રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ:૬)


 


રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ:૬)

(સોલંકી અને પરમારો વચ્ચેની નફરત)

 

                    શાલકીની ગિફ્ટ જાણવા બધા અધીરા બન્યા હતા. ઘરના સભ્યોના ઉત્સાહે શાલકીને નર્વસ કરી મૂકી. તેના ધબકારા વધી રહ્યા હતા. નિશાંત પેકેટ લઈ તેની પાસે આવ્યો, ઢીંચણે બેઠો અને શાલકીને ભેટ આપતા કહ્યું:”ઓપન કર.”

                    તમામ આ દ્રશ્ય નિહાળી રહ્યા હતા. શાલકી રેપર ખોલવા લાગી. બોક્સ ખોલ્યું. તેમાં પ્લાસ્ટિકની પન્નીનું ભૂંગળું હતું. સ્ટિકર જેવુ લાગી રહ્યું હતું. એના પર કઈક લખ્યું હતું. તેણે પન્ની સવળી કરી:CODING TAUGHT ME TO NEVER GIVE UP WHEN SOMETHING DOES NOT WORK! અર્થાત કોડિંગથી શીખવા મળ્યું છે કે જ્યારે કોઈ વસ્તુ કામ ન કરે ત્યારે હાર ન માનવી જોઈએ.

 

                    આ વાંચી શાલકી હસવા લાગી. તેને ખબર પડી ગઈ નિશાંતે કેમ આવી ગિફ્ટ આપી। તેનું કોડિંગ રન ના થાય ત્યારે તે મૂકી દેતી. એને ધ્યાનમાં રાખી નિશાંતે આ ગિફ્ટ આપી હતી. ખૂબ જ રચનાત્મક અને હ્રદયને ગમે એવી ગિફ્ટ લાગી. તે રાજી થઈ બોલી:”થેન્ક યૂ!”

“વેલકમ, આ તું તારા mac પર ચોંટાડ્જે. જેથી જ્યારે તારું કોડિંગ કામ ના કરે અને તું ઊભી થાવ, તો આ વાંચી પાછી કોડિંગ કરવા બેસી જજે. “ નિશાંતે મસ્તી કરતાં કહ્યું. સુરભિ-સિદ્ધાર્થ હસવા લાગ્યા.

“હા,હા! આના માટે તો નવી ટેક્નોલોજી બનાયવી પયડશે. જે હાચું કોડિંગ કયરી હકે. આના કોડિંગમાં ભૂલો જ એટલી હોય સેને.” સિદ્ધાર્થ બોલ્યો.

“એક સેકન્ડ! દી પાંહે ક્યાં mac સે? ઇ તો મારા PCમાં કોડિંગ કયરે સે.” સુરભિ બોલી.

“ઓહ સોરી! એક ભૂલ થઈ ગઈ.”

“શું?” શાલકીએ પૂછ્યું.

“એ જ કે પહેલા મારે આ આપવાનું હતું, પછી સ્ટિકર આપવાનું હતું.” કહેતા નિશાંતે મોટું બોક્સ કાઢ્યું. બોક્સનો આકાર જોઈ સિદ્ધાર્થે અંદાજો લગાવી લીધો. તેના મોઢામાંથી આપોઆપ શબ્દ નીકળ્યા:”વોટ ધ હેલ!”

“સિરિયસ્લિ?” આશ્ચર્ય સાથે સુરભિએ પૂછ્યું.

“ઓહ માય ગોડ! નિશાંત તમે આ શું કયરું?” બોક્સ જોતાં શાલકી બોલી ઉઠી.

“જસ્ટ ઓપન ઈટ!” સ્મિત સાથે તે બોલ્યો.

ઉત્સાહથી શાલકીએ રેપર ખોલ્યું. મેકબુક પ્રો(૨૦૧૧) લખેલું ખોખું દેખાયું.

“વોહ...!” સિદ્ધાર્થ અચંબિત થઈ ગયો.

Wow… દી! કોંગ્રેટ્સ!” સુરભિ બોલી.

“ચાલુ કર જલ્દી.” સિદ્ધાર્થે શાલકીને કહ્યું અને પાછળ પલંગ પર ચઢી તેના માથે ઊભો રહ્યો. શાલકી નાજુકાઈથી બોક્સ ખોલી રહી. લેપટોપ નિકાળી ચાલુ કર્યું. સિદ્ધાર્થ, સુરભિ-શાલકી લેપટોપની સ્ક્રિનમાં જોઈ રહ્યા. સિસ્ટમ ચાલુ થતાં સ્ક્રીનનો પ્રકાશ શાલકીના ચહેરા પર પરાવર્તિત થયો. તેણે આંખોથી નિશાંતનો આભાર વ્યક્ત કર્યો. નિશાંતે સામે સ્મિત આપ્યું.

