રાજકોટ સાઈડ સ્ટોરી (ભાગ:૮)

 







રાજકોટ સાઈડ સ્ટોરી (ભાગ:૮)

 

                    પ્રવેશ પાસે ઉભેલો દ્વારપાલ તેમને અંદર ન હતો આવી દેવા રહ્યો. સવારનો નવ-સવા નવ વાગ્યાનો સમય થયો હશે. કાજલબેન-રમીલાબેન નિશાંતના ઘરે આવ્યા હતા. દ્વારપાલ સાથે રકઝક ચાલી રહી હતી. છેવટે, એક દ્વારપાલ ઘરમાં ગયો અને રાવજીભાઈને વાત જણાવી. આ સ્ત્રીઓની મહેમાનગતી અનપેક્ષિત હતી. દ્વારપાલને કહ્યું બંને બેનોને અંદર આવવા દો. રાવજીભાઈએ નિશાંતના પક્ષની વાત સાંભળી હતી. સભામાં પણ દિનકરરાવ કે ધીરેનભાઈ તટસ્થ વાસ્તવિક્તા મૂકી શક્યા નહીં. રમીલાબેન-કાજલબેને નિષ્પક્ષ તથ્ય જણાવ્યુ. પ્રશાંત વ્યાયામ કરી ચા-નાસ્તો કરવા આવ્યો ત્યારે મુખ્ય ખંડમાં રાવજીભાઈને સ્ત્રીઓ સાથે વાત કરતાં ભાળ્યા. તે વ્યાકુળ બન્યો, પાસે આવી સોફા પર સ્થાન ગ્રહણ કર્યું.

 

                    રમીલાબેને સાચેસાચી વાત જણાવી. સાથે-સાથે એ પણ કહ્યું કેટલી ખુશીથી તેઓ રહ્યા હતા, બાદમાં હાથ જોડી તેમણે અને કાજલબેને માફી માંગી. કાજલબેન રડવા લાગ્યા. બંને બાપ-દીકરો ભોંઠા પડ્યા. નાની અમથી વાતમાં આ લોકો કેટલા હેરાન થઈ રહ્યા હતા. ખબર નહીં આ સ્ત્રીઓમાં શું આત્મીયતા કે એ ભાવના હતી જે તેમની નિર્મળતા પ્રગટ કરી રહી હતી. બાકી ગઇકાલે દિનકરરાવે અને ધીરેનભાઈએ માફી માંગી એમાં એ ભાવ ન હતો લાગી રહ્યો. ક્યાંકને ક્યાંક થોડો અહંકાર કે ગુરૂર જણાતો હતો. આ સ્ત્રીઓએ ફક્ત વાત જણાવી એ પરથી જ લાગી આવ્યું ઘટનાના પરિણામો તેમના માટે કેટલા આકરા-અયોગ્ય છે. જેની અસર એમના જીવન પર કરુણતા પેદા કરી રહી છે. આ ભાવને તેમણે તેમની વાત દ્વારા રજૂ કર્યો ત્યારે બંને બાપ-દીકરાનું હ્રદયદ્રવી ઉઠ્યું, તેમણે પણ સામે પોતાના કાર્યની માફી માંગી અને વિશ્વાસ અપાવ્યો કે તેઓ સગપણની વાત આગળ ધપાવશે.

                    વર્ષો બાદ કોઈ સ્ત્રીનો અવાજ આ ઘરમાં ગુંજ્યો હતો. ને તેમની પીડાનું રુદન બાપ- દીકરાને આકરું લાગ્યું. કાજલબેન-રમીલાબેનની ભાવના નિર્મળ હતી. તેમને રોવડાવવું વ્યાજબી ન લાગ્યું માટે સગપણ રાબેતામુજબ રાખવાનો પ્રસ્તાવ રાવજીભાઈ મૂકી બેઠા. રમીલાબેન-કાજલબેન ઘરે પાછા આવ્યા. અંદર આવી જોયું તો ઘરમાં કોઈ હતું નહીં. પ્રશાંત-રાવજીભાઇએ નિશાંતને સમજાવવાનું બચતું હતું.

 

*

 

                    ગઇકાલે સિદ્ધાર્થ જ્યારે નિશાંતને વાત કરવા ગયો ત્યારે પૂછ્યું હતું, તે સમાધાન માટે કેમ રાજી નથી. તેણે જણાવ્યુ તમારા લોકોનું સ્ટાન્ડર્ડ અમારા જેટલું નથી. બધાએ માફી માંગી તેમ છતાં પણ નિશાંત વાત માનવા તૈયાર ન હતો. તેની શાન ઠેકાણે લાવવા સિદ્ધાર્થે યોજના અમલમાં લાવવી રહી. જો બધી જગ્યાએ એક જ વખતે સમય પણ બધે સરખો નથી હોતો તો આપણે તો માણસ છીએ, આપડો પણ સમય આવશે. એવું સિદ્ધાર્થનું માનવું હતું.

 

                    આ તરફ સવારમાં જ દિશાબેન તેને અને સુરભિને પોતાની સાથે લઈ ગયા હતા. ધીરેનભાઈ સવારે દુકાન પર જઈ સૌરાષ્ટ્ર પ્રકાશનના એડિટર ગુણવંતભાઈ જે તેમના મિત્ર હતા, તેમને ચા માટે બોલાવ્યા હતા. બીજી તરફ શાલકી દિનકરરાવને ચોક પાછળના રામ મંદિરે લઈ ગઈ હતી. તેમણે આખા દિવસમાં એક અન્નનો ટુકડો આરોગ્યો ન હતો. પ્રભુ શરણમાં તેઓ ધ્યાન ધરી બેઠા હતા. જેથી ઘરે કોઈ હાજર ન હતું. દિશાબેને નિશાંતના નામથી ભોજન સેવા શરૂ કરી. જેમાં શ્રમજીવીઓ અને ભૂખ્યા રોડ પર રહેતા નિર્ધનોને પૂરી-શાક-ખિચડીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું હતું. ધીરેનભાઈએ સૌરાષ્ટ્ર પ્રકાશનને ૨૦૦૦ નોટબુક નિશાંતસિંહ પરમારના નામે છાપવાનો ઓર્ડર આપ્યો. ઉપરાંત મારવાડી યુનિવર્સિટીમાં ત્રણ ગરીબ વિદ્યાર્થિનીઓની ત્રીજા સત્રની ફી ભરી તેમને પાર્ટ-ટાઈમ જોબ માટે વ્યવસ્થા કરી આપી, જેથી આગળનું સત્ર તેઓ પોતાના પૈસે ભણી શકે. આ કશાથી ઘરમાં એકમેક વાકેફ ન હતા. જ્યારે સાંજે બધા ભેગા મળ્યા ત્યારે જણાવ્યુ તેઓ નિશાંત માટે શું કરી રહ્યા છે. બધાની ભાવના ઉત્તમ લાગી રહી હતી.

 

                    ધીરેનભાઈના આઇડિયામાં ઉમેરવામાં આવ્યું. ઝૂપડપટ્ટી વિસ્તારમાં એકાદ શિક્ષણ કેન્દ્ર ઊભું કરવું જોઈએ, જેથી ત્યાંના બાળકો વાંચવું-લખવું અને સાદી ગણતરી જેવુ પાયાનું શિક્ષણ મેળવી શકે. ૩૦ જેટલા બાળકોના નોટબુક, પેન-પેન્સિલ, પાઠ્યપુસ્તક વગેરે લાવવામાં આવ્યું અને એ બધી વસ્તુઓ ઘરે લઈ જવાની નહીં ત્યાં કેન્દ્ર પર જ મૂકી રાખવાની. જેથી બીજા બાળકોના કામમાં આવી શકે. કેન્દ્ર માટે એક ખંડ ભાડે રાખવામાં આવ્યો. સામાન્ય પગારધોરણે એક શિક્ષક રોકવામાં આવ્યો, જે સોમ-શુક્ર આવીને બધા વિષય ભણાવી શકે.

 

                    દિશાબેનના આઇડિયામાં અઠવાડીયાના છેલ્લા બે દિવસો વૃદ્ધાશ્રમ-અનાથાશ્રમ, મૂકબધિર કેન્દ્ર અને અંધજન મંડળમાં રસોઈ પીરસવાનું અમલમાં લાવવામાં આવ્યું. જેમાં તેઓ વૃદ્ધો અને બાળકો સાથે જમતા. અત્યાર સુધીમાં ૫૦,૦૦૦ જેટલા પૈસા ખર્ચાઈ ગયા હતા. બધો ખર્ચો શાલકીના લગ્ન માટે એકઠા કરેલા પૈસામાંથી કાઢવામાં આવી રહ્યો હતો. રોજના દસથી બાર હજાર રૂપિયા ખર્ચાઈ રહ્યા હતા. એવા સંબંધ પાછળ જેની કોઈ આયાત દેખાઈ રહી ન હતી. એના કરતાં શું નવું સગપણ શોધવું ન જોઈએ?

