાજો ખોલ્યો. તે એનો હાથ
પકડી બ્હાર લાવ્યો. તેના જમણા હાથે પાટો બાંધ્યો હતો. ગેટ પાસે આવી રિપોર્ટર્સ સામે
ઊભા રહ્યા. ઘરના સૌ તેમની સાથે જોડાયા. પ્રશાંત બાજુમાં ગયો અને કો’કને ફોન કર્યો:”હલો, જી મારી આવતી કાલની બે
બેંગકોકની ટિકિટ સે. ઈ કેન્સલ કરવાની સે, થાશે?” સામેથી કઈક જવાબ આયો, પછી તે બોલ્યો:”હા, હા મૂકો ફોન બે મિનિટ હોલ્ડ ઉપર, કશો વાંધો નય.”
સૌ કોઈ શાલકીને જોઈને રાજીનું રેડ થઈ ગયું. સામે
શાલકીની આંખોમાં ઝળઝળિયા આવી ગયા. તેણે બધાનો આભાર માન્યો. પરિવારને થેન્ક યુ, કહ્યું, નિશાંતને
થેન્ક યુ કહી આઇ લવ યુ કહ્યું. સામે નિશાંતે પણ લવ યુ ટુ કહ્યું. એક રિપોર્ટરે
પૂછ્યું:”તો શું શાલકીબેન તમે નિશાંતભાઈ સાથે લગ્ન કરવાના છો?”
“એ મારે એમને જ પૂછવું જોશે.”
કહી તે નિશાંત સામે ફરી અને પૂછ્યું:”તમે કરશો મારી સાથે લગ્ન?” નિશાંતે માથું ધૂણાવી હા પાડી. પછી તેણે
શાલકીને માથે કિસ કરી એને ગળે લગાવી. સૌએ તાળીઓ પાડી. પ્રશાંત નિશાંતની બાજુમાં
આવી ઊભો રહ્યો. રિપોર્ટર્સ અન્ય જાતના સવાલ કર્યા.
અન્ય એક સવાલ આવ્યો:”તે
આટલા દિવસ ક્યાં હતી અને શું કર્યું?”
“હું નિશાંતથી નારાજ હતી, અમારા રિલેશનમાં ઘણા ઇસ્યુઝ ઊભા થઈ ગયા
હતા. એની anxiety મને થઈ રહી હતી. થોડા દિવસ રિલેક્સ થાવા મારા
મિત્રના ઘરે રહેવા હું અમદાવાદ ગઈ હતી. ત્યાં હું એકલી રહેતી હતી. મારે મારા
સરનામા વિષે જાણ કરવી હતી પણ એ દિવસે મારી સાથે એક દુર્ઘટના ઘટી. હું લાઇટનો બલ્બ
લગાવા ઊંચા ઘોડા પર ચડી અને મને કરંટ લાગતાં ઘોડા પરથી નીચે પટકાઈ હતી. મારી
સારસંભાળ કરવા કોઈ હતું નહીં. હું ચાલી ન હતી શક્તી. માંડ દૈનિક ક્રિયા માટે ઊભા
થઈ શક્તી હતી. પછી નિશાંત આવ્યો અને તેણે સારવાર કરી મારી. મારો જીવ બચાવ્યો.”
શાલકીએ જણાવ્યુ.
એક રિપોર્ટર બોલ્યો:”કરંટ
લાગ્યો તો ઓર્થોપ્લેક્સનો પાટો બાંધી દીધો? એવો કેવો કરંટ લાગ્યો? આ સાંભળી પ્રશાંત હસવું રોકી
રહ્યો.
શાલકીએ નિશાંતને કહ્યું મારે આરામ કરવો છે. નિશાંતે
ત્યાં જ ઇન્ટરવ્યુ પૂરો કર્યો અને તેનો હાથ પકડી ઘરમાં લઈ ગયો. જતાં-જતાં પ્રશાંત
બોલ્યો:”એ B.A.M.S. દાક્તર હતો.”
દરવાજા પાસે નિશાંત-શાલકી ઊભા રહ્યા. ઘરોની અગાસી
પર, ઝરૂખામાં, રોડ પર
સામે ગેટ પાસે લોકો ઊભા હતા. શાલકી પાછી વળી બધા સામે જોયું. પછી કેમેરા સામે જોઈ
સ્મિત આપ્યું. દરવાજો ખોલી નિશાંત એને અંદર લઈ ગયો. આગલા દિવસે બધા સમાચારમાં
દરવાજા પાસે આપેલી તેની સ્માઇલવાળા ફોટા સાથે કવર સ્ટોરી છપાઈ.
