રાજકોટસાઈડ સ્ટોરી પ્રકરણ ૭
રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ:૭)
દિનકરરાવ થોડા ગભરાયા. તે આદમી મહેમાન કક્ષમાં ગયો, જ્યાં નિશાંત રહેતો હતો. નિશાંતની બેગ લઈ બ્હાર આવ્યો. એક હાથમાં બેગ અને બીજામાં સાવચેતી હેતુ બંદૂક તાકી રાખી ઉંધા પગે દરવાજા સુધી ગયો અને પછી ત્યાંથી નીકળી ગયો.
*
બધાએ માર્યા પણ અને માર ખાધો પણ ખરો. છતાં, તાત્કાલિક દાખલ કરવા પડે એવી ઇજા કોઈને પહોંચી ન હતી. જે સારી બાબત હતી. ધીરેનભાઈ આ બાબત પંચમાં લઈ જવા માંગતા હતા.
આ તરફ ઘરમાં કેટલાક સભ્યો ગૂંચવણમાં મુકાયા. એવું તો શું થઈ ગયું કે આવી રીતે ઉગ્ર મારામારી પર ઉતરવું પડ્યું, ઘરમાં વહુ-દીકરીઓની સામે હલકી ભાષા વાપરવી પડી. એવું તો શું થઈ ગયું હતું? સુરભિએ પૂછ્યું.
“આ તારી હયલ્કી બેને જો હું ધંધા માંડ્યા સ...” કહેતા કાજલબેને જમીન પર પડેલી સફેદ પટ્ટી બતાવી. સૌએ તે પટ્ટી જોઈ. સુરભિ ઊભી હતી એની ઊંધી દિશામાં પટ્ટી પડી હતી. તે જમણી તરફ ડોક નમાવી જોવા પ્રયત્ન કરી રહી.
“આટલી ઉતાવળ આય જય’તી તને... હેં?” રમીલાબેન ઠપકો આપતા બોલ્યા. શાલકી ચૂપચાપ નીચે જોઈ રહી.
દિશાબેને હળવેથી રમીલાબેનને બોલાયા:”મમ્મી...”તેમને ખબર હતી કે પટ્ટી કોની હતી. બધા વગર વાંકે શાલકી પર તૂટી પડે એ પહેલા રમીલાબેનને જણાવું માફક લાગ્યું પણ રોષે ભરાયેલા રમીલાબેન દિશાબેનના આહ્વાન પર ધ્યાન ન આપી, શાલકીના જવાબની રાહ જોઈ રહ્યા. શાલકીએ કોઈ પ્રતિસાદ ન આપ્યો જેથી તેમને ગુસ્સો આવ્યો.
“બોલને હવે! હારી હલકી!” કહી તેમણે શાલકીને એક લાફો ચોડી દીધો.
“મમ્મી!” મોટા સ્વરે દિશાબેન બોલ્યા. બધાનું ધ્યાન તેમના પર ગયું:”ઈ મારી ટેસ્ટ સે. મેં વાયપરી’તી.”
બધા ચકિત થઈ ગયા. સિદ્ધાર્થ મંદ ગતિએ દિશાબેન પાસે આવ્યો. તેને માથે વાગ્યું હતું. એ પીડાને ભૂલી જઈ નીચે બેઠો. દિશાબેન તેને જોઈ રહ્યા. ટેસ્ટની પટ્ટીમાં ‘પોઝિટિવ’ દર્શાવતુ હતું.
“ખરેખર દિશુ?” તેણે દિશાબેનના ગાલ પર હાથ રાખી પૂછ્યું. દિશાબેને માથું હંકાર્યું. સિદ્ધાર્થની આંખે હરખના આંસુ આવ્યા. તેણે દિશાબેનને બાથ ભરી. તેના ચહેરાની ખુશી જોઈ દિશાબેન પણ રડવા લાગ્યા. ૧૨વર્ષ બાદ ખુશ ખબર મળી હતી. છતાં, સંજોગ એવા હતા કે કોઈ મન ખોલી આનંદ વ્યક્ત કરવાની સ્થિતિમાં ન હતું. તો પણ શાલકી-સુરભિ પાસે આવી બંનેને અભિનંદન પાઠવ્યા.
“ધીરુ, બોવ મોટી ભૂલ થઈ ગઈ...” માથે હાથ મૂકી દિનકરરાવ બોલ્યા.
“હા.” ધીરેનભાઈનો અવાજ બેસી ગયો હતો. પ્રશાંતે આકરી રીતે તેમનું ગળું દબાવ્યું હતું.
“તે તમને કોણે ડાયા થાવાનું કીધું’તું? એકવાર પુસાય નય એને?” રમીલાબેને કહ્યું.
“ભાભી મેં પુયસુ’તું, કે’ તે ટેસ્ટ કરાયવો? તો ઈણે હા પાયડી એટલે... ‘ને બીજું ગયા અઠવાડીએ જ શાલું ‘ને બેય રાત ભેગા રોકાણા’તા. વોવનું નોખું ટોઇલેટ સે, ઈમને નીચેવાળા ટોયલેટમાં હું કામ આવે? તો બીજું કોણ હોય? એટલે બધી મૂંઝવણ ઊભી થય.”
“મને કાં નો પુયછું? ઈની પાંહે જાતાં પે’લા?” શાલકી બોલી.
“તે કાલનો દરવાજો બયંધ રાયખો’તો. મને ઇમ થયું કે’ આના કારણે જ હયશે.” ધીરેનભાઈનો અવાજ બેસી ગયો હતો. તેમને ગળામાં દુખતું હતું, જેથી બોલવામાં તકલીફ પડતી હતી. છતાં, તેમણે જવાબ આપી રહ્યા હતા.
“પણ આમ નો હોય. ઘરની માન મર્યાદા તો રાખવી જોઈ કી નય. ગુંડા ઘોડે બાઝવા લાયગા’તા તી. હારુ લાગે? કો’ક ચાર જણ જોવે તો હું વીચારે?”
બંને ભાઈ ક્ષોભમાં મુકાયા. દિશાબેનનું ધ્યાન સામે દીવાલમાં હતું. જ્યાં બંદૂકની ગોળી છૂટી હતી. આ આગ જે લાગી હતી એને કેવી રીતે ઠારવી? તેનો રસ્તો ધીરેનભાઈ-દિનકરરાવ શોધી રહ્યા હતા.