 

*

 

“બેટા, ઇ બધી ગેરસમજ પસી ભૂલી જા...” રાવજીભાઈ બોલ્યા.

 

                    તેઓ પ્રશાંત-નિશાંત સાથે સવારની ચા પી રહ્યા હતા. સર્વન્ટ વણેલા ગાંઠિયા અને કઢીનો જગ મૂકી રસોડા તરફ ગયો. સર્વન્ટના ગયા બાદ નિશાંત બોલ્યો:”પપ્પાએ વાત કરો મા. એમની હાયરે સંબંધ રાયખવામાં કશી હારાવાટ નથી. ઈ લોકોનું સ્ટાન્ડર્ડ આપડા જેટલું નથી.”

“નિશું, ભૂલ થય જાય માણાંથી ક્યારેક... ઈ લોકોએ માફી નો માયગી તારી?” પ્રશાંતે કહ્યું.

“આ તું કય રહ્યો સે? તું? તને ગાયરું આલીતી. ભૂલી ગ્યો? એ તું જ હતો ને જેણે એમને લાફો માયરોતો?”

“ઈ પરિસ્થિતી અલગ હતી. ઈમને પણ આપડે નો કેવાનું કય દિયધુ. છતાં, ઈમણે માફી માયગી.”

“ખોટું કાં વાયતનું વતેસર કયરે સે?” રાવજીભાઈએ કહ્યું.

“તમને બંનેને થયું સે હું? ઓલા દાડે તો કેતાતા કે એમની શાન ઠેકાણે લાયવી દેશું. હવે કાં આમ ક્યો છો?”

“ઈ પરિસ્થિતી જુદી હતી. ત્યારે ઈ લોકો ઘમંડમાં હતા. હવે ઈમણે આપડી માફી માયગી સે. તે કીયધુ ઈ હંધુય કરવા રેડી થ્યા તો આપડે મન મોટું રાયખી વાત મેલવી જોઈ. ખોટી હઠ પકડી રાયખી હું મયળી જાવાનું?” પ્રશાંત બોલ્યો.

“જીવનમાં યાદ રાયખ્શે આપડી જોડે પંગો લેવો કેટલો ભાયરે પડી શકે છે. ને બધાને ખબર પયડવી જોઇ પરમારો કેટલા વટવાળા છે.”

“આમાં કોઈની જિંદગી દાવ ઉપર સે, બધા જાણે જ સે કોણ કેટલા વટવાળું સે...” પ્રશાંતે જવાબ આપ્યો.

“તને એટલું એનું લાગી આવતું હોય તો તું પૈણી જા એની હાયરે...” નિશાંતે કહ્યું.

“તું એની જોડ હુતો અન મને પસી કેસ એની જોડે પૈણવાનું? જબરું! શાંતિથી પ્રશાંત બોલ્યો. આ સાંભળી નિશાંત ચિડાયો.

“બે બાજુમાં બાપા બેઠા છે. કઈક તો બોલવાનું ભાન રાખ!”

“તું કરવાનું ભાન નથી રાયખ્તો ને મને બોલવાનું ભાન રાખવાનું ક્યે સે.

પ્રશાંત બબડ્યો.

“બસ! બોવ થયું હવે. મારે કઈ નથી સાંભળવું. મેં ના પાડી એટલે પતી ગઈ વાત! ને FYI એ રાત અમે ફક્ત વાતો કયરી હતી, કાઈ લિમિટ ક્રોસ નથ કયરી.” કહી નિશાંત ઊભો થયો. પ્રશાંત વળતો જવાબ આપ્યા સિવાય રહી ન શક્યો:

“એ દુનિયા આગળ સાબિત કર.” ધીમા સ્વરે તે બોલ્યો.

 

                    નિશાંતને તે સંભળાયું. તે રોષે ભરાયો. ચૂપચાપ ઓફિસ માટે તૈયાર થવા જતો રહ્યો. રાવજીભાઈ આ બધુ નિહાળી રહ્યા હતા. પ્રશાંત દિનકરરાવ પર હાથ ઉઠાવી આવ્યો હતો, એ વાત તેમને જરાય ન ગમી. બીજી તરફ નિશાંત પણ તેમની વાત માની રહ્યો ન હતો. જેથી તેમણે નાસીપાસ થયા.

“મેં તમને એવા સંસ્કાર આયપા સે?” રાવજીભાઈએ પ્રશાંતને પૂછ્યું.

“કેવા?

“મોટાને મારવાના... એમને બૈઈજ્જત કરવાના!”

“પપ્પા યાર, લોડ નો આપશો ખોટો!”

“મને એકવાર કય દ્યો તમે, પોતે રૂપિયા કમાતા થયા, આર્થિક રીતે સેટ થય ગ્યાં એટલે આ બાપની વાત નય માનો? અમારી વાત અવગણવાને તમે સ્ટાયલ હમજો સો કાં?”

“આમણે પાછું ચાલુ કયરું! કૈ વાત નો માની મેં તમારી? અન તમે પાર્ટી કાં બયદલી? આપડે નિશુંને મનાવાનો હતો ને? ન્યાં તમે મારી જ ગા…(જીભ પર સંયમ રાખતા તે વાક્ય સુધારે છે) હળી કરો સો.” પ્રશાંત બોલ્યો.

“મારી જ તમને મોટા કરવામાં કાંક ભૂલ થય જય હયશે. તમને બેયને તો નાના હતા ત્યારે જ વાંહે લાત માયરી ઘરની બ્હાર કાઢી મૂકવાની જરૂર હતી. તો અત્યાર આવું દોઢ ડાહપણ નો કરત.”

 

                    પ્રશાંતનો પારો છટક્યો. તેણે પકડેલું ગાંઠિયું પાછું ડીશમાં ફેંકયું, હાથ ખંખેરી ઊભો થયો. ઝભ્ભો સહેજ સરખો કર્યો અને ઊંધો ફરી વાંકો વળ્યો:”લો મારો લાત!”

 

                    રાવજીભાઈ ગુસ્સાથી રાતાચોળ થઈ ગયા. ચા અધૂરી મૂકી તેમણે ઊભા થઈ ગયા.

“લો મારોને લાત!” સવળો થઈ પ્રશાંત બોલ્યો અને પાછો અવળો ફરી વાંકો વળ્યો. રાવજીભાઈ તેમની લાકડી લઈ તેમના કક્ષ તરફ ચાલવા લાગ્યા. પ્રશાંતે તેમનો માર્ગ રોક્યો.

“લો મારો.” રાવજીભાઈ તેની બાજુમાંથી નીકળી ગયા. એ તેમની આગળ આવ્યો.

“અરે, મારો લાત!” કહી તેણે રાવજીભાઈનો હાથ પકડ્યો.

“સોડ મને!” કડકાઇથી તેમણે બોલ્યા. પ્રશાંતે હાથ છોડ્યો. તેમણે ચૂપચાપ ચાલવા લાગ્યા. પ્રશાંત સવળો થયો.

“ડોહાને હાલવાના હોંસ નથી ને ઓલેમ્પિકમાં નામ લખાવું!” તે બોલ્યો. રાવજીભાઈ મૂંગામોઢ જતાં રહ્યા. તે પાછો ખુરશી પર બેસી, ગાંઠિયા અને કઢી ઠૂંસવા લાગ્યો.

 

*

 

                    ઘરની બ્હાર સામે છેડે શાલકી ઊભી હતી. તે ઘર પાસે રહેતા પેલા છોકરા સાથે આવી હતી, જે સુરભિની પાછળ પડ્યો હતો. નિશાંત ગાડીમાં પસાર થયો ત્યારે તેણે જોયું. શાલકીએ સફેદ ટી-શર્ટ પહેરી હતી. જેના પર લખ્યું હતું:’CODING TAUGHT ME TO NEVER GIVE UP WHEN SOMETHING DOES NOT WORK!’ નિશાંતના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. શાલકીના હાથમાં પોસ્ટર હતું. જેમાં લખ્યું હતું:

                           ”રાત નથી ગુજરતી યાદમાં તમારી,

                           એટલી નગણ્ય છું હું નજરમાં તમારી

                           કે નથી લાયક રહી હું માફીને તમારી?

 

                    નિશાંતને આવતો ભાળી તેણે પોસ્ટર ઊંચું કર્યું. નિશાંત વગર બોલે ગાડીમાં પસાર થયો. શાલકી ઝટપટ પેલા વાંકા-અર્ધા ઊભા વાળવાળા સ્પ્લેંડરવાળા છોકરા જોડે તેની એક્ટિવા પાછળ બેસી. પોસ્ટર આગળ થેલીમાં ભેરવ્યું, તેઓ નિશાંત પાછળ ગયા. શાલકીએ ઝડપથી એક્ટિવા ભગાવાનું કહ્યું અને નિશાંતની બાજુમાં વાહન લેવડાવ્યું, તેણે ગાડીનો કાચ ટકોરયો. નિશાંતે કાચ નીચે કર્યો.

