રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ:૯)
રાજકોટ
સાઈડ સ્ટોરી
(પ્રકરણ:૯)
રાજકોટ
સાઈડ સ્ટોરી
(પ્રકરણ:૯)
લાઇટનો ગોળો ચાલુ કરવાના પ્રયાસ ચાલી રહ્યા હતા. તેણે આમ-તેમ ગોળો ફેરવી
જોયો છતાં, ચાલુ ન થતા કાઢીને ફરી હોલ્ડરમાં નાખ્યો પણ કરંટ
પસાર ન હતો થઈ રહ્યો, સોકેટ ખરાબ લાગી રહ્યું હતું.
માળીયામાં વાયરોના ગૂંચળામાંથી એક સારો વાયર લાવી તે નવું કનેક્શન લગાવી રહી હતી.
આમ તો કઈ ખાસ તેને વિદ્યુતનું જ્ઞાન ન હતું પણ હોય શકે છે જ શું? A-B વાયર જ ભરાવાનાને. એમ વિચારી પોતે ઘોડાની સીડી
પર ચઢી બલ્બ લગાવી રહી હતી. અચાનક સોકેટમાં આંગળી ઘૂસતા ૧૧૦ વૉલ્ટનો કરંટ તેની
બોડીમાં પ્રસર્યો. ક્ષણમાં જ ભયંકર ઝણઝણાટી શરીરમાં ફેલાઈ. ઝાટકા સાથે તે કૂદી અને
આપોઆપ શરીર પાછળ ફેંકાયું, તે જમીન પર પડી અને ડાબી કોર ઘોડો
પડ્યો.
*
મહિમા અગ્રવાલ નિશાંતના જવાબની વાટ જોઈ રહી હતી.
તેની પાસે જવાબ ન હતો.
“મને નથી ખબર.” તે બોલ્યો.
“તને નથી ખબર? નિશાંત તને નથી ખબર?
છેલ્લા પંદર એક દિવસથી એ છોકરી તારી પાછળ ઘેલી બની ગઈ છે ‘ને
તને નથી ખબર એ ક્યાં છે?”
“ના.” બે ક્ષણ વિચારીને
તેણે જવાબ આપ્યો.
મહિમાએ કોલ કાપ્યો. નિશાંતે
ધિરેનભાઈ અને ઘરના સભ્યો સાથે વાત કરી.
“ક્યાં ગઈ હતી તે?”
“અમને હવારે ઘેરેથી એમ કયને
ગઈ’તી કે આવે સે એક કામ પતાવીને.” કાજલબેને
કહ્યું.
“એનો ફોન ક્યાં છે?”
“આ પયડો ઈના રૂમમાં.”
ડૂસકાં ભરતા તેમણે શાલકીનો ફોન બતાવ્યો.
નિશાંતે ફોન જોયો. ૧૩૦થી વધારે મિસકોલ આવી ગયા હતા.
પાછા મેસેજ અને મેઈલ અલગ. તેના ઇન્ટરવ્યુની રાતથી લઈને અત્યાર સુધીના તમામ કોલ લૉગ
તેણે ચેક કર્યા. ફોન જોતાં જોતાં તેણે એક બાબત નોંધી દિનકરરાવ ક્યાંય દેખાઈ રહ્યા
ન હતા. ફોન તપાસતા તેણે પૂછ્યું.
“મોટા પપ્પા ક્યાં છે?”
“ઈમણે ગામડે ગ્યાં સે, કામથી.” રમીલાબેન બોલ્યા.
“સારું.” તેણે કહ્યું.
સમગ્ર માહિતી ફોનની જોઈ લીધી પણ કોઈ પગેરું હાથ
આવ્યું નહીં. બધુ સામાન્ય લાગી રહ્યું હતું સિવાય કે શાલકીનું ચાલ્યા જઊ. નીકળતા
પહેલા તે ઘરનાને સહાનુભૂતિ આપી પાછો આવ્યો. રાત્રે મહિમાનો શો શરૂ થયો:
“નમસ્કાર દર્શકમિત્રો, હું મહિમા અગ્રવાલ સ્વાગત કરું છું આજના આ
એપિસોડમાં ‘પ્રેમની પરાકાષ્ઠા, યુવતીની
અવદશા’ જી હા તમે ઠીક સાંભળી રહ્યા છો. થોડા દિવસો પહેલા
રાજકોટની યુવા સામાજિક કાર્યકર શાલકી સોલંકી સાથે આપણે વાત કરી હતી. તેમને મળીને
ઘણા સામાજિક મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. એ જ શાલકી સોલંકી છેલ્લા બે દિવસથી ગાયબ
છે. આ એ જ યુવતી છે જે ઘણા સમયથી જનતાની નિ:સ્વાર્થભાવે સેવા કરી રહી હતી. હાલમાં
પણ તેમની ટિમ આગેવાન વગર સેવાકાર્ય યથાવત કરી રહ્યા છે.
પરંતુ ગંભીર પ્રશ્ન એ છે કે શાલકી સોલંકી છે ક્યાં? આ ખૂબ જ ચિંતાજનક વાત છે. કોઈને તેમના વિશે
માહિતી નથી. શાલકીબેનના પરિવારજનો ખૂબ જ ઉદાસ અને ચિંતિત લાગી રહ્યા છે.(ટીવીમાં
શાલકીનું ઘર દેખાડી, પરિવારજનો નીરસભાવે બેસેલા બતાવામાં આવે
છે.) શાલકીબેનની નિશાંત પરમાર સાથે થોડા ઘણા દિવસોથી તકરાર ચાલી રહી હતી. નિશાંત
પરમારે તેમને સગાઈનો ખોટો વાયદો કરી પછી સગાઈ તોડી નાખી. તેમ છતાં, પ્રેમમાં નિર્દોષ બનેલી શાલકીએ તેનો વાંક ન હોવા છતાં, નિશાંતને મનાવવા પ્રયત્ન કર્યા હતા. શાલકીબેને સોરી લખેલા પોસ્ટર લઈ
નિશાંત પરમારના ઘર સામે ઊભા રહ્યા હતા, ચાર રસ્તા વચ્ચે
નિશાંત માટે ચા મંગાવી તેમની જાહેરમાં બધા સામે માફી માંગી હતી. છતાં, નિશાંત ત્યાંથી તેની મોઘી ગાડીમાં ચાલ્યો જાય છે.” નિશાંત આ સમાચાર જોઈ
રહ્યો હતો. એંકરે આગળ ચાલુ રાખ્યું.
શાલકીબેનના ઘર પાસે રહેતા યુવક પાસેથી જાણવા મળ્યું
હતું (લોલાનો ઇન્ટરવ્યુ પ્રસારિત કર્યો) “દીદી, જીજુને સરપ્રાઈઝ આપવા તેમની ગાડીમાં સોરી લખી બલૂન્સ ભયરા’તા. તેમણે ડ્રાઈવરનો ડ્રેસ પેયરી નિશાંત પરમારને સરપ્રાઈઝ આયપી’તી.” જોયું મિત્રો કેટલી પ્રેમાળ રીતે શાલકીબેને
નિશાંત પરમારની માફી માંગી છતાં, નિશાંત તેમના પર ગુસ્સે થયો, તેમને જેવુ તેવું બોલ્યો અને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું. એવી તો નિશાંત
પરમારને શાલકી માટે શું નફરત છે કે આ હદ સુધી તેઓ શાલકીને વગોવી રહ્યા છે, તેને હડધૂત કરી રહ્યા છે? નિશાંતભાઈ જો તમે આ શો
અત્યારે જોઈ રહ્યા હોવ તો હું તમને પૂછવા માંગુ છું, એવી કઈ
બાબત તમને ખટકી રહી છે તો તમે શાલકીબેનને આ હદ સુધી નફરત કરો છો? જવાબ જરૂર આપજો.
દર્શક મિત્રો તમને જણાવી દઉં આજ સાંજે મારે
નિશાંતભાઈ પરમાર સાથે વાત થઈ હતી. મેં તેમને શાલકી અંગે પૂછ્યું. તેમનો જવાબ
સાંભળી હું બે ઘડી અચંબિત થઈ ગઈ. તમે પણ એમનો જવાબ સાંભળશો તો આઘાત લાગશે.
નિશાંતભાઈ કહે છે તેમને શાલકી વિશે કઈ માહિતી નથી. એ માણસ જેના માટે શાલકી આટઆટલું
કરી રહી છે, ફક્ત તેના અપૃવલ માટે
થઈને જાહેરમાં તેનાથી હડધૂત થઈ રહી છે, એને હડધૂત કરનાર માણસ
એમ કહે છે તેને શાલકી વિશે કઈ માહિતી નથી. કેમ આજે માણસો આટલા કઠોર થઈ ગયા છે, શું પ્રેમની પરાકાષ્ઠાનું આ જ પરિણામ હોય છે? એક
મધ્યમવર્ગીય કન્યા ગાયબ થઈ જાય છે. કો’ક પૈસાદાર આદમી તેની
માહિતી રાખતો નથી. કેમ આજના જમાનાનો આ કઠોર પ્રેમ યુવતીઓની અવદશા લાવી રહ્યો છે? મળીએ છીએ એક નાના એવા બ્રેક પછી. (બે મિનિટનો બ્રેક પડ્યો, સમાચારમાં દરેક બાબત વધારી ચઢાવીને બતાવામાં આવતી હોય છે. જે ઘટના જેવી
બની ન હતી એવી દેખાડવાનો પ્રયાશ થઈ રહ્યો હતો. ન્યૂઝ એન્કર નિશાંતને ખરાબ ચીતરવાનો
પ્રયાસ કરી રહી હતી. શાલકીના ઘરના પણ આ સમાચાર જોઈ રહ્યા હતા. સુરભિ બધા માટે
ધાણી-સોડા લાવી ટેબલ પર મૂકી. શો આગળ ચાલ્યો)
બ્રેક બાદ આપ સૌનું સ્વાગત છે. શાલ્કિબેન જે સમાજ
માટે સારું કરી રહ્યા છે, એ જ
સમાજમાં કેટલાક પુરુષો તેમની અવદશા લાવવા માટે દોષિત છે. આ લોકો ગુનાખોર ગેંગસ્ટર
છે! તેમના પર ગંભીર અને આકરા પગલાં લેવાની જરૂર છે. એક ક્ષણ માટે માની લઈએ કે
શાલકીબેનના લગ્ન નિશાંત પરમાર સાથે થયા હોત તો શું શાલ્કિબેન માટે એ ઘર
સલામતીભર્યું હોત? (આ સાંભળી નિશાંત ગંભીર બન્યો) તમે પોતે જ
વિચાર કરો જે ઘરમાં એક આદમી કોઈ યુવતીને કીડનેપ કરવા સક્ષમ હોય અને બીજો જાહેરમાં
વડીલોને મારનાર અને ગાળો બોલનાર ગુંડો હોય, એ ઘરમાં શું કોઈ
યુવતી સલામત રહી શકે છે? જે ઘરમાં કોઈ સ્ત્રી છેલ્લા ૨૨
વર્ષથી રહી ન હોય. તેમની માતા જન્મના ૫ વર્ષ બાદ મૃત્યુ પામી હોય એ બાળકોને શું
ખબર હુંફ શું હોય? લાગણી શું હોય? અન્ય
પ્રત્યેની ભાવના કેવી હોવી જોઈએ? એ જ બાળકો મોટા થઈને ગુંડા
બને અથવા તો કો’કની લાગણીઓ પ્રત્યે કઠોર પાણા જેવા નિર્જીવ, નિરહર્દયી બને!” એન્કર મહિમા અગ્રવાલ લાવા વરસાવી નિશાંત પર ત્રાટકી.
ક્રોધથી ધ્રૂજતો, દાંત ભીંસતો નિશાંત ઊભો થયો અને તેના કક્ષની દીવાલ પાસે લટકાવેલ શાલકીની
એકમાત્ર તસવીર જોઈ બોલ્યો:”આ હદ થઈ ગઈ શાલકી... મારા ઘરનાને ઇનવોલ કરવાની જરૂર ન’તી. જો તારું ગાયબ થવું મને મનાવવા માટે કરવામાં આવેલા સ્ટંટની જેમ કોઈ
સ્ટંટ હશે તો તું મરી ગઈ સમજજે. આ એંકર બધા સામે મારા કપડાં ઉતારે છે. બની બનેલી
આબરૂ ઉપર, મારા ઘરના ઉપર તે મૂતરી રહી છે. જે દિવસે તું
હાથમાં આવી એ દિવસે ખેર નથી તારી અને આ એન્કર પણ ગઈ સમજજે...!” તે બબડ્યો અને
શાલકીની તસવીરમાં તેની નિખાલસ હસી જોઈ રહ્યો. એટલો વધારે ગુસ્સો તેને આવી રહ્યો
હતો. મનોમન વિચારી રહ્યો હતો સગાઈ તો નહિ પણ તારું શ્રાદ્ધ હું જરૂર કરીશ શાલકી.”
કહી તેણે લાઇટ બંધ કરી. ટીવીમાં મહિમા શાલકીનો મહિમા ગાઈ રહી હતી. તેણે ટીવી બંધ
કર્યું અને સુવા માટે આડો પડ્યો.
*
[શુક્રવારની સવાર, સમય ૮:૩૨ કલાક]
બ્હાર કકળાટ થઈ રહ્યો હતો. તેને હજુ ઊંઘવું હતું પણ
બ્હાર કશોક ઘોંઘાટ થઈ રહ્યો હતો તો ઊંઘ ઊડી ગઈ. તેણે ઊઠીને બારી ખોલી. ઘર સામે
૧૫૦-૨૦૦ માણસોનું ટોળું ઊભું હતું. કેટલાકના હાથમાં નિશાંત વિરુદ્ધ સ્લોગન લખેલા
પોસ્ટર હતા. ‘SHAME ON YOU NISHANT!’, ‘રાજકોટની દીકરી પાછી આપો’, ‘શાલકી ક્યાં છે?’, ‘WE WANT SHALKI’, ‘MISSING BUT LIVING IN OUR HEART’ એવું લખી વચ્ચે શાલકીનો ફોટો હતો. વગેરે જેવા પોસ્ટર લઈ લોકો નિશાંતના ઘર
આગળ પ્રદર્શન કરી રહ્યા હતા. ન્યૂઝ ચેનલોનો કાફલો આવી ચઢ્યો હતો.
