રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ:૫)
રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ:૫)
GVC પાસેથી મળેલું ફંડિંગ અને ઇનિશ્યલ નાણાં ડેન્માર્કવાળા અકાઉન્ટમાં રાયખા’તા. અમેરિકાવાળા ભાયબંધની મદદે ‘ઈકામારુ’ નામની સોશ્યલ સિક્યોરિટી કંપનીની ઓનરશિપ લીધી. ‘ને ડેન્માર્કથી પૈસા નાયખા યુએસ ‘ઇકામારુ’માં. ભારતમાં પહેલી ‘ઈકામારુ’ કંપનીની બ્રાન્ચ રાજકોટમાં ખોયલી. મારા સિવાય કોઈ નથી જાણતું. ‘ઇકામારુ’ ખાલી નામ છે. તેનો ઓનર હું પોતે જ છું. અમેરિકાની ફોરેન લેબર પોલિસીના કારણે ‘ઈકામારુ’ નામની મેડઅપ કંપની લીગલ દસ્તાવેજથી ચાલુ કયરી. અફકોર્સ મારા નામથી કંપની ચાલુ કરું તો લોસમાં જવાની સંભાવના રહે. ‘ને પાછું લીગલ-ફાઈનાન્શિયલ ઇસ્યુઝ રહે. ઇકામારુથી મેં પોતાને ડિવિઝનલ મેનેજરની પોસ્ટ ઓફર કયરી.
કોણ રાજકોટમાં આઇટી કંપનીમાં કામ કરવા નો માંગે?‘ને આઇટીવાળાને ગાજર લટકાયવૂ બીજી કંપનીઓની જેમ, ફોરેન જવા માટે. એટલે જલ્દી-જલ્દી માણસો હાયર કયરા. મેં જે લોકોને નોકરીમાંથી કાયઢા’તા. એ બધાને અમે પાછા બોલાયવા. જેમાંથી ઘણા જોડાયા. ‘ને DDoSનો કોન્સેપ્ટ લાયવા. DDoS એટલે Distributed Denial of Service. સાધારણ ભાષામાં એન્ટિ વાઇરસ જેવુ કામ હતું. જે-તે કંપનીના પોર્ટલ-વેબસાઇટને પ્રોટેક્ટ કરવાનું કામ અમે કરતાં. જે ફોરેનમાં સફળ નિવડ્યુ હતો. આંઠના માર્કેટ ક્રેશમાં જેમ ઇન્ટરનેટ વાઇરસથી નુકશાન થયું, એને ધ્યાનમાં રાખી આવી સર્વિસ ઊભી કરવામાં આવી હતી.
હવે મોરલ હાઈગ્રાઊન્ડની વાત કરું તો મને નથ લાગતું મેં કાય ખોટ કયરું હોય. દરેક વસ્તુની ચોક્કસ કિમત હોય છે. ડેટા સિક્યોરિટી કાય પકોડા નથી કે તમે ૧૫ રૂપિયામાં ખરીદી હકો. આખા દેશમાં જ્યારે બધાને એની જરૂર હતી. પ્રાઈવેટ સેક્ટર્સમાં સરકાર કરતાં પાંચ ગણું વધારે ફંડિંગ મયળું હોત. પણ અમે ન્યાં નો ગ્યાં. કારણ દેશને સૌથી વધારે જરૂર હતી. જો એન્ટિવાઇરસ આવે ન્યાં હુંધી રા’ જોય હોત તો કેટલા અબજોનું દેવું વધી જાત દેશના માંથે? તું વિચારી શકે છે?”
શાલકી તેને જોઈ રહી. તેણે મોઢું હંકાર્યું. નિશાંતના હાથમાં જ્યુસ હતો. તેણે ઘૂંટ પીધો. તે ટેકો દઈ પલંગ પર બેસી હતી. નિશાંત ખુરશી પર બેસયો હતો. તેના ધ્યાનમાં આવ્યું નિશાંત મર્યાદા જાળવી પલંગ પર ન હતો બેસયો. બંને બે વાગ્યા સુધી વાતો કરતાં રહ્યા. પછી તે જવા માટે ઊભી થઈ. નિશાંતે તેને બેસવા કહ્યું. તે એને જોઈ રહ્યો. શાલકી મૌન બેસી રહી. બાદ પૂછ્યું:
“શું જોવો સો?”
“તારો ચહેરો અલગ લાગે છે…”
“ચેવી રીતે?”
“ખબર નહીં પણ થોડી અલગ.”
“અચ્છા, ચહેરામાં નહીં જોવાવાળી નજરમાં ફર્ક સે. ઘરમાં આપણે સાદી રીતે મયળા હોવી તો અલગ નો લાગે. આ ફિલિંગ અલગ સે, બાકી હું એજ સુ, જે પે’લા હતી.”
“હોય શકે.” ચેવડો ખાતા નિશાંત બોલ્યો.
“હઁમ્મ, વારુ મને એક વાત ક્યો તમે કાં મને હજુ હુંધી મારા ભૂતકાળ વિષે કાંય નો પુયછું?”
“કેવા ભૂતકાળ વિષે?” નિશાંતને ના સમજાયું.
“”મારા પાસ્ટ વિયષે જેમ કે મારે કોઈ બોયફ્રેંડ અથવા એવો કોઈ રિલેશન હતો કે નય?”
“એવું જાણીને હું થય જાવાનું?” તેણે પ્રશ્ન કર્યો. શાલકીને અચરજ થયો. બે ક્ષણ તે મુગ્ધ બની ગઈ.
“આપણાં ન્યા સોકરાવોને મેઇન વાંધો ઇ જ હોય સે. પે’લી-બીજી મુલાકાતમાં પુસી લેતા હોય પસી જ વાત આગર વધાયરે.”
“આ આપણી કઈ મુલાકાત છે?”
”પે’લી.” શાલકીએ કહ્યું. નિશાંતે તેની સામે જોઈ સ્મિત વેરયું. એ જોઈ શાલકીના ચહેરા પર મુસ્કાન આવી. તે બોલી:
“મતલબ કે, તમે બીજી મુલાકાતની રા’ જોય રયા સો કે ત્યારે પુસીસ એમ?”
નિશાંત હસ્યો:”ના...ના. હું એવું પૂછવાનો જ નથી કે તું કોઇની સાથે હતી કે નો’તી.”