“સોરી નિશાંત. મને તારા ઈંટેન્શન વિષે નોતી ખબર...” શાલકી બોલી. તેના વાળ હવામાં ઊડી રહ્યા હતા. તડકાના લીધે તેણે ગોગલ્સ પહેર્યા હતા. બંને વાહન ચાલુ હતા, ને તેઓ વાતો કરી રહ્યા હતા.

“તો આ શું નખરાં માંડ્યા છે તે?” નિશાંતે પૂછ્યું.

“માફી માગુ છું હું. મેં શું કયરું તો તું મારો ફોન-મેસેજનો રિપલાય નથ આપતો?”

“આપડે બંને જાણીએ છીએ, આ સંબંધમાં માનસિકતા તમારા લોકોની નીચલી રેવાની.”

“તદ્દન ખોટી વાત છે, આપડે બેસીને ચા પીતા પીતા વાત કરીયે...”

“મારી પાસે ટાઈમ નથી.” નિશાંતે કહ્યું. આગળ ચાર રસ્તા પર સિગ્નલ બંધ થયો. શાલકીએ આસપાસ નજર ફેરવી.

“તો આપણે આયાં ચા પી લેવી એમાં શું.” કહી તેણે એક્ટિવાસવારને કહ્યું:”લોલા, જા હામે પેલી તપરી પરથી બે કટિંગ લેતો આય.”

“જી દીદી.” કહી તેણે ટ્રાફિકમાં એક્ટિવા સ્ટેન્ડ પર લગાવ્યું અને દોડતો ચાની કીટલી પાસે ગયો.

“હું એ દિવસે હાજર હોત તો એવું કાય નો થાત પણ મને મોડા ખબર પયડી.”

“શાલકી આપડો મેળ નય પડે. ખોટી મેનત ના કર... ને પેલા ને કાં ચા લેવા મોયકલો?”

“આપડો જ મેળ પડવો જોઈએ. રાજકોટમાં તારા માટે કોય છોકરી હોય તો એ હું જ છું. આપડે જ એકબીજા માટે બરાબર સીએ. તારી પાહે મારી હારે ચા પીવાનો ટાઈમ નથી તો આપડે આયાં ટ્રાફિકમાં જ ચા પિયશૂ. એમાં ટાઈમ નય બગડે.” કહી તેણે લોલા સામે જોયું, પછી બોલી:”બે લોલા... કેટલી વાર? તારો હગલો લાઇટ ચાલુ થાય જાહે હમડા! જલ્દી કર!” આજુબાજુ ટ્રાફિકમાં ઉભેલા લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. ટ્રાફિક ઉઘડવામાં ૭૧ સેકન્ડ બાકી હતી.

“જી દીદી આયો!” લોલો પ્લાસ્ટિકની થેલીમાં ચા અને કપ લઈ દોડતો આવ્યો.

 

                    તેણે ફટાફટ સીટ ઉપર ચાર કપ મૂક્યા અને એમાં ચા રેડી. શાલકીએ એક કપ નિશાંતને આપ્યો. નિશાંત યંત્રવત બની કપ પકડ્યો, બીજો કપ એના ડ્રાઈવર દિપેનભાઇને આપ્યો. દિપેનભાઇ હળવું હસ્યાં અને કપ લીધો. ત્રીજો કપ તેણે ઉપાડયો પછી બોલી:

“જસ્ટ એક વાર આપડે ભેગા મળીને વાત કરીએ. કઈક સોલ્યુશન લાવીએ. શું એ રાત પછી તને જરા પણ ફિલિંગ નથી રહી મારા માટે?”

 

                    નિશાંત તેની સામે જોઈ રહ્યો. ગોગલ્સમાં તે આકર્ષક-નિર્દોષ લાગી રહી હતી. એના આ સવાલનો જવાબ તે ન આપી શક્યો. લોલાએ કપ ઉપાડી ખાલી કોથળી ડીવાઈડર બાજુ ફેંકી. દસ સેકન્ડ બાકી રહી. લોલો વાહન પાસે ઊભો હતો. શાલકી એક્ટિવા પર બેઠી હતી. તે નિશાંતની સામે જોઈ રહી. નિશાંત અનુત્તર બની નીચે જોઈ રહ્યો હતો. બધાના વાહન ચાલુ થવાનો અવાજ આવ્યો, શાલકી જગ્યાથી સભાન થઈ. તેણે લોલાનો કોલર પકડ્યો, તેના હાથથી ચા ઢોળાતા બચી ગઈ. શાલકી બોલી:”લોલા, એક્ટિવા ચાલુ કર જલ્દી! ટ્રાફિક ઉઘડ્યો. લોલાએ તેનો કપ શાલકીને પકડાવ્યો. તે એક્ટિવા પર સવાર થયો અને સેલ માર્યો પણ એક્ટિવા ચાલુ ન થયું. તેણે બે-ત્રણ વાર પ્રયત્ન કરી જોયો પણ ચાલુ ન થયું. શાલકી ચિડાઈ.

“શું કરે સે?”

“ખબર નય, ચાલુ નથ થતું.”

“હે ભગવાન! જલ્દી કર!” તે બોલી.

 

                    વાહન બધા ઉપડવા લાગ્યા હતા. એક્ટિવા પાછળ ઊભેલી ગાડી હોર્ન મારી રહી હતી. નિશાંતની ગાડી ત્યાંથી નીકળી ગઈ. નિશાંત ચા ન હતો પીતો. તે ચાના કપ સામે જોઈ રહ્યો અને દીર્ઘ વિચારણામાં ખોવાઈ ગયો હોય એવું લાગ્યું. લોલો પગેથી એક્ટિવા એક બાજુ લઈ ગયો અને ડબલ સ્ટેન્ડ પર ચઢાવી. શાલકી નિશાંતની ગાડી મોઢું ફુલાવી જતાં જોઈ રહી. તેના હાથમાં બે ચાના કપ હતા. લોલો એક્ટિવા ચાલુ કરવા મથી રહ્યો.

 

*

 

ગુડ મોર્નિંગ.” આસિસ્ટન્ટ રેશ્માબા કેબિનમાં આવ્યા.

“મોર્નિંગ.” નિશાંતે જવાબ આપ્યો.

“નિશાંત એક પ્રોબલમ ઊભી થઈ છે. જેનો ઉપાય લાવવો જરૂરી છે.”

“શું?”

“ગઇકાલે વસંત ઓટોના એક્ઝિક્યુટિવ મેનેજર મળવા આયવા હતા. તેમણે મિસબીહેવનો મેઈલ કયરો છે તમારા પર. મેં કોલ પર એ બાબતે ફોલો અપ લીયધું. તો એમણે ક્યે છે એમના ઘરના સબંધ છે તમારી હાયરે. ને તમે પર્સનલ ડિસ્પ્યુટના લીધે જેવુ-તેવું બોયલા એમને.”

“મેં કૈ મિસબીહેવ નથી કયરું. મેનેજર એટલે સિદ્ધાર્થ જ ને?” નિશાંતે કહ્યું.

“હા. સિદ્ધાર્થ સોલંકી. એમણે માર્કેટમાં અલગ વાત ફેલાઈ રહ્યા છે. એમણે પોતાની ગેરસમજ અંગે માફી માંગી તમારી પાસે, તમે એમને માફ નથી કરી રહ્યા તો એમણે બધી સોશ્યલ સર્વિસ ચાલુ કરી દીધી છે. લાઈક ઓરફન હોમ્સમાં જમાડવું, ગરીબ બાળકોને ભણાવવા વગેરે. પ્લસ તેમના ફાધર કઈક ઉપવાસ પર ઉતરી ગયા છે કે જ્યાં સુધી તમે એમને માફ નય કરો ન્યાં સુધી તેમણે જમશે નહીં.”

આ બધા નાટકો છે ખોટે ખોટા!”

“નાટક હોય કે ના હોય પણ એની અસર જરૂર થઈ રહી છે. ખાસ કરીને આપડી કંપની અને વસંત ઓટોનો રિલેશન પર. દરેક એમ્પ્લોયીના મોઢે આ જ વાત નીકળે છે. શું ચાલી રહ્યું છે વસંત ઓટો અને આપડી વચ્ચે. જો જલ્દીથી આનો ઉપાય નય લાવીએ તો આ ઇસ્યુ વધશે અને પ્રોબલમ મોટી થઈ જશે.” રેશ્માબાએ જણાવ્યુ. નિશાંત વિચારમાં પડ્યો.

“શું કરી શકાય? તું કે’” તેણે રેશ્માબાને પૂછ્યું.

“એમને ખાલી માફી જોઈ છે. તો માફ કરી દ્યો. એકવાર એમણે જમતા થઈ જાશે તો વાંધો નય આવે. બાકી આ વાત ફેલાતા આપડી બદનામી થાશે.”

“બરાબર.”