આખી સોસાયટીના તમામ દ્વારપાલ નિશાંતના દ્વાર પાસે
આવી ગયા હતા. પ્રશાંતે હુકમ કર્યો હતો કે કોઈને અંદર આવવા દેવા નહીં.
સિક્યોરિટીવાળા આજ્ઞાનું પૂરેપુરું પાલન કરી રહ્યા હતા. મુખ્ય જાળી સાંકળ વડે
વીંટી તાળું મારી દીધું, જાળી પર
બે તાળાં લગાવ્યા. ચાર અંદર અને પાંચ બ્હાર દ્વારપાલ ઊભા હતા. પબ્લિક એમનાથી થોડે
છેટા રહી વિરોધ નોંધાવી રહી હતી. ન્યૂઝ રિપોર્ટર્સ ગેટ પાસે ઊભા રહી શૂટિંગ કરી
રહ્યા હતા.
જેવો નિશાંતે પરદો હટાવ્યો, લોકોએ ઉગ્ર અવાજ ઉઠાવી પોસ્ટર્સ ઊંચા કર્યા, ફોટોગ્રાફર્સ કેમેરામાં નિશાંતને કેદ કરવા લાગ્યા,
ન્યૂઝ કેમેરામેને નિશાંત પર ફોકસ વધાર્યું, રિપોર્ટર્સ આ નવી
અપડેટ રેકોર્ડ કરી સ્ટુડિયો સુધી પહોંચાડી રહ્યા હતા. પ્રશાંત આવ્યો અને ઝડપથી બારીનો
પરદો આડો કર્યો.
“હવાર હાત વાયગાના તારી
વોવની કોલેજના સોકરા, એને સપોટ
કરવાવારા, બીજી NGOવારા આયવી ગ્યા સે.
એમાંય હમાચારવારા આયવા એટલે હંધાયને તાણ ચઢી જયું.” પ્રશાંત બોલ્યો. નિશાંતને ‘વોવ’ સંબોધન ન ગમ્યું, ચૂપચાપ
કબાટ આગળ ગયો. પ્રશાંતે એને પૂછ્યું:”હવે આગર હું કરવાનું સે?”
“કાંય નય. હું કરી હક્વી
આપડે? શાંતિથી જોવાનું બધુ.” કહી નિશાંત ટુવાલ લઈ
નાહવા ગયો. તૈયાર થઈ નાસ્તો કરવા આવ્યો ત્યારે રાવજીભાઈને એ પ્રશ્ન થઈ રહ્યો હતો
કરવાનું શું? આ રીતે તો ઘરની બ્હાર પણ ના નિકળાય. લોકો જીવ
ખાઈ જાય. નિશાંત મૌન રહ્યો. તેણે દિપેનભાઇને કોલ કરી પાછળના માર્ગે ગાડી ઊભી રાખવા
કહ્યું.
તે બ્હાર આવે એની બધા રાહ જોતાં હતા. એકવાર બ્હાર નીકળે
એટલે એને ઘેરીને પ્રશ્નોનો પહાડ ચણી દઈએ પરંતુ નિશાંત પાછળના દરવાજાથી ઓફિસ જવા
જતો રહ્યો. કામવાળા બેનનો દુપટ્ટો મોઢે લપેટી, ગોગલ્સ અને ટોપી પહેરી છુપાતા ગાડી પાસે ગયો. એ જ ક્ષણે મોટો અવાજ થયો.
લાલ અને વાદળી રંગની લાઇટ થઈ. બીજી કોર ઉભેલા લોકોએ પણ આ અવાજ સાંભળ્યો. એક માણસ
દોડતો ટોળાં તરફ આવ્યો અને મોટી રાડ નાખી બોલ્યો:”અલ્યા એયયયયય...!!! તમે બધા આયાં
એની વાટ જોવો સો ઈ પાસરના ઝાંપેહી બારે વયો ગ્યો... હાલો ન્યાં...”
ટોળું એ બાજુ દોડ્યું. રિપોર્ટર્સ, કેમેરામેન,
ફોટોગ્રાફર્સ તેમની સાથે સાથે સોસાયટીના વચ્ચેના માર્ગેથી પાછળ તરફ ગયા. પોલીસની
ગાડી આવી. પ્રશાંતને ખબર પડી ગઈ લોચો થવાનો છે. આ લોકો નિશાંતની ગાડી નહીં નીકળવા
દે. તે દોડતો ઓસરીમાંથી પ્રાંગણમાં આવ્યો. એક દ્વારપાલ સાંકળ ખોલવા લાગ્યો.
પ્રશાંત ૧,૨ અને ૩ મોટા પગલાં ભરી જાળી પર ચઢ્યો અને ચોથી જ
ક્ષણે સોસાયટી કંપાઉંડમાં આવી ગયો. સામે તેનું બુલેટ બાઇક પડ્યું હતું. તેનો
ભાઈબંધ ચાવી લઈ ઉભડક બેઠો હતો. તે આવ્યો એટલે હેલ્મેટ અને ચાવી આપી, પ્રશાંતે સૌથી પહેલા પહોંચી નિશાંતને ઉઠાવાનો હતો. ફટાફટ હેલ્મેટ પહેરી
બાઇક ચાલુ કર્યું. ટોળાંની બાજુમાં સળંગ હોર્ન મારતો તે ગાડી પાસે આવ્યો. કોઈ નજીક
આવે એ પહેલા પાછળનો દરવાજો ખોલ્યો. અંદર જોયું તો કોઈ ન હતું.
દીપેનભાઈને પૂછ્યું નિશાંત ક્યાં? ‘પોલીસ લઈ ગઈ.’ જવાબ મળ્યો. ત્યારે તેની નજર સોસાયટી ગાર્ડનના છેડે પડી. પોલીસની જિપ્સી
બ્હાર નીકળતી દેખાઈ. તેણે બાઇક એ દિશામાં ભગાવ્યું. ટોળું ગાડી પાસે આવી રહ્યું. દિપેનભાઈ
ગભરાયા. લોકોએ ગાડી ઘેરી લીધી પણ કશું હાથમાં ન આવ્યું.
*
નિશાંતે કોલ કરી દીપેનભાઈને પોલીસ સ્ટેશન આવવા
કહ્યું. પોલીસ ફક્ત પૂછપરછ કરી હતી કે તેની પાસે શાલકીની કોઈ માહિતી છે કે નહીં? કારણ હવે પોલીસ પર દબાણ વધી રહ્યું હતું.
જલ્દીથી આ કેસમાં કઈક અપડેટ આપવી જરૂરી હતી. બાકી ઘણાએ એમ ધારી લીધું પોલીસ હાથ પર
હાથ ધરી બેસી રહી છે. નિશાંતને ઉઠાવો પડ્યો કારણ ઓફિસ અને ઘર બધે માણસો પ્રદર્શન
કરવા હાજર હતા. પૂછપરછથી કઈ જાણવા ન મળ્યું. નિશાંત પાસે એમ પણ શાલકીની કોઈ માહિતી
ન હતી. પ્રશાંત આવ્યો અને પૂછ્યું શું થયું.
તેણે કહ્યું સારું થયું પોલીસ લેવા આવી બાકી ઓફિસ
આગળ અટકી જાત. પંદર મિનિટ બાદ દિપેનભાઈ આવ્યા. પ્રશાંત ઘરે ગયો. નિશાંત ઓફિસ માટે નીકળ્યો.
અંડરગ્રાઊન્ડ પાર્કિંગથી તે લીફ્ટથી ઓફિસમાં પ્રવેશ્યો.
“મોર્નિંગ.” આસિસ્ટન્ટ
રેશ્મા કેબિનમાં બેઠા હતા.
“મોર્નિંગ.” નિશાંતે
કહ્યું.
“નિશાંત તમારા અંગત
જીવનમાં જે કઈ તકલીફ હોય એમાં મને બોવ ઓછો રસ છે. ‘ને પ્રેમથી કહું તો મને જરાય રસ નથી પણ તમારી આસિસ્ટન્ટ તરીકે મારે
પ્રિટેંડ કરવું પયડશે કે’ મને રસ છે. તો તમે ક્યો ધનંજય
જ્વેલર્સના ઓનર્સ હારે હું થયું સે?”
“ધનંજય જ્વેલર્સ? એટલે દિનકર-ધીરેનભાઈવાળા?”
“બીજા કેટલા ધનંજય
જ્વેલર્સ તમારી જાણમાં છે?”
“જાણમાં તો એક જ છે, વેઇટ! તું કાં મારી હારે આમ વાત કરે છે? ડોન્ટ ક્રોસ યોર લિમિટ! રિમેમ્બર હું તારો બોસ છું,
તું મારી નહીં.”
“સવાલ છે ક્યાં સુધી? ‘ને હું મારી
લિમિટમાં જ છું. મેં એટલે જ પહેલા કહ્યું મને તમારી અંગત બાબતોમાં રસ નથી પણ હવે એ
બધુ અહીં અફેક્ટ થવા લાગ્યું છે. ‘ને રહી વાત મારા ટોનની તો
ટોન આવો જ રહેશે. ડિવિઝનલ મેનેજર બદલાય જાય તોય વાંધો નય પણ એની ભૂલું ના લીયધે
મારૂ નમતું નો દેખાવું જોઈ. હું ફોલ્ટમાં આવું એના કરતાં હું મારી સાઈડથી ક્લિયર
રે’વા માંગુ છું. જેથી મેનેજમેંટ ડીસીજન લેતી વખતે મને
ટાર્ગેટ નો કરી શકે કે મે કાં કાંય નો કયરું?”
ઠાવકાઈથી રેશ્માએ જવાબ
આપ્યો, પછી ઉમેર્યું:”તો બોલો શું પ્રોબલમ થઈ છે?”
“એક સેકન્ડ. મેનેજમેંટ
ડીસીજન લે? મારી પર્સનલ મેટર કેવી
રીતે અહીં અફેક્ટ થઈ?” નિશાંતે પૂછ્યું.
“ઈ તમને મેઈલમાં ખબર પડી
જશે. પે’લા ક્યો કે પ્રોબલમ શું છે?”
“ઈ લોકોએ મારા ભાયને માયરો, મને પણ માયરો. ગંદી ગાયરું દીધી. તને ખબર
છે હું મા સામે એક શબ્દ સાંખી નથી શકતો. મારા ભાયના જન્મ પછી મમ્મી ધામમાં ગયા, એમના પછી પપ્પાએ જ અમને બંને ભાયને મોટા કયરા. પપ્પાએ બીજા લગ્ન...”
“આઈ ડોન્ટ કેર!” અધવચ્ચે
રેશમાં બોલી:”Either you fix this mess or get ready for some troubles!”
“What is wrong with you? શાંતિથી વાત કરને.”
“વસંત ઓટોએ મેઈલ કયરો’તો તમારા પર...”
“એ તો સોલ્યુશન લાવી દીધું
હતું આપડે. તને તો ખબર જ છે...” નિશાંત બોલ્યો.
“Wait! Let me finish, don’t interrupt me while
I’m talking. I will give you time to speak. (મને પહેલા મારી પૂરી વાત બોલી
લેવા દે, વચ્ચે ના બોલ. હું બોલવા માટે સમય
આપીશ.) એ પછી પાછું આજે શાલકીનું
નવું પ્રકરણ ચાલુ થયું, જેમાં
તમારું નામ સંડોવાયું છે. કંપનીની રેપ્યુટેશન પર અસર થઈ રહી છે. મેનેજમેંટ તમારી
સાથે ફાઇનલ મિટિંગ કરવાની છે, તમારે ફાઇનલ સેટલમેન્ટ...”
“યાર, એમાં મારો કોઈ હાથ નથી. મને નથી ખબર શાલકી
ક્યાં છે, નથી મને કશું કહીને તે વય ગઈ...”
“નિશાંત! Just keep quite! તમે
લકી છો કે આજે ફ્રાઈડે છે. HRએ
તમારી પોઝિશન Vacant(ખાલી) કરી દીધી છે. આજે બોર્ડના
મેમ્બર્સ આવી શકે એમ નથી, એથી તમને ફાયર કરી નથી શક્યા.
સોમવારે સૌથી પેલું કામ એ જ કરશે. તમે મામલો સોર્ટ આઉટ કરશો ન્યાં સુધીમાં બોર્ડ
કાઢી મૂકશે તમને.” તેના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. તેણે ઉમેર્યું:”આવું બધુ છે, જે છે એ.”
“ઓકે. મેનેજમેંટ પર્સનલ
ઇસ્યુઝ રેઇસ નો કરી શકે.”
“કાં નો કરી શકે? એ ક્લાયન્ટ છે ‘ને
તમે એના વર્કર. Remember, customer is the king and we all are mistress! તમે ક્લાયન્ટ હતા ત્યારે
સેફશિલ્ડમાં શું કયરું હતું યાદ છે ને? દે ઠોકમ ઠોક ડીસીજન લીધા’તા. ‘ને છેલ્લે શું થયું? કંપનીનું ભોપાળું વાગી ગયું. છતાં, તમારી પાસેથી હું ઘણું શીખી છું.
એ દિવસો યાદ આવશે. મંડે સુધીમાં આ ઇસ્યુઝ રિસોલ્વ કરી શકતા હોવ તો કરી લ્યો.” કહી
રેશ્મા ખુમારી સાથે બ્હાર નીકળી. તે બ્હાર નીકળી એટલે નિશાંત બબડ્યો:
“આના
સાલીના દા’ડા હાલતા લાગે!”
ઓફિસમાં કોઈને ખ્યાલ ન હતો
નિશાંત જ કંપનીનો માલિક છે માટે તેને નોકરીની ચિંતા ન હતી. છતાં, તેને હાલની પોઝિશન પરથી હટાવામાં
આવે તો ઘણા પ્રશ્નો ઊભા થઈ શકે એમ હતા માટે આ નવી ગૂંચવણનો છેડો લાવવા વિચારમંથન
શરૂ કરી દીધું.
*
“દીદી કાલે થોડું વધારે થઈ
ગયું.” સુરભિ ફોન પર વાત કરી રહી હતી.
“શું વધારે થઈ ગયું?” સામેથી સવાલ આવ્યો.
“તમારે ખાલી શાલકીના
મિસિંગની રિપોર્ટ આપવાની હતી,
નિશાંતને ખરાબ નો’તો દેખાડવાનો. અમારે એમની હાયરે સબંધ
રાયખવાનો સે.”
“સુભી, બેટા મને ખબર છે બધી પણ કોઈ મુદ્દા વગર એક
કલાક સુધી તો હું શાલકીના ગુણગાન ના ગાય શકું ને ટીવી પર?