“હવે, મારી સોકરીનું ક્યાંય નય ગોઠવાય...” રડતાં સ્વરે કાજલબેન બોલ્યા.
“એવું બોલ મા!” રમીલાબેને કહ્યું.
“મારી સોકરીની જિંદગી ખરાબ કયરી નાયખી આ લોકોએ!” આંસુ સારતા કહ્યું.
દિનકરરાવે બરફ રૂમાલમાં રાખી ગાલે અડાડી રાખ્યો હતો. તેમની અને ધીરેનભાઈની મુંડી નીચે નમેલી હતી. પાડોશના પાંચેય આદમી પડખે બેઠા હતા.
“તું એવું બધુ નો વિચાર. કાં’ક કરશું બધા ભેગા મયળી. તું ચિંતા નો કર.” રમીલાબેન આશ્વાસન આપી રહ્યા હતા. છતાં, કાજલબેન રડતાં રહ્યા.
“રાવજીભાયને ફોન કરું?” ધીરેનભાઈ બોલ્યા.
“અન પસી?” દિનકરરાવે પૂછ્યું.
“”કે’સુ કે’ થોડી ગૂંચવણના હિસાબે મામલો ગોટે ચયડો’તો, માફ કરી ધ્યો.”
“જો, જો ધીરેનભાઈ એવી મૂર્ખામી નો કરતાં...” બાજુવાળા પ્રભાકરભાઈ બોલ્યા.
“કાં?”
“માફી માંગશો તો પંચવાળા તમને બાકી નૈ મેલે. બધા તમારા પર ચઢી જાહે કે એક અમીર આદમીને વગર વાંકે માયરો તમે, ‘ને જે સોકરીનો બાપ વગર વાંકે મારામારી કરતો હોય ઈની સોડિને કુણ પૈણવાનું?”
“પભાની વાયત હાચી સ.” દિનકરરાવે સહમતી દર્શાવી.
“તો હું કરવું સ?”
“હવે લડી લ્યો. પંચમાં કહી ધ્યો એ સોકરાએ મારી સોડી હાયરે રાયત ગુજારી સ. પસી ઇનો ટેસ્ટ કરવાનું ક્યે સે. તો આવાને મારી નય તો હું ગોરવારો કરીને ચાટીએ? અને ઇમ પણ કય દે’જો ઇણે હામે ગુંડા બોલાયવી, ઘરમાં ગરી બુઝુર્ગ એવા દિનકરરાવને માયરા, સિદ્ધાર્થને માયરો, બાપડી શાલકીના વાળ ઝાયલા. ‘ને ગાયરું હંભળાવી હંધાયને. સમાજમાં જો સોકરીની વાયત જાય કે સોડી તો કો’કની ભેયગુ રાત રઈ’તી. તો ચીયો મુવો એના સોકરાની વોવ બનાવશે તમારી દીકરીન?” પ્રભાકરભાઈએ જણાવ્યુ.
“વાત તો હાચી તારી.” દિનકરરાવને આ ઉપાય ગમ્યો.
“તો સુ, હું કાંય ખોટું કવસુ?” ખરાઈ કરતાં પ્રભાકરભાઈએ પૂછ્યું.
“ના, જરાય નય.” દિનકરરાવે કહ્યું.
“પંચની જબાબદારી બયને ઇ સોકરાનું આપડી સોડી હાયરે જ હગપણ વધારવું જોઈ. નયતર આમ ચેટલા લોકોની સોડિયું જોડ નો કરવાનું કરીને વયા જાય?”
“પણ પભા એકવાર રાવજીભાયને વાયત કરી લેવીને. પસી પંચને લાઈએ. જો ઇમને વાત આગર નો વધારતા હોય તો અહીંથી વાતનો સેડો(છેડો) આઈ જાય.” બેઠેલા સ્વરે ધીરેનભાઈ બોલ્યા.
“મન નથ લાગતું આવું બધુ થયા પસી એમણે ભૂલી જાય... તો પણ કરી જોવો વાત.” પ્રભાકરભાઈએ જણાવ્યુ.
એક કલાક જેટલો સમય વીતી ગયો હતો. નિશાંત ઘરે પહોંચી ગયો હશે, ‘ને રાવજીભાઇ સુધી વાત પહોંચી ગઈ હશે. ધીરેનભાઈએ રાવજીભાઈને કોલ કર્યો અને પછી ખોંખારો ખાધો. બધાના ધ્યાનનું કેન્દ્ર અને કર્ણનું આકર્ષણ ધીરેનભાઈ બન્યા. કોલ લાગ્યો:
“નમો બુદ્ધાય નમ: રાવજીભાય.”
“બુદ્ધાય નમ:”
“વાયત જાયણી?”
“હા.”
“આ... અ, એટલે એવું ન’તું ઈમાં.”
“ફોન કાં કરવો પયડો તો? મારા સોકરાએ તારા ઘરના બધાય બાયલા આદમીઓને ફટકાયરા. તે હવે હું સે?” રાવજીભાઇ સારા મૂડમાં ન હતી લાગી રહ્યા. તેમણે ધીરેનભાઈને તુકારાથી બોલાવ્યા. જેની તેમણે નોંધ લીધી પણ તેમનું ધ્યાન બીજી વાત પર વળ્યું. એમના છોકરાએ ફટકાર્યો? એ વાત ન સમજાઈ. નિશાંત તો માર ખાઈ નીચે પડ્યો હતો. રાવજીભાઈને શું વાત મળી?
“કોની વાયત કરી રયા સો તમે?”
“મારા નાના સોકરાની. પશો, પરશાંત.”
“અચ્છા, ઇ તમારો બીજો દીકરો સે? બોવ તાકાતવારો સે હો. બોવ ગુસ્સો આવતો લાગે એને. અમને તણેયને ભોય ભેગા કયરી દીધા ઇણે એકલાએ.” કહી ધીરેનભાઈ ખાલી ખાલી રાવજીભાઇને સારું લગાડવા હસ્યા.
“હમ્મ... તે ચમ ફોન કરવો પયડો?”
“ઈ જ કે’વા કે આમ હોતું હયશે? નિશાંતકુમાર આવું બધુ કરે...”