“કાં?”
“કારણ એ ભૂતકાળ છે. ‘ને એક સંબંધના અંતથી કોઈ આનંદદાયક સ્મરણ મળતું નથી હોતું. ‘ને પૂર્ણ થયેલા એ સંબંધના સુખના સ્મરણો પણ દુખ નોતરે છે. જો એ જૂનો સંબંધ ભૂલી જય તું નવો સંબંધ બાંધવા તૈયાર હોવ, જો તું તૈયાર સો, તો પાછું ભૂતકાળ કોતરીને મને હું મળી જાવાનું?”
“મોસ્ટલી સોકરાઓને આ જ પ્રોબલમ હોય સે કે સોકરી સુંદર, સુશિલ, મોડર્ન, હાઉસવાઈફ, હોવી જોઈ ‘ને બોયફ્રેન્ડની વાયત પ્રામાણિક્તાથી જણાવી દેવી તો વાત આગર નો ચલાવે. Wait a minute! Did you just imply I had a relationship?”(એક મિનિટ, તમે એવું મારા પર ઢોળ્યું કે હું કોઈ સંબંધમાં હતી?)
“No,You say… Did you had any?” (ના. તું જણાવ શું તું કોઈ સંબંધમાં હતી?)
“No...no...no! You said કી:”જો એ સંબંધ તું(હું) ભૂલી જય નવો સંબંધ બાંધવા તૈયાર હોવ…What you mean by that? (એનો અર્થ શું થયો?)
“Now you brought up that point. Did you have any boyfriend or relationship? Tell me only if you want to, no pressure from me and yes after revealing the truth, our future will be not impacted by the truth, until and unless if you have feelings for him. (હવે, તે એ વાત ચાલુ કરી. શું તારે કોઈ બોયફ્રેંડ કે એવો કોઈ સંબંધ હતો? તારી જણાવાની ઈચ્છા હોય તો જ કહેજે. હું કઈ દબાણ નથી કરી રહ્યો અને હા હકીકત જે કઈ હશે એનાથી આપણાં ભવિષ્ય પર અસર નહીં પડે. સિવાય કે તને એના પ્રત્યે લાગણી હોય.)
“ના રે ના, મારે કોય ન’તું. આતો આપણાં ન્યાં ‘It’s like a BIG DEAL!’ (જાણે બોવ મોટી ગંભીર વાત હોય)
“એવા લોકોનું વલણ સ્ત્રીઓ માટે વસ્તુવિશેષ હોય છે, માનવ વિશેષ નહીં. જેમ કે તમને એ એઠા બર્ગરની જેમ જોવે છે. આ તો એઠું બર્ગર છે. આની પહેલાના સંબંધમાં આવીને સામેવાળા/વાળીએ એઠો/એઠી કયરો/રી નાયખો/ખી. લગન વગર સંબંધમાં આવતા લોકો એમના માટે એઠ છે. ‘ને એ લોકો એઠું ખાવા માંગતા નથી. ફની બાબત એ છે કે આવા લોકો જેને મળે એને ‘જય શ્રી ક્રુષ્ણ’ કહી સંબોધતા હોય છે.
ભગવાન શ્રી ક્રુષ્ણ લગ્ન વગરના પ્રેમ સંબંધને પ્રાધાન્ય આયપતા હતા, તેમજ જેને જેની સાથે લગ્ન કરવા હોય તેમને મદદ કરતાં હતા. ક્રુષ્ણ ભગવાને તેમની ભત્રીજીને તેના પ્રેમી સાથે ભગાડી હતી. તેમની બે’નને પણ એ રીતે ભાગવામાં મદદ કરી હતી. ‘મહાભારત’વાંચો તો ખ્યાલ આવે પરંતુ બે માઇનસ, બે ખોટી વસ્તુ એક સાચું નથી કરતી.
આજકાલના રિલેશનશિપ આપણી સંસ્કૃતિ અને પશ્ચિમી સંસ્કૃતિની વચ્ચે પિસાઈ રહ્યા છે. આ સંઘર્ષમાંથી ટ્રેજેડી ઉદભવે છે. આપણાં ન્યાં સહુલિયત લોકોને બધી વિદેશી જોઈ છે પણ સંસ્કારો એ જ રૂઢિગત. જે જૂના સમય માટે બનાયવા’તા એ. તને ખબર છે સ્ત્રીઓએ બંગડી પહેરવી, લાજ કાયઢવી, ચાંદલો માંડવો, સિંદુર પૂરવું, કાનનું ઝૂમખું, નાકની નથણી, અષાઢ-શ્રાવણના ઉપવાસ આ બધાય પાછળ શારીરિક-માનસિક અવસ્થા પાછળ તર્ક લગાવ્યું હતું. જે એક સંજોગ અને સમયે જરૂરી હતું.”
“અચ્છા, એવું સે?” શાલકી માટે આ બાબત નવી હતી.
“હા, પણ એ જ રૂઢિગત માન્યતા હાલમાં પણ રાખવી જડતા કહેવાય. દાખલા તરીકે પહેલા રાજાઓ બીજા રાજ્યમાં સંદેશ દુત દ્વારા મોકલતા. જ્યારે હવે મોબાઈલ-મેઈલથી કાર્ય પૂરું કરવું સરળ પડ્યું છે. તો જો હાલમાં પણ તમે સાંસ્ક્રુતિક શૈલીથી કોઈને દુત બનાવી સંદેશ મોકલો તો એને માનસિક-સામાજિક સમજણશક્તિનું વિક્ષેપણ કહેવાય. સંસ્કૃતિનું રક્ષણ નય.
જ્યાં સુધી બ્હારના દેશો આપણાં પુરાણો અને યોગ શીખી રહ્યા છે, ન્યાં હુંધી મને નય લાગતું આપણે સંસ્કૃતિની ચિંતા કરવી જોઈએ અને જે આપણી સંસ્કૃતિ બચાવાની ચિંતા કરે છે એમને પોતાની ખુરશીની ચિંતા છે. એથી વિશેષ કાંય નય.”
“તો આપણે ચૈ રીતે જીવવું જોઈએ ઇંડિયન કે વેસ્ટર્ન?” શાલકીએ પૂછ્યું.