નિશાંતે જે કર્યું છે એ લોકો સમક્ષ લાવવું જ પડે એમ હતું. ‘ને
તું ચિંતા નો કર નિશાંતનું તારી બેન હાયરે જ ગોઠવાશે. રાજકોટમાં કોઈ છોકરી નિશાંતની
હામે નય જોવે અને એ બીજે છોકરી શોધવાની મૂર્ખામી નય કરે.” મહિમાએ જવાબ આપ્યો.
“પણ એટલું બધુ તમારે
બોલવાની શું જરૂર હતી? નો બોયલા
હોત તો હાલત. અહીં ઘેયરે મમ્મીને તાવ આવી ગયો ચિંતા કરીને.”
“સુરભિ, આ શો બિઝનેસ છે. ‘ને
મારા શો માટે જે જરૂરી છે એ મેં કર્યું. તમારે મારો આભાર માનવો જોઈએ, મેં શાલકીનો પક્ષ લીધો. જેથી આટલા લોકો તમારી જોડે ઊભા રહ્યા. બાકી, કોઈ પૂછવા પણ નો આવત શાલકી ક્યાં છે?”
“મહિમા દી’ તમે ખોટું સમજ્યા. We are thankful
to you! આ મેટર થોડી એક્સ્ટ્રીમ થઈ ગઈ ટીવી પર એટલે મેં જરા
કીયધું...”
“સારું. સુરભિ મારે જાવું
પડશે હવે, એક અર્જન્ટ કામ છે,
પછી વાત કરું. ‘ને સમય રહેશે તો સાંજે મળવા આવીશ હું તારા
મમ્મીને. એમને કે’જે ચિંતા નો કરે.” મહિમાએ કહ્યું.
“હા. ઠીક છે. બાય.”
મહિમાએ કોલ કટ કર્યો. ઘરના સૌ ચિંતિત હતા કે નિશાંતનો
આના પર શું પ્રતીભાવ હશે. મેટર હાથ બ્હાર જતી રહી હતી. હવે જનતા જનાર્દન જે કરે એ
સાચું. સુરભિ પાસે હજી એક છેલ્લું બ્રહ્માસ્ત્ર બાકી હતું. જો તેણે એ અસ્ત્ર
છોડ્યું તો નિશાંતનો વિનાશ પાકો હતો. રમખાણ મચી જવાની સંપૂર્ણ શક્યતા હતી. સુરભિની
આ વિનાશકારી યોજના વિશે ઘરમાં કોઈને ખબર ન હતી. તે રાહ જોઈ રહી હતી યોગ્ય સમયની કે
વારો આવે ‘ને નિશાંત તેમની
વિરુદ્ધ કઈક બોલે એટલે તેનો ખેલ ખલાસ!
નિશાંતની હાલત વધારે કઠોર થઈ ગઈ હતી. તે બપોરે જમવા
કેન્ટીન ગયો. ત્યાં પ્રદર્શનકારીઓ ભેગા થઈ ગયા. ના છૂટકે તેણે ત્યાંથી ભાગવું
પડ્યું. ઉપર આવી કેબિનમાં જ જમવાનું મંગાવવું પડ્યું. તે આમ રહેવા ન હતો માંગતો. મહિમાના
શોએ લોકોમાં તેના પ્રત્યે રોષ જગાવ્યો હતો. હવે, તે સામે આવી કઈક બોલે તો ફેર પડે. દરેકના મનમાં પ્રશ્ન એ જ હતો, નિશાંત આ ઘટના પર શું વિચારે છે, તેની શું
પ્રતિક્રિયા હશે? તેનો આ મુદ્દા પર બોલવાનો સમય આવી ગયો હતો.
લોકો તેને ગાળો આપવાનું મૂકવાના ન હતા. તેણે નક્કી કર્યું સાંજે ઓફિસથી નીકળી
મીડિયામાં પોતાનું નિવેદન આપશે.
નિવેદન માટે માણસોની જરૂર હતી. જે શાંતિથી મીડિયા
સામે વાત મૂકવા દે. રેશ્મા આ કામમાં ઘણી મદદ કરી શકી હોત પણ હમણાં જે કહેર વરસાવી ચાલી
ગઈ’તી માટે તેની મદદ માંગવાનો સવાલ જ ઊભો ન હતો
થતો. આ કોર્પોરેટ જગતમાં કોઈ કોઈનું હોતું નથી. નિશાંત આટલા સમયથી કોર્પોરેટમાં
હતો. છતાં, એ બાબત ભૂલી ગયો. રેશ્મા કેટલું મીઠું મીઠું
બોલતી હતી એના આગળ. તેણે આસિસ્ટન્ટની ભૂમિકા બખૂબી નિભાવી અને સારી એવી મૈત્રી પણ
જાળવી. છતાં, સમય આવતા અસલી રંગ દેખાડી દીધો. તેણે જરૂર નિશાંતની
પોઝિશન માટે એપ્લાય કર્યું હોવું જોઈએ. કોર્પોરેટ જગત આ જ તો છે. વખત આવતા માનવી
ગમે તેને કચડીને આગળ વધી જાય. તેણે બીજા માણસો શોધવા જ રહ્યા. પ્રશાંતને બોલાવ્યો, બીજા કોને બોલાવી શકાય? નીચે ૬૦-૭૦ માણસો હશે. એમની
વચ્ચે એકલા જઊ જોખમી હતું. એક ક્ષણ તેને શાલકીની ઈર્ષ્યા થઈ,
તેની પાસે કેટલા બધા માણસો હતા.
કિરણ કોઠારીને કોલ કરી યોજના જણાવી. સાંજે અર્ધો એક
કલાક તેનો સંપૂર્ણ સ્ટાફ પાર્કિંગ આગળ જોઈતો હતો. સિક્યોરિટી તરીકે કિરણનો સ્ટાફ
નિશાંતની મદદે આવશે. એવી ગણતરી હતી. આ બાબતની જવાબદારી કિરણ કોઠારીએ ઉઠાવી. બંને
ભાઈઓએ ભેગા મળી તેનું નિવેદન તૈયાર કર્યું. સાંજે ઓફિસ પૂરી થઈ. કર્મચારીઓ
પોત-પોતાના ઘરે જવા નીકળ્યા.
સ્ટાફે ઓફિસની પાછળના પરિસરમાં ટેબલ-બે ખુરસી મૂકી
સ્ટેજ ઊભો કર્યો. પ્રદર્શનકારીઓ આગળના દરવાજા પાસે ઊભા હતા. નિશાંત અંડરગ્રાઊન્ડ
પાર્કિંગમાંથી સ્ટેજ પાસે આવ્યો. પ્રશાંતે બધા રિપોર્ટરોને પાર્કિંગમાં બોલાવ્યા. કેફેટેરિયા
સ્ટાફ સ્ટેજ ઘેરીને ઊભા હતા. પ્રદર્શનકારીઓ શાંતિથી રિપોર્ટરો પાછળ આવ્યા. નિશાંત-કિરણ
ખુરશીમાં બેઠા હતા. એ બાજુ લોકો આવ્યા એટલે સ્ટાફ મેમ્બર્સ સાવધાન બન્યા. કિરણ ઊભો
થયો.
“બધા શાંતિ રાખજો અને બની
શકે તો નીચે બેસી જાવ થોડીવાર. નિશાંતભાય આજે તમને તમારા સવાલોના જવાબ આપશે. આપડી
પાસે બહુ ટાઈમ નથી. ફટાફટ રિપોર્ટર્સ માઇક અહીં ટેબલ પર મૂકી દો જેથી આજનો સેસન
શરૂ કરી શકીએ. કેફેટેરિયાના યુનિફોર્મમાં સિક્યોરિટી જેમ ઉભેલા માણસો જોઈ બધાને
અજુગતું લાગ્યું પણ કોઈ જાતનો શોરગુલ કરવાની જરૂર ન હતી. પ્રદર્શનકારીઓ ચૂપચાપ
નીચે બેસી ગયા પણ પોતાના પોસ્ટર્સ નિશાંતને દેખાય એમ ઊંચા રાખ્યા. રિપોર્ટર્સ માઇક
ટેબલ પર મૂકી આવ્યા. ફક્ત નિશાંત ખુરશીમાં રાજાની જેમ પગ પર પગ ચઢાવી બેઠો હતો. તેની
આસપાસના તમામ લોકો ઊભા હતા. પ્રશાંત તેની પાછળ ડાબી બાજુ ઊભો રહ્યો.
“પહેલા નિશાંતભાયનું
નિવેદન સાંભળીશુ.” કિરણે કહ્યું અને તેની સામે જોઈ ‘Carry on’ની સંજ્ઞા દર્શાવી. રેશ્મા નિશાંતની બાજુમાં આવી
ઊભી.
“રંગીલું રાજકોટ. ખરેખર આ શહેરે આજે મને ઘણા નવા
રંગ બતાયવા છે. મારી જન્મભૂમિ અને કર્મભૂમિ આ ધરતી છે. મને બીજે કામ કરવાની તક
મળતી હતી, પૈસા વધારે છાપવાની તક મળતી હતી પણ હું આ
ધરતી, અહીના લોકોને છોડી ના શક્યો...”
“હા, હા શાલકીને કાં કીડનેપ કયરી ઇનો જવાબ આલ!”
ટોળામાંથી કોઈક બોલ્યું. પ્રશાંત ગુસ્સે થયો, તે એને પકડવા
આગળ વધ્યો. નિશાંતે હાથ આડો કરી રોક્યો અને નિવેદન ચાલુ રાખ્યું.
“આઇટી કંપની શરૂ કરવી મારૂ સપનું હતું અને અહીના
લોકોને રોજગાર આપવો મારો હેતુ. (પ્રદર્શનકારીઓ અંદરોઅંદર ગુસપુસ કરી રહ્યા નિશાંત
કેમ બીજી બીજી વાતો કરી રહ્યો છે?
પ્રશાંતની નજર એ આદમીને શોધી રહી, જેણે હમણાં ડપકું પુરયું
હતું.) ‘ને મેં ઈ કયરું. લોકોને રોજગાર આયપો, સરકારને મદદ કયરી. સહાય કયરી. એની સામે લોકો મને શું ક્યે? ગેંગસ્ટર, કીડનેપર...(પબ્લિક ચૂપ) ગુનાખોર. ન્યાંથી
પણ વાત નો અટકી તો મારા ઘર સુધી ગયા. મારી મમ્મી સુધી ગયા. ઈ મમ્મી જેના પ્રેમ માટે
આખી જિંદગી હું તરસ્યો છું.(તેના અવાજમાં કંપન આવ્યું, રડવા જેવો
થઈ રહ્યો) તમને બધાને હું હાથ જોડીને વિનંતી કરું છું. તમારે મને જે કે’વું હોય એ ક્યો, ચાર રસ્તા પર ફાંસી આપવી હોય તો પણ
હું આ રહ્યો તમારી સામે પણ પ્લીઝ, પ્લીઝ પ્લીઝ!!! મારી મા
વિશે કાંય બોલો મા. પ્લીઝ ના બોલશો! કદાચ
મારા જીવનમાં માનો સ્નેહ કે જીવનસાથીનો પ્રેમ નય લયખ્યો હોય. ના જનતાનું વ્હાલ...”
તે રડવા લાગ્યો. રેશ્મા તેની પાસે આવી અને ટીસ્યું આપ્યું. નિશાંતે આંખો લૂછી. રેશ્માએ
પાણીની બોટલ મંગાવી. સ્ટાફ મેમ્બરે પાણી આપ્યું. તેણે નિશાંતને બોટલથી પાણી
પીવડાવ્યું. લોકો આ દ્રશ્ય નિહાળી રહ્યા. બધુ કેમેરામા રેકોર્ડ થઈ રહ્યું હતું. રેશ્માનું
આવવું તેને અજુગતું લાગ્યું. તે પાસે આવી ધીમે રહી બોલી:”If you don’t feel
good, we can do this tomorrow. (તે કેમેરા તરફ ફરી) Please
stop the camera…”
નિશાંતને સમજાઈ ગયું તે કેમ આવી હતી. તે બોલ્યો:નો, નો. ભલે ચાલુ રહ્યું.” પછી મનોમન
બબડ્યો:”આવી ગઈ હરામજાદી મફતનું ફૂટેજ ખાવા. ટીવી પર આવવા માટે...” બાદમાં તેણે
નિવેદન યથાવત રાખ્યું:”હું કેવો માણસ છું, મારે મારા શહેરના
લોકોને જણાવાની જરૂર નયથી. મેં શું કયરું છે, હું કોણ છું
લોકો જાણે છે. ટીઆરપી માટે મને વગોવતા એન્કરથી મને કઈ ફર્ક નથી પડતો. મને ફર્ક પડે
છે મારા લોકોથી. આ સમાજથી, તમારા બધાથી. જ્યારે તમે લોકોએ
વિચાર્યું મેં શાલકીને કાંઈક કયરું છે, એના ગાયબ થવા પાછળ
મારો હાથ છે ત્યારે મને બહુ દુખ થયું. એટલે મારે આમ જાહેરમાં આવવું પડ્યું બાકી, એક વસ્તુ સમજાઈ ગઈ Media has no standard on today’s date.
મીડિયા એ જેનો ઇન્ટરવ્યુ બતાયવો ઈ યુવક કોણ છે, કોઈ જાણે છે? ઈ
શાલકીના ઘર પાસે રહે છે. શાલકીને દીદી કહેનાર ઈ યુવક શાલકીની નાની સગીર બેનની પાછળ
પડેલો છે. નિશાળે જતી સુરભિની પાછળ ઇ આદમી તેનો પીછો કરતો હોય છે. તેના ઘર આસપાસ
બાઇક લઈ આંટા મારતો હયો છે. આજનું મીડિયા એવા સડકછાપ લોકોની વાત બતાવી રહ્યું છે, જેમનો કોઈ ક્લાસ નયથી. એવા લૂખ્ખાતત્વોનો ઇન્ટરવ્યુ બતાવી મને ગેંગસ્ટર
કહેવાવાળા ન્યૂઝ એન્કરોના બેન્ક અકાઉન્ટ ચેક કરો, કે કોના
કહેવા પર મારા વિશે એવું બધુ બોલે છે?