“હવે, આની હુ જરૂર હતી?” દિનકરરાવ બોલ્યા.

“હાસ્તો વળી, આવી ગિફ્ટ લેવાતી હયશે!” ધીરેનભાઈએ દિનકરરાવની વાતમાં સહમતી દર્શાવી.

“કેમ નો લેવાય?” તેણે પૂછ્યું. બંને બે ઘડી ચૂપ રહ્યા.

“હા, સાચી વાત સે પપ્પાની. આ બહુ વધારે કેવાય.” શાલકીએ કહ્યું.

“આ જરૂરિયાત છે બકા!” શાલકી સામે જોઈ તેણે કહ્યું. ધીરેનભાઈને ઉદ્દેશી ઉમેર્યું:”આ વસ્તુ તમારે શાલકીને કોલેજમાં લઈ આપવાની જરૂર હતી. એ ના લાવી આયપુ એટલે આજે એને કોડિંગમાં તકલીફ પડે છે.” ધીરેનભાઈ ચૂપચાપ સાંભળી રહ્યા.

Still, yaar I have PC.”(છતાં, મારી પાસે PC છે યાર.)

“પેંટિયમ ૪ તું વાપરે છે. એમાં CMD હેંગ મારી જાય. તો વિચાર કર લેંગ્વેજિંગ સોફ્ટવેરની શું હાલત થાય? થોડુક લોજિકલી વિચાર. મેં કઈ ફાલતુ ખર્ચો નથી કયરો. જરૂરિયાત હતી, એટલે તને આયપુ છે.” નિશાંતે જણાવ્યુ.

Indeed.(ખરેખર).” લેપટોપ મંતરતા સુરભિ બોલી.

“વારુ. લઈ લઉં છું બસ?” શાલકીએ કહ્યું.

“બસ, એટલું જ કહેવું હતું મારે. આપણે બધાએ કાલે વહેલા ઉઠવાનું છે સોમનાથ જવા માટે તો હવે સૂઈ જવી.” નિશાંત સભા પૂરી કરતાં બોલ્યો.

“ઘડીક ખમો. એક મિનિટ, અમારે પણ તમને એક ભેટ આયપવી સે. લાવ તો પેલું...” ધીરેનભાઈએ કહ્યું.

“હા, લેતી આવું સુ.” કહેતા કાજલબેન તેમના કક્ષમાંથી એક થેલી લાવ્યા. જેમાં શુટનું કાપડ હતું. ધીરેનભાઈએ કાપડ અને ૫૦૧ રૂપિયા આપી ઓઢામણી કરી. પછી બધા સુવા માટે છૂટા પડ્યા.

 

*

 

                    લગભગ સવારે ૬ ટ્રાવેલર બસ ઘર આંગણે આવી ઊભી. બધાને તૈયાર થતા ૭:૩૦ થઈ ગયા. દસ મિનિટ બાદ બસ ઉપડી. અગિયાર વાગતા તેઓ સોમનાથ પહોંચ્યા. દર્શન કરી રેસ્ટોરાંમાં જમવા ગયા. બાદ વળતાં ગિરનારની તળેટી રોકાયા. સાંજે ૬-૭ વાગતા ઘરે પહોંચ્યા. સફરના કારણે સૌ થાકી ગયા હતા. હવાફેર થતાં બધાના મન હળવા થયા હતા. નિશાંત-સિદ્ધાર્થ બસવાળાનો હિસાબ ચૂકતે કરી અંદર આવ્યા.

 

                    ઘરે આવી સિદ્ધાર્થ તેના કક્ષમાં ગયો અને નિશાંત નાહવા. નાહીને તે કપડાં પહેરી રહ્યો હતો. ત્યારે બારણે ટકોરા પડ્યા. પાયજામો પહેરી તેણે બારણું ખોલ્યું. શાલકી આવી હતી. તેણે વિચાર્યું ન હતું કે તે આવશે. શું કામ આવી હશે એ પણ ન હતી ખબર. તેણે એને આવકારી. શાલકી અંદર આવી. નિશાંત ઉઘાડો હતો. તે એની કાયા જોઈ રહી.

“કેમ, અચાનક?”

“અમથા ઈ તો. તમને થાક લાયગો સે?” શાલકીએ પૂછ્યું.

“ના.”

“તો બરાબર. આ તો તમે કાલે જાતા રેવાના. તો થયું થોડીવાર બેસીએ.”

“અચ્છા.”