“આપણે એવા અસ્તિત્વના સંઘર્ષમાં છીએ કે એક તરફ પશ્ચિમી અને એક તરફ ભારતીય સંસ્કૃતિ બંનેને જાળવવા પ્રયત્ન થઈ રહ્યા છે. જેમાંથી દંભ અને દેખાડો પ્રગટે છે. દરેક સંસ્કૃતિનું મૂળ એક જ વસ્તુ જણાવે છે કે લગ્ન વગરનો પ્રેમ સંબંધ આધાર શૂન્ય છે. તેનો હેતુ ક્ષણિક આનંદ કે અનુભવ માટે જાગેલી જિજ્ઞાસા હોય છે. પ્રેમ સંબંધ અને લગ્ન સંબંધ એકબીજા સાથે સંકળાયેલા છે પરંતુ અર્થ એનો એ નથી કે બંને એકબીજાના પર્યાય છે. પ્રેમ સંબંધથી લગ્ન કેળવી શકાય છે પણ લગ્ન સંબંધથી પ્રેમ કેળવાય એવું બધી વખતે થતું નથી. માટે પશ્ચિમી દેશોમાં લોકો મેરેજ પહેલા સંબંધ બાંધવાનું સ્વાતંત્ર રાયખે છે. લગ્ન પહેલા સંબંધ બાંધવાના કારણોમાંનું એક કારણ આ છે. કોઈ સંસ્કૃતિ લગ્ન પહેલાના પ્રેમ સંબંધને પ્રાધાન્ય નથી આપતી કે ન એમ કરવા ઉશ્કેરે છે. માણસોએ પોતાની શારીરિક-માનસિક હુંફ માટે સ્વતંત્રતા ઊભી કયરી છે. જેમ આપણા ન્યાં રૂઢિગત પ્રથાઓ પાછળ કશાક શારીરિક-માનસિક કારણો રહ્યા હતા. એ જ રીતે એ સમયે ત્યાંના લોકોએ પોતાની સગવડ મુજબ આદતો ગ્રહણ કરી.
“એવી આદતોથી સમાજ માટે હાનિકારક નથી? અસામાજિક દૂષણો વયધે ને? તોય કાં આપણે એમના કરતાં ઓસાં સમૃદ્ધ સીએ?”
“હંમેશા લોકોથી ઘેરાયેલા આપણાં સમાજમાં પરસ્પર લેણી દેણી વધુ હોય છે. લેણી દેણી ફક્ત વ્યવહારોની જ નહીં પરંતુ વિચારો ‘ને વ્યવહારોની પણ. એવી જ એક વ્યવસ્થા એટલે અરેંજ મેરેજ(વ્યવસ્થા વિવાહ). આપણાં પર બ્રિટિશર્સ, મુઘલો અને રાજાઓએ બોવ રાજ કયરું એટલે આપણે એ રૂઢિવાદ ભૂલી નથી શયકા. બે માણસને પરણાવા તેમના કુટુંબની પણ મનમરજીને માન આપવામાં આયવે છે. આપણું જ ઉદાહરણ જોય લે. આ રાજાઓની એક રાજકીય વ્યવસ્થા હતી. યાદ કર આપણી સંસ્કૃતિ પ્રેમની બાબતમાં આટલી ક્રૂર અને જક્કી ક્યારેય નો’તી. જેટલી અત્યારે છે. જો આપણો ધર્મ આપણને લગ્ન વગરના પ્રેમનો વિરોધ કરવામાં આયવો હોત તો શું લોકો રાધા-ક્રુષ્ણની પુજા કરતાં. મીરાબાઈની લગનીની ભક્તિ વખાણતા?
ઇંગ્લેન્ડમાં પે’લા અરેંજ મેરેજની પ્રથા હયતી. જ્યાં જે-તે કોમ/જાતિ/વર્ગના લોકો સમાવડો થાતો, ત્યાં કુટુંબ યુવાન-યુવતીના લગન ગોઠવતા. ન્યાં જો યુવાન કે યુવતીને અન્ય વર્ગનું પાત્ર ગમે તો પણ ઘર માંડી શકાતું નો’તું. આવી પ્રથા સમય બદલાતા ન્યાં બદલાય ગય. અંગ્રેજોએ તેમની ભાષા, યંત્ર -ઉપકરણો અને તેમના સામાજિક રૂઢિવાદી મૂલ્યો આપણાં ન્યાં મુક્તા ગ્યાં. આ જ મૂલ્યોને આપણે આપણી ધરોહર માની લીધી. ‘ને રાધા-ક્રુષ્ણની પુજા કરવાવાળો સમાજ લગ્ન વગરના પ્રેમને તુચ્છ સમજવા લાયગો.”
“તમારી વાતું કેટલી અલગ સે. આપણાં ન્યાં લોકો આવું હમજવા લાગે તો કેટલું સારુ.”
“તારે પહેલા કોય સંબંધ હોય ‘ને તું તૈયાર નો હોવ મારી હારે સંબંધ બાયંધવા માટે તો હું વાયત આગળ નો વધારું પણ જો તું રેડી છવ તો આગળની જવાબદારી મારી બયને કે હું તને ખુશ રાખું, પ્રેમ આપું અને એટલી લાગણી દર્શાવું કે તને તારો જૂનો સંબંધ યાદ નો આવે.” નિશાંતે કહ્યું.
“પણ બાપા... મારે એવો કોય સંબંધ હતો જ નહીં.”
“સારું.”
“તમારે એવો કોય રિલેશન હતો?”
“મારે...? ના. મને પે’લાથી શીખવવામાં આયવું કે જીવનમાં જે કાંય કરીએ એ મન લગાવી કરવું જોઈએ. ભણતર જીવનનો અત્યંત મહત્વનો પાયો છે. જેના પર ભવિષ્ય નામનું મકાન ચણાશે. તો નક્કી તમારે કરવાનું તમારા મકાનનો પાયો કાચો રાખસો કે પાક્કો! યાદ રાખજો જેટલો પાકો પાયો એટલું પાકું મકાન અને જેટલો પાયો કાચો હાહાહા! એટલું નબળું જીવન. ભણતી વખતે ભણવાનું કરવાનું. આવા લફડા અને આવા સંબંધ માણસની એકાગ્રતા અને સ્મરણ શક્તિ અને ગ્રહણ શક્તિ પર માઠી અસર કયરે. જો ભયણતી વખતે હું છોકરીયું જોડ લફાકા લેતો હોત તો કદાચ બે કંપનીનો માલિક નો બયનો હોત.”