શાલકીનું ખોવાવું મારા માટે પણ ચિંતાજનક છે. હા
અમારી વચ્ચે મતભેદ હતા પણ ઇનો અર્થ ઇ નથી કે મને તેની કશી પડી નથી. ભલે, અમારું કોઈ ભવિષ્ય નથી પણ એનાથી મારી
માણસાઈ મટી નથ જાતી. ન્યૂઝ એન્કર તમને ઈ નહીં દેખાડે કે જ્યારે એનો કોલ આવ્યો
ત્યારે હું શાલકીના ઘરના પાસે બેઠો હતો. ઈ એન્કર તમને નહીં જણાવે મેં શાલકીના
પપ્પા-મોટા પપ્પાને પગે લાગી મારા ઘેયરે જમવા આમંત્રિત કયરા’તા.
(બિલ્ડીંગના સિક્યોરિટી ઇન્ચાર્જ આવ્યા, અને પાછળ ઉભેલા
લોકોને પૂછ્યું:’યહાં ક્યા હો રહા હે?)
હું ચાહું છું શાલકી ખૂબ જ જલ્દીથી મળી જાય, આ કેસ પર પોલીસ કાર્ય કરી રહી છે. હું સૌને
વિનંતી કરું છું પોલીસ પર વિશ્વાસ રાખો અને બિનજરૂરી ન્યૂસન્સ ઊભો ના કરશો. તમારા ઘેયરે
જાવ, પોલીસને તેમનું કાર્ય કરવા દ્યો.” નિશાંતે તેનું નિવેદન
પૂરું કર્યું. પાછળથી બિલ્ડીંગના ઇન્ચાર્જ આવ્યા.
“યે સબ ક્યા હે? આપ ઐસે લોગ ઇકઠ્ઠા કરકે ઇન્ટરવ્યુ કેસે કર
શકતે હો? બંધ કરો યે સબ.” બીજા દસ-બાર સિક્યોરિટીવાળા દંડા
લઈ આગળ આવ્યા.
“નિશાંત, તો તમે એમ માનો છો શાલકી તમારા કારણે ગાયબ
નથી થઈ?” એક રિપોર્ટરે પૂછ્યું.
“અરે, સબ બંધ કરો. યે... ક્યાં લગા રખા હે!” ઇન્ચાર્જ
પાછળ લોકોને વેરતા બોલ્યો. પ્રશાંત ત્યાં આવ્યો અને બોલ્યો:”શું પ્રોબલમ છે?”
બે ક્ષણ પ્રશાંતને જોઈ
યુપીનો ગુપ્તા સિક્યોરિટી ઇન્ચાર્જ ડઘાઈ ગયો, પછી બોલ્યો:”પ્રોબલમ મતલબ? આપકે પાસ પરમીશન હે યહાં
પ્રોગ્રામ કરને કા?”
“બે મિનિટ ખમી જા...”
પ્રશાંત બોલ્યો.
“નય, નય બંધ કરો સબ.” કહેતા ઇન્ચાર્જ સ્ટેજ તરફ
વધ્યો. પ્રશાંતે એને પકડી લોન બાજુ ફેંક્યો. તે ઇન્ચાર્જ ગલોટિયું ખાઈ ઘાસમાં પડ્યો.
બીજા બે ગાર્ડ્સ પ્રશાંતને મારવા આવ્યા. સ્ટાફ મેમ્બર્સ તેની મદદે દોડ્યા.
“ના. શાલકીની પોતાની પૂરી
જિંદગી છે, ઈ શું કામ મારા માટે
ક્યાંય જાય?”
નિશાંતની આ દલીલ
રિપોર્ટર્સને પાંગળી લાગી. તેમણે એ જવાબ સામે પ્રશ્નોનો પહાડ ઊભો કરી દીધો. તે તોતડાઈ
ગયો. રેશ્માને લાગ્યું હવે અહીંથી નીકળવું જોઈએ. સિક્યોરિટી ગાર્ડ્સ લાઠીચાર્જ શરૂ
કરી દીધો. જેનો ભોગ પાછળના કેટલાક પ્રદર્શનકારીઓ બન્યા, તેઓ ભાગવા લાગ્યા, સિક્યોરિટીવાળા
અને કેન્ટીનના સ્ટાફ મેમ્બર્સ સામ-સામે આવી ગયા.
રેશ્માએ અમથો ફોન કાને લગાવ્યો અને નિશાંતની નજીક
આવી બોલી “મિટિંગનો કોલ આવ્યો છે, તો
જવું પડશે ચાલો.” નિશાંત ઊભો થયો. કિરણ પણ ઊભો થઈ સિક્યોરિટી વાળા પાસે આવ્યો. તેમને
શાંત પાડતા વાટાઘાટ કરવા લાગ્યો. પ્રશાંતે હાથ ઉગામયો તો મામલો ગરમાયો. ભેગા થયેલા
લોકોમાં ભાગદોડ થઈ ગઈ. રિપોર્ટર્સ નિશાંતને પ્રશ્ન પૂછી રહ્યા હતા. તે ત્યાંથી
નીકળી ગયો. કેમેરામેન તેની પાછળ દોડ્યા. પ્રશાંતે તેમને જતાં જોયા, તે એમની પાછળ ગયો. સિક્યોરિટીવાળા ઉગ્ર થઈ ગયા. ફટાફટ નિશાંત-રેશ્મા ગાડીમાં
બેસ્યા. પાછળ પ્રશાંત આવ્યો એ પણ બેઠો. દિપેનભાઈએ ગાડી ઉપાડી. ઘડીકમાં ધમાચકડી થઈ
ગઈ. થોડીવાર સિક્યોરિટી અને સ્ટાફ મેમ્બર્સ બાથે ભીડયા. પછી થયું કે શું કામ લડે
છે? બધા સૌ પોતાનું કામ કરી નીકળી ગયા હતા.
“તું કાં આયવી? ફૂટેજ ખાવા?” નિશાંતે
બાજુમાં બેસેલી રેશ્માને પૂછ્યું.
“હું હજુ પણ તમારી
આસિસ્ટન્ટ છું. ‘ને મારી
જોબ છે તમે જ્યાં નિવેદન આપો ન્યાં હાજર રહેવું. મને ફૂટેજ ખાવાનો કોઈ શોખ નથી. જો
તમે મને કહ્યું હોત તો આપડે સાથે મળીને તમારું સ્ટેટમેન્ટ તૈયાર કરત.”
“સારું.” નિશાંતે એ
દ્રષ્ટિકોણથી ન હતું વિચાર્યું.
“તમારે તો ક્યાં ઉતરવાનું
છે?” પ્રશાંતે રેશ્માને પૂછ્યું.
“મારૂ એક્ટિવા પાર્કિંગમાં
પયડું છે.”
“એની ચિંતા કરો મા. મને
ચાવી આપજો. અત્યાર તમને ઘેયરે ઉતારી દેવી. પછી હું એક્ટિવા મોકલાવી દવ છું.”
“જી, ઓકે. થેન્ક યુ પ્રશાંતભાઈ.” રેશ્માએ આભાર
માન્યો.
વૃંદાવન ફ્લેટ્સ પાસે ગાડી ઊભી રહી. તેણે ચા માટે
ઉપર આવવા કહ્યું પણ નિશાંતે કહ્યું કે ઘરે જવું પડશે. રેશ્માએ આગ્રહ કર્યો પણ
તેમણે ત્યાંથી ઘરે જવા નીકળી ગયા. બાદ કિરણ કોઠારીને કોલ લગાવી ત્યાંની પરિસ્થિતી
વિશે માહિતી મેળવી. લોકો વેરાઈ ગયા હતા. સ્ટાફ મેમ્બર્સ અને ગાર્ડ્સ પોત-પોતાના કામે
વળગ્યા. થોડીવાર પહેલા થયેલી ધમાલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. નિશાંતે આપેલા
નિવેદનનો સામો પ્રતિકાર મહિમા આપ્યા વગર રહેવાની ન હતી. જો ત્યાં માથાકૂટ ના થઈ
હોત તો બધુ પરફેક્ટ રીતે પૂરું થયું હોત પણ મીડિયાને બોલવા માટે મુદ્દો જડી ગયો
હતો.
*
“નમસ્કાર, હું મહિમા અગ્રવાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના શોમાં:’લોકો પિટે તો પિટે, વટ બિલકુલ ના ઘટે! જી હા થોડીવાર
પહેલા નિશાંત પરમારનું એક ડિસ્ટર્બિંગ ઇન્ટરવ્યુ સામે આવ્યું છે. જેમાં તેમણે વટથી
કહી રહ્યા છે મારૂ અને શાલકીનું આગળ કોઈ ભવિષ્ય નથી તો શું થયું? પોલીસ તેમનું કામ કરી રહી છે. જુઓ આ રહ્યો વિડીયો.” વિડીયો પ્લે કરવામાં
આવ્યો. જેમાં નિશાંતનું સ્ટેટમેન્ટ કાપી-જોડીને કઈક જુદા અર્થમાં બતાડવામાં
આવ્યું. ટીવીમાં અધૂરું સ્ટેટમેન્ટ પ્રસારિત થયું. જેનો અર્થ બીજો થઈ રહ્યો હતો.
આખી વાતમાં નિશાંતે કહેલું એટલું વાક્ય વધારે વાર દેખાડવામાં આવ્યું:’મારૂ અને શાલકીનું આગળ કોઈ ભવિષ્ય નથી તો શું થયું?
પોલીસ તેમનું કામ કરી રહી છે.’ નિશાંત,
રાવજીભાઈ અને પ્રશાંત સમાચાર જોઈ રહ્યા હતા.
“આગળ નિશાંત પરમારના નાના ભાઈ પ્રશાંતનો વિડીયો
સામે આવ્યો છે. જેમાં તેઓ બિલ્ડીંગના સિક્યોરિટી ગાર્ડ્સ સાથે મારામારી કરતાં
દેખાઈ રહ્યા છે. ઘાટ્ટા ભૂખરા રંગના જભ્ભામાં ઉભેલ વ્યક્તિ પ્રશાંત પરમાર છે.
(સ્લો મોશનમાં વિડીયો દેખાડવામાં આવ્યું) જુઓ કેવી દાદાગીરીથી તે એક સિક્યોરિટી
ગાર્ડને ખૂલેઆમ કોલર પકડી ધક્કો મારી રહ્યા છે. શું પ્રશાંતને પોલીસ અથવા પ્રશાસનની
બીક નથી? ત્યારબાદ નિશાંત પરમારની ગેંગના આદમીઓ
સિક્યોરિટી સાથે મારામારી પર ઉતરી આવ્યા. શાંતિ રાખવાની વાત કરવાવાળા નિશાંત પરમાર
પોતે રમખાણ કરાવી રહ્યા છે. નિર્દોષ લોકો પિટાઈ રહ્યા છે,
છતાં નિશાંત પરમાર તેમની પર્સનલ સેક્રેટરી સાથે ગાડીમાં જતાં રહે છે. લોકો પિટે તો
પિટે પણ નિશાંતસિંહનો વટ નો ઘટે!” (પર્સનલ સેક્રેટરી નથી એ. નિશાંત બબડ્યો.)
નિશાંતનું તાજેતાજું સ્ટેટમેન્ટ ગુજરાતી ન્યૂઝ
ચેનલો પર ફરતું થઈ ગયું. સોલંકી પરિવાર નાસીપાસ થયો. મીડિયા સુધી વાત પહોંચાડવાનો હેતુ
એ જ હતો કે ગમે એમ તે બંનેને મળાવી શકે. આટલું બધુ થયા પછી પણ નિશાંત સ્ટેટમેન્ટ
આપે છે ‘ભલે અમારું સાથે કોઈ ભવિષ્ય નથી.’ આ વાત નિરાશાજનક હતી. શાલકીનું ઘર અશ્રુઘર બની ગયું. કોઈ ઉમ્મીદ કે આશ
હવે ન દેખાઈ રહી. નિશાંતની વાત માની લેવી જ ઠીક લાગી. કદાચ તેમનું આગળ કોઈ ભવિષ્ય
નહીં હોય.
પોતાના ઘરની આવી દુર્દશા સુરભિ સાંખી ન શકી. તે એના
રૂમમાં ગઈ અને બ્રહમાષ્ત્રની તૈયારી શરૂ કરી. તેણે સિદ્ધાર્થને યોજના જણાવી. સુરભિની
વાત સાંભળી સિદ્ધાર્થ ખળભળી ઉઠ્યો. આ ખેલ તાસના પત્તાના ઘર જેમ ઊભો થયો હતો. એક
પત્તું પણ હલાવ્યું તો આખું ઘર ભાંગી જવાનું. તેની યોજના અમલમાં લાવતા બીજા લોકોની
જિંદગી પણ દાવ પર લાગી જશે. તેમ છતાં, સિદ્ધાર્થે મંજૂરી આપી. લોકો પ્રેમમાં પોતાની જાતને કુરબાન કરી દેતા હોય
છે. આ પરિવાર પહેલો એવો પરિવાર હતો જે પોતાના પ્રેમ માટે બીજાને કુરબાન કરવાની
તૈયારી દેખાડી રહ્યા હતા.
“આજની રાયત નિશાંતકુમાર
શાંતિથી ઊંઘી લ્યો, કાલના દિ’ પસી તમારી રાત પડવાની નથી.” સિદ્ધાર્થ બોલ્યો.
*
[શનિવાર સવારે ૯:૪૮ કલાકે]
નિશાંતના સ્ટેટમેન્ટથી પ્રદર્શનકારીઓ ઘટી ગયા હતા.
છતાં, જે પાક્કા અંધઅનુયાયીઓ હતા, તેમણે તેને હજુ પણ દોષિત માનતા હતા, તેમણે
પ્રોટેસ્ટ ચાલુ રાખ્યો. સવારે બારીમાંથી જોયું ૨૨ જેટલા પ્રદર્શનકારીઓ પોસ્ટર લઈ ઘર
સામે બેઠા હતા.
“હું કરવું સે? ફટકારું બારે જાઈને?”
પ્રશાંતે પૂછ્યું.
“ના. જે વ્યક્તિ જોઈ ના
શક્તી હોય એને રસ્તો પાર કરાવી શકાય. જેમણે આંખો બંધ કરી રાયખી છે, એમની મદદ આપડે નો કરી શકીએ. કાલે આપડે
રસ્તો દેખાડી દીધો. જે બુદ્ધિથી વિચારી શકતા હતા એ એમના ઘરે જતાં રહ્યા. આ લોકોએ
આંખો બંધ કરી રાયખી છે. ભલે બેસતા.” નિશાંતે જણાવ્યુ.