“કેવું લાયગુ અમારા ન્યાં?”

“સારું લાયગુ.” ટી-શર્ટ પહેરતા તે બોલ્યો.

ને મારી હારે?”

“તારી હારે પણ... બધાની સાથે મજા આવી. એક નવો અનુભવ થયો. અને હા, એક વાત મારે તારી સાથે કરવી છે.”

“બોલો.”

“આપડા લગ્ન પછી... જો તું ઊંધું નો હમજતી. આપડા લગ્ન પછી તારી ડિલિવરી થાય ત્યારે હું ઇનો DNA ટેસ્ટ કરાવા માંગુ છું.”

“વોટ?” પહેલા તો તેને આંચકો લાગ્યો.

DNA ટેસ્ટ. જેનાથી ખ્યાલ આવે બાળકના જીન્સ(genes) અને પિતાના જીન્સ એક...”

“મને ખબર સે DNA એટલે શું. પણ કેમ કરવું સે?”

“હવે, તું તો જાણે જ છે... સેફર સાઈડ.”

“આટલા સમય પયછી શું આપણો સંબંધ એટલો પણ સ્ટ્રોંગ નયથી બયનો? કે હજી તમારે બધા પુરાવા જોઈ સી?”

“ઓહ... ઈ વાયત ક્યાંથી આયવી?”

“તો શું મિનિંગ થયો ટેસ્ટ કરશો? તમે મને શું સમજી સે?”

It’s just a test યાર! મેં એમાં શું વધારે માંયગ્યું?”

“ઓકે. સમજી ગઈ.” કહી તે હસવા લાગી.

“શું?”

“આ તમે ટેસ્ટ લય રયા સોને મારી?”

“ના. હું સિરિયસ છું. આ બાબતે મારે ૧% પણ જોખમ નથી લેવું.”

“જોખમ? કેવું બોલો છો યાર! તમને ખબર છે આ કેટલું ઇન્સલ્ટિંગ લાગે છે?”

“એમાં શું ઇન્સલ્ટિંગ થયું? તને પણ જાણવા મળશે કે બાળક કોનું છે?”

શું કહ્યું?”

“હા, આપણે બંને ક્લિયર રહી શકીશું.”

“તમે યાર... છોડો! હું કોઈ સેકન્ડ હેન્ડ વિહિકલ નથી કે મને જાણવાની જરૂર પડે કે કોણ ચલાવે છે?”

“શું? જો તે જ કેવી હલકી વાત કયરી.”

“હલકી વાત મેં કયરી? તે કયરી. તારે મારો ટેસ્ટ કરાવો છે!”

“જો...જો તમે પરથી તું પર આવી ગઈ?

“તે હાથે કરીને તારું સ્ટાન્ડર્ડ નીચે લાવી નાયખું. મારા કેરેક્ટર પર પ્રશ્ન કરનાર તું કોણ?”

“મેં ક્યાં એવું કાંઇ કીધું?”

You know what? Shut up! આટલા દિવસોથી ડાઈ ડાઈ વાયતું કરતોતો. ઓહોહોહો... છોકરિયુંને ભૂતકાળ વિષે ના પૂયછવું જોઈ, એનાથી કઈ ફર્ક નો પડે. સમાનતા જોઈ. બધુ ખોટું ખોટું નાટક કયરું. હવે, તે તારો સાચો રંગ બતાયવો ખરી!”

“સમાનતાની ક્યાં ના પાડું છું હું, તું પણ કરી લે મારો ટેસ્ટ!”

“હું તારા જેટલી શેલો(shallow) નથી.(કહેતા તે ઊભી થઈ ચાલવા લાગી) તને ખબર છે આટલા દિવસોમાં તે જે કાંઇ કયરું એમાં મને વિશ્વાસ બેસી ગ્યોતો કે You’re a guy without flows but you are no different than others.(ભાવાર્થ: તારામાં કોઈ ખામી નહીં હોય પણ તારામાં અને અન્યમાં કોઈ ફેર નથી.)

“ઊભી રે શાલકી, મારી પૂરી વાત સાંભળીને જા...”

“તું ભાડમાં જા... વાત કર મા મારી હારે.” બ્હાર જતાં તે બોલી. નિશાંત તેની પાછળ ગયો.

“શાલકી... ઊભી રે.” નિશાંત બોલ્યો પણ તે ન ઊભી રહી. બંને તેના કક્ષ સુધી આવી ગયા. તેણે કહ્યું:

“વેઇટ... સારું સાંભળ. બાળકને આપણે ભણવા મૂકી દઈએ, એનું પેલા ધોરણનું પરિણામ આવી જાય પછી ટેસ્ટ કરીશું!”