“વારુ.”
“ભયણાં પછી બીજનેસ ચાલુ કયરો. સમાજ એમ નો કહી જવો જોઈ કે સોકરો કમાતો નથી. આ બધુ જરૂરી હતું એક સારી લાઇફસ્ટાઇલ માટે, એટલું ખપ પૂરતું મેળવી લીધું પછી તારી પાસે આયવો છું. ના મને કોય વ્યસન છે. ‘ને દેખાવમાં પણ ઠીક ઠાક લાગુ છું. એમ નય કે’તો કે હીરો જેવો લાગુ છું પણ સાવ ખરાબ પણ નથી લાગતો.”
શાલકી તેને સાંભળી રહી. પછી બંને થોડીવાર ચૂપ રહ્યા. બાદ શાલકીએ તેના નાનપણની વાતો શરૂ કરી. કેવી રીતે આ ઘરમાં મોટી થઈ, નિશાળની બહેનપણીઓ, કોલેજનું મિત્રવર્તુળ, માસ્ટર્સનો મિત્રસમૂહ, ‘ને આટલા સમય સુધી ખાસ ટકેલા મિત્રો અને છોકરાઓનું તેની પાછળ આકર્ષણ વગેરે વાતો તે જણાવી રહી. નિશાંત ધ્યાનથી સાંભળવા પ્રયત્ન કરી રહ્યો હતો પણ નીંદરના કારણે તેની ગરદન પડી રહી હતી. છતાં, તે વારે વારે ‘હા, હઁ, હું, હમ્મ’ જેવા પ્રતિકાર આપતો રહેતો હતો.
૨:૧૭ થઈ. હવે, શાલકીને પણ ઊંઘ આવવા લાગી. નિશાંત ખુરશી પર જ લાંબો થયો હતો. શાલકી પગ લાંબા કરી પલંગ પર બેસી હતી. થોડી ક્ષણો મૌન છવાઈ રહ્યું. શાલકીને થયું હવે સૂઈ જવું જોઈએ.
“નીંદર આવેસ?” શાલકીએ પૂછ્યું.
“ના... બોલ તું હું...(બગાસું રોકતા) હાંભળુંસુ.”
“વારું.” શાલકીને જવું ન હતું. તે વધુ સમય નિશાંત સાથે પસાર કરવા માંગતી હતી પણ નિશાંતને આવી રહેલી ઊંઘ તેની સૌત બની નિશાંતના મસ્તિષ્કમાં છવાઈ ગઈ હતી. કેટલો આરામ મળતો ઊંઘવાથી પણ આજે એ ઊંઘ પર શાલકીને ચીડ ચઢી રહી હતી. કે કાશ, બંને જાગી શકતા ‘ને એકમેકને આખી રાત જોઈ શકતા. નિશાંતને ઊંઘમાંથી બ્હાર લાવવા તેને એક સવાલ સૂજ્યો:
“તમે આમ તો બધા હામે શુદ્ધ ગુજરાતી બોલો, ‘ને હમળા કાં કાઠિયાવાડી બોયલ્તા’તા?”
“ઓફિસમાં ૫૦% પબ્લિક બારેથી આવે. અલગ-અલગ સિટી,અલગ-અલગ સ્ટેટમાંથી. એ લોકો હારે શુદ્ધ ગુજરાતીમાં વાયત કરવાની ટેવ પડી ગઈ છે.”
“ઓકે.”
ફરી થોડીવાર મૌન છવાઈ રહ્યું. શાલકીને પણ ઊંઘ આવી રહી હતી. તે વિચારી રહી હતી કે શું અહી સૂઈ જાઉં? પણ નિશાંત શું વિચારશે? “લાવ પુસી લઉં...”
તે બોલવા જઇ રહી હતી દરમિયાન નિશાંત ખુરશીમાંથી ઊભો થઈ તેની પાસે આવ્યો. તે ચૂપ રહી. નિશાંત છેક તેના ચહેરા પાસે આવ્યો. શાલકીએ હોઠ આગળ કર્યા. તેણે તેની મુઠ્ઠી ભીંસી ઊંડો શ્વાસ ભર્યો. નિશાંતના દેહની સ્મેલ તેના શ્વાસમાં ભળી. એની ઉત્તેજનાથી તેનું મન ખળભળી ઉઠ્યું. ‘ને મન થયું કે તેની ટીશર્ટ ખેંચી તેને ગળે લગાવી લે અથવા તેના હાથ પકડી પોતાની છાતીએ ચાંપી ફીલ કરાવે કે કેટલું જોરથી હ્રદય તેનું ધડકી રહ્યું છે એના માટે. પણ નિશાંત આગળ વધી રહ્યો હતો માટે તેણે કશી પહેલ ન કરી.
હમણાં શાલકીની નજીક ગયો હતો ત્યારે તેના બોડીસ્પ્રેની સુગંધથી અને તેના હોઠ પર હોઠ રાખી દેવાથી તે સંમોહિત થઈ જાણે અન્ય કોઈ અવસ્થામાં પહોંચી ગયો હતો. અત્યારે ફરી તે એટલો જ નજીક આવ્યો. હવે, તે બોડીસ્પ્રે અને બોડીની સ્મેલ વચ્ચેનો તફાવત પારખી શક્યો. તે જે હેતુથી પાસે આવ્યો હતો, એ પૂરો કરવા આગળ વધ્યો. શાલકીએ આંખો બંધ કરી. નિશાંતે તેના ચહેરા સામે જોયું અને સહેજ અચકાયો. મન આગળ વધી ગયું હતું, કે શાલકીને કિસ કરી, ભીંસીને આલિંગન આપી દે. તેની અને શાલકી વચ્ચે ૧૦ ઇંચ જેટલું અંતર બાકી રહ્યું હશે પરંતુ ઇચ્છાને કાબુમાં રાખી બાજુમાં પડેલું ઓશીકું લઈ તે પાછો વળ્યો.