 

                    હમણાં જ શાલકી સાથે વાત કરી તેને સારું લાગ્યું હતું. તે જીદ છોડી, જૂની વાત ભૂલી જઈ આગળ વધવા તૈયાર થયો હતો, ત્યાં શાલકીના ઘરના એ સામો પ્રહાર કર્યો. તેને એક બહાનું જોઈતું હતું વાત ભૂલવાનું પણ આ લોકો એમ થવા દેતા ન હતા. માટે તેણે પણ આ રમત ચાલુ રાખવાનું વિચાર્યું. તેને રેશ્માબાની વાત યોગ્ય લાગી. જીદ છોડી વાત ભૂલી જવા રાજી થવું પડ્યું. તેણે તરત રાવજીભાઈને ફોન લગાવ્યો અને જણાવ્યુ ધીરેનભાઈ અને દિનકરરાવને પંચના વડવાઓ સાથે આપડા ઘરે આમંત્રિત કરો. શાલ ઓઢાડી વાત નો છેડો લાવી દઈએ. ને બધાનું જમવાનું આપડા ન્યાં ગોઠવો. દિનકરરાવ આપડા ન્યાં જમીને ઉપવાસ તોડશે.

 

                    રાવજીભાઈને આ વાત ગમી. તેમણે ફટાફટ આગેકૂચ કરી. પંચ અધ્યક્ષ૪(વજુભાઈ)ને આ વાત જાણી નવાઈ લાગી કે નિશાંતને અચાનક શું થયું? આ પ્રસંગમાં તેમણે હાજર રહ્યા. ઓફિસમાં વાત ત્યાં જ અટકી ગઈ પણ કોણ જાણતું હતું આ એક નવી શરૂઆત થવા જઈ રહી હતી.

 

*

 

                    નિશાંતનું મન ન હતું એ લોકોને ઘરે જમવા બોલાવવું પણ તેની બકરી ડબ્બામાં ફસાઈ ગઈ હતી એને નિકાળવા એમ કરવું જરૂરી હતું. તે લંચબ્રેકમાં કેફેટેરિયામાં આવ્યો ત્યાં શાલકી તેની પાછળ આવી.

“હાઈ...”

“તું આયાં શું કરે છે?”

“વાત કરવા આવી છું, તારી હારે.”

“આ તારા મોટા બાપાએ શું ધાર્યું છે નવું?”

“એમણે આપડા સારા માટે ઉપવાસ કરે છે, તને વિશ્વાસ આવે એટલે.”

“એની જરૂર નથી આજ સાંજે મેં એમને મારા ઘરે જમવા બોલાયવા છે. હું સમાધાન કરી રહ્યો છું.”

“સાચ્ચે?” હરખથી તે બોલી ઉઠી.

“હા.”

“તો આપડી એંગેજમેંટ થશે?”

“ઓ વેઇટ, વેઇટ. બોવ વધારે અપેક્ષાઓ ના રાખીશ. મારે તમારા કોઇની જરૂર નથી. મારો જીવ ના ખાવ એટલે આજે બેઠક ગોઠવી છે.”

“તો હવે હું તારો જીવ ખાઈ રહી છું? આટલું બધુ થયા અને કર્યા પછી પણ?”

“જો મેં તો તને ન હતું કહ્યું મારા માટે કાય કર? તમે જેટલું અત્યાર સુધી કર્યું એ બોવ છે.” તે કટાક્ષમાં બોલ્યો.

 

                    એક ટેબલ પર આવી તે અને રેશ્માબા બેઠા. રેશ્માબા શાલકીને જોઈ રહ્યા. ખરેખર આ છોકરીમાં કઈક અલગ હતું. તેની સાદગીમાં પણ ભારેખમ આકર્ષણ દેખાઈ પડતું હતું. સામે નિશાંત તેને કઈ ભાવ આપી રહ્યો ન હતો. શાલકી અને લોલો તેની પાસે ઊભા હતા. નિશાંતે વેઇટરને ઈશારો કર્યો. આ જોઈ શાલકી બોલી:”મને પણ ભૂખ લાગી છે.”
“તો ઘરે જા અને ખાઈ લે
, અહીં શું કરે છે?” નિશાંત બોલ્યો.

“તારી હારે વાત કરવા આવી છું.”

“પતી તો ગઈ વાત.”

“એમ થોડી કાઇ પતે. તું કે શું કરવું છે?”

“મારે શાંતિથી મારૂ લંચ ખાવું છે.”

“બોવ સારું.” કહી તેણે રેશ્મા સામે જોયું અને તેની બાજુની ખુરશીમાં બેસી. પછી ઉમેર્યું:”લોલા, હામે બેહી જા, આજ આપડે અહીનું જમવાનું ખાયશું.” લોલો નિશાંતની બાજુમાં બેઠો.

 

                    વેઇટર આવ્યો અને નિશાંત-રેશ્માબા આગળ કોમ્બો લંચ ડિશ મૂકી. શાલકીએ પણ એ જ ઓર્ડર આપ્યો. વેઇટર ઓર્ડર લઈ ત્યાંથી ગયો. રેશ્માબા શાલકીને જોઈ રહ્યા. નિશાંત ખૂબ જ ઓકવર્ડ અનુભવી રહ્યો હતો. આ બંનેને બેસેલા જોઈ તેને ખાવાનું મન ન હતું થઈ રહ્યું. શાલકી તેની સામે જોઈ રહી:”તમે તમારું ખાવાનું ખાવ... અમારું આવી રહ્યું છે, હું કઈ ડિસ્ટર્બ નય કરું.” કહી તેણે નજર ફેરવી.

“નિશાંત, આઈ થિંક તમારે અને શાલકીબેને સાથે જમવું જોઈએ.” કહી રેશ્માબા ઊભા થયા.

“વાહ, ચાલો એટલીસ તમે તો અમને કઈક સાથે કરવા દેવા માંગો છો, થેન્ક યુ.” શાલકી બોલી.

“ના, રેશ્મા તું બેસ, એવું કઈ નથી.”

“નો નિશાંત, ધીસ ઈઝ પર્સનલ મેટર, યૂ શુડ સોર્ટ ઈટ આઉટ.” કહી રેશ્મા તેની ડિશ લઈ બીજે જતી રહી.

“તારે મને બધી જગ્યાએ એમ્બેરેસ કરવો જરૂરી છે?” નિશાંત ચિડાયો.

“એમ્બેરેસ્મેંટ માથાના વાળ જેવી છે, તમે જેટલી અનુભવો એટલી લાગે.” ખંધાઈથી શાલકી બોલી.

“ઓઓ... ફિલોસોફી. મેં તને તરછોડી ત્યાં તારામાં ફિલોસોફી અવતરવા લાગી?

“મને તરછોડવાથી મારામાં તત્વ દર્શનની અનુભૂતિ થઈ છે, જો એવું તને લાગતું હોય તો ક્લીરલી તમે મને હજુ ઓળખતા જ નથી. તમે હજુ અજાણ્યા અને એટલા જ અપરિચિત છો જેટલા બે મહિના પહેલા હતા.” શાલકી બોલી.

 

                    નિશાંત મૂંગો થયો. શાલકી-લોલાનું જમવાનું આવી ગયું. શાલકીએ લોલાને રેશ્મા પાસે જમવા જવાનું કહ્યું. લોલાએ એમ કર્યું. તેની થાળી આવી ગઈ એટલે નિશાંતે જમવાનું શરૂ કર્યું. શાલકી બોલી:

“શું તને ખરેખર એવું લાગ્યું હતું કે બે મહિનામાં મને ઓળખી જાઈશ?”

“ચૂપચાપ તારું ખાવાનું ખા.” નિશાંત બોલ્યો.

“ખાવાનું ગરમ છે. ઠંડુ થાય તો ખાવને.”

“તો મૂંગામોઢ ઠંડુ કર. બોલ બોલ કર મા.”

“એના કરતાં આપડે બંને તારી ડીશમાંથી ખાઈએ તો કેવું રેશે?” સ્મિત સાથે શાલકીએ પૂછ્યું. નિશાંત તેની સામે જોઈ રહ્યો.

“ના. તું તારામાંથી ખા.”

“સારું હો.” શાલકી બોલી.

 

                    બંને પછી થોડીવાર જમવા લાગ્યા. લોલો-રેશ્મા સામે ટેબલેથી બંનેને જોઈ રહ્યા હતા. શાલકીએ જમવાનું શરૂ કર્યું. એક કોળ્યો ખાધા પછી તે બોલી:“ખાવાનું તો સારું છે હો આયાં. કેટલાનું મળે છે?” તેણે પૂછ્યું. નિશાંતે કોઈ ઉત્તર ન આપ્યો. તે ચૂપચાપ ખાતો રહ્યો. પછી શાલકીએ ઉમેર્યું:”એટલે અમારા ઘરેથી ટિફિન નતા લય જાતા. આયાં આવું ચટાકેદાર ખાવા મળે ને...નય?” તે નિશાંતની મશ્કરી કરી રહી હતી. નિશાંત નિરસભાવે તેની સામે જોઈ રહ્યો. તેણે જમી લીધું, ઊભા થઈ ડિશ લઈ સિંક પાસે ગયો. શાલકી તેની પાછળ ગઈ.

“હવે, જમીને શું આઇસ્ક્રીમ ખાવાનો કે ઠંડુ પીવાનું?”