*
[નિશાંત સંગ શાલકી]
સગાઈ માટે થયેલી માથાકૂટોના કારણે તે સગાઈ કરવા
માંગતો ન હતો. બીજી બાજુ સોલંકી પરિવારે સેવાના કામમાં ઘણા પૈસા વાપરી નાખ્યા હતા.
માટે જો સગાઈ ગોઠવે તો લગ્ન માટે બીજે ક્યાંકથી પૈસા લાવવા પડે એમ હતા. જેથી સગાઈ
મોકૂફ રાખવાનું નક્કી થયું.
ત્રણ મહિના બાદ લગ્ન રાખ્યા. ખૂબ જ સાદાઈથી પણ વૈભવ
દેખાય એમ લગ્ન થયા. એ બધા જ પાત્રો હાજર હતા, જેમણે સામ-સામે વિરોધમાં હતા અથવા મેટરમાં હાજર રહ્યા હતા. મગાકાકા, નાનજીફૂઆ, પ્રભાકરભાઈ, મહિમા
અગ્રવાલ, અન્ય શાલકીના પાડોશીઓ, શાલકીનો
અમદાવાદી મિત્ર, અધ્યક્ષ ૨,૩ અને ૪, રેશ્મા તમામ હાજર રહ્યા હતા. ઉપરાંત તેમના સગા-સંબંધીઓ, ઓળખીતા-પારખીતા સૌ આવ્યા હતા.
મહિમા ગિફ્ટ લઈ ચોરીમાં પ્રવેશી. શાલકીને ગિફ્ટ આપી
ગળે મળી, નિશાંતને હાથ મિલાવી Congratulations! કહ્યું. નિશાંતે “Thank you!” કહ્યું. “મેડમ વન
ફોટો.” લગ્નના ફોટોગ્રાફરે કહ્યું.
“સ્યોર.” કહી મહિમા
નિશાંતની બાજુમાં ઊભી રહી.
“તે મને ગુંડો કહ્યો હતો
ટીવી પર.” નિશાંત બોલ્યો.
“એ શો બિઝનેસ છે, તું જાણે છે. કમાવા માટે કરવું પડે એવું
બધુ.” તે બોલી અને હસી. પછી શાલકીને મળી નીકળી ગઈ.
ફેરાનો સમય થયો. યુવક-યુવતીઓ ચોરી પાસે હાજર થઈ ગયા.
મંગળ ફેરા વખતે સૌએ પુષ્પથી અભિવાદન કર્યું. બે મંગળ ફેરા પછી મહારાજે શાલકીને
કહ્યું:”તમારા ભાવિ પતિને પગે લાગો.”
“કાં હું લાગુ?” શાલકી બોલી.
“લાગવું પડે, તમે અગ્નિની સાક્ષીએ પ્રણ લઈ રયા છો
ભવિષ્યમાં હે પતિ પરમેશ્વર મારી સુરક્ષ કરજો, હું તમારી
જીવનસંગની તમારા ચરણે પડું છું.”
“એમ...” શાલકી કટાક્ષમાં
બોલી. આસપાસ લોકો શાંત થઈ ગયા. નિશાંત તેની સામે જોઈ રહ્યો. તેને મનમાં થઈ રહ્યું
હતું શાલકી શું કરી રહી છે?
“અને એનું શું જ્યારે એ
માંદો પડશે, એની સારસંભાળ કોણ કરશે? તમે?” શાલકી બોલી. બધા હસવા લાગ્યા.
“એવું નથી કે એ જ મારી
સુરક્ષા કરશે. હું ગુજરાતમાં રવ છું. મારે મારી સુરક્ષા માટે પુરુષના સહારે જીવવું
પડે એવા કાઠાં દિવસો હજી નથી આયવા. જો માતાજીનાં પગે બધા પયડે છે, મારે એને પરમેશ્વર માનવાનો હોય તો મને એ
દેવી-માતાજી માની પગે નો લાગી શકે?” શાલકીએ પૂછ્યું.
“એવું નય બને.” નિશાંત
બોલ્યો.
“આ પરથા સે બેન. એમ જ
હાલવુ પડે, લ્યો પગે લાગો ફટાફટ.”
પંડિત બોલ્યા.