“ગો ટુ હેલ!” કહી તેણે દરવાજો બંધ કરી દીધો.

 

                    દિશાબેન રસોડા પાસે ઊભા રહી બંનેને જોઈ રહ્યા હતા. નિશાંતનો ચહેરો ગંભીર થઈ ગયો. તેની નજર દિશાબેન પર પડતાં તેણે સ્મિત કર્યું. પછી ઘડિયાળ બતાવી, બે આંગળીથી ચાલવાનો ઈશારો કર્યો. બાદ ખભા ઉલાળતો હસવા લાગ્યો. દિશાબેન કઠોરતાથી તેની સામે જોઈ રહ્યા. બાદ પગથિયાં ચઢી તેમના કક્ષમાં જતાં રહ્યા. નિશાંત તેના કક્ષ તરફ ચાલ્યો ગયો.

 

                    સાંજે જમવા શાલકી ન આવી. તે એના કક્ષમાં સૂઈ રહી. તેણે સુરભિને વાત જણાવી. તેનું પણ નિશાંત પરથી મન ઉઠી ગયું. તે પણ નિશાંત સાથે વાત કરવાનું ટાળવા લાગી. દિશાબેને સુરભિને પૂછ્યું. તેણે વાત જણાવી. દિશાબેનને વિશ્વાસ ન હતો બેસતો કે નિશાંત આવી માંગણી કરી શકે. ઘરમાં પછી બધાને ઓછા વત્તા અંશે વાતની ખબર પડી ગઈ. રાતે મોડુ થઈ ગયું હતું માટે કોઈ એ મુદ્દા પર ચર્ચા કરવા ભેગા ન થઈ શક્યું. સૌ પોત-પોતાના કક્ષમાં સૂઈ ગયા. અત્યારે સૂતા પહેલા ચોખવટ કરી લીધી હોત તો સારું થાત પણ નિયતિએ આમના ભાગે પીડા અને માનસિક ત્રાસ નિરધાર્યો હતો.

 

*

 

                    સવારે કામવાળા પ્રાંજલબેન આવ્યા અને સાફ-સફાઈ કરી રહ્યા હતા. સૌ કોઈ ઉઠી કરી નિતક્રિયા પતાવી રહ્યા હતા. શાલકીએ ગઇકાલનો કક્ષ બંધ કરી લીધો હતો. તેના કક્ષમાં જોર જોરથી ગીતો વાગી રહ્યા હતા. તે એક ખૂણામાં બેઠી હતી. ગઇકાલે જે રીતે છૂટા પડ્યા એ વાતથી બંને વ્યાકુળ બની ગયા હતા. નિશાંત શાલકીને દુખ પહોંચાડવા નતો માંગતો પણ પરિસ્થિતી કાબૂ બ્હાર જતી રહી હતી. થોડીવારમાં તે પાછો પોતાના ઘરે ચાલ્યો જશે. તેને એમ લાગ્યું મારામાં કોઈ નથી રહ્યું મારૂ. અર્ધા કલાક બાદ બારણે ટકોરા થયા. તેણે દરવાજો ખોલ્યો.

“તે ટેસ્ટ કરાયવો?” ધીરેનભાઈએ પૂછ્યું.

“શાલકીનો.” દિનકરરાવે ઉમેર્યું.

“હા.”

 

                    ધીરેનભાઈએ તેને લાફો માર્યો, તેનો કોલર ઝાલી બ્હાર લાવ્યા. વચ્ચે દિનકરરાવે તેના બરડા પર ઘુસ્તો મૂક્યો. ઓસરી વચ્ચે ધીરેનભાઈ તેને ઝાપટો મારવા લાગ્યા. રમીલાબેન, કાજલબેન, અને પ્રાંજલબેન ઊભા-ઊભા જોઈ રહ્યા હતા. કાજલબેનના હાથમાં કશીક સફેદ પટ્ટી દેખાઈ રહી હતી.

“ભેણબખત! વિશ્વાસ કયરોતો તારા પર ને તું અમને આવું ફળ આપે સ?” કહી ધીરેનભાઈએ બીજા બે લાફા ઝીંકી દીધા!

“માદરભગત!” દિનકરરાવ બોલ્યા, ને તેની છાતી-પેટમાં ગડદા મૂકવા લાગ્યા.

 

                    બરાબર કિડની ઉપર બે ઘૂસતા લાગતાં નિશાંત વાંકો વળી ગયો. આટલા દિવસોથી આ લોકો સંકોચાઈને જીવી રહ્યા હતા. નિશાંતે જાણે તેમનું શોષણ કરી કાબુમાં રાખ્યા હોય એમ બધાને લાગી રહ્યું હતું. આજે એ બધી બાબતોનો રોષ બંને કાઢી રહ્યા હતા.