“અય ગેલસપ્પા! તારી બેનનો ધણી સ ઈ ચાર સોકરાનો? તે એન નિશાંત ‘કુમાર’ કે’સ! હેં?”
“રાવજીભાઇ મને ખબર સે તમે કાયા થાસો પણ પે’લા પૂરી વાત તો જાણી લ્યો...”
“હા, ઈ કીયધું ઈણે મને. ‘ને એમાં હું ખોટું સે?”
“તમને ઈમાં કાંય ખોટું નથ લાયગતું?”
“અલા બંયધ ખોપડી! એ એટલા માટે DNA કરવાનું કે’તો તો કારણ હોસ્પિટલોવારા સોકરા બયદલી નાયખ્તા હોય સે. કો’કનુ સોકરું કો’કને પધરાવી દ્યે. ‘ને આપના કેસમાં એવું નો થાય ઈ માટે એણે DNA કરાવાનું કીયધું’તું પણ તમે બળધિયાઓ તમારી હયલ્કી માનસિકતાથી ધારી લય, માયરો એને.”
“રાવજીભાઇ એવું કાંઈ એ બોયલો નથી અમારી આગળ. તેમ છતાં માફી માંગુ...”
બાજુમાં ઉભેલા પ્રભાકરભાઈ માફી ન માંગવા ઈશારો કરી ધીમા સ્વરે બોલ્યા:”માફી નો માંગસો. ધીરેનભાઈએ તેમને ચૂપ રહેવાની સંજ્ઞા કરી.
“તને એકને જ આબરૂ સ હેં? ઓલા દા’ડ બોવ કે’તો તો કે ‘અમે વટથી રયા સી ‘ને આગર પણ વટથી રયસુ!’ બે ઘોડીના! તમે જે ગંદકી મગજમાં લયને રો’ સો ઇન વટ નો કે’વાય. તમારી બુદ્ધિનું પરદર્શન કરો સો. જોવ શું કુણ તારી સોકરીનો હાથ ઝાલસ.” કહી રાવજીભાઇએ ફોન મૂક્યો.
ઘરના બધા ધીરેનભાઈએ શું વાત કરી જાણવા દરેક અધીરા બન્યા પણ સમાચાર સારા ન હતા. કોઈને કશું ગોથે ન હતું ચઢતું. છેવટે પ્રભાકરભાઈના મંતવ્યને આચરણમાં લાવવાનો નિર્ણય થયો. પ્રકરણ૬ પરમાર અને સોલંકીઓની નફરત પંચ સમક્ષ રજૂ કરવામાં આવશે.
ઘરમાં એક વાત ખુશીની હતી અને બીજી ગંભીર. પૂરી વાત જાણ્યા વગર આવેશમાં આવી ધીરેનભાઈ-દિનકરરાવે ખોટું પગલું ભર્યું હતું. જે આગળ જતાં તેમને બહુ નડવાનું હતું. તેઓ રાજકોટના શહેરી વિસ્તારમાં રહેતા હતા. તેમ છતાં, નાતમાં ગામડાનું ચલણ હતું. જેથી, પોલીસ બોલાવતા પહેલા સમાજના પંચ અથવા ચૂંટાયેલા વડા પાસે સમસ્યાની રજૂઆત કરવી પડતી. ભલે તે કોઈપણ હોય, ગરીબ કે અમીર. કોઈ ફર્ક ન હતો. પંચમાં ચાર અધ્યક્ષ હતા. જે આવી સમસ્યાનો ઉકેલ લાવતા. મોટાભાગે પંચના નિર્ણયથી લોકો સંતુષ્ટ રહેતા. જેથી પોલીસમાં કોઈ જતું નહીં.
નિશાંતને સમાજ કે તેના અધ્યક્ષથી કઈ ફર્ક ન હતો પડતો. તે તેના મનનું ધાર્યું જ કરવાનો હતો. જો પંચ અથવા બ્હારનું કોઈ એમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયત્ન કરશે તો તેમના માટે સારું નહીં થાય. આ બાબત દરેકને ખબર હતી, માટે તેને છૂટા બળદ જેમ છોડી મૂક્યો પણ બધા રૂપિયાવાળા થઈ જાય અને પંચની અવગણના ન કરવા લાગે એ માટે રાવજીભાઈને સમાધાન માટે હાજર રહેવા ફરમાન મોકલ્યું.
નિશાંતના ફુઆ નાનજીભાઈના ઘરે બેઠક રાખવામાં આવી. બંને પક્ષોને હાજર રહેવા નિમંત્રણ મોકલ્યું. જ્યારે રાવજીભાઈએ નિશાંતને આ વાત કરી ત્યારે તેમને ન હતું લાગતું, તે આવવા માટે રાજી થશે. તેણે બેઠકમાં આવવા રસ દાખવ્યો, તે થોડું અસાહજિક લાગ્યું.
કોઈ ખાસ પ્રસંગ પર જ બંને ભાઈ કાઠિયાવાડી ધોતી-ઝભ્ભો અને પાઘડી પહેરતા. સમાજના વડવા સામે લગોલગ બેસવાનો દુર્લભ લાગ કદાચ પહેલી-છેલ્લી વાર મળી રહ્યો હતો તો ઠાઠમાઠથી જઉ જોઈએ, એવું દિનકરરાવને લાગ્યું. શાલકીએ ધીરેનભાઈને પાઘડી બાંધી આપી. તૈયાર થઈ બંને ભાઈ નિરધારેલ સરનામે આવી પહોંચ્યા. આ બેઠકથી આગ ઠંડી પડશે કે લાવા વરસશે? જાણવા માટે ચાલો જઈએ નાનજીફુઆના ઘરે...
*
નાનજીફુઆના ઘરે:
ઓસરીમાં બેઠક ગોઠવી હતી. ચતુષ્કોણ ઢબમાં એક-એક ગોદડું પાંથર્યું હતું. ઉત્તર તરફના ગોદડા પર ફુઆ, અધ્યક્ષ-૧ અને ફુઆનો મોટો દીકરો બેઠા હતા, ડાબી કોર નિશાંત, રાવજીભાઇ, અને પ્રશાંત બેસ્યા, તેમની પાછળ મગાકાકા બેઠા, તેમણે પ્રશાંત પાસે માવો માંગ્યો. કોઈ જોઈ ન જાય એમ પ્રશાંત માવો આપી, ઊભો થઈ નિશાંત પાસે બેઠો. નિશાંતે પૂછ્યું:”કાં?”