“હવે હું કામ કરીશ અને તું ઘરે જા...”

“પણ મારે આઈસક્રીમ ખાવો છે.” તે અને નિશાંત ડિશ મૂકી, સિંકમાં હાથ ધોઈ રહ્યા હતા. નિશાંત ચૂપચાપ હાથ લૂછવા લાગ્યો. તેઓ બ્હાર નીકળ્યા.

“બોલને, ચાલો આઇસ્ક્રીમ ખાવા જાઈ...”

“ઇનફ! બોવ થયું હવે. મને કામ કરવા દે. હું તારા જેમ નવરો નથી. ઘરે જા!” તેણે શાલકીને ધધડાવી. આસપાસના લોકો તેમને જોઈ રહ્યા. શાલકી સહેજ ભોંઠી પડી. તે ચૂપચાપ  ટેબલ પાસે ગઈ. ચાવી ઉપાડી અને નીકળી ગઈ. જતાં-જતાં વિષાદભાવે બોલી:”હાલ લોલા, ઘેરે જાવી.”

 

                    લોલો ફટાફટ ડિશ મૂકવા ચાલ્યો. શાલકી બ્હાર નીકળી ગઈ. નિશાંત કાઉન્ટર પર પૈસા આપી રહ્યો હતો. લોલો આવ્યો અને તેને જોઈ રહ્યો, એટલે નિશાંતે પૂછ્યું:”શું?”

“મારી પાસે પૈસા નથી, ને દીદી બારે નીકળી ગયા...”

“મારા હારા... માથે જ પયડા સો બધા મને.” તે બબડ્યો અને લોલા-શાલકીના જમવાના પૈસા આપ્યા.

 

*

 

                    સાંજે પાર્કિંગમાં એક છેડે લોલો ફુગ્ગા ફુલાઈ રહ્યો હતો. શાલકી એટલામાં દેખાઈ રહી ન હતી. નિશાંત ઓફિસની બ્હાર આવ્યો ત્યારે તેને કોઈકનો ફોન આવ્યો. તે વાત કરતો પાર્કિંગ તરફ આવી રહ્યો હતો. તેનો ડ્રાઈવર ગાડીને ટેકો દઈ માથું નીચે રાખી ઊભો હતો. નિશાંત આવ્યો એટલે તેણે દરવાજો ખોલ્યો. નિશાંત પાછળ બેસયો, ડ્રાઈવર દરવાજો બંધ કરી, આગળની સીટ પર આવ્યો. નિશાંત વાત કરી રહ્યો હતો. ડ્રાઈવર બેસી રહી સામે જોઈ રહ્યો હતો. બે ક્ષણ બાદ નિશાંત બોલ્યો.

“મિસ્ટર સ્મિથ, હોલ્ડ ફોર અ સેકન્ડ! ગિવ મી અ મિનટ.” કહી તેણે ડ્રાઈવર સામે જોયું અને કહ્યું:”કાં દિપેનભાઇ ઊભી રાયખી?”

“ક્યાં જાવું સે?” કહેતા શાલકી પાછળ ફરી. તે ડ્રાઈવરના યુનિફોર્મમાં આગળ બેસી હતી. શાલકીને જોઈ નિશાંત ડઘાઈ ગયો.

“વોટ ધ હેલ!!!” બોલી તે સીટ પર ઊછળી પડ્યો. તે ગાડીની બ્હાર નીકળ્યો.

“યુ સ્કેર્ડ ધ શીટ આઉટ ઓફ મી!” તેણે શાલકીને કહ્યું. ખંધું હસતાં શાલકી બ્હાર આવી અને બોલી:”સોરી. કેવી લાગી સરપ્રાઈઝ?”

“અરે માય ગઈ સરપ્રાઈઝ! દિપેનભાઈ ક્યાં છે?”

“એમને અમે બેભાન કરીને પાછળ ડેકીમાં પૂરી દીધા છે.” શાલકી બોલી.

વોટ?” આશ્ચર્ય અને આઘાત સાથે નિશાંત બોલ્યો. તેણે સ્ટિયરિંગ પાસે સ્વિચ દબાવી પાછળની ડેકી ખોલી.

 

                    ડેકી ખોલતા એમાંથી સોરી લખેલા ફુગ્ગા, લાલ અને સફેદ રંગના તથા દિલ આકારના ૯,૧૦ રીબીનથી બાંધેલા ફુગ્ગા ઊડ્યાં. નિશાંતને આઘાત પર આઘાત લાગી રહ્યા હતા. ડેકીમાં દિપેનભાઇ ન હતા.

“આમાં નથી દિપેનભાઇ.”

“ઓહ સીલી... તને ખરેખર લાગ્યું હું એમને બેભાન કરીને ડેકીમાં પૂરી દઇશ?” નિશાંતને ના સમજાયું શું બોલવું જોઈએ. તે ચૂપચાપ એને જોઈ રહ્યો, શાલકીએ ઉમેર્યું:”એમને પૈસા આપી, બીજો ડ્રાઇવિંગનો યુનિફોર્મ લઈ તને સરપ્રાઈઝ આપવા એમને ટહેલવા મેં મોકલી દીધા હોય... તને એવું લાગે છે? એ સાવ ગાંડા જેવી વાત છે.” કહી તે હસી. જોકે, ખરેખરમાં તેણે એવું જ કર્યું હતું.

“તું સાયકો થઈ ગઈ છું.” બોલી તેણે દીપેનભાઈને ફોન લગાવ્યો.

“એમના મમ્મીની તબિયત ખરાબ હશે... કદાચ.” શાલકી બોલી. નિશાંત તેની સામે જોઈ રહ્યો. દીપેનભાઈએ કોલ ઉઠાવી એ જ વાત જણાવી.

“બોવ સારું.” ડેકી બંધ કરતાં તેણે કહ્યું અને ડ્રાઇવિંગ સીટનો દરવાજો ખોલ્યો.

“નિશાંત સોરી યાર...”

નિશાંતે ગોગલ્સ ચડાવ્યા. “શાલકી મેં ઓલરેડી માફ કરી દીધા છે અને આજે સાંજે સમાધાન માટે તારા પપ્પાને પણ બોલાવ્યા છે, તો પ્લીઝ આ બધા સ્ટંટ કરવાનું બંધ કરી દે. તું મારા માટે નથી. આપડી વચ્ચે એ સ્પાર્ક નથી જે એક સબંધમાં હોવા જોઈએ. લીવ ઈટ યાર. સ્ટોપ ધીસ ડ્રામા!” તેણે શાલકીને જણાવ્યુ.

 

                    શાલકી ન હતી જાણતી નિશાંત તેની સાથે રહેવા જ નથી માંગતો. તેને હતું કે ઝઘડાના લીધે તે ગુસ્સે હશે પણ તેને શાલકી માટે કોઈ લાગણી જ રહી ન હતી. નિશાંતના શબ્દો તેને ખૂબ આકરા લાગ્યા.

“સાચી વાત કરી હતી તે, હવે લોકોનું સ્ત્રીઓ પ્રત્યેનું વલણ વસ્તુ વિશેષ થઈ ગયું છે માનવ વિશેષ નહીં. આ બધા ઝઘડા મેં તો નતા કયરા ને? શું મેં તને માયરો? મેં તમને ગાયરું દિયધી? મેં એવું કાંય નથ કયરું કે તારે મારી હારે સબંધ કાપવો પયડે, તો કાં તું મારી હાયરે આવું કરે છે...? તને ખબર છે આ SORRY લખેલા ફુગ્ગા શોધવા કેટલા મુશ્કેલ છે? તને ચેલેન્જ આપું છું, જા આખા રાજકોટમાં આવા ફુગ્ગા શોધી બતાવ... પણ તને કશી કદર જ નથી. તે કહ્યું એ સાચું જ છે આ સમાજમાં અમારું અસ્તિત્વ વસ્તુ વિશેષ છે. તમારા ભાયડાઓના અહંકારમાં અમારે અમારી જિંદગી વાળવી પડે છે. એક નિર્જીવ એઠા બર્ગર જેમ. જેને કોઈ મોએ લગાવવા નથી માંગતુ.” કહી તે ત્યાંથી જતી રહી.

 

                    પશ્ચાદભૂમિમાં લોલો સોરી લખેલા ફુગ્ગા ફુલાવી, રીબીન બાંધી હવામાં ઉડાવી રહ્યો હતો. નિશાંત મંત્રમુગ્ધ બની પૂતળા જેમ ચોંટી ગયો પછી ગાડી ચાલુ કરી, ત્યાંથી નીકળી ગયો. તે વિચારમાં પડ્યો. તેની પોતાની વિચારસરણી અને તેણે ભરેલા પગલામાં વિરોધાભાસ દેખાઈ રહ્યો હતો. આ દંભ કેવી રીતે એનામાં પ્રગટ્યો? તે મનોમંથન કરવા લાગ્યો.