મહાપ્રયાશે વગર સ્પર્શ કરે તેણે પોતાને શાલકીથી દૂર કર્યો. શાલકીએ આંખો ખોલી. ખુરશી ખૂણામાં સરકાવી ઓશિકાના ટેકે નિશાંત જમીન પર આડો થયો. તેને નીચે સૂતેલો જોઈ શાલકી બેઠી થઈ ગઈ:
“અરે, નીચે કાં હુતા? આંય ઉપર આવી જાવ.”
“તારી ભેયગા?”
“હમ્મ.”
“ના. એ બરાબર નો લાગે.”
“તો હું મારા રૂમમાં જતી રવ?”
“ના, ના. તું સૂઈ રે આયાં.”
“પણ...” આગળ શું કહેવું તે ન સમજાયું.
થોડીવાર તે પથારી પર બેસી વિચારતી રહી. અહી સૂવું કે પાછા મારા રૂમ પર જતાં રે’વું જોઈએ. તેણે જવાનો નિર્ણય કર્યો.
“આંયા આવતા ર્યો. હું જાવ સુ.”કહેતા તે ઊભી થઈ.
“કાં? રોકા ને...” નિશાંત ઉઠ્યો.
“જવને હવે, તમે સૂવો આરામથી આયાં. હું પણ સૂઈ જઉં. મને મારા રૂમ પર જ ઊંઘ આવશે.” શાલકીએ જણાવ્યુ. જોકે, તેની ઈચ્છા ન હતી રૂમ પર જવાની પણ નિશાંત નીચે સૂઈ રહે એ યોગ્ય ન હતું લાગી રહ્યું. નિશાંત વધારે આગ્રહ ના કરે માટે કીધું કે મને મારા રૂમમાં ઊંઘ જ આવશે.
નિશાંતને પણ ઝાઝો આગ્રહ કરવો યોગ્ય ન લાગ્યો. તે મૌન રહ્યો. શાલકીએ તેના ચોપડા ઉઠાવ્યા અને ચાલતી થઈ.
“ઊભી રે...” નિશાંતે કહ્યું અને લેપટોપમાંથી તેની પેનડ્રાઈવ નિકાળી પરત આપી.
શાલકીએ પેનડ્રાઈવ લીધી અને પગેથી ઊંચી થઈ નિશાંતના હોઠ પર હોઠ બીડી દીધા. ત્રણ ક્ષણ સુધી તે એમ ઊભી રહી ‘ને પછી કક્ષની બ્હાર નીકળી ગઈ.
*
(પંદર દિવસ પછી)
આજે શુક્રવારે હતો. સવારે નિશાંતના પપ્પા અને નાનજી ફુવા આવ્યા હતા વેવિશાળનું શ્રીફળ, ચુંદડીની છાબ લઈને. ધીરેનભાઈએ તેમને આવકાર્યા. દિનકરરાવ તેમના કક્ષમાંથી મહેમાન પાસે આવ્યા અને રામ-રામ કર્યા.
“એ આવો આવો, રાવજીભાઇ.” ધીરેનભાઈએ સ્વાગત કર્યું.
“તબિયત બબીયત હાજી હુજી સ્યે ને?” તેમણે ફુવાને પૂછ્યું.
“એકદમ બરાબર સે ધીરેનભાઈ.” ફુવાએ જણાવ્યુ.
“બરાબર... એ પાણી લાવજો મે’માન હાટુ.” રસોડામાં સંભળાય એમ ધીરેનભાઈ બોલ્યા.
શાલકી-દિશાબેન રસોડામાં હતા. શાલકીએ બ્હાર આવી જોયું કે કોણ આવ્યું છે. પછી ખીંટીએ લટકાવેલો દુપટ્ટો ગળે નાખી મહેમાન માટે પાણી લેતી આવી. નિશાંત તેના કક્ષની બ્હાર આવ્યો અને સભામાં સહભાગી બન્યો. રાવજીભાઇએ બધાની હાજરીમાં સગપણની છાબ ધીરેનભાઈને આપી. સુરભિ, કાજલબેન અને રમીલાબેન સામેના કક્ષમાંથી જોઈ રહ્યા હતા. દિશાબેન-શાલકી રસોઈઘરના બારણે ઊભા હતા. દિશાબેન લાજ ઉપર કરી જોઈ રહ્યા. તેમના ચહેરા પર આનંદ છવાયો. ઘરમાં બધા રાજી થઈ ગયા. શાલકી જરા શરમાઈ. ધીરેનભાઈ-રાવજીભાઇ છાબમાંની વસ્તુઓ જોઈ. સિદ્ધાર્થ પગથિયાં ઊતરતો તેના કક્ષમાંથી આવ્યો. શાલકીને અને દિશાબેનને એ રીતે ઉભેલા જોઈ. તેણે પૂછ્યું:”હું થ્યું?”
“શાલુબેનના સસરા અને સસરાજી ફુવા સગાયની ચુંદડી આયપવા આયવાસ.” કહી તેમણે રસોડામાં ગયા.
“અચ્છા.” તે બબડ્યો અને મહેમાન તરફ ગયો. તેણે સૌને નમસ્તે કર્યા.
“લે આ અંદર જાવા દે.” કહેતા દિનકરરાવે સિદ્ધાર્થને છાબ આપી. સિદ્ધાર્થ કાજલબેનને છાબ આપી આવ્યો અને દરવાજા પાસે જ ઊભો રહ્યો.
“એ સા મેલ્જો.” ધીરેનભાઈ બોલ્યા. દિશાબેન પહેલેથી જ ચા મૂકવા રસોડામાં આવી ગયા હતા.
રમીલાબેન છાબનો સામાન જોઈ બ્હાર આવ્યા. મહેમાનને નમસ્તે કરી તેમણે રસોડા તરફ ગયા.
“તે હજી ચ્યાં તણ મયના થ્યા સે? કુમારને તણ મયના જોયતા’તા ને... પસી આ બધુ કરવું’તું.” જાણે પોતે કસોટીમાં ખરા ઉતરી બહુ મોટી જીત હાંસલ કરી હોય એવી ખુશી ધીરેનભાઈના ચહેરા પર તરી આવી.
“ભાય, એ ખાલી સંબંધ મજબૂત કરવા જોડે રયો’તો. બાકી બધાય ધનંજય-કરસનના ઘરના સંસ્કાર હુ સે એ નથી જાણતા કાંય?” ફુવાએ જણાવ્યુ.
“હાહાહા!” ધીરેનભાઈ કૃત્રિમ હસ્યા.