“એ મગાકાકા, હમડા માવો ખાયને પાદમ પાદ કરી મૂકશે. મારો મૂડ ખરાબ થઈ જાય ઘરેથી સભા આટોપીને નય આવતા, અહીંયા આપડી સભા બગાડશે.” કહી તે ખૂણામાં ગોઠવાયો. મગાકાકા પ્રશાંતની જગ્યા પર આવી ગયા.
દક્ષીણ તરફ પંચ અધ્યક્ષ-૨,૩ અને ૪ બેઠા. પાછળ અન્ય સમાજના વડવાઓ બેઠા, જમણી બાજુ દિનકરરાવ-ધીરેનભાઈ અને એક વડીલ બેઠા. સભા આરંભાઈ પાછળ ઉભેલા અન્ય લોકો પણ નીચે બેસી ગયા.
“રાવજીભાઇ, તમારો દીકરો નિશાંતસિંહ સોલંકી આમની દીકરી શાલકી ધીરેનભાઈ પરમારના ન્યાં હગાઈની સાબ(છાબ) મોકલવામાં આયવી’તી. હાચું સે?” અધ્યક્ષ ચારે પૂછ્યું.
“હા, ખરું.”
“આપસી ઝગડાના લીધે તમને હવે આ સગાય માન્ય નયથી. તમે કારણ આપસો?”
“વજુભાય, હામેવાળાએ મારા બેય સોકરાને માયરા અને ગંદી ગાયરું દીધી સ. મારા સોકરાઓનો કોય વાંક ગુનો બનતો નથી.” રાવજીભાઇએ જણાવ્યુ. ત્યારે કેટલાકનું ધ્યાન પ્રશાંતના નાક પર પડ્યું, તેણે પટ્ટી લગાવી હતી.
“વાંક ગુનો બનતો નથી ઈ હજી પાકું નથ થયું. ઈ કામ માટે અમે સી!” અધ્યક્ષ ૪ બોલ્યા. આ સાંભળી રાવજીભાઇને આંચકો લાગ્યો. તેમનો રૂપિયાનો દબદબો અહીં ચાલવાનો ન હતો. એ વાત સમજાઈ ગઈ. અધ્યક્ષ ચારે ધીરેનભાઈને પૂછવાનું શરૂ કર્યું. દરમિયાન નાનજીફુઆનો નાનો દીકરો થાળીમાં બે પ્રકારની બીડીની ગાંસડીઓ, ૧રૂપિયાવાળી સિગારેટનું બોક્સ અને બે માચીસ મૂકતો ગયો. બીજો એક યુવાન બધાને રકાબીમાં કીટલીથી ચા આપી રહ્યો હતો.
“ધીરેનભય, તમે ‘ને તમારા મોટાભય દિનકરભાયે નિશાંતભાઈ અને પરસાંતભાયને માયરા ‘ને ગંદી ગાયરું પણ બોયલા કાં?” અધ્યક્ષ ચારે પૂછ્યું.
“વજુભાય, અમારી સોકરી ભેયગા નિશાંતે રાત ગાયરી સે. ‘ને પસી ઇમ કે’સે કે ઈ લગન પસી બાળકનો ડીએનએ કરશે. આ વાત કેટલી યોગ્ય?”
“હવ, દવાખાનવારા ડિલિવરી પસી સોકરા બદલી નાયખતા હોય સે. એના ઉદાહરણ રાજકોટમાં કાંય એક-બે નથી. રોજ સાપામાં એવા હમાચાર આવ સ. જાણે આ બંદ ખોપડીયુના ન્યાં સાપા જ નો આવતા હોય...” રાવજીભાઇ બોલી ઉઠ્યા.
“નિશાંતે ચમ નો કીધું એવું?” ધીરેનભાઈએ પૂછ્યું.
“હા, અમે પુયછું ત્યારે તો ઇણે જબાબ આપવો જોઈની.” દિનકરરાવે ઉમેર્યું.
“તો તમે માયરવા લાગ સો?”
“તમારા પશાએ અમને માયરા’તા.”
“શરૂઆત તમે કયરી’તી.”
“નાના-મોટાનું કોય ભાન નયથી એને, વડીલ જેવા દિનકરભાય પર હાથ ઉપાયડો.”
“મોટા થયને, એમણે ગાયરું દ્યે ઈ કાંય નય!”
“મારી સોકરી જોડ રાયત ગુજારી.”
“તે એકબીજાને જાણવા હાટું. કાંય તારી સોડીન મા નય બનાય નાયખી એણે...”
“તો હગાય પયસી નો જણાય?”
“તારા આંટા આય રયા સે. નય હમજાય તને રે’વા દે...”
ધીરેનભાઈ-રાવજીભાઇ સામસામે ઉગ્ર અવાજે આરોપ-પ્રત્યારોપ ઠોકી રહ્યા હતા. થોડીવારમાં નિશાંતના કાકા મગાકાકા અને દિનકરરાવ પણ દલીલબાઝીમાં ઉતરી પડ્યા.
“એ ઘડીક ખમો!!!” અધ્યક્ષ એક બધાને શાંત પાડતા બોલ્યા.
“ભાય, બધા શાંતિ રાખો. આ કાંય શાક માર્કેટ નથી. શાંતિ રાખો.” અધ્યક્ષ ત્રણે કહ્યું. બે ઘડી સૌ ચૂપ થઈ ગયા. પછી અધ્યક્ષ ચાર બોલ્યા:
“ધીરેનભાઈ તમે આ ખોટું કયરું. નિશાંતે ટેસ્ટ કરવાનું કીયધું હોય ‘ને તમને નો હયજુ હોય તો તમારે વાયત કાપી નાયખવી’તી. જો તમારી દીકરી જોડ એણે કાંઈ ખોટું કયરું હતું તો હવે આયવા ઇમ ત્યારે આવવું જોઈને. આપડા સમાજના ઊભરતા ગૌરવ સમી શાન પરગ્ટાવતા આદમીને મારો ઈ નો હાલે. નિશાંતભાય હું કયરવું સે?”
ધીરેનભાઈ-દિનકરરાવને ફાળ પડી. મામલો ઊંધો જઈ રહ્યો હતો.
“મારે...” નિશાંત વિચારમાં પડ્યો.