 

                    શાલકી પાછળના પાર્કિંગ તરફ જઈ, એક જગ્યાએ બેસી ગઈ. બાજુમાં ડ્રાઈવરની ટોપી મૂકી, રડવા લાગી. થોડીવાર બાદ લોલો પાસે આવ્યો, તે એને સાંતવાના આપવા માંગતો હતો પણ સમજાયું નહીં શું બોલવું જોઈએ, તે ચૂપચાપ ઊભો રહ્યો. નિશાંતે બારીમાંથી આકાશમાં ઉડતા ફુગ્ગા જોયા અને પછી ડ્રાઇવિંગમાં ધ્યાન આપી જતો રહ્યો.

 

*

 

                    સિદ્ધાર્થ જાણતો હતો લગ્નની રજૂઆત નિશાંત નકારી દેશે. ધીરેનભાઈ-દિનકરરાવને તેણે એ વાત ન કાઢવા અગાઉથી જ ચેતવી દીધા. સમય આવે બધુ થશે. તેણે ઘરનાને વિશ્વાસ અપાવ્યો. સિદ્ધાર્થ, દિનકરરાવ, ધીરેનભાઈ, મગાકાકા, નાનજી ફૂઆ, વજુભાઈ અને પંચ અધ્યક્ષ ત્રણ રાવજીભાઈના ઘરે ભેગા થયા. નિશાંત જૂની વાત ભૂલી જઈ વડીલોને પગે લાગ્યો. સૌએ માનની લાગણી અનુભવી. બાદમાં દિનકરરાવને રાવજીભાઈએ શાલ ઓઢાડી રામરામ કરી જૂના મતભેદો પર માટી નાખી. આ જોઈ સિદ્ધાર્થ મનમાં એક જ શબ્દ ઘોળી રહ્યો હતો:સ્ટાન્ડર્ડ. બધાને લાગ્યું સંબંધ સચવાય ગયો છે પણ બંને પાર્ટીના અલગ મનસૂબા હતા, જેથી કોઈ સગાઈની વાત લાવ્યું નહીં. પંચ અધ્યક્ષ અને ફુવા-કાકા આ બાબત મનમાં વિચારી જ રહ્યા હતા પણ ત્યારે મૂંગા રહ્યા. સૌએ સાથે ભોજન લઈ, થોડીવાર બેસી, વાતોચિતો કરી છૂટા પડ્યા.

 

                    નિશાંતને એમ હતું જૂના વિવાદનો છેડો લાવવાથી મેટર પૂરી થઈ જશે પણ એમ થઈ ન હતું રહ્યું. સોલંકી પરિવારના સારા કાર્યો, લોકોની સેવા તેમણે મૂકી નહીં. તેમણે નિશાંતનું નામ પડતું મૂકી શાલકીનું માર્કેટિંગ કરવા લાગ્યા. બીજા દિવસે સવારે સૂર્યોદય નામની નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનના કાયદાકીય દસ્તાવેજ બનાવી સંસ્થા ઊભી કરી દીધી. તેમના દરેક કામના મુખ્ય હિમાયતી શાલકીને દેખાડવામાં આવી. શાલકી મારવાડી યુનિવર્સિટીમાં ભણતી હતી. ધીમે ધીમે કોલેજના વિદ્યાર્થીઓને તેણે પોતાની ઓર્ગેનાઇઝેશનમાં જોડ્યા. જેનાથી બે ફાયદા થયા. શિક્ષણ કેન્દ્ર પર ભણાવા માટે મુફ્તમાં કોલેજના વિદ્યાર્થીઓ આવવા લાગ્યા, ઉપરાંત, NSSના વિદ્યાર્થીઓ પણ અન્ય સેવામાં જોડાયા. ધીરેનભાઈએ તેની કોલેજની ત્રણ વિદ્યાર્થિનીઓની ત્રીજા સત્રની ફી ભરી, નોકરી અપાવી હતી તો એ કન્યાઓ ધર્મના પ્રચાર જેમ લગનીથી શાલકીનું માર્કેટિંગ કરી રહ્યા હતા જેના સકારાત્મક પરિણામ દેખાઈ રહ્યા હતા. સંસ્થાનું કદ વધી રહ્યું હતું. આ બધાની આગેવાન શાલકી હતી. તેના મેનેજમેંટ હેઠળ બધી પ્રવૃતિઓ ચાલી રહી હતી.

 

                    એ પછી સંસ્થાને ફંડિંગ મળવા લાગ્યું. આવી પ્રવૃતિઓમાં ઘણા ઉદ્યોગપતિઓ અને માલેતુજાર વ્યક્તિઓ પોતાનું યોગદાન આપવા લાગ્યા. દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કન્યાઓને NCC અને સ્પોર્ટ્સ કોટા હેઠળ સ્કોલરશીપ મળે એ માટેનો જોગવાઈ પત્ર મોકલ્યો. જેની ચર્ચાએ રાજકોટમાં ગરમાહટ પકડી કે ત્રણ-ચાર દિવસ પહેલા જ ઊભી થયેલી એક સામાજિક સંસ્થા પુરજોશથી આવા બધા કામ કેવી રીતે શરૂ કરી શકે છે? આટલી અંદર સુધીની માહિતી કેવી રીતે મેળવી શકે છે. સામે તરફ ABVP-NSUI સાથે આ સંસ્થા કોઈ સંબંધ ધરાવે છે કે નહીં? આ સંસ્થાનો હેતુ શું વગેરે જેવી ચર્ચાઓ લોકોને કરવા માટે મળી ગઈ. જેનો અર્ધો શ્રેય શાલકીને જતો હતો જેણે કોલેજમાં આ બધુ જોયું હતું અને સ્કોલરશીપ ન હોવાથી કેટલી છોકરીઓ નથી ભણી શકી એ ખ્યાલ હતો.

 

                    પચાસ ટકા કામ તો ત્યાં જ પતી ગયું. એડમીન વિભાગમાં આ બાબત પ્રત્યે જાગૃત કરવાના હતા. તેની પાસે સંસ્થા માટે કામ કરતાં અનુયાયી કહી શકાય એવા યુવાન/યુવતીઓ હતા જ. કોલેજમાં એમને ભેગા કરી સવારે ૧૦:૩૦ના બ્રેકમાં ઓપન સ્ટેજ આગળ ભાષણ આપી દીધું કે કેવા બદલાવ જરૂરી છે અત્યારની એડ્યુકેશન સિસ્ટમમાં. જેના પ્રથમ પડાવ તરીકે સ્કોલરશીપની માંગ કરવી જોઈએ. એના માટે હું અત્યારે પ્રિન્સિપાલશ્રી સર વિનાયક પુરોહિત પાસે જાવ છું. જેને આ બાબત યોગ્ય લાગતી હોય ઈ મારી હારે આવી શકે છે.

 

                    પછી જોઈતું હતું જ શું? કોલેજ કેમ્પન્સમાં ઉભેલા અન્ય વિદ્યાર્થીઓ પણ તેની સાથે જોડાયા. પ્રિન્સિપાલની ઓફિસ બ્હાર કોલાહલ થઈ ગયો. ૫૫ થી ૬૦ જેટલા વિદ્યાર્થીઓ બ્હાર ઊભા હતા. શાલકીએ બધાની સહી લેવડાવેલું પેટિશન બતાવ્યુ અને વિનંતી પત્ર રજૂ કર્યું. આ ઘટના સાંજના અખબારમાં આવી ગઈ અને પછી સવારે રાજકોટના અન્ય દૈનિક સમાચાર પત્રની પુરતીઓમાં શાલકીનું આ અભિયાન ફરવા લાગ્યું.

 

                    સાંજે ઘરના સભ્યો શાલકીનો ફોટો સુરખીમાં જોઈ વાંચી રહ્યા હતા, ત્યારે એનો ફોન રણક્યો. છેલ્લા ત્રણ દિવસમાં શરૂ થયેલી સમાજસેવાએ ભારે જોર પકડ્યું હતું. વાત છેક V9 ગુજરાતી ન્યૂઝ ચેનલ સુધી પહોંચી ગઈ. તેઓ શાલકીનો એક્ષ્ક્લુઝિવ ઇન્ટરવ્યુ લેવા માંગતા હતા. જો અત્યારે તેઓ ઇન્ટરવ્યુ માટે આવી જતાં હોય તો રાતે ૧૦ વાગ્યાના પ્રસારણમાં તેનું ઇન્ટરવ્યુ રજૂ કરવામાં આવી દે. સિદ્ધાર્થે લીલી જંડી બતાવી. શાલકી ઇન્ટરવ્યુ માટે તૈયાર થઈ. ઘરના સભ્યોએ તેને પુછવામાં આવતા સવાલો માટે તૈયાર કરી. સ્ક્રીપ્ટની સાદી કોપી તેને મેઈલ કરી દેવામાં આવી હતી. એના પરથી તેના જવાબ તૈયાર કરવામાં આવ્યા. જેમાં સુરભિએ ઘણી મદદ કરી. તેણે શાલકીને બધી વાતો પૂછી હતી. એ રાતે નિશાંત સાથે શું વાત થઈ હતી. એ બધી વિગતો તેની પાસે હતી. તૈયાર કરેલા જવાબ સચોટ અને પ્રતિભાશાળી હતા. આખી પોળમાં તમામ લોકોને ખબર પડી ગઈ આજે શાલકીનો ઇન્ટરવ્યુ પ્રસારિત થવાનું છે.