“જો નો હજયું હોત તો આ આખા અઢી મયના રોકાય એવો ગાંડો પણ એ નથી.” રાવજીભાઇ બોલ્યા. નિશાંતને આ વાત પર જરા ચીડ ચઢી પરંતુ તે ચૂપ રહ્યો.
“તો હવે તારીખ કેવરાવજો...તમે નક્કી કયરીને.” ફુવાએ કહ્યું.
“ઈ... હાલોને મા’રાજને કાલ-બાલ બોલાવી મૂરત કઢાવી લેવી.”
“વારુ. જે તારીખ ગોઠવો અમને જણાય દેજો. તો અમે ઈ હિસાબથી તૈયારી કયરી હક્વી.” ફુવાએ જણાવ્યુ.
“હા, હા. પાકું! તમને પુયછીને જ તારીખ નક્કી કરશુંને...” ધીરેનભાઈએ કહ્યું.
દિશાબેન ચાની કીટલી અને રકાબી લઈ રસોડા પાસે ઊભા હતા. તેમણે લાજ કાઢી હતી. સિદ્ધાર્થને બોલાવ્યો, તેને મહેમાનોને ચા આપવા કહ્યું. સિદ્ધાર્થ તેમની પાસેથી કીટલી-રકાબી લઈ આવ્યો. તેણે બધાને રકાબી આપી, એમાં ચા રેડી.
“કુમારને પણ આપ.” દિનકરરાવે સિદ્ધાર્થને કહ્યું.
“એમણે ગ્રીન ટી પીવે સે.”
“હા તો ઈ બનાવો. વોવને ક્યો ગિન ટી બનાયવી નાખે.”
“ના, મેં હમણાં જ પીધી છે.” નિશાંતે જણાવ્યુ. તે ધીરેનભાઈને જોઈ રહ્યો.
“તમેય ચા ચાલુ કરી?” તેણે પૂછ્યું.
“આ તો બધાયે લીધી એટલે થયું લાવ હુંય થોડી પીવ.”
“હમણાં તો ગ્રીન ટી પીધી, ‘ને ઉપરથી ચા. આંતરડા બાળી નાખશે. એ બંને ગરમ પીણાં છે.”
“ઇનો વાંધો નય. હમણાં માવો બનાવી લઇશ.”
“અચ્છા, તો ફાકીથી ટાઢક મળશે?” તેણે કટાક્ષમાં પૂછ્યું. તે જાણતો હતો ધીરેનભાઈ ગ્રીન ટી પીતા ન હતા. તે ખંધું હસ્યો.
“તો, ચ્યાં રોકાવાનો પોગ્રામ સે આયાં?” ફુવાએ નિશાંતને પૂછ્યું.
“બસ, આજે ચુંદડી આપી એટલે કાલે અને... પરમ દિવસે હું આવી જઈશ.”
“કાં? આટલા જલ્દી? રોકાવું નથી?” દિનકરરાવે પૂછ્યું.
શાલકીનો ¬ચહેરો ગંભીર બન્યો. નિશાંત જઈ રહ્યો છે એ વાત તેને જરા ખટકી. એણે કાલે જણાવ્યુ કેમ નહીં? તે વિચારતી રહી. જબરી ઘટનાઓના સાક્ષી સૌ બન્યા હતા. આ સવા બે મહિનામાં સાબિત થયું કે માણસ ચાહે તો કોઇની પણ મહેમાનગતી નિભાવી શકે છે. નિશાંતના જવાની વાત સુરભિને ન ગમી.
“કાં આમ અચાનક? હુ કામ જાતાં રેવુસ?”
“જઉ ને હવે… એક કામ કરજો, તમે આવી જાજો મારા ઘરે.” નિશાંતે કહ્યું.
“ઈ તો પસીની વાત સે. આટલા દિ’ રોકાયા સો તો થોડા દા’ડા વધારે. તમને નથ ફાવતું આયાં?”
“ના, એવું નથી. પણ હવે જાઉ પડશે ઘરે.”
“હારુ મા’રાજ. બે દા’ડા પસી આવજો.” ફુવા હસતાં-હસતાં બોલ્યા. ‘મા’રાજ’ શબ્દ સાંભળી સુરભિ હસી પડી. રાવજીભાઇ-ફુવા જવા ઊભા થયા.
વડીલોએ રામ-રામ કર્યા. ફુવા-રાવજીભાઇએ રજા લીધી. તેમણે ગયા બાદ નિશાંતે ધીરેનભાઈ પાસે શાલકીનો મોબાઈલ નંબર માંગ્યો. શાલકી તેની સામે જોઈ રહી.
“લે, આટલા ટાયમથી જોડે ર્યા ‘ને ઈનો નંબર નથી તમારી પાંહે?” ધીરેનભાઈએ પૂછ્યું.
‘એમ ડાઇરેક્ટ થોડી નંબર મગાય...” નિશાંતે જણાવ્યુ.
“વારુ.” ધીરેનભાઈએ કહ્યું. તેમણે નંબર લખાવ્યો.
ધીરેનભાઈનો હરખ સમાતો ન’તો. એક કરોડપતિ મુરતિયો તેમની મધ્યમવર્ગીય કુટુંબની શાલકી માટે ઝડયો હતો. આ બે મહિના બહુ સંકોચાઈને, પોતાનું વર્તન સુધારીને રહેવું પડ્યું. અંતે તેનું ફળ પ્રાપ્ત થયું ખરી. નિશાંતને ઓફિસ જવાનો સમય થઈ ગયો હતો. તે ઓફિસ જવા નીકળ્યો.