તેઓ રાબેતામુજબ પોતાનું કામ કરી રહ્યા. સોસાયટી
વચ્ચે બેસેલી ભીડ આસપાસના રહેણાકોનું ધ્યાન ખેંચતી. ત્રણેય બાપ-દીકરા ઘરમાં બેઠા
હતા. બ્હાર નીકળી શકતા ન હતા. લોકો તેમને ફોન કરી આ બાબતે વાત કરતાં. દર કલાકે પ્રશાંત
બ્હાર જઈ માવો ખાતો. સામે બેસેલા લોકોને જોઈ લોનમાં પિચકારી મારી અંદર આવી જતો. બાર-એક
વાગે સુરભિ-સિદ્ધાર્થ બાઇક પર નિશાંતના બંગલે આવ્યા. સાંકળથી ઝાંપો બંધ હતો. બંનેએ
પહેલા તો દરેક પ્રદર્શનકારીઓનો આભાર માન્યો. તેઓ એમની સાથે વાત કરી રહ્યા. દરમિયાન
સિદ્ધાર્થ પાનના ગલ્લે બધા માટે પાણીના પાઉચ લેવા ગયો. પાઉચનો કોથળો પેટ્રોલની
ટાંકી પર મૂકી તે પાછો આવ્યો. બધાને પાણી આપી હાલચાલ પૂછ્યા. બાદ સુરભિ ઝાંપા પાસે
ગઈ, બેગમાંથી એક પરબીડિયું કાઢી અંદર ઉભેલા
દ્વારપાલને આપ્યું. થોડીવાર પ્રદર્શનકારીઓ પાસે ઊભા રહી તેમણે ત્યાંથી નીકળી ગયા.
જતાં-જતાં ચાની રેકડી પર જઈ પ્રદર્શનકારીઓ માટે ચા-બિસ્કીટનો ઓર્ડર આપ્યો. બિલ
ચૂકવી બંને ઘરે આવ્યા.
દ્વારપાલે અંદર પાર્સલ આપ્યું. નિશાંતે એન્વોલોપ
ખોલ્યું. તેમાં ફાઇલ હતી. વાંચવાનું શરૂ કર્યું. વિષયનું મથાળું અને પહેલો ફકરો
વાંચતાં જ તેના હોશ ઊડી ગયા. સુરભિએ લીગલ નોટિસ મોકલી હતી. ઈકામારુ કંપની જે એક
મેડપ કંપની નિશાંતે બનાવી હતી. એના પર કોર્ટ ઇંક્વાયરી બેસાડવાના પેપર્સ મોકલ્યા
હતા. શનિ-રવિ રજા હોવાના લીધે સોમવારે જ કોર્ટમાં નોટિસ ફાઇલ કરવાની હતી. આ તો
નિશાંતની જાણ માટે મોકલી આપી. અલગ-અલગ ફ્રૌડ, ગેરકાનૂની વ્યવસાય કેન્દ્ર, મની મેનીપ્યુલેટિંગ, કરચોરી જેવા ગુના હેઠળ ડઝન એક ધારા-કલમો લગાડી હતી.
સુરભિ બારમું ભણતી હતી. તેના ધોરણના હિસાબે આટલું
બધુ જ્ઞાન અસાહજિક રીતે વિશેષ હતું. તેને લાગતું જ હતું નિશાંત સામી પ્રતિક્રિયા
આપશે, એથી જ અગાઉ તેણે નોટિસ આપવાનું વિચારી
રાખ્યું હતું. આ બાબત ગંભીર હતી. નિશાંત બધુ ગુમાવી શકે છે. ઉપરથી જેલમાં જવાનું
થાય એ અલગ. આ હદે સોલંકી પરિવાર તેના પર પ્રહાર કરશે, એવી
તેણે કલ્પના ન હતી કરી. સુરભિનું આ બ્રહ્માસ્ત્ર નિશાંત,
તેનું પરિવાર અને તેની કંપની બધાને ખેદાનમેદાન કરી નાખવા સક્ષમ હતું. વધુ દાઝ તેને
એ વાતની ચઢી કે તેણે લોલાનું નામ એની સાથે જોડ્યુ અને એ પણ ટીવી ઉપર. તે જરાય રહેમ
ખાવા માંગતી ન હતી. ભલે, એકના કારણે બીજા ૧૦૦ લોકો નોકરી
ગુમાવે. એકને બેઇજ્જત કરવા સામે બીજા હજાર કપડાં વિના ફરતા હશે તો ચાલશે. એવું
સુરભિનું માનવું હતું.
નિશાંતને ફાળ પડી. આ કઈ નાની મોટી વાત ન હતી. આ
સ્કેમ બ્હાર આવે તો લોકો તેનું મો કાળું કરી જુલૂસ નિકાળે એમ હતા. બીજા ઘણા લોકોની
નોકરી જતી રહે જો કંપની પર કેસ થાય તો. પોતાના ઈગોને લેટ ગો કરી આ મામલો શાંત
પાડવો પડે એમ હતો. રાવજીભાઈને આ વાત જણાવી. તેમણે મિત્ર હરિભાઈ વકીલને કોલ લગાવી
ઘરે બોલાવ્યા. નિશાંતે સમગ્ર વાત જણાવી ફાઇલ બતાવી. હરિભાઈએ નોટીસના બધા કાગળિયા
વાંચ્યા, પછી એક બાબત પાક્કી થઈ ગઈ. આ મેટર કોર્ટમાં
ગઈ તો નિશાંતનું આવી બન્યું. બીજો વિકલ્પ એ હતો કોઈ ડોમેસ્ટિક આઇટી કંપની સાથે
જોડાણ કરી ઓફિશ્યલ દસ્તાવેજ ઊભા કરે. જો કોઈ કંપની ટેકો કરે તો બચી શકાય.
જે લગભગ અશક્ય વાત હતી. નિશાંતે ઓન પેપર માહિતી આપી
હતી પણ રેવન્યુ આઉટસોર્સિંગનો કોઈ ડેટા ભારતમાં ન હતો થઈ રહ્યો. તે અમેરિકાથી
પોતાને પગાર આપી રહ્યો હતો. ઉપરાંત જે કઈ રેવન્યુ જનરેટ થતો તે ડેન્માર્કવાળા
ખાતામાં ટ્રાન્સફર થઈ રહ્યો હતો. કોઈ કંપની આવી ગૂંચવણવાળી કંપનીમાં હાથ ન નાખે. ‘ને જેની પાસે જાવ એને આ બધી બાબતોથી વાકેફ
કરવા પડે. જે સારો વિચાર ન હતો. રાઈવલ કંપની મદદ કરવાની જગ્યાએ આગમાં ઘી હોમવાનું
કામ કરી શકે છે. એમ વિચારી કે ચાલો કોમ્પિટિશન ઓછી થઈ. જેથી એ રસ્તે પણ જવાય એમ ન
હતું.
અંતિમ ઉપાય સુરભિ સાથે રૂબરૂમાં વાટાઘાટ કરી મામલો
અટકાવી દેવાનો બચતો હતો. આટલી મોટી ઘાત મારી છે તો તેમની ડિમાન્ડ સામાન્ય રહેવાની
નથી. તે જરૂર શાલકી સાથે લગ્નની વાત લાવી મૂકશે. હરિભાઈ વકીલે એ જ કહ્યું માંડવાળી
કરી લેવામાં જ શાણપણ છે. બાકી જો ફરી કંપની ઉઠી જશે તો પાછા ઊભા નહીં થઈ શકાય. ‘ને ફ્રૌડના કેસમાં કોર્ટ રહેમ નથી દાખવતી.
આબરૂના ધજાગરા થાય એ અલગ. તેણે શાલકીને ફોન લગાવ્યો:
“હલો.”
“સુભુ, બેટા મજામાં?”
“બોલો જીજુ. હું મજામાં.
તમે કેમ છો?”
“તને ખબર જ છે ને. હમડા
આવીને તે તબિયત ના સુધારી મારી. તને કોણે કીધું મારી કંપની યુએસ બેઝ નથી? ”
“એ વાત મેલો, મારે એ વાત નથ કરવી. ડાઇરેક્ટ પોઈન્ટ પર
આવો.”
“ડાર્લીંગ તારે મને
કહેવાનું છે, શું કરવું છે? પે’લા એ વાત જણાવ તને ખબર કેમની પડી કંપની વિશે?”
“શાલકીનો ઇન્ટરવ્યુ યાદ છે? એના જવાબ અમે તૈયાર કરતાં’તા ત્યારે મેં એને પુયછું’તુ એ રાતે તમે શું કયરું.
એણે મને તમારી આખી હિસ્ટ્રી કહી. એ ડોબીને નથ ખબર પડતી કે આ ફ્રૌડ કે’વાય.”
“બરાબર.” નિશાંત બોલ્યો. ‘બૈરાંના પેટમાં કોય વાત રે’તી નથી. કશું નો કે’વાય આમને!” મનોમન બબડ્યો.
“એ બધુ મેલો સાલ. મેં મારી
બેનને તમારી હારે જેટલી ખુશ જોઈ સે, એટલી ક્યારેય કોઇની હારે નથી જોઈ. હા એકવાર અમે સર્કસમાં ગ્યાં’તા. ન્યાં એક જોકરની ધોતી ખૂલી ગઈ’તી ત્યારે એ બોવ
હસી’તી પણ મૂળ વાત, એ તમારી હારે બોવ
ખુશ રયે છે. ‘ને મેં તમારી આંખોમાં એના માટે ફિલિંગ જોઈ છે. તો
ઇગો બાજુમાં રાખી, એક સારો સંબંધ આગળ કાં નો વધારીએ?”
“હા, એ તો ડિમાન્ડ હશે જ મને ખબર હતી. બીજું
કાંય?”
“ના. મારે તમને બંનેને ખુશ
જોવા છે.”
“મારી ખુશી...(તે
કટાક્ષમાં હસ્યો) ક્યાં છે ક્યાં તારી બેન? લો હાલો કરી લઈએ લગન!” નિશાંત બોલ્યો.
“હું નથી જાણતી. મને એમ કે
તમને ખબર હયશે.”
“તો આ બધુ લાંબુ કરવાનો
મિનિંગ શું યાર? જો તારે કે’વું જ ન’તું તો...”
“અરે, મને સાચ્ચે નથી ખબર,
હું...”
“આ તમારા માટે રમત હયશે, મારા માટે નય. મારા ઘર હામે ૨૫ જણા ધરણાં
પર બેઠા સે. મારી ઓફિસમાં વાટ લાગી ગઈસ. આબરૂની પત્તર ફાડી નાયખી સે. ‘ને તું મને એમ જવાબ આપે છે શાલકી ક્યાં છે? તને નથી
ખબર! હજુ તમારે લોકોને શું જોઈએ સે? પગ તો કાપી નાયખા મારા.
ના હું મારા ઘરની બારે જાઈ શકું સુ, આબરૂ કાયઢી નાખી મારી, ના હું કોઈને મો દેખાડી હકું સુ. નોટિસ મોકલી તે મને જેલ ભેગો કરવાની
તૈયારી બતાડી, મારી કંપની બંધ કરાવી ભિખારી તો બનાયવી દીધો
મને, હવે શું મારી મરદાનગી ઉતારવી સે તમારે મારી? નપુંશક બની જવ હું?” નિશાંત વીફર્યો.
“તમારી મરદાનગી મારી બેન
પાસે છે. એની જરૂર નથ.” કહી તે હસી અને પછી બોલી:”મજાક કરું છું, તમે ચિંતા નો કરશો. ઈ આવી જાશે.”
“તમારું આખું ઘર સાયકો થઈ
ગયું છે, તમે બધા મેન્ટલ હોસ્પિટલમાં દાખલ થઈ જાવ, હંધાય મેન્ટલ પેસન્ટ સો તમે.”
“હાય, હાય. આવું કે’વાનું
તમારા થવાવાળા ઇન લોઝ વિશે...?” સુરભિ હસી.
“તારે મારી હાયરે જે કરવું
હોય ઈ કરી લે. જે દા’ડે મને ખબર
પયડીને કે’ તમે જાણી જોઈને આ નાટકો કયરા’તા. તમને જાણ હતી, તેમ છતાં નો કહ્યું એ ક્યાં સે.
તો તું ગઈ હમજજે. ભલે હું જેલ ભેગો થાવ તમને બધાયને ફેક કેસ કરવા પાછળ જેલના સળિયા
ગણાવડાવીશ. તને એકલીને જ કાયદો ખબર છે એમ નો હમજતી. યાદ રાખજે મારા જેવો ફરેલ આખા
રાજકોટમાં કોય નથી.” નિશાંતે કહ્યું.
“એ તો બધાને ખબર છે, હારુ હાંભળો, જો
જેલમાં જાવાનું થાય તો આપડે જોડે જોડેની કોટડિયુંમાં રોકાયશું. એકબીજાને કંપની આયપવા.
ન્યાં તમે મને તમારા બીજા જોલજપાટા કે’જો.”
“બોવ ડાઈ ના થઈશ.”
“છું જ નાનપણથી.” તે બોલી.
“હારુ. એને હોધી પાડો. જો
હું હોધીશ તો તમને બધાને જેલ ભેગા કરી દઇશ!”
“We will meet you there!(અમે તમને ત્યાં મળીશું.)” સુરભિ
બોલી. નિશાંતે કોલ કાપ્યો. સુરભિએ જોયું.
“કોલ
કાપી નાયખો. I think he is in!”
સુરભિએ જણાવ્યુ. ઘરના સૌ આ સાંભળી રહ્યા હતા. સિદ્ધાર્થ ખુશ થઈ ગયો.
“યસ!” કહી તેણે સુરભિને ગળે લગાવી.
*
“પાસપોર્ટ હાથવગો રાખજો
બધા. હું જર્મની કે બ્રાઝિલના વિઝા કરાવી દઉં છું.” નિશાંતે કહ્યું. રાવજીભાઈ અને
પ્રશાંત તેને જોઈ રહ્યા.
“પશા, ઓફિસના લોકરમાં ૧૭ કેશ પયડા છે, એ લેતો આવ. ‘ને ઘરમાં જે છે એ પણ એક બેગમાં મૂકી
દ્યો.”
“ક્યાં જાવું સે?” રાવજીભાઈએ પૂછ્યું.
“સાંભળ્યું નય તમે? આ લોકો આપડને જેલ ભેગા કરવાની ગણતરીમાં સે, ઈન્ડિયા હવે મૂકી દેવું પયડશે. અહીંથી પે’લા
બ્રાઝિલ જાશું. ‘ને ન્યાંથી થોડા દિ’
પસી કેનેડા.”