“અમારે કાંય નથી કરવું, આ વાતને મેલો સાલ!” રાવજીભાઇ બોલ્યા.
“વાત નય મુકાય રાવજીભાય. નિશાંતભાયે સોકરી જોડ રાત ગુજારી સ, તમે ચુંદડી મોકલાય દિયધી સે. મોટું મન રાયખી વાતનો સેડો લાવો. (બે ક્ષણ બધા ચૂપ રહ્યા, બાદ અધ્યક્ષ ચારે ઉમેર્યું) નિશાંતભાય બોલો હું કરવું સ?”
જબરા ફસાયા. આવી મારઝૂડ બાદ કોઈ સંબંધ વધારવા ન હતું માંગતુ પણ પંચ આગળ વાત મૂકી ફસાઈ ગયા હતા. તમામ લોકો નિશાંતનો જવાબ સાંભળવા તલપાપડ થઈ રહ્યા હતા. તે કઈ બોલ્યો નહીં એટલે અધ્યક્ષ ચારે ઉમેર્યું:”૫૦ હજાર એમણે આપવા તૈયાર સે. નિશાંતભાય મેલો એ વાત.”
“મા’રાજ મુગટો કોણ પે’રે?” નિશાંતે અધ્યક્ષ ચારને પૂછ્યું.
“હું?” અધ્યક્ષ ચારને પણ ન સમજાયું બધા જેમ. તમામ આંખો નિશાંત પર અટકી.
“મુગટ, પાઘડી એવું કોણ પે’રે?”
બે ક્ષણ વિચાર્યા બાદ:”રાજા... પરધાન, આપણાં ન્યાં માલેતુજાર ભાભાઓ અને પંજાબીઓ.” અધ્યક્ષ ચારે કહ્યું.
કૃત્રિમ સ્મિત વેરી તે બોલ્યો:”તો આમણે કાં પાઘડી પે’રી?”
બધાની નજર દિનકરરાવ-ધીરેનભાઈના માથા પર સ્થિત કાઠિયાવાડી પાઘડી પર પડી. ટોળાંમાં ગુસપુસ થવા લાગી. કેટલાંક અંશે બધાને ખ્યાલ આવી ગયો આ ચર્ચા ક્યાં જઈ રહી હતી.
“અમારા વડવાઓ-આપડા સમાજની આ પરથા સે. પાઘડી ઈ આપણાં સમાજનું ગૌરવ સે.” દિનકરરાવે જવાબ આપ્યો.
“આપડા સમાજનું ગૌરવ તમે કાં તમારા કાળા માથે મૂયકું?” નિશાંતે ટોણો માર્યો. (અહીં કાળા રંગની વાત નથી થઈ રહી.)
“કારણ અમારા પૂર્વજો ઈ પેરતા’તા.”
“તો તમેય પે’રવા લાગશો?” બે ઘડી કોઈ કઈ બોલ્યું નહીં. હળવેથી પ્રશાંતે ફાકી બનાવી, ગલોફામાં ભરાવી. થોડી ક્ષણો બાદ અધ્યક્ષ ચારે ચુપકી તોડી.
“એટલે તમે હું કે’વા માંગો સો?”
“વજુકાકા, આ લોકો બોવ અહંકારી માણસો સે, એમના ઘેરે પે’લી વાર ગ્યાં, ત્યારે અમને કે’તા’તા ‘અમે વટથી રયસુ. સમાજમાં અમારી બોવ ઇજ્જત સે.’ ઇનો મતલબ અમે ઇમના આગળ કાંય નથી. આયાં જેટલા માણાં’ બેઠા, એમાં એમણે એક જ રૂવાબદાર સે, આપડી કોઈ ઇજ્જત-આબરૂ નથી.” નિશાંત બોલ્યો.
“ભાય, બધાની ઇજ્જત ‘ને આબરૂ સે.” અધ્યક્ષ એક બોલ્યા.
“એમણે તમારી માફી તો માયગે સે, હજી કેટલા આબરૂદાર તમારે થાવું સે?” અધ્યક્ષ ચાર બોલ્યા.
“એમ નય, મારે મારી ઇજ્જત જોઇસી. મારા પરિવારનું માન પાછું જોઈ.”
“તે અમે ક્યાં નો પાયડી?” દિનકરરાવ બોલ્યા.
“તો વળી?” ધીરેનભાઈ બોલ્યા.
“એ રીતે નય...” નિશાંત બોલ્યો.
“સમજી ગયો નિશાંતભાય, સમજી ગયો હું. ધીરેનભાય અને દિનકરભય તમે બંને રાવજીભાઇ અને તેમના બંને દીકરાઓની માફી માગી લ્યો અને બંને વેવાઈ રામ રામ કરી વાત પૂરી કરો આયાં.” અધ્યક્ષ ચારે કીધું.
આવું કઈ કરવું પડશે એવી કલ્પના ધીરેનભાઈએ ન હતી કરી. તેમને તો હતું દીકરી નામનો એક ભારે એક્કો એમની પાસે છે તો બીજા બધા એની સામે ફેલ જશે. તેમના ચહેરા પર કોઈ ભાવ દેખાઈ રહ્યો ન હતો. તમામ આવેગો અંદર મનમાં દબાવી રાખ્યા હતા. દિનકરરાવની જેમ. સભાનું ધ્યાન બંને ભાઈ પર ચોંટયું. બે ક્ષણ ખંડમાં ખામોશી છવાઈ ગઈ.
“વારુ.” ઠંડા અને બેસેલા શ્વરે ધીરેનભાઈ બોલ્યા.
“નિશાંત કુમાર અને પરશાંતભાય, જે કાંય ગેરસમજના કારણે ગોટાળો વયળો’તો ઈ માટે અમે દિલગીર સીએ. અમને માફ કરી દ્યો.”
“કુમાર, પરશાંત બેટા, રાવજીભાય એક મુંજવણના લીયધે વાત લાયન્બી થય ગય. ભૂલ થઈ જય ભાઈસા’બ. બાપા માફ કરી દ્યો અમને.” હાથ જોડી દિનકરરાવ બોલ્યા. ધીરેનભાઈએ પણ હાથ જોડ્યા. હાજર ઉભેલા તમામ આ જોઈ રહ્યા હતા. શરમિંદગીના શોકે બે ઘડી મૌન પાળ્યું. બાદ અધ્યક્ષ ચારે ચુપકી ઢંઢોળી:“લો પતી જયને વાત.”