કાજલબેન, રમીલાબેન અને ધીરેનભાઈ ગર્વથી બધાને કોલ કરી કરી જણાવી રહ્યા હતા. શાલકીનું નિશાંત પરમાર હારે ગોઠવ્યુ સે. આજે જ સગાઈની છાબ આપી ગયા. સ્નેહીજનો મિશ્ર પ્રતીભાવ આપી રહ્યા હતા. કો’ક આ જાણી ખુશ થઈ રહ્યું હતું તો કો’ક ઈર્ષ્યાથી દાઝી રહ્યું હતું. ઘરમાં બધા રાજીના રેડ થઈ ગયા હતા. સ્ત્રીઓએ સગાઈની યોજના-વ્યવસ્થાની ચર્ચા આરંભી. છાબમાં મોંઘીદાટ વસ્તુઓ આવી હતી. એટલે શાલકી પાછળ મેકઅપ સિવાય અન્ય ખર્ચ બચતો ન હતો પરંતુ વર પક્ષને ઓછું ના લાગે એટલે ધૂમધામથી સગાઈ કરવાની હતી. એમ પણ ખર્ચા સામે જોવાનું ન હતું. ૧૨ વર્ષ પછી આંગણે રૂડો પ્રસંગ આવવાનો હતો. જેથી વૈભવસાળી સગાઈની તૈયારી આરંભાઈ. કોને ખબર હતી આ બધી તૈયારીઓ વ્યર્થ જવાની હતી. આ સગપણ એક દુખદ અધૂરું સ્વપ્ન બની રહી જવાનું હતું.
*
સાંજે ઓફિસથી ઘરે આવતા નિશાંત બધા માટે ભેટસોગાદ લાવ્યો હતો. રવિવારે તે ઘરે જતો રહેવાનો હતો. આવતીકાલે વહેલા બધા સાથે સોમનાથ દર્શન કરવા જવાનું હતું. પાછા આવતા સાંજ પડી જાય, કદાચ મોડુ થાય તો બધા સાથે શાંતિથી બેસી ના પણ શકાય. તો આજે જ ઘરના બધા સભ્યોને ભેટ આપવી યોગ્ય લાગી. તે અને દિપેનભાઇ અંદર આવ્યા. તેના હાથમાં થેલી હતી, દીપેનભાઈના હાથમાં મોટું પાર્ષલ હતું. બધાએ બંનેને જતાં જોયા. તેમના મનમાં કુતૂહલ જાગી:શું લાવ્યા હશે? કોઈ પૂછે એ પહેલા જ તેણે જણાવી દીધું:“બધા માટે સરપ્રાઈઝ છે, જમ્યા પછી...” કક્ષમાં જતાં તે બોલ્યો.
બધા જમી પરવારી, હીંચકા પાસે ગોઠવાઈ ગયા. રમીલાબેન, દિનકરરાવ અને ધીરેનભાઈ હીંચકા પર બેઠા. કાજલબેન, દિશાબેન અને શાલકી પલંગ પર ગોઠવાયા. સુરભિ અને સિદ્ધાર્થ કુતૂહલવશ તેના કક્ષમાં આવ્યા. નિશાંતે કહ્યું:”ચાલો બાર. હું બાર જ આવું છું.”
“શું લાયવા છો?” સુરભિએ પૂછ્યું.
“બારે જોઈ લેજો...”કહી તે હસ્યો, બંને થેલા ઉપાડ્યા.
“બોવ હારુ.” સુરભિ ચિડાઈ અને બ્હાર ચાલી. સિદ્ધાર્થ પણ તેની પાછળ ગયો.
સુરભિ ખુરશી લઈ પલંગ પાસે બેસી. સિદ્ધાર્થ નિશાંતની પાસે પિલ્લરે ટેકો દઈ ઊભો રહ્યો. બધાને અંદાજ આવી ગયો હતો. નિશાંત ભેટ લાવ્યો હશે. પણ કોના માટે? એ ખબર ન હતી. જતાં પહેલા ભેટ આપવી. એ વિચાર માટે સૌને નિશાંત પર હેત આવ્યું. તેણે થેલા નીચે મૂક્યા. સભા આરંભાઈ.
“આ ૨ મહિના મારા માટે બહુ જ ખાસ રહ્યા હતા. તમારા બધા સાથે ઘણી આત્મીયતા જોડાઈ ગઈ છે. એવું નથી કે ખાલી હું શાલકી સાથે સગાઈ કરવા જય રહ્યો છું. ઘરના બધા સભ્યો સાથે હું સગપણ કરી રહ્યો હોવ એવી ભાવના અનુભવાઈ રહી છે. મમ્મી, ભાભુ, સુભી, ભાભી મને તમારા સૌ પ્રત્યે એટલો જ પ્રેમ આવે છે જેટલો શાલકી માટે છે...”
આ સાંભળતા દિશાબેન અને સુરભિ ‘ઓઑઑઑ!” કહી શાલકીને છેડવા લાગ્યા. આગળ જે કહ્યું એ કરતાં છેલ્લા વાક્ય પર બધાનું ધ્યાન વધારે ગયું. શાલકી હરખ સાથે શરમાઈ ગઈ. નિશાંતે આગળ બોલવાનું ચાલુ રાખ્યું:”મમ્મી અને ભાભુ, આ તમારા માટે.” કહી તેણે રમીલાબેનને બોક્સ આપ્યું.
“આ હુ સે?”
“ખોલીને જોવો.”
તેમણે ગિફ્ટનું રેપર કાઢી બોક્સ ખોલ્યું. જેમાં સરદાર પટેલની મુર્તિ હતી. મુર્તિ જોતાં સુરભિ બોલી ઉઠી:“WOW! સુપર્બ!”
“સરસ સે.” રમીલાબેને કહ્યું.
“હા હોં.”કાજલબેન બોલ્યા.
“તમારા બંનેમાં તાકાત છે સરદાર પટેલ જેવી. આ ઘરને તમે એક રાખ્યું છે. તમે એ છેડો છો, જેના તાંતણે ઘરના આ બધા પ્રવાહ પરસ્પર જોડાયેલા છે. હુ ચાહું છું આ મુર્તિ તમે મંદિરમાં મૂકો. જેથી આ એકતા તમે જાળવી રોજ પુજા કરી શકો.”
“વાહ... શું વિચાર છે!” સિદ્ધાર્થ બોલ્યો.
“મારી માટે લાયવા સો કાંઇ?” સુરભિએ પૂછ્યું.
“હા”
“તો આલોને...”
“ખમ થોડી વાર.”
નિશાંતે બીજી ભેટ દિનકરરાવને આપી. તેમાં ગાંધીજીની મુર્તિ હતી:“મોટા પપ્પા, તમારું મૌન આ ઘરમાં ઉગ્ર આવેગો રોકે છે. તમારા હોવાથી કોઈ ઊંચા અવાજમાં વાત કરતાં પહેલા કે બોલાબોલી કરતાં પહેલા શાંત પડે અને આવેશમાં આવ્યા વિના કામ નિકાળે છે.”સુરભિ અને શાલકીએ તાળીઓ પાડી. બાદ બધાએ પાડી. દિનકરરાવ ઊભા થયા અને નિશાંતને ગળે લગાવ્યો.