“મારે ક્યાંય નથી આવવું.”
રાવજીભાઈએ જણાવ્યુ.
“કાં?”
“હું રાજકોટ નય છોડું.
મારી આબરૂ સે આયાં. આખી જિંદગી અહીં કાયઢી ‘ને ગયઢપણમાં ભાગતો ફરું? તમારે જાવું હોય ન્યાં જાવ.
મારી ગણતરી નો કરતાં.”
“કોય આબરૂ રે’શે નય આયાં, આ લોકો
કેસ કરશે એ પસી.” નિશાંત બોલ્યો.
“એવું કાંય નય કરે એમણે.”
રાવજીભાઈએ કહ્યું.
“મને લાગતું’તું જ બાપા નય માને...(તેણે પ્રશાંતને
કહ્યું) વાંધો નય તો એમણે ભલે આયાં રે’તા. હું આપડી જાવાની
તૈયારી કરું સુ.” કહી નિશાંતે ફોન કાઢ્યો. આ સાંભળી પ્રશાંત તેની પાસે આવ્યો અને
ધીમે રહીને બોલ્યો:
“જો આપડે બે જ સીએ તો
થાઈલેંડનું ગોઠવને, ન્યાં
જાવી. ન્યાં તો વિજા નીય જરૂર નય પયડે.”
“તારે ન્યાં કેમ જાવું સે, મને ખબર સે પણ ન્યાં નથી જાવાનું હો.”
“વિચારી જોજે. ઈન્ડિયાથી
બારે નીકળવાનો ફાસટેસ્ટ વે ઈ એક જ સે.” કહી પ્રશાંત જતો રહ્યો. એ રીતે તેણે વિચારી
જોયું. આમ તો પ્રશાંતની વાત સાચી હતી. સૌથી ઝડપી તેઓ થાઈલેંડ કે માલદિવ્સ જઈ શકતા
હતા. એમ જ કરવું ઠીક લાગ્યું. તે પાછળના જાંપેથી બ્હાર જઈ એરપોર્ટ જવા નીકળ્યો.
રસ્તામાં શાલકીની કોલેજ આવતી હતી, તો થયું ત્યાં એક આંટો મારી આવવો જોઈએ.
મારવાડી યુનિવર્સિટીના પ્રવેશમાર્ગ પાસે ગાડી ઊભી રાખી. બે ઘડી કોલેજનું નામ જોયા પછી
પાર્કિંગમાં ગાડી લગાવી, અંદર પ્રવેશ્યો. લોકરરૂમમાં તે ગયો.
સુરભિને કોલ કરી શાલકીનો લોકર નંબર અને તાળાંનો પાસવર્ડ જાણ્યો. એકાદ સુરાગ મળી
જાય એની જંખનાએ લોકર ખોલ્યું. અંદર ટાઈમટેબલ લગાવ્યું હતું. પેન અને સ્ટેશનરીનું
પાઉચ હતું અને એક ડાયરી હતી. વાંચવાનું શરૂ કર્યું:
[DATE:7TH
JAN 2011]
ગઇકાલે નિશાંત નામનો છોકરો મેરેજ માટે મળવા આવ્યો. પપ્પા
કહેતા હતા બહુ પૈસાદાર અને સારા ઘરનો હેન્ડસમ છોકરો છે. મેં પણ એના વિશે ઘણું
સાંભળ્યું હતું. BCA વખતે વિચારતી’તી ગ્રેજ્યુએશન પછી સેફશિલ્ડમાં જોબ માટે એપ્લાય કરીશ. વિચાર્યું ન’તું એ જ કંપનીના ઓનર સાથે મારા લગ્નની વાત ચાલશે. એને મળવા માટે બહુ
એક્સાઈટેડ હતી પણ તે મને મયળા વગર જ જતો રહ્યો. મેં એને જોયો પણ ન હતો કે ન એણે
મને જોઈ. વિચિત્ર વાત એ હતી તેને અમારા ઘરે રોકાવું છે. અમને જાણવા. પપ્પાએ એની એ
વાત માન્ય રાખી. બે દી’ બાદ તે અમારા ઘરે આવવાનો છે રોકાવા...
[DATE:11TH
JAN 2011]
મને બિલકુલ વિશ્વાસ નથી થતો ગઇકાલે જે ઘરમાં થયું એના પર.
એમણે અને પપ્પા અને મોટા પપ્પા અને સિદ્ધૂભાઇએ ભેગા મળી ઘરની બધી લેડિઝ માટે જમવાનું
બનાયવું અને પીરસ્યું પણ ખરું. એમના કોંટેક્ટ કેટલા ઉપર સુધીના છે, એક તોછડો ડિલિવરીવાળો આયવો એને ઠીક કરી
દીધો. એમની પાછળ એક્ટિવા પર બેસવાની એટલી મજા આવીને... God, I
love him!
[DATE:28TH
JAN 2011]
ગઇકાલે એમણે મારા પપ્પા હારે મારી સાથ રાત રોકાવાની પરમીશન
માંગી. મારો તો શ્વાસ અધ્ધર થઈ ગયો. પપ્પા શું રીએક્ટ કરશે પણ તેમણે પરમીશન આપી.
આખી રાત અમે વાતું કયરી. અમે એકબીજાની પાસે આયવા. ‘ને ફર્સ્ટ ટાઈમ મેં કોઈને કિસ કરી.
[DATE:2nd FEB 2011]
મને લાગે છે હું એમના વગર નય જીવી શકું. જો એમને કાંય થયું
અથવા આ સબંધને કાંય થાશે તો મને નથી લાગતું હું જીવી શકીશ...
[DATE:14th FEB 2011]
આજે વેલેન્ટાઇન ડે છે, મેં રા’ જોઈ તેમણે મને વિશ કરશે પણ એમણે બ્હારનું
કલ્ચર બહુ અનુસરતા નથી.
તેણે પાનાં ફટાફટ ફેરવ્યા. આખી નોટબુક નિશાંતની
વાતોથી ભરી હતી, તે એને કેટલું ચાહે છે, સાથે શું શું કરવાના છે. નિશાંત ક્યાં ક્યાં એને ફરવા લઈ જવા માંગે છે
વગેરે. સારું થયું આ નોટબુક કોઈના હાથમાં ન આવી. બાકી, એનું
આવી બન્યું હોત. તો શું શાલકીએ સુસાઇડ કર્યું હશે? તે છેલ્લા
પાનાં પર આવ્યો.
[4th APR 2011]
મહિમા દી’ સાથે વાત કરી આજે સાંજે. BCAમાં તેમણે મારા સિનિયર
હતા. તેમણે મને પણ જરનાલિઝમ કરવા પુશ કયરું’તું પણ મેં નો
કયરું. આજે એમણે ન્યૂઝ એન્કર છે. મારી આ લડતમાં તેમણે મદદ કરવા રાજી થયા.(નિશાંતને હવે સમજાયું મહિમા કેમ શાલકીનો પક્ષ લઈ રહી હતી)
બે કલાક પહેલા દી’એ
મારો ઇન્ટરવ્યુ લીધો. એમણે કહ્યું આનાથી તે ગુસ્સે થશે. હું નિશાંતને નહીં મેળવી
શકું. મને કોઈ હોપ નથી દેખાય રહ્યું એને પામવાનું. હું નહીં જીવી શકું એના વગર! આ
બધી મહેનત નકામી છે. હું જઈ રહી છું. એની વાટ જોઈશ ન્યાં,
જ્યાં અમારી વચ્ચે કોઈ ઇગો નહીં હોય, જ્યાં અમારી વચ્ચે કોઈ
પ્રોબલમ નહીં હોય. જ્યાં હઈશુ ફક્ત ને ફક્ત હું અને તે. સફેદ રંગની માર્બલ દીવાલો
શાંતિનું પ્રતિક બનશે. એવા જ મખમલના ધોળા પરદા પવન સાથે લહેરાતા હશે. ત્યાં ભેગા
થયા પછી કોઈ અમને અલગ નહીં કરી શકે. ત્યાં અમે સદાય ‘ને એક
થઈ જઈશું. હું ત્યાં તારી વાટ જોઈશ. નિશાંત આવી શકું તો આવ મારી પાસે. ચાલ આપડે એક
થઈ જઈએ...
*
“મા ફાડી આણે...!” આપોઆપ
તેના મોઢામાંથી શબ્દો નીકળ્યા. સૌથી પહેલા તો નોટબુક લઈ તે ફટાફટ ગાડી તરફ ચાલ્યો.
તેની ચાલ લથડાઈ, પગ કંપી રહ્યા. શાલકીએ
ન કરવાનું પગલું ભર્યું હતું. જો આ નોટબુક કોઈના હાથમાં આવી તો તેનું જીવવું
મુશ્કેલ થઈ જશે. તે ફફડી ગયો. શાલકીએ આ શું કર્યું? તેણે
પ્રશાંતને ફોન લગાવ્યો. તેનો હાથ ધ્રુજી રહ્યો હતો.
“હા, બોલ...” તે બિલ્ડીંગના સિક્યોરિટી ઇન્ચાર્જ
ગુપ્તા જોડે ઊભો રહી ગપાટાં મારી રહ્યો હતો. ઇન્ચાર્જ એના માટે માવો ઘસી રહ્યો
હતો. સત્તર લાખ રૂપિયાની કાપડની થેલી તેણે બગલમાં ભરાવી હતી. ઇન્ચાર્જે માવો આપ્યો, તેણે ફોન ખભાના ટેકે કાને રાખી માવો ગલોફામાં મૂક્યો.
“હલો, હલો પશા.”
“હા.”
“પશા, પશા એ મરી ગઈ. (નિશાંત રડવા લાગ્યો) એ મરી
ગઈ પશા!”
“કોણ?”
“શાલકી, એણે સુસાઇડ કરી લીધું છે.” “તે હીબકી રહ્યો
હતો. તેણે ઉમેર્યું:“આ ર્યુ. એણે બધુ આ ચોપડીમાં લયખું છે. મેં વાંયચ્યું.”
“બરાબર. બે મિનિટ ચાલુ
રાખજે.” તેણે ફોન જભ્ભાના ઉપરના ખીચામાં મૂક્યો:
“અય ગુપ્તા, મેં બાદ મે મલતા હું તેરે કો. ઘરે જાના પડેગા.
ચલ મેં નીકલતા હું.”
“હા, હા, પશાંતભાય મેં ભી
વાં જાતા હું. બાદ મે મિલતે હે.” ઇન્ચાર્જ બોલ્યો.
પ્રશાંતમાં મૈત્રી કરવાની સારી
કળા હતી. હજુ ગઇકાલે જ એ સિક્યોરિટીવાળા જોડે મારામારી કરી રહ્યો હતો અને આજે એની જોડે
ઊભા રહી માવો ખાધો. તે ફટાફટ ગાડી પાસે આવ્યો અને નિશાંત સાથે વાત કરી:
“હું બોયલો તું હમડા?”
“શાલકી મરી ગઈ છે. એણે આ
ચોપડીમાં લખ્યું છે.”
“તું ક્યાં છે?”
“એની કોલેજ...”
“એની કોલેજ?!? તારા આંટા આઈ રયા સે? ન્યાં હું કરેસ તું?”
“હું એરપોર્ટ જાતો’તો. ન્યાં ઈની કોલેજ આવે સે, તો જોયું મેં. ઈના લોકરમાં એક નોટબુક સે. ઈમાં બધુ લયખું છે. ચૌદ તારીખે
ઇનો ટીવી પર ઇન્ટરવ્યુ થયો હતો. પછી
હવારની તે ગાયબ છે... એણે લયખું છે...”
“એક મિનિટ શાંતિ રાખ. એ
મરી નથી. એના ઘરનાનું પ્લાનિંગ સે આ બધુ.”
“બે ટોપા! મારી હામે એની નોટબુક
સે, એના જ અક્ષર સે. એણે લખ્યું સે એ મને ન્યાં
મળશે.”
“ન્યાં?” પ્રશાંતે પૂછ્યું.
“ન્યાં.”
“ન્યાં ક્યાં?”
“ન્યાં... તારો બાપ
સ્વર્ગમાં!” નિશાંત અતિરેકમાં આવી ગયો. તેનું હ્રદય જોરથી ધબકી રહ્યું હતું.
“એણે એડ્રેસ લયખું સે?”
નિશાંતને ગુસ્સો આવ્યો.
“શું ગાંડા જેવી વાતું કરે છે. સ્વર્ગનું કોઈ એડ્રેસ હોય હારા જાડીયા!”
“બે પોપટ, હું જયગ્યાની વાત કરું સુ જ્યાં ઈણે સુસાઇડ
કયરું.”
“નથી લયખું ગધાડા!”
“તું વાંદરા ઘરે આવ પે’લા મળીને કઈક કરીયે.”
“હું પે’લા ટિકિટ લઈ આવું બેંગકોકની કુતરા.” બંને
ભાઈ એકબીજાને નાના બાળકોની જેમ ચીડવી રહ્યા હતા. જે અટકવાના ન હતા.
“હારુ, તો ભૂંડીયા એવું કર!”
“તે પૈસા લીધા ઓફિસમાંથી
બળધિયા?”
“હા, કાગડા...!” પ્રશાંત બોલ્યો, તે ગાડી નીકાળી રહ્યો હતો. તેને આમ ખીજાવાની મજા આવતી હતી.
“સારું.” નિશાંતે
પરિપક્વતા દેખાડી. તેણે ફોન મૂકી ગાડી ચાલુ કરી. તે ખરેખરમાં શાલકીને પ્રેમ કરવા
લાગ્યો હતો પણ શાલકીએ આ કેવું પગલું ભર્યું? નિશાંતને અફસોસ થઈ રહ્યો હતો. કાશ! તે મનાવી રહી હતી ત્યારે જ માની જઈ મનની
વાત જણાવી દીધી હોત તો સારું થાત, રસ્તામાં વિચાર કરતાં
કરતાં ઘરે આવ્યો. ડેશબોર્ડ પર પડેલી શાલકીની ડાયરી તેને ડિસ્ટર્બ કરી રહી હતી.