“એક મિનિટ...” નિશાંત બોલ્યો:”તમે જો ખરેખર દિલગીર હોવ તો પાઘડી કાં પેયરી રાખી સ? જો દિલગીર જ હોવ તો પાઘડી ઉતારો.” ધીરેનભાઈને કહ્યું.
“નિશાંતભાય, આ તમે હયદ બારે બોલો સો. એવું નય થાય.” અધ્યક્ષ ચારે કહ્યું.
“”કાં? એમણે મારી ઇજ્જત કરતાં હોય તો સાબિત કરે.”
અધ્યક્ષ ૧-૨એ પણ આ વાતનો વિરોધ કર્યો. સામે મગાકાકા તેમની સાથે દલીલમાં ઉતર્યા. ધીરેનભાઈ મૌન બેઠા હતા. દિનકરરાવ નિર્ણય ન લઈ શક્યા શું કરવું? ત્રણેક મિનિટ વીતી ગઈ. નિશાંત ધીરેનભાઈની આંખોમાં આંખ પરોવી જોઈ રહ્યો હતો. જો પાઘડી ધરવાથી સમાધાન થઈ જતું હોય તો એમ કરવા પણ ધીરેનભાઈ રાજી હતા.
તેમણે પાઘડી ઉતારી, ચહેરો થોડો ગંભીર અને શુષ્ક લાગી રહ્યો હતો. મનમાં વિચારી રહ્યા હતા, તેમના પૂર્વજો આ પાઘડી હાટું કેટલું લડ્યા. પાઘડીના માન હેતુ કેટલાએ જાન ગુમાવ્યો અને કેટલાનો જાન લીધો. એ બધી લડાઈઓ જે પરમાર કોમના વંશજો લડ્યા હતા અને એ રાજાઓ જીત્યા હતા. સૌની માનસિક છબી આંખો આગળ તરી આવી. આજે એક ભૂલના કારણે તેમણે તમામ આગળ પોતાની પાઘડી મૂકવી પડી. કદાચ રાજાઓ પણ પોતાની દીકરી માટે મૂકવા તૈયાર થયા હશે? આજે દીકરીએ તેના હાથે એમને પાઘડી પહેરાવી હતી. એ દ્રશ્યના સ્મરણે તેમની આંખે ઊભરો લાવી નાખ્યો. જાત પર સંયમ રાખી તેમણે નિશાંતના પગ પાસે પાઘડી મૂકી. તેમણે નિશાંત સામે હાથ જોડી ભારે સ્વરે બોલ્યા:”માફ કરી દ્યો.”
મનોમન ધીરેનભાઈએ પ્રણ લીધા, આજ પછી જીવનમાં ક્યારેય પાઘડી નહીં પહેરે. દિનકરરાવ પાઘડી ઉતારવા રાજી ન હતા પણ દીકરીના ભવિષ્ય માટે ઉતારવી પડી. બધાને આ વાત ખટકી રહી હતી. નિશાંતે આવું ન હતું કરવું જોઈતું. પહેલા તો રાવજીભાઇ થોડીવાર ખળભળી ગયા. નિશાંત આવું કઈક કરાવશે એ તેમને ખબર ન હતી. આ બધુ કલ્પના બ્હાર જઈ રહ્યું હતું. તેમણે સાતમાં આકાશ પર પહોંચી ગયા. ખૂબ જ માન-પાન મળ્યું હોય એમ જરાક અમથા મલકાઈ રહ્યા હતા. છતાં, તેમને એક ડર સતાવતો હતો કે પોતાનો રુતબો ક્યાંક ખોઈ ન બેસે.
જો ધીરેનભાઈ પાઘડી મૂકવા રાજી ન થયા હોત તો જરૂર સમાજ તેમના પક્ષે ઊભો રહ્યો હોત, બીજો કોઈ માર્ગ શોધ્યો હોત પણ જ્યારે ધીરેનભાઈ એમ કરવા રાજી થઈ ગયા તો અન્ય કોઈને વચ્ચે ટાપસી પુરવી યોગ્ય ન લાગી. પરમાર ભાઈઓના આ કૃત્યથી રાવજીભાઈનું માન ચાર ગણું વધી ગયું. મનોમન વિચારી રહ્યા હતા કે સમાજમાં બધાને હવે ખબર પડી જશે સોલંકીઓ હારે વેર નોતરવાનું પરિણામ શું આવી શકે છે. નિશાંત ઊભો થઈ ગયો, તે દરવાજા તરફ બે ડગલાં વધ્યો. બધા છક થઈ ગયા, અધ્યક્ષ ચાર બોલ્યા:”ક્યાં હાયલા?”
માથું નકારી નિશાંત ચાલતો થયો.
“જોવો, તમે ક’યુ એ બધુય અમે કયરું સે નિશાંતભાય, ધીરેનભાઈ-દિનકરરાવ વડીલ સે ‘ને તમારા કરતાં ઘણા મોટા, તેમ છતાં, તેમણે તમારા પગે પયડા. ઈ થી વધારે તમારે હું જોય?” ચારે પૂછ્યું.
“મારે કઈ નથી જોઈતું, મારે કોઈ સંબંધ નય.”
“નિશાંતભાય આ વાત ખોટી પડે. તમે ક્યો ઈ કયરું. હવે સમાધાન કરો.” અધ્યક્ષ ૧ બોલ્યા.
“નય કરું!”
“કાં” અધ્યક્ષ ૨એ પૂછ્યું.
તેણે માથું ધુણાવી ના પાડી.
“રાવજીભાય, તમારા સોકરાને હમજાવો...” અધ્યક્ષ ચાર બોલ્યા.
રાવજીભાઇ ચૂપચાપ જોઈ રહ્યા. બની બનેલી આબરૂ પર નિશાંત પાણી ફેરવી રહ્યો હતો. પ્રશાંતને કઈક બોલવું હતું પણ તેણે મોઢામાં ફાકી ભરાવી હતી અને જગ્યા સજ્જડ હતી તો થૂંકવા જઈ શક્યો નહીં.
“ભય મારો ડીસીજન સે, ના મારે એમાં સમાજની જરૂર સે કે ના આમની.” ધીરેનભાઈ સામે જોઈ નિશાંત બોલ્યો.