 

*

 

“કેમેરા રોલિંગ...?”

“રોલિંગ.

“એન્કર રેડી?”

“રોલિંગ.

“ફિફ્ટીન, ફોર્ટિન... થર્ટિન, (શાલકી-એન્કર સ્ક્રીન સામે બેઠા હતા. ૧૨ સેકન્ડમાં રેકોર્ડિંગ શરૂ થવાનું હતું) ટ્વેલ, ઇલેવન, ટેન, નાઈન, એઇટ, સેવન, સિક્સ, ફાઇવ, ફોર, (એન્કર પૂતળા જેમ સ્થિર બની કેમેરા સામે જોઈ રહી હતી) થ્રી, ટુ, વન...” કેમેરામેને થમ્સ અપની સંજ્ઞા દર્શાવી.

એન્કર:”એક કાઠિયાવાડી કન્યા જે આજકાલ અને રોજબરોજ તેના સામાજિક કાર્યથી રાજકોટની જનતાની જનની બની બેઠી છે. છેલ્લા ઘણા દિવસોથી સ્લમ વિસ્તારમાં બાળકો ભણવા જઈ રહ્યા છે, મહાવિદ્યાલયમાં છાત્રો તેમની જવાબદારીથી વાકેફ થઈ રહ્યા છે, વિનામૂલ્યે શ્રમજીવીઓને ભોજન મળી રહ્યું છે, વગેરે બીજા ઘણા કાર્યો છે, જેની નોંધ બહુ લાંબી છે. એ સૌની વાત આજે આપણે આ સ્પેશ્યલ ઇન્ટરવ્યુમાં કરવાના છીએ. નમસ્કાર હું મહિમા અગ્રવાલ આપનું સ્વાગત કરું છું આજના આ ખાસ શોમાં.

 

                    કોણ છે તે કન્યા? જેણે એકાએક આ બધા કાર્યો હાથે ધર્યા? શું છે તેનું લક્ષ્ય? ક્યાંથી આવી છે આ મહત્વકાંક્ષી યુવતી? અ બધા સવાલોના જવાબ આજે આપણને એ વ્યક્તિ પોતે જણાવા આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે. શાલકી સોલંકી. શાલકી તમારું આ શોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. હું મહિમા અગ્રવાલ આજના ઇન્ટરવ્યુની હોસ્ટ તમારો આભાર વ્યક્ત કરું છું, તમે તમારા ટાઈટ સેડ્યુલમાંથી સમય કાઢી અમારી સાથે વાત કરવા આવ્યા એ માટે. શાલકી સૌને તમારા વિષે જાણવું છે. તમે તમારા વિષે અમને કહો...”

શાલકી:”જી થેન્ક યુ મહિમાબેન, મને અહીં આમંત્રિત કરવા માટે. રાજકોટના લોકો સામે આ રીતે મારી જાતને રજૂ કરવી મારા માટે ખૂબ જ મોટી વાત છે. હું આ શહેરની એક સાધારણ કન્યા છું. મારી આસપાસ હું લોકોને જોવ છું, જે સામાન્ય સુવિધાઓ પણ અફોર્ડ નથી કરી શકતા, તેમની મદદ કરવાની ઈચ્છા મને જાગી, ને મેં આ કાર્ય હાથ ધર્યું. આજે હું રાજકોટના લોકોની મદદથી જ અમારી સંસ્થા આ બધા કાર્યો સફળતાથી આગળ વધારી શકી છે.”

“જી બિલકુલ. શાલકી એવી કઈ બાબત છે, જે તમને સમાજનો ઉદ્ધાર કરવા મોટીવેટ કરે છે?”

“મારા પપ્પા. એમણે કોઈને દાબમાં રાખતા નથી. તેઓ સૌનો વિકાસ ઇચ્છતા હોય છે. તેમણે લોકોની મદદ કરતાં હોય છે. મને એમનાથી ખૂબ પ્રેરણા મળે છે.”

એન્કર:“વાહ... એક પિતા અને દીકરીનો સંબંધ બહુ જ ખૂબસૂરત હોય છે. દુનિયાના બધા સંબંધ એક તરફ અને પિતા-પુત્રીનો સંબંધ એક તરફ.”

“જી ખરી વાત.”

“શાલકી, તમારી એંગેજમેંટ વિષે અમને વાત મળી છે. જાણીતા ઉદ્યોગપતિ રાવજીભાઈના પુત્ર અને ઈકામાંરુ કંપનીના ચેરમેન નિશાંત પરમાર સાથે તમારી સગાઈ નક્કી થઈ હતી. જે હાલમાં તૂટી ગઈ છે. તમે એના વિષે કઈ કહેવા માંગશો?”

“મહિમાબેન, હાલમાં આપડા સમાજમાં સ્ત્રીઓએ પુરૂષોને આધીન રહેવું પડે છે. જે કાંય મિસઅંડરસ્ટેન્ડિંગ થય હતી એમની અને મારા પરિવાર વચ્ચે, એમાં મારી દેખીતી રીતે કોઈ જાતની ભૂમિકા ન હતી પણ એમનું એવું માનવું છે કે મારૂ સ્ટાન્ડર્ડ એમના જેટલું નથી.” નિશાંત આ ઇન્ટરવ્યુ જોઈ રહ્યો હતો. તેના કાન સરવા થયા.

“શું મિસઅંડરસ્ટેન્ડિંગ થઈ હતી તમારી અને નિશાંત પરમાર વચ્ચે?

“એમણે શરત મૂકી હતી કે લગ્ન બાદ બાળકનો ટેસ્ટ કરાવા માંગતા હતા. તેમના કારણો અલગ હતા ને અમારા અલગ. જેના કારણે ઇસ્યુ થયો હતો. હયશે જો એમને એવું લાગતું હોય કે અમારું એટલું સ્ટાન્ડર્ડ નથી, તો કદાચ નહીં હોય.”

“તો શાલકી તમને એવું લાગે છે ક્યાંક કોઈ છેડે, કોઈક રીતે એ બાબત તમારી અન્ય લોકોને મદદ કરવા સાથે કનેકટેડ છે? હું ખાલી ડોટ્સ જોડવા પ્રયત્ન કરું છું. શું હોય શકે છે?”

“મહિમાબેન, બધા બધુ મેળવી નથી શકતા જીવનમાં. આ અધુરપ હું અન્ય લોકોમાં જોવ છું, કેટલી સામાન્ય બાબતો, કેટલી સાદી વસ્તુઓ, જે આપડા માટે મામૂલી હોય છે, એ મેળવવા લોકો તરસતા હોય છે. એ પ્રાથમિકતા પૂરી કરી શકતા નથી. મારે એમની એ જરૂરિયાત પૂરી કરવી છે. મારે રાજકોટની પ્રજાના જીવનમાં સારી તકલીફો જોઈએ છે. એવી પ્રોબલમ જે જીવન જરૂરિયાતની પ્રાથમિકતા પર મર્યાદિત ના રહે.”

“કેવી રીતે એટલે? પ્રજાની તકલીફ કે પ્રોબલમથી લગ્ન સંબંધ કે પ્રેમ સંબંધને શું લેવાદેવા?” એંકરે પૂછ્યું.

“આપડા લોકોની જે માનસિકતા છે. લગ્ન વગરના સંબંધની એ બદલવી છે, આપડી જનતા ઘણું બેટર ડિસર્વ કરે છે. એક યુવક-યુવતીના પૂર્વ પ્રેમ સંબંધને કેમ અસામાજિક રીતે જોવામાં આવે છે? જો કોઈ એ વિષે સાચેસાચું જણાવી દે તો માણસો સંબંધ આગળ વધારતા નથી. ક્યાંથી વધારે? આપડો સમાજ લગ્ન માટેના ધોરણો જ જીવનની પ્રાથમિકતા સુધી સીમિત રાખે છે. છોકરો કેટલું કમાય છે? શું ભયણો છે? પોતાનું ઘર છે કે ભાડે રેય છે? આ બધી ભૌતિક પ્રાથમિકતાથી આપડે ઉપર ઉઠવાનું છે. જ્યારે બધા પાસે આ ભૌતિક જરૂરિયાતો હશે, ત્યારે એ બાબતો, એ વસ્તુઓ ગૌણ થઈ જાશે. ને ત્યારે સમાજ મોકળા મનથી વિચારશે કે લગ્ન વગરનો પૂર્વ સંબંધ એ કાય કલંક નથી. જોકે, એને વધારે હું પ્રોત્સાહન પણ નથી આપતી પણ કોઈ વ્યક્તિને જાણવા એ સંબંધ રાખવો પયડો હોય તો મને એમાં કાંય ખોટું પણ નથી લાગતું. દરેક વસ્તુના પ્રોસ અને કોન્સ રેવાના. આમાં લીવ ઇન રિલેશનમાં બધુ જ સારું હોય એવું પણ હોતું નથી, તેની પણ કેટલીક મર્યાદા હોય છે.”