શાલકીએ નિશાંતની સામે
જોયું:”શું કહ્યું તે? પગે નય
લાગે? તો અહીંથી કોઈ રસમ આગળ નહીં વધે.”
નિશાંત ગંભીર બન્યો:“તું
શું સાબિત કરવા માંગે છે?”
“મારે કાંય સાબિત નથી
કરવું. મારે સમાનતા જોઈ છે. જો મારે તને પગે લાગવું પડે તો તું પણ મને પે’લા પગે લાગ.”
“સારું. તું મને પહેલા પગે
લાગી લે, પછી હું તને લાગીશ...” નિશાંતે કહ્યું.
“ના હો...” તે હસી, ”હું તને પગે લાગીશ પછી તું નો લાગે મને.
મન વિશ્વાસ નય તારા પર.”
“અરે, જીજુ લાગી લ્યો પગે.” સુરભિ બોલી.
“હા લાગી લ્યો.” બીજા
એક-બે કન્યા પક્ષવાળા બોલ્યા.
“પે’લા તમે લાગો.” વર પક્ષના એક-બે યુવકો
બોલ્યા.
“જોવો કન્ડિશન તો આ જ રે’શે. તમારા ભાય પે’લા
પગે લાગે પછી જ હું પગે લાગીશ.” શાલકી બોલી.
“પગે લાગ્યા વગર આગળ નય
વધાય? ભલે, એ પગે ના લાગે.
આપડે વગર પગે લાગે ફેરા ફરી લઈએ તો નો હાલે?” નિશાંતે
પંડિતને પૂછ્યું.
“એમ પરથા નો બદલાય ભાઈ...
બેનને ક્યો પગે લાગે.” પંડીતે જણાવ્યુ. નિશાંત મૌન રહ્યો.
“લ્યો ભાભી અત્યારથી જ
તમારું નથ હાંભળતા. લગન પસી હું થશે તમારું?” નાનજીફૂઆનો છોકરો બોલ્યો. બધા હસ્યાં.
“એ તો અમારા બેન જ એમને
કંટ્રોલમાં રાખસે. જોજોને...” શાલકીની માસિયાઈ બેન બોલી. સ્મિત સાથે શાલકી ઊભી હતી, નિશાંતના પગે લાગવાની રા’ જોતી હતી. બધા સામ-સામે દલીલબાઝી કરી રહ્યા હતા. નિશાંત મૌન ઊભો હતો. એને
જોઈ શાલકી બોલી:”શું આ છે ઇક્વાલિટી? શું થઈ જવાનું પગે
લાગવાથી? કે પેલી બધી વાતો દંભ હતો?” શાલકીએ
પૂછ્યું.
આ સાંભળી નિશાંત વિચારમાં પડ્યો, તાર્કિક રીતે શાલકી સાચી લાગી રહી હતી પણ
આમ બધાની સામે પગે લાગવાથી લોકો એને ચિડાવશે એવો ડર હતો. છતાં, તે શાલકીને પગે લાગ્યો.
“ફોટો પાડો જલ્દી!!!”
સુરભિએ ફોટોગ્રાફરને કહ્યું.
ફોટોગ્રાફરે ઝડપથી બે-ત્રણ ફોટા ક્લિક કરી લીધા.
નિશાંત ઊભો થયો. તે બોલ્યો:”એ આ ચિટિંગ કે’વાય...” બધા હસવા લાગ્યા. પ્રશાંત ફોટોગ્રાફર પાસે ગયો અને એનો કેમેરા ઝૂંટવી
લીધો. તેને ન આવડ્યું કેમેરા કેમનો ચલાવો. પાછો કેમેરા ફોટોગ્રાફરને આપ્યો, તેનો કોલર પકડ્યો અને બોલ્યો:”ફોટો ડિલીટ માર!”
ફોટોગ્રાફર ડરી ગયો. તે
બોલ્યો:”એ તો બેને કાર્ડ લઈ લીધું.” કહી સુરભિ સામે ઈશારો કર્યો.
સુરભિ હસવા લાગી:”આ ફોટો
ફ્રેમમાં મઢાવી ઘેરે લગાવીશ.”
પગે લાગવા માટે વર પક્ષના
સભ્યો નિશાંતને કોસવા લાગ્યા. બધા હસતાં રહ્યા. પછી શાલકી તેને પગે લાગી અને ફેરા
આગળ ચાલ્યા.
સમાપ્ત
-કીર્તિદેવ


Comments
Post a Comment