“આ હારાવટ નય રે’ હો...” અધ્યક્ષ ચારે ચેતવણી આપી.
“તમે કોય મારા ઘેરે રોટલા ખવડાવા આવવાના છો? કે વરહના અનાજ ભરી આપવાના છો? તો તમે ક્યો એમ કરું? મારો નિર્ણય અફર રહેશે.”
“તે આ રકમ તો મૂકી તમારા આગળ...” અધ્યક્ષ એકે કહ્યું.
“મારા ગાર્ડનો મહિનાનો પગાર આનાથી વધારે છે.” નિશાંત બોલ્યો.
“તમારે સમાધાન નો’તું કરવું તો અમને ભેગા કાં કયરા?” અધ્યક્ષ ત્રણે પૂછ્યું.
“આ તમને મોંઘું પડશે.” અધ્યક્ષ ચારે જણાવ્યુ.
“કશો વાંધો નય.” ખંધાઈથી તે બોલ્યો અને પછી જતો રહ્યો.
“આમની હારે કોય હવે રોટી કે બેટીનો વે’વાર નય કરે... રાવજીભાયના હારા-બુરા પરસંગમાં કે એમના સોકરાના પરસંગમાં આપડા સમાજનું કોય નો હોવું જોઈ. ‘ને જો કોય એમની હારે વે’વાર કરતાં જણાશે તો ઈને પણ નાત બારે મૂકવામાં આવશે!” અધ્યક્ષ ચારે ફેસલો જાહેર કર્યો.
પ્રશાંત અને રાવજીભાઇ મૂંગામોઢ આ તમાશો જોઈ રહ્યા. મગાકાકાને પણ ચૂપ રહેવું ઠીક લાગ્યું. બધા પછી રાવજીભાઇ પર ચઢી ગયા કે કેમ તેમણે ચૂપ રહ્યા, છોકરો કહ્યામાં નથી રહ્યો? તમારે એને સમજાવો જોઈએ, આમ, સંબંધ ખરાબ ના કરાય વગેરે. રાવજીભાઈ બધાને સાંભળી રહ્યા. પ્રશાંત થૂંક ગળી ગયો હતો. તેને છાતી બળી રહી હતી, તમ્મર આવી રહ્યા હતા. તેણે એક-બે વાર માથું પણ ધૂણાવ્યું હતું. નિશાંત નીકળ્યો એટલે તેને પણ ઉઠવાનો મોકો મળ્યો. નાનજીભાઈના નાના દીકરાના હાથમાંથી પાણીનો જગ લઈ તે બ્હાર નીકળ્યો અને કોગળા કરવા લાગ્યો.
*
નિશાંતનું કૃત્ય અપમાનજનક હતું. તેણે બધાને હડધૂત કર્યા. ધીરેનભાઈ-દિનકરરાવ નિરાંશ લાગી રહ્યા હતા. વધુ એક પ્રયત્ન હેઠળ તેમણે નિશાંતને મળવા તેની ઓફિસ ગયા. ગ્રાઉંડ ફ્લોર પર જ કેફેટેરિયા હતું. જે ક્ષણે તેમણે ઓફિસ પહોંચ્યા ત્યારે જ નિશાંત-પ્રશાંત ઓફિસના એક કર્મચારી ત્યાં આવ્યા. તેઓ કેન્ટીનમાં ભેગા થયા. પ્રશાંત બંનેને જોઈને ચિડાયો, તેને હતું બંને ભાઈ અહીં કઈક તમાશો કરવા આવ્યા હશે.
“અય ડોહા! આયાં હું કર સ?” પ્રશાંતે તુકારો દઈ દિનકરરાવને પૂછ્યું. ગઈ વખતના ઘાવ તે ભૂલ્યો ન હતો. તે બસ એક ક્ષણની ફિરાકમાં હતો.
“અમે ફક્ત વાત કરવા આયવા સીયે.”
“વાત...(તે હસ્યો, એક ડગલું ભરી બોલ્યો) પે’લા મારા હાથ જોડે વાત કર.” કહી તેણે દિનકરરાવને તમાચો ચોડી દીધો. દિનકરરાવ લથડયા. ધીરેનભાઈ તેમને ઉઠાવા ગયા. દરમિયન કિરણ કોઠારીએ તેમને પકડી ઊભા કર્યા.
“સર, તમે ઠીક છો?” કિરણે દિનકરરાવને પૂછ્યું. ગઈ વખતની વસૂલાત કરવાના ઈરાદાથી પ્રશાંત આગળ વધ્યો.
“સર, બેક ઓફ! પાછા રો’” કિરણ કોઠારીએ કહ્યું. પ્રશાંતને જરાય ન ગમ્યું.
“તને ખબર સે ને હું કોણ છું?”
“હા. ઓફિસ ભલે તમારા ભાઈની રઈ, આ કેન્ટીનનો ઇન્ચાર્જ હું છું. મને સિક્યોરિટી બોલાવા માટે મજબૂર નો કરશો.” તેણે જણાવ્યુ.
આજુબાજુના ટેબલ પર બેસેલા લોકો આ જોઈ રહ્યા. જેમાંના ઘણા નિશાંતને ઓળખતા હતા. નિશાંત પ્રશાંતને ત્યાંથી લઈ ગયો. જ્યારે તેને વાત જ નથી સાંભળવી તો તેને મોઢે લગાડવા કરતાં જતાં રહેવું જોઈએ. એમ વિચારી ધીરેનભાઈ દિનકરરાવને લઈ પાછા વળ્યા.
“તું હાથ ના ઉઠાવીસ બોવ.” નિશાંતે પ્રશાંતને કહ્યું. તેમણે એક ટેબલ પર ચા પી રહ્યા હતા.
“તે ત્યારે કાં નો બોયલો એવું જ્યારે તને ઈ લોકો માયરતા’તા?”
“ઈ સિચ્વેશન અલગ હતી... ‘ને એ ડોહો તારી ભાભીનો મોટો બાપ છે. બીજીવાર એ એકેયના સાથે મીસબિહેવ કર્યું તો આ જેટલા દોરા હાથે પેર્યા હંધાય તારા મોઢામાં ઠૂંસી દઇશ!” નિશાંતે જણાવી દીધું મોટો ભાઈ કોણ છે.