“જી, જી બિલકુલ. શાલકી, તમારી વાત સાથે હું ૧૦૦% સહમત થાવ છું. સ્પિરિચ્યુયાલિટી તરફ વધવા માટે પણ સામાન્ય જરૂરિયાત પૂરી થવી એટલી જ જરૂરી છે, તો જ માનવી આધ્યાત્મિકતા તરફ વળી શકે છે. શાલકી તમારું આગળનું વિઝન શું છે? તમારો નેક્સ્ટ ગોલ શું છે?”

“હાલમાં અમે આ બાબતો પર વધારે ફોકસ કરીયે છીએ કે સ્લમ વિસ્તારના બાળકો ભણે, સ્ટ્રીટ અને ફ્લાયઓવર નીચે રહેતા લોકોને બે ટંકનું જમવાનું મળી રહે, એવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ, મુખ્ય ગોલ એ છે કે આગળ જતાં કોઈ યુવક/યુવતી આર્થિક સકડામણના કારણે ભણવાનું નો છોડે. એના માટે પાર્ટ ટાઈમ નોકરી જેવી તકો અમે એમના માટે લાવી રહ્યા છીએ...”

 

                    એમ આગળ ઇન્ટરવ્યુ ચાલતું રહ્યું. નિશાંત બધુ સાંભળી રહ્યો હતો. શાલકી અને તેના પરિવારે કઠોર પ્રહાર કર્યા હતા તેના પર, એને હતું તે એ બધા કરતાં આગળ અને ઉપર ઊંચા મુકામે છે કે કોઈ તેનું કશું બગાડી નહીં શકે પણ એ લોકોએ તેની સામાજિક પ્રતિભા અને કમાવાની સુવિધા પર સોલીડ અટેક કર્યા હતા. એક વાત તેને ગમી. શાલકી આગેવાન બની ગઈ છે. કેવું સરસ ટીવીમાં બોલી નાખ્યું. ગોળ ગોળ વાત ફેરવ્યા કરતાં સીધે સીધું નામ મારૂ આપી દીધું કે મેં શું કર્યું હતું. લાવ એને મેસેજ કરું...

 

                    ઘરના બધા શાલકીનો ઇન્ટરવ્યુ જોઈ રહ્યા હતા. શાલકી દિશાબેન પાસે બેસી હતી. તેનો મોબાઈલ બાજુમાં પડ્યો હતો. અનાયાસે તેનું ધ્યાન મોબાઈલ પર એક-બે વાર ગયું. પછી બધા સાથે મન ભળી ગયું.

 

‘hi’ નિશાંતે મેસેજ ટાઈપ કર્યો. બે ક્ષણ વિચારમાં પડ્યો અને પછી મેસેજ ભૂંસી નાખ્યો. પછી લખ્યું:શું કરે છે?” તે મેસેજ મોકલવા જઈ રહ્યો હતો પણ મેસેજ ઠીક ન લાગ્યો, તેણે પાછું બેકસ્પેસ મારી મેસેજ કાઢી નાખ્યો. પછી લખ્યું:”Nice interview! Congrats!”

 

                    મનમાં વિચારી રહ્યો કે પોતે શું કરી રહ્યો છે? કેટલા વાર પ્રહાર સામ સામે થયા. દુશ્મનાવટ નિભાવામાં સોલંકીઓએ કોઈ કસર બાકી ન હતી રાખી. છતાં, કેમ તેમનાથી આત્મીયતા જોડાઈ ગઈ છે? કેમ મને એના પ્રત્યે આકર્ષણ થઈ રહ્યું છે? નિશાંતે પોતાને પૂછ્યું. એ વિચારમાં જ આખી રાત પસાર થઈ ગઈ. સવારે ઊઠીને જોયું તો મેસેજ સેન્ડ કરવાનું તે ભૂલી ગયો હતો. એ મેસેજ પણ બેકસ્પેસથી ભૂંસી નાખી તે નાહવા ગયો. આ બેક્સ્પેસે કેટલા વિચારો અને કેટલા લોકોને પોતાની ભાવના રજૂ કરતાં રોક્યા હશે. કાશ આ બેકસ્પેસનો આવિષ્કાર ન થયો હોત તો જીવન કેટલું સરળ બની જાત.

 

*

 

                    શાલકીનો મોબાઈલ ઘરમાં હતો. સવારથી જ સંસ્થાના, કેન્દ્રના, ભોજન મંડળ, કોલેજ, મિત્રો વગેરેના કોલ મેસેજ આવવા લાગ્યા હતા. જેનો જવાબ આપનાર કોઈ હતું નહીં. પછી એક બે જણ તેની શોધ કરતાં કરતાં ઘરે પણ આવી ગયા. ઘરેથી જાણવા મળ્યું કે તે બ્હાર ગઈ છે. ક્યાં ગઈ છે એ ઘરનાને પણ ન હતી ખબર.

 

                    ઘણું કામ તેના વગર અટક્યું હતું. ક્યાંક તેની સહી જોઈતી હતી, તો ક્યાંક તેનું અપૃવલ જોઈતું હતું. નવા ઈન્વેસ્ટર્સ અને ડોનર્સ તેને મળવા ઘરે આવતા પણ બધાને જવાબ એક જ મળતો તે ક્યાંક બ્હાર ગઈ છે. સૌને બે દિવસ તો એમ હતું આટલા બધા કામ સાથે કરે છે, તો ક્યાંક વ્યસ્ત હશે પણ જ્યારે બે દિવસ સુધી એક પણ ક્ષેત્રના માણસોને તે ન મળી એ જરાક અસાહજિક લાગ્યું. સંસ્થાના લોકોને હવે ચિંતા થવા લાગી. છેલ્લા બે દિવસથી શાલકીનું કોઈ ઠેકાણું ન હતું. તેમણે ઘરનાને દબાણ સાથે પૂછ્યું છેલ્લે ક્યારે જોઈ હતી? કોની સાથે ગઈ હતી?

 

                    પરિવારમાં કોઈ પાસે એનો સંતોષકારક જવાબ ન હતો. છેવટે, પોલીસમાં જવાની ફરજ પડી. સંસ્થાના વિદ્યાર્થીઓએ શાલકીના મિસિંગની FIR લખાવી. જ્યારે નિશાંતને આ વિષે ખબર પડી તો તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. અચાનક ક્યાં ગઈ શાલકી? શું થયું એને? ઘણા લોકો એના પર આંગળી ચીંધવા લાગ્યા, નિશાંતે જરૂર કઈક કર્યું હશે. આમાં તેની કઈક ભૂમિકા રહી હશે. લોકોએ જ્યારે એના પર પ્રશ્નો ઉઠાવ્યા. ત્યારે તેને ન ગમ્યું. એ સૌની વાતને આંખ આડા કાન કરી શાલકીની શોધખોળ શરૂ કરી. તેની કોલેજ, ફેવરિટ કોફી બાર, ગાર્ડન, શિક્ષણ કેન્દ્ર, જમવાની વાન, અન્ય કોલેજ, ABVP અને NSUI ઓફિસ તથા તેમના કાર્યકરોને મળીને જોયું પણ કોઈ જગ્યાએ શાલકીનું ઠેકાણું ન  હતું. સાંજે થાક્યો હારયો તે એના ઘરે ગયો. સિદ્ધાર્થ અને દિશાબેન બધાથી થોડે દૂર ઊભા હતા. સુરભિ, કાજલબેન હીંચકામાં બેઠા હતા. ધીરેનભાઈ અને રમીલાબેન પલંગ પર બેઠા હતા. દિનકરરાવ ક્યાંય દેખાયા નહીં. નિશાંતને આવેલો જોઈ બધા સ્તબ્ધ થઈ ગયા. એ જ ક્ષણે તેનો ફોન રણક્યો.

 

                    નિશાંતે ફોન કાઢ્યો. મહિમા અગ્રવાલનો કોલ તેના પર આવ્યો હતો. તે અંદર આવ્યો. બધા પાસે ઊભો રહ્યો. સિદ્ધાર્થ-દિશાબેન એમના સ્થાન પર જ ઊભા રહી જોઈ રહ્યા હતા. સિદ્ધાર્થે તેનો ફોન કાને લગાવ્યો હતો. તે નિશાંત સામે જોઈ રહ્યો. નિશાંતે ફોન ઉપાડયો અને લાઉડ સ્પીકર મૂક્યો.

“હલો, હેલો નિશાંત? મહિમા અગ્રવાલ હિયર ફ્રોમ V9 ન્યૂઝ.”

“યાહ, હાઇ મહિમા.”

“તને ખબર છે, શાલકી ક્યાં છે?”

      

                    તે ચૂપ રહ્યો. ઘરના પણ મૌન હતા. એ સવાલનો જવાબ કોઈ પાસે ન હતો. શાલકી છે ક્યાં?

 

*

(ક્રમશ:)

Comments

Popular posts from this blog

રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ:૫)