“થેન્ક યુ.” હળવેથી નિશાંતના કાનમાં તેમણે બોલ્યા. તેઓ ભાવવિભોર થઈ ગયા.
“પપ્પા જોડે ઊભા ર્યો, તમારા બંનેનો હારે ફોટો ખેંચું.” સિદ્ધાર્થે કહ્યું.
દિનકરરાવે ભેટ લેતા ફોટો પડાવ્યો. બાદમાં નિશાંતે ધીરેનભાઈની ભેટ નિકાળી.
“મારી ગિફ્ટ આપો હવે...” શાલકી અધિરી બની રહી હતી.
“ખમને બકા...” નિશાંતે કહ્યું. ધીરેનભાઈને ભેટ આપતા તે બોલ્યો:”આ તમારા માટે. પ્લીઝ ખોલો.”
ધીરેનભાઈએ રેપર ખોલ્યું. તેમાં જ્યોતિરાવ ફુલેની મુર્તિ હતી.
“તમે, દીકરીઓને ભણવાની પરવાનગી આપી, તેમના પર વિશ્વાસ મૂક્યો છે. આગળ જતાં તેમને નોકરી માટે પણ નહીં રોકો. તમારું આ વલણ અને નિર્ણયો શ્રી જ્યોતિરાવ ફુલેના આદર્શો છે. આ મુર્તિ મેં તમારા માટે પસંદ કરી છે.”
“વાહ...વાહ! હુ વાત સે!” સુરભિ બોલી.
ભેટ સ્વીકારી તેમને ચૂપચાપ પોતાના સ્થાન પર બેસી ગયા. અન્ય ભેટ તેણે નિકાળી.
“સિદ્ધૂભાઈ, આ તમારા માટે.” સિદ્ધાર્થને ભેટ આપતા તેણે કહ્યું. જેમાં શ્રવણની પ્રતિકૃતિ હતી.
“તમારી જવાબદારી હેઠે બે પરિવાર આવે છે. બે મા અને બાપની જવાબદારી તમારા કાંધે છે. શ્રવણ તેમના જન્મદાતાની સેવા કરતા હતા. એમ તમે પણ ચારેયને સાચવશો. એવી પ્રતિભા તમારામાં દેખાઈ આવે છે.”
“નાઇસ. થેન્ક યુ.” સિદ્ધાર્થે કહ્યું.
“હવે મારી ગિફ્ટ આપોને...” સુરભિએ ટાપસી પૂરી.
“પોરો ખાને... આલ્શે એમણે, ક્યાંય ભાયગી નથ જાવાના!” રમીલાબેન બોલ્યા.
“જપ ઘડીક.” કાજલબેને કહ્યું.
“લો સારું. તમારી ગિફ્ટ આપી દવ છું તમને.” નિશાંત બોલ્યો.
સુરભિ રાજી થઈ તાળીઓ પાડતા બોલી:“યેય...!”
નિશાંતે મોટી ફ્રેમ કાઢી અને સુરભિને આપી. ઝટપટ તેણે રેપર કાઢ્યું અને ફોટો જોયો.
“બાબા સાહેબ આંબેડકર.” ફોટો જોતાં તે બોલી અને બે ક્ષણ અસમંજસમાં મુકાઇ.
“તમે LLBમાં રસ ધરાવો છો. બાબાસાહેબે આપણાં દેશના સંવિધાનના રચયતા છે. તમને આ પ્રતિમા જોઈ એક સારા નાગરિક અને ઉત્તમ વકીલ બનવાની પ્રેરણા મળે એ જ અભિલાષા. બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર!”
“થેન્ક યુ.” સ્મિત સાથે સુરભિએ કહ્યું.
બાદમાં નિશાંતે દિશબેનને ભેટ આપી.
“ભાભી, તમારામાં બીજા માટે કશુક કરવાની, અન્યની મદદ કરવાની ભાવના રહેલી છે. આ વ્યક્તિએ પોતાનું આખું જીવન અન્યોને જિવાડવા માટે સમર્પિત કર્યંા હતું. આ ઘરમાં તમે બધાને જીવાડી રહ્યા છો.” નિશાંતે કહ્યું. તે મધર ટેરેસાની મુર્તિ હતી. તેણે ઉમેર્યું:”અને તમારા હાથની રસોઈ મને બોવ ભાવે છે. અહીથી ગયા બાદ મને બોવ યાદ આવશે એની,I will miss this.”
દિશાબેનના ચહેરા પર નિર્મળ ખુશી તરી આવી. વર્ષો બાદ કોઈએ તેમની અંતરની વેદનાના સંઘર્ષને વાચા આપી હતી. તેમની આંખો ભીની થઈ ઉઠી.
“વાહ... ક્વાઇટ એન ઇનસાઈટ ભાભી!” દિશાબેનને હળવેથી હચમચાવતા શાલકી બોલી.
“થેન્ક યુ ડિયર...” હળવેથી દિશાબેન બોલ્યા. તેમની આંખોમાંથી એક-બે અશ્રુ ટપક્યા. શાલકીએ તે જોયું:”અરે, આ શું?”
બધાનું ધ્યાન તેમના પર ગયું. દિશાબેને પાલવ નીચે કરી લાજ કાઢી લીધી. દિશાબેને પોતાના આંસુઓને અને પોતાની ભાવના કાબૂમાં રાખી, શાંત બેસી રહ્યા. બધા પછી નિશાંત તરફ ફર્યા. હવે ખાલી શાલકીની ભેટ બાકી રહી હતી. તેણે નિશાંત સામે જોયું. નિશાંતનું ધ્યાન તેના પર જ હતું.
“શાલું માટે શું લાયવા?” સુરભિએ પૂછ્યું.
“હા, એના માટે શું લાયવા? જરૂર કાંયક ખાસ હયશે.” સિદ્ધાર્થે અનુમાન લગાવ્યું.
“એના માટે...” નિશાંત બોલ્યો અને તેની સામે જોઈ રહ્યો.
*
(ક્રમશ:)

Comments
Post a Comment