*
માર્કેટમાં વાત ફેલાઈ ગઈ હતી. બંને ભાઈઓએ તેમના કરોડપતિ જમાઈને વગર માંકે માર્યો હતો. આવી વાતો તેમના ધંધા માટે નિષેધક હતી. એક-બે જણ તેમની દુકાને આ વિષય પર પંચાત કરવા આવતા. નિશાંત રાજકોટમાં ખ્યાતનામ વ્યક્તિ હતો. કદાચ એટલે જ તેમના ધંધા પર એની અસર પડી રહી હતી. આ તરફ સિદ્ધાર્થ બીજી દિશામાં વિચારી રહ્યો હતો. વાંક એક તરફી હતો જ નહીં. નિશાંતના બોડીગાર્ડે-ભાઈએ સામે હાથા-પાઈ કરી હતી. તેમ છતાં, કેમ નિશાંત આટલો બધો અહંકાર રાખે છે. તેના અભિમાનને ઓગાળવાનો ઉપાય સિદ્ધાર્થને મળી ગયો. તે એને રૂબરૂ થવા નીકળ્યો.
*
સાંજે દિનકરરાવ-ધીરેનભાઈ ઘરે આવ્યા. ઘરે બધાને બપોરે જ ફોન પર સમાચાર આપી દીધા હતા. સૌને હતું તેઓ સારા સમાચાર લાવશે પણ વાત જુદી બની હતી. સળગતો પ્રશ્ન એ ઉઠ્યો કે હવે કરવાનું શું? જેનો જવાબ કોઈના પાસે ન હતો. કાજલબેન રડવા લાગ્યા, ધીરેનભાઈ-દિનકરરાવને કોસવા લાગ્યા. શાલકી પીલ્લરના ટેકે બેસી હતી. તેના ચહેરા પર હતાશા વર્તાતી હતી. દિનકરરાવ પહેલીવાર ક્ષોભિત બન્યા હતા. તેમણે શાલકી પાસે આવ્યા. તેની પાસે બેસી બોલ્યા:
”હું પોતાને તારા માટે સમર્પિત કરી શકું છું શાલું. મારી ભૂલથી તારો ઘર સંસાર મંડાતો અટક્યો. હું પ્રણ લઉં છું દીકરી...
જ્યાં સુધી આ વાતનો સેડો નો આવે ન્યાં હુંધી અંશન કરીશ. અન્ન-જળનો આજથી ‘ને અત્યારથી ત્યાગ કરું છું!”
આ સાંભળી ઘરના સૌ ઝપકી ગયા અને આશ્ચર્ય પામ્યા. દિનકરરાવે આ કેવા પ્રણ લઈ લીધા? ઘરના તમામે મનાઈ ફરમાવી. દિનકરરાવે અંશન પર બેસવું ન જોઈએ પણ તેમણે એકના બે ન થયા. છેવટે, પરિવારે અન્ય માર્ગ શોધવાનો શરૂ કર્યો.
દિનકરરાવ-શાલકી પાસ-પાસે જમીન પર બેઠા હતા, દિશાબેન રસોડાના બારણાંની આડશે ઊભા હતા, ધીરેનભાઈ હીંચકામાં સકારાત્મક વિચારો જુલાવી રહ્યા હતા(છતાં, બેચેન દેખાઈ રહ્યા હતા), રમીલાબેન-કાજલબેન કક્ષની દીવાલ પાસે બેઠા હતા. સુરભિ તેની મમ્મીના ખોળામાં માથું રાખી આડી પડી હતી. દિશાબેન પાસે આવી બેઠા. સિદ્ધાર્થ પગથિયે બેઠો હતો. તેના માથે ઝળુંબતો ગોળો, ગોળ આછો પ્રકાશ ઝળહળાવી રહ્યો હતો. દરેકના પંડ પર ટ્યૂબલાઈટનો પ્રકાશ પૂરતો આવી રહ્યો હતો પણ એ પ્રકાશ પણ એમની જેમ નિરાંશ અને લોથ લાગી રહ્યો હતો.
રાત ઘેરાઈ ગઈ. કોઈને જમવાનું મન ન થયું. મુઝવણની ખામોશી રાત ભરખી રહી હતી. એ રાત રસોડામાં ગેસ ચાલુ ન હતો થયો. દરેક ચહેરા નીરસ અને ઉદાસ જણાય રહ્યા હતા. બધા એક પછી એક પોત-પોતાના કક્ષમાં ચાલ્યા ગયા. ફક્ત ધીરેનભાઈ અને કાજલબેન બચ્યા હતા. સૌ નિશાંત સાથે વિતાવેલ સમય સંભારવા લાગ્યા. દિશાબેન, રમીલાબેન, દિનકરરાવ અને સિદ્ધાર્થ નિશાંત પાસેથી મળેલી ભેટ નિહાળી રહ્યા, તેઓ ચાહતા હતા શાલકીનો શુભ સંસાર શરૂ થાય પણ તેમની પોતાની વિચારસરણી કઠોર પરિણામ લઈ આવી હતી. દુખ લાગી રહ્યું હતું, જે એક સંબંધ શરૂ થયો હતો સ્નેહ થી, એ આજે દ્વેષથી ખરડાઇ ગયો. શાલકી, જેનો કોઈ વાંક ન હતો. તેમ છતાં, આજે તેની જિંદગી અન્યના કારણે વળાંક લઈ રહી હતી. આ નીરસ રાતમાં નિંદ્રાહીન તેના નેણ સુકાયા.
કાજલબેન ધીરેનભાઈ પાસે આવ્યા. થોડો આરામ કરી લેવો જોઈએ. બેસી રહેવાથી સંજોગો બદલાવાના ન હતા. ગમે તેટલા દોષના ટોપલા તેમણે ધીરેનભાઈ પર નાખે અથવા તેમને કોશે, અંતે તો એ બે જ એકબીજાનાને. તેમણે ધીરેનભાઈને કક્ષમાં લઈ ગયા. વિચારોનો ભાર જાણે પગને લાગી રહ્યો હોય એમ બેય માણાં’ હળવે-હળવે કક્ષમાં ગયા. ‘ને કયો બાપ નિરાંશ ના થાય જ્યારે એની દીકરીનું સગપણ ના થતું હોય?
*
(ક્રમશ:)

Comments
Post a Comment