મુખ્ય દરવાજાથી સોસાયટીમાં પ્રવેશ્યો ત્યારે બે છોકરીઓ જે પ્રોટેસ્ટમાં બેસી હતી એ
એને જોઈને સ્મિત આપી રહી હતી. નિશાંતે પણ સામે સ્મિત આપ્યું. તેણે ગોગલ્સ ચડાવ્યા
હતા માટે તેની પાછળનો સૈલાબ કોઈ જોઈ ન શક્યું. બીજા પ્રોટેસ્ટર્સ તેને ગુસ્સાથી
જોઈ રહ્યા.
પ્રશાંતને નોટબુક વાંચવા આપી. પ્રશાંતે વાંચી જોઈ
પણ કઈ ખાસ લાગ્યું નહીં. તે ન હતો માનવા તૈયાર કે શાલકી આત્મહત્યા કરી શકે. તેને
મન સોલંકીઓની આ એક રાજરમત હતી. તેણે નિશાંતને આશ્વશન આપ્યું શાલકી પાછી આવી જશે.
તે ક્યાંય નથી ગઈ. તે નિશાંતને તેના કક્ષમાં સુવડાવી ગયો. પછી બ્હાર આવી થાઈલેન્ડ
જવાની વ્યવસ્થા કરી. જો તે મરી ગઈ હોય તો અહીંથી ભાગવું જ પડે પણ નિશાંતને એ વાત
મનાવવી ના જોઈએ. નહીંતર એ બાવરો બની જાય. અંતે તો તે પણ શાલકીને ચાહતો હતો. તેને
નડી રહ્યો હતો તેનો અહંકાર, તેનું
સમાજ સ્વીકાર્ય પોલું પુરુષાતન. તે કેવી રીતે ઓગળી શકે છે?
લોકો શું વિચારશે? એ વિચારમાં જ આજે તે શાલકીને ખોઈ બેઠો
હતો.
ભારે મન ઊંઘ પણ ગાઢ આવતી હોય છે. સવારે સવા દસ વાગે
તે ઉઠ્યો અને દૈનિક ક્રિયા કરવા લાગ્યો. તેણે બારીમાંથી જોયું પ્રદર્શનકારીઓ શાલકી
માટે ગીતો વગાડી રહ્યા હતા. ‘જાને
નહીં દેગે તુજે, બહેતી હવા સા થા વો’
વગેરે. તે નાહવા ગયો. નાહીને અરીસા સામે ઊભો રહી કાયા નિહાળી રહ્યો. પછી કપડાં
પહેરવા ગયો. બીજી જ ક્ષણે તે પાછો અરીસા સામે આવ્યો અને વિચારમાં પડ્યો. મગજમાં
ઘટનાઓ ગોઠવી કડી મળાવી રહ્યો.
“યસ!” ઉત્સાહ સાથે તે બોલ્યો.
ફટાફટ કપડાં પહેરી ગ્રીન ટી પીવા ડિનર ટેબલ પર આવ્યો. તેના હોઠો પર ગીત ગુંજી
રહ્યું હતું:”મેં વાપસ આઉંગા, મેં
વાપસ આઉંગા! તુમ બિન યે ઘર પૂરા પૂરા હે.” એવું બોલી તે હસ્યો. પ્રશાંત અને
રાવજીભાઈ આ જોઈ રહ્યા. તેઓ ગાંઠિયા અને ચા માણી રહ્યા હતા.
“આજ તો કાંય સારા મૂડમાં
લાગેસ ને તું. કાં?” પ્રશાંતે
કહ્યું.
“હા. પેલી મળી ગઈ.”
“એમ? ક્યાંથી?”
“આટલા ટાઈમથી આ લોકો આપણને
ઊંઠા ભણાવી રહ્યા હતા. જાણે આપડે પાગલખાનામાંથી આવ્યા હોઈએ.”
“એ છે ક્યાં?” પ્રશાંતે ફરી પૂછ્યું.
“તું જો ખાલી. એના વાળ
જાલીને પાછી લેતો આવું છું કે નહીં.” નિશાંત બોલ્યો.
તેની ચા આવી ગઈ. તેણે ઉમેર્યું:”બોવ હેરાન કર્યા આ લોકોએ આપડને, હવે એમને લોકો હામે છતાં કરવાનો વારો આવી ગયો છે.”
“એ છે ક્યાં? એ બોલને તું.”
નિશાંત એની સામે જોઈ રહ્યો. ચૂપચાપ ચા પી, ગાડીની ચાવી લઈ આગળના ઝાંપાએ ગયો. ઉભેલા
પ્રદર્શંકારીઓ દ્વિઘામાં મુકાયા. નિશાંત કેમ આવ્યો હશે?
દ્વારપાલે ઝાંપો ઉઘાડયો. ગાડી લઈ તે બ્હાર આવ્યો, ઉતરીને
પ્રદર્શનકારીઓને કહ્યું:”તમે આટલા દિવસોથી મારા ઘર આગળ ભેંસની જેમ બેહી રો છો એના
કરતાં શાલકીને શોધવાના પ્રયત્ન કર્યા હોત તો મારી પહેલા તમે એને પકડી પાડી હોત. આ
રંડાપો બંધ કરો તમારો! લઈને આવું છું તમારી સામાજિક કાર્યકર્તાને! Just wait and watch!” કહી તેણે એક પ્રદર્શનકારીના
હાથમાંથી કીડનેપર લખેલું પોસ્ટર લઈ લીધું અને નીચે ફેંકયું.
ડ્રાઈવ કરતાં કરતાં તેણે શાલકીને કોલ લગાવ્યો.
સુરભિએ ફોન ઉપાડયો. તે હજુ ઊંઘમાં હતી.
“હલો.”
“બોલો જીજુ.” આંખો ચોળતા
તે બોલી.
“તમારા ગામનું અડ્રેસ
આપજે.”
“શું?” તે ઝપકી ગઈ. ફટાફટ ઓસરીમાં આવી.
“તમારું ગામ ક્યાં? જ્યાં તારા મોટા પપ્પા ગયા છે.”
“અત્યારે ત્યાંનું શું કામ?”
“હવે નાટક બંધ કરો તમારા.
ચોરી પકડાઈ ગઈ છે. તમને એમ હતું મને ક્યારેય ખાબર જ નહીં પડે હેં?”
“શું બોલો છો તમે?”
“તું અડ્રેસ મોકલે છે કે
હું બીજા કોઈને કોલ કરું?”
“વેઇટ. હું તમને મેસેજ
કરું છું.” કહી તેણે ફોન મૂક્યો. ધીરેનભાઈ તેની સામે જોઈ રહ્યા. સુરભિ બોલી:“એ આવી
રહ્યો છે...” ઘરના સભ્યો સ્તબ્ધ થઈ ગયા.
*
[15 એપ્રિલ 2011 પરોઢમાં
3:48 કલાકે ઇન્ટરવ્યુની રાતે]
“બે દિવસ પછી બધા વાતું
કરશે. આપડા તરફથી ટાઢી પ્રતિક્રિયા રે’વી જોઈ...” શાલકી બોલી.
“તે કંપલેટલી વિચાર્યું છે
ને એના પર. એક વાર એવું કર્યા પછી પાછું નહીં અવાય.” સિદ્ધાર્થે કહ્યું.
“વાંધો નહીં. ચાલો બાપુ.”
શાલકીએ દિનકરરાવને કહ્યું.
સુરભિ તેના કક્ષમાં સૂઈ રહી હતી, તે એને મળી ના શકી, ન
હતી જાણતી શાલકી ક્યાં જઈ રહી હતી. તેની અને દિનકરરાવની બેગ તૈયાર હતી. બંને બેગ
ઉપાડી બધાને છેલ્લી વાર મળી રાજકોટ છોડી ચાલ્યા ગયા.
*
નિશાંતે ગાડીના બધા કાચ ખોલી નાખ્યા. મોટેથી ગીતો
વગાડી રહ્યો હતો. સુસવાતો પવન સંગીતમાં તાલ મિલાવી રહ્યો હતો. શાલકીનો મેસેજ આવ્યો, સુરભિએ અડ્રેસ મોકલ્યું હતું. નિશાંતે મોટી
જીત હાંસલ કરી હતી:
“સાલાઓ મને ઉલ્લુ બનાવે
છે. ખબર નય શું સમજતા હશે પોતાને. આટલી મોટી વાત એ લોકો કેવી રીતે ભૂલી શકે છે અને
સાલું મારા મગજમાં કેમ ના આવ્યું? હું
પણ ગાંડો થઈ ગયો આ બધી ધમાલમાં પણ હવે આ ચેપ્ટર મારે પતાવી દેવું છે.” કહી તેણે
ગતિ વધારી.
ગોંડલથી આગળ વિરપુર આવ્યું. એ બાજુનું ક્યાંકનું
સરનામું સુરભિએ મોકલ્યું હતું. ગામમાં પ્રવેશ્યો, ઓટલે બેસેલા એક ભાભાને દિનકરભાઈ સોલંકીનું સરનામું પૂછ્યું. આટલા દિવસોથી
તેમણે ગામડે હતા, એવું તો શું કામ આવી ગયું કે શાલકીના
ખોવાવા પર પણ તેમણે ઘરે પાછા ન આવ્યા? તેને શક થઈ રહ્યો હતો.
શાલકી જરૂર અહીં હોવી જોઈએ. તે એને લેવા આવ્યો હતો. એમના જૂના ઘરે પહોંચ્યો. બ્હાર
વરંડામાં દિનકરરાવ બે-ચાર આદમીઓ જોડે બેઠા હતા. ઘર તરફ ગાડી આવતા જોઈ તેમણે ઊભા થયા.
વાંસની બનાવેલી જાળી પાસે ઊભા રહ્યા. નિશાંત
ગાડીમાંથી ઉતર્યો. તેને જોઈ દિનકરરાવ આશ્ચર્ય પામ્યા.
“કુમાર તમે...”
“શાલકી ક્યાં છે?” તે તરત મુદ્દા પર આવ્યો.
“શાલકી...? અંદર તો આવો, પાણી
આપું તમને?” જાળી ઉઘાડતા દિનકરરાવે પૂછ્યું. નિશાંત અંદર
આવ્યો.
“ના, મારે નથી પીવું.”
દિનકરરાવ પાણી લેવા ગયા.
જાડના છાંયા નીચે બેસેલા આદમી નિશાંતને જોઈ રહ્યા. દિનકરરાવ ઘરમાં ગયા હતા. આટલા સમયથી
એની નજરો શાલકીને જોવા તરસી ગઈ હતી. હવે પ્યાસ પૂરી થવા આવી. તે શાલકીને જોવા
તેમની પાછળ પાછળ અંદર ગયો. તેમણે માટલાંમાંથી પ્યાલો ભરી નિશાંતને આપ્યો. એટલામાં
ક્યાંય શાલકી દેખાઈ નહીં.
“શાલકી ક્યાં છે?” તેણે પૂછ્યું.
“એ અહીંયા નથી.”
“દેખો, તમને નથી ખબર હું કેવા માનસિક તણાવમાંથી
પસાર થયો છું. આટલી ગરમીમાં હું આવ્યો છું, મને ગુસ્સો ના
લેવડાવશો. પ્રેમથી પૂછું છું શાલકી ક્યાં છે?” નિશાંત બોલ્યો.
“અમે સાથે નીયકળ્યા’તા આયાં આવવા પણ બસ સ્ટેન્ડ પર જ તેણે મન બદલી નાયખ્યું.”
“કેમ?”
“તેણે કહ્યું પ્લાનમાં
થોડો ચેન્જ સે. તે આયાં નય આવે. એમ કહ્યું કે ‘મારી અને નિશાંતની એક ખાસ જગ્યા છે, નિશાંત મને
ત્યાં લેવા આવશે. જ્યાં ફક્ત હું અને એ હશે. કોઈ પ્રોબ્લમ,
કોઈ ઇગો, કશું નહીં હોય ન્યાં.” દિનકરરાવ બોલ્યા. પછી બે ઘડી મૌન રહ્યા બાદ ઉમેર્યું:”મેં એને કહ્યું, હું પાણીની બોટલું લેતો આવું આપડા હાટું, ઈણે હા પાયડી.
હું પાણી લયને આયવો ત્યારે ઇ ત્યાં ન’તી. ગાયબ થય જય એટલી
વારમાં. મેં આસપાસ જોયું, આખું બસ સ્ટેન્ડ ફરી વળ્યો પણ એ નો
દેખાણી. બસ, એ મેં એને સેલ્લી વાર જોઈ ઇ જોઈ, પસી જોઈ નથી.”
નિશાંત પાછો ગભરાયો. ફરી એ વિચાર આવવા લાગ્યો
ક્યાંક શાલકીએ ઊંધું પગલું ના ભર્યું હોય. તે ભારે મન પાછો ફર્યો. દિનકરરાવ રોકાવા, આરામ કરવા અને જમવા માટે આગ્રહ કરી રહ્યા
હતા પણ તે ત્યાંથી દુખી થઈ પાછો વળ્યો. તેને જતો જોઈ દિનકરરાવ બોલ્યા:
“એ હવારે તણ બસુ ઉપડી’તી.” નિશાંત પાછો ફર્યો.
“એ જય ત્યારે તણ બસુ ‘ટેસનની બારે નીકળી’તી.”
દિનકરરાવે કહ્યું.
“ક્યાંની?”
“એક અંજાર બાજુ, બીજી દેવભૂમિ દ્વારકા-સોમનાથ ‘ને તીજી અમદાવાદ.”
“સારું.”
ગાડી ચાલુ કરી મેઇન રોડ પર લીધી અને આંખોએ આંસુની
ધાર આવી. શાલકીએ પોતાને કઈક કર્યું હશે તો તેનું કોણ? તેને પોતાનું નિવેદન યાદ આવી ગયું:’કદાચ તેના ભાગ્યમાં પત્નીનો પ્રેમ નહીં લખ્યો હોય.’
દુખ તો દુખ હોય છે પણ સફરમાં લાગતી ભૂખ કુદરતી હોય
છે. તેને ભૂખ લાગી હતી, હાઇ વે
પરના એક ઓપન રેસ્ટોરાં પર ગાડી ઊભી રાખી. ઉપર છત અને કાટ ખાઈ ગયેલા પંખા હતા.
પ્લાસ્ટિકના ટેબલ-ખુરશી ગોઠવેલા હતા. પેલી કોર ત્રણ પગથિયાં બાદ ખેતરા અને ખુલ્લા
મેદાન દેખાઈ પડતાં. ભારે હ્રદયે તેણે જમવાનો ઓર્ડર આપ્યો. શાલકી સાથે વિતાવેલ
ક્ષણોને યાદ કરતો રહ્યો. કેવા ખુશ હતા તેમણે. એકબીજા માટે લાગણી હતી, સ્નેહ હતો, હુંફ હતી,
એકબીજાની ચિંતા હતી. ખબર નહીં કયા ચોઘડીએ કોની નજર લાગી તેમના સંબંધને કે આમ જુદા
થવું પડ્યું? જમવાની થાળી આવી ગઈ. મનના ભારે તેને ખુરશી પર
બેસવા ન દીધો. થાળી લઈ પગથિયાં પર બેઠો. જ્યાંથી ખેતરા-મેદાન દેખાઈ પડતું હતું.
દુખમાં તો જાણે મનની સાથે સાથે સૃષ્ટિ પણ નિર્જીવ
બની હોય એમ લાગવા લાગે છે. તેની સામે ઉભેલા જાડવા, ખેતરમાં ઉગેલા છોડ અને મેદાનના ઘાસની જાજમ મૂંગી અને નિર્જીવ બની ગઈ હતી.
કોઈ હલનચલન નહીં. જો કલ્પના કરી શકો તો લાગી શકે શાલકીના દોષી નિશાંતને તેઓ
ગંભીરતાપૂર્વક અડગતાથી જોઈ રહ્યા હતા. નિશાંતને એવું જ લાગી રહ્યું હતું. તે
પોતાની જાતને કોશી રહ્યો હતો. કાશ, શાલકીને ત્યારે રોકી લીધી
હોત તો? અત્યાર તો તેની પાસે આંસુ અને અફસોસ બચ્યા હતો. ‘ને થાળીમાંનું ભોજન. તે દુખી મને પણ ઝડપથી ખાઈ રહ્યો હતો.
બે ક્ષણ થયું કે જે થઈ ગયું એ થઈ ગયું. આગળનું
વિચારવું જોઈએ. હવે શું કરવું? પ્રદર્શનકારીઓને
કહી આવ્યો હતો શાલકીને લેતો આવશે. અહીં પરિસ્થિતી જુદી હતી. પાછા જઈને શું જવાબ
આપવો? એની ચિંતા વધવા લાગી. જમી કરી,
બિલ ચૂકવી તે ગાડીમાં બેસયો અને પ્રશાંતને કોલ લગાવ્યો.
“હલો, પશા...”
“બોલ.”
“હું એના ગામ આવ્યો છું.
દિનકરભાઈ ગામડે હતા પણ શાલકી ન્યાં નથી.
“તો ક્યાં સે?”
“મને નથી ખબર.”
“તું તો કે’તો તો તને ખબર સે...”
“મને લાગ્યું દિનકરભાઈ
આટલા દિવસોથી ઘરે નથી આવ્યા તો તેમણે અને શાલકી જોડે હશે પણ અહીં તો એમને એકલા જ
છે.”
“બરાબર. લે માવો બનાય.” તે પાનના ગલ્લે ઊભો હતો. જોડે
ઉભેલા એક ભાઈબંધને કહ્યું. ફોન ચાલુ હતો. ચાર ક્ષણ શાંતિ જળવાઈ. નિશાંત બોલ્યો:
“હું ખોટો પડ્યો છું, આવેશમાં આવી ડંફાસ ઠોકી દીધી ઘર હામે
બેઠેલા માણસો આગળ... પણ મને લાગે છે શાલકીએ સુસાઇડ કર્યું હશે. શું કરું હું?”
“હા, બરાબર. એક સેકન્ડ ચાલુ રાખ... ભૂરા હું
મારી ગાડીમાં બેઠો છું એક કામ સે, તને બોલાવું એટલે હમડા આવ.
‘ને માવો ઘસીને આપી જા.”
“હારુ.”
પ્રશાંત ગાડીમાં ગયો અને
બોલ્યો:”બધા જીવનમાં ક્યારેક ખોટા પયડે સે ભાય, એમાં કાંય નવું નયથી... કોઈ પરફેક્ટ નથી. આ આપડે તારી ઘરવાળીના બાપા જોડે
બાખડ્યા. તોય એમણે સબંધ મૂયકો? હાર માયની? એમનો વાંક હતો તોય જીદ ના સોડી. શાલકીએ તને મનાવા કશાની પરવા કર્યા વગર
લોકોની મદદ કરી. ટીવીમાં ઇન્ટરવ્યુ આલી આવી, ફક્ત તને મનાવા
હાટું. આપડા તરફથી ચોખવટ થઈ ગઈ’તી કે આ હગપણ આગર નથ
વધારવાનું. તોય ઇણે હાર માયની? તારો પીછો છોયડો? ઈની બેને તારા પર કેસ કરવાની ગણતરી દેખાયડી? શું
ઈણે હાર માયની? આ બધુ કોના માટે? ચાલુ
રાખજે...(ભૂરો એના તરફ આવ્યો, તેણે ગાડીનો કાચ નીચે કર્યો, એ માવો આપી જતો રહ્યો. માવો ખાઈ તેણે બોલવાનું ચાલુ રાખ્યું)
“હલો…”
“હા.”
“એ લોકો ખોટા હતા તોય હાર નો માયની તો આપડે તો હાચા
સીએ. એમણે આપડું જીવવાનું હરામ કરી નાયખું સે, માનસિક, શારીરિક, આર્થિક બધી
રીતે આપડી મારી સે! તો તું કય જ કેમનો હકે સે તું ખોટો સે?
ઘર આગળ બેસેલા લોકો રા’ જોઈ રયા સે, કે
તું શાલકીને લાવીશ. ગામમાં બધે વાત બી ફેલાઈ દીધી સે, કે
નિશું શાલકીને લેવા ગિયો સે.”
“એ નથી યાર આયા. એણે કઈક
કરી લીધું સે...”
તું મારી વાત ધ્યાનથી હાંભળ હવે. લોજિકલી અને
પ્રેક્ટિકલી થોડું વિચાર. એ સોડી સુસાઇડ નો કરે. જો ઈ એના મોટા બાપા હારે ઘેરેથી
નીકળી હોય તો અધવચ્ચે બીજે જઈ કાં આપઘાત કરે? પોલીસની ઇંક્વાયરી હૌથી પે’લા એ ડોહા પર થાય. ‘ને એ રાતોરાત ફેમસ બની સે, મને નથી લાગતું કોઈ આવી
રોયાલ્ટી મૂકી મરી જવાનું વિચારે. એ સોડી જીવતી સે. મારૂ મન મને કય રહ્યું સે, એ જીવતી સે. ‘ને અત્યાર હુધી એ લોકો બધી રીતે આપડું
શોષણ કરી જીતતા આયવા સે. હવે, આપડી વારી સે જીતવાની. તું
કાંય પણ કર એ સોડીને પાસી લેતો આય. ‘ને એને આપડા ઘેરે લાવજે, ના પોલીસમાં કે ના એના ઘેરે, આપડા ન્યાં લાવ, બધા એના ફોલોવર્સ, ઘરવાળા બધાયને બોલાઈશું. ‘ને પેલી હલકટ મહિમાડીને પણ... એને લીધા વગર પાસો ના આવતો. ભલે રાતના બે
વાગી જાય. મને વિશ્વાસ સે તું એને હોધી પાડીશ. ગમે તેમ એ તારી થવાવાળી બૈરી જ સે
ને?” પ્રશાંતે જણાવ્યુ અને બારી ખોલી પિચકારી મારી.
“સારું.” નિશાંત બોલ્યો.
“હાલ, બીજી કઈ જરૂર હોય તોય કે’જે. હું બેઠો સુ આયાં. ના મળે તોય વાંધો નય, તેલ
વાળી થઈ! સોમવારની ટિકિટ બુક સે આપડી. નીકળી જઈશું આ બધી જફા આયાં મેલીને...”
“ના, ના. ભાગીશ તો નય જ
હું. તારી વાત હાચી સે, હવે જીતવાનો વારો આપડો સે. હું ગમે
એમ કરી એને હોધી પાડીશ!” નિશાંતમાં હિમ્મત આવી.
“હમ્મ... એ ભૂરા એક માવો
ફેંકજે.” પ્રશાંત બ્હાર નીકળી બોલ્યો. ભૂરાએ ગલ્લામાંથી એક માવો લઈ ફેંક્યો.
“સારું. મૂકું?”
“એ હા. સારું.” નિશાનતે
ફોન મૂક્યો. પ્રશાંત માવો બનાવા લાગ્યો. ભૂરો તેની પાસે આવ્યો અને બંને ગપાટાં
મારતા રસ્તે નીકળતી મહિલાઓને નિહાળવા લાગ્યા.
નિશાંત સીટ લાંબી કરી આડો પડ્યો. વિચારવા લાગ્યો
ક્યાં જઈ હશે તે? શું કરતી
હશે શાલકી? રેસ્ટોરાં આગળ તેના એકનું વાહન તડકામાં પડ્યું
હતું. અંદર એસી ચાલુ કરી સૂતા સૂતા તે શાલકીની ડાયરી વાંચી રહ્યો. વારંવાર છેલ્લું
પાનું વાંચી તે પહેલી ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો:
‘એની વાટ
જોઈશ ત્યાં, જ્યાં અમારી વચ્ચે કોઈ ઇગો નહીં હોય, જ્યાં અમારી વચ્ચે કોઈ પ્રોબલમ નહીં હોય. જ્યાં હઈશુ ફક્ત ને ફક્ત હું
અને તે. સફેદ રંગની માર્બલ દીવાલો શાંતિનું પ્રતિક બનશે. એવા જ મખમલના ધોળા પરદા
પવન સાથે લહેરાતા હશે. ત્યાં ભેગા થયા પછી કોઈ અમને અલગ નહીં કરી શકે. ત્યાં અમે
સદાય ‘ને એક થઈ જઈશું.’
આનો મતલબ
શું થયો? શાલકી ક્યાં જઈ શકે છે? તે શું કહેવા માંગે છે? એવી કઈ જગ્યા છે જ્યાં સફેદ
માર્બલની દીવાલો હોય? મખમલના ધોળા પડદા? મખમલના પડદા હોય? અને ધોળા પણ હોય? મને નથી ખબર પડદા કેવા હોય. મારા ઘરે તો લીસ્સા પડદા છે, એ પણ પ્રિંટેડ ડીસાઇનવાળા તે મનોમન બબડ્યો. ક્યાં હશે તે?
તે એની સામે ઊભી હતી. તેના વાળ ખુલ્લા હતા. લાંબો
ડ્રેસ પહેર્યો હતો. ચહેરા પર કોઈ શૃંગાર કે આભૂષણ ન હોવા છતાં, અપ્સરા લાગી રહી હતી. તેને એ દીવાલો દેખાઈ.
જે સફેદ માર્બલની બની હતી. જ્યાં સફેદ પરદા લગાવ્યા હતા. જ્યાં તે બંને સિવાય કોઈ
ન હતું. એક મોટું ઝૂમર હતું. ફરસ પર વર્તુળમાં આહ્લાદક ડીસાઇન હતી. વર્તુળના
કેન્દ્રમાં તે ઊભી હતી, તે આવ્યો અને:
“શાલકી... હા હું પણ કરું
છું તને પ્રેમ. તે થોડી રા’ કેમ ના
જોઈ?” શાલકી ઊંધી ફરી ગઈ. મનમાં વિચારી રહી હતી, ત્યારે કેમ ના કહ્યું જ્યારે તે એની પાસે એની સામે ઊભી હતી? તે નીચે જોઈ રહી.
“કાશ! હું તને કહી શક્યો
હોત મને તને ટચ કરવાની કેટલી ઈચ્છા થઈ હતી જ્યારે તું ડ્રાઇવરના યુનિફોર્મમાં મારી
ગાડીમાં બેસી હતી.” આ વાત તેણે એને અડયા વગર કહી.
“જો હું આવી ગયો તારી પાસે, બોલ શું કરવું છે?
ચાલ એક થઈ જઈએ આપણે...” નિશાંત બોલ્યો. શાલકી તેની તરફ ફરી. એની સામે જોઈ રહી.
ધૂંધળું દેખાવા લાગ્યું. એક તીવ્ર પ્રકાશ થયો અને
શાલકી અદ્રશ્ય બની. તે સ્વર્ગમહેલ ખંડિત થયો, ઇમારત પડી ભાંગી. તેણે આંખો ખોલી. ડાયરી છાતી પર રાખી તે સૂઈ ગયો હતો.
આંખો ભીની થઈ હતી. ગાડીનો દરવાજો ખોલી પાણીથી મો ધોયું. ખીસામાંથી રૂમાલ કાઢ્યો, મો લૂછી ફરી ડાયરી ઉપાડી અને વિચારવા લાગ્યો.
એવી કઈ જગ્યા છે, જે મારી અને એની છે? જ્યાં હું અને એ જ હઇશું?
તેના છેલ્લા લખાણમાં કઈક સંકેત હતા. જે કશુક સૂચવી રહ્યું હતું. એવી
કઈ જગ્યા છે જ્યાં અમે બે જ હઇશું? તેને યાદ આવ્યું સુરભિને એકવાર
કહ્યું હતું. તે શાલકી સાથે કચ્છી ભૂંગામાં રહેવા માંગે છે. તે શું અંજારની બસમાં
બેસી હશે? તેની સાથે દત્તાત્રેય શિખર ચઢવું હતું, તે શું ગિરનાર ગઈ હશે? કે અડાલજની વાવ? જ્યાં પાણીમાં સિક્કા નાખતા મારે એને જોવી હતી. મારી અને એની જગ્યા
આમાંથી જ કોઈ એક હોવી જોઈએ.
આ બધી જગ્યા પર એક દિવસમાં પહોંચી ન વળાય. તેણે
ફરજિયાત કોઈ એક સ્થાન પસંદ કરવું પડે એમ હતું. તેનું મન સમજી રહ્યું હતું ક્યાં
માર્બલની દીવાલો હશે? ક્યાં
મખમલી પરદા લગાવ્યા હશે? તેણે ગાડી ઉપાડી અને પૂર્વ દિશામાં આગળ
વધ્યો.
જ્યાંની દીવાલોમાં ઠંડક છે. કોઈ અવાજ હોતો નથી.
શાંત વાતાવરણ હોય છે. જ્યાં બેસી વાતનો ઉકેલ લાવશે. એને ત્યાં આવવું પડશે. શાલકી
તું ગમે ત્યાં હોવ, તારે
ત્યાં આવવું પડશે. હું આવું છું તને મળવા...
*
(ક્રમશ:)

Comments
Post a Comment