“નીકળ! હારા હલકીના પેટના!” કહી ધીરેનભાઈએ તેને ધક્કો માર્યો.

 

                    ધીરેનભાઈએ એવું ન હતું કહેવું જોઈતું. નિશાંતને હવે ગુસ્સો આવ્યો તે સીધો ઊભો રહી ધીરેનભાઈની સામે ડોળા કાઢી જોઈ રહ્યો.

“હામે હું જોવે સ?” કહી તેમણે નિશાંતને ધક્કો માર્યો.

 

                    નિશાંતનુ સંતુલન ડગયું. તેણે ઊભા રહેવાનો વ્યર્થ પ્રયત્ન કરી જોયો પણ તે નીચે પડ્યો. નીચે કોલાહલ સાંભળતા સુરભિ અગાસી પરથી દોડતી નીચે આવી. નિશાંતને બંને ભાઈ પાટુ મારી રહ્યા હતા. શાલકીને ત્યાં ન ભાળતા સુરભિએ તેના કક્ષનો દરવાજો ખખડાવ્યો પણ અંદર વાગતા ગીતના કારણે તેને સંભળાયું નહીં હોય.

 

                    લાતો, લાફા અને ઘૂસતાથી પણ દિનકરરાવનું પેટ ન ભરાયું તો તેમણે તેમના કક્ષમાં હથિયાર લેવા દોડ્યા. રમીલાબેન તેમની પાછળ ગયા. દરવાજાની અંદર તરફ જગ્યામાં માલધારી લાકડી મૂકી હતી. તેમણે એ લાકડી ઉઠાવી અને ઝડપથી બ્હાર આવ્યા. રમીલાબેને તેમને રોક્યા:

“આમ નો હોય, મારી નથી નાખવાનો એને.”

“આઘી રે તું!” રમીલાબેનને ધક્કો મારી બાજુમાં કર્યા.

 

                    માંડ માંડ રમીલાબેન નીચે પડતાં પડતાં બચ્યા. તેમણે સંતુલન સંભાળ્યું, તેમણે લાકડી પકડી. દિનકરરાવ ઝાટકા સાથે ખેંચાયા. તેમણે ગુસ્સાથી લાલપીળા થઈ ગયા હતા.

“લાકડી છોડ!”

“હું કવ સુ છોડો તમે.” રમીલાબેન બોલ્યા અને લાકડી ખેંચી. તેમને ખ્યાલ આવી ગયો, તેમના એકથી દિનકરરાવ નહીં રોકાય.

“કાજલ.... આમ આવ! આમને રોક તું!” રમીલાબેન બોલ્યા.

 

                    દિનકરરાવનો પિત્તો ગયો. તેમણે મોટી રાડ નાખી:”લાકડી સોડ રાં*!” કહી જોરથી લાકડી ખેંચી. રમીલાબેનના હાથમાં આંચકો લાગ્યો. આપોઆપ ગભરાટથી તેમની પકડ છૂટી ગઈ. તેમણે ફફડી ગયા. બે ડગલાં આપમેળે પાછળ ખસયા અને નીચે ફસડાઈ પડ્યા. દિનકરરાવ ચાર-પાંચ ડગલાં દોડીને બે હાથથી ગદા જેમ લાકડી પકડી હવામાં ઉપર જવા દઈ નિશાંતના પંડ પર નાખી!

 

                    કાજલબેન રમીલાબેન પાસે ગયા. પ્રાંજલબેન તેમની પાછળ દોડ્યા. આ બધી ધમાલથી ગભરાઈ જઈ નાની સુરભિ રડવા લાગી અને વધુ જોરથી બારણું ટીપવા લાગી:”શાલકી... દરવાજો ખોલ!”

 

                    ગીતોના ઘોંઘાટમાં શાલકી એક ખૂણામાં લપાઈ ગઈ હતી. સતત દરવાજો પીટવાનું થોડું સંવેદન તેને થયું કે બારણું ખખડે છે કદાચ, બ્હાર કશોક સંચાર થઈ રહ્યો છે. તે ઊભી થઈ.

 

                    દિનકરરાવની લાઠી નિશાંત પર પડે એના પહેલા કોઈ આવ્યું અને લાઠી પકડી લીધી. અર્ધા ફૂટ જેટલું અંતર રહ્યું હશે. નિશાંત પર પડવા વાળો ફટકો એ અજનબી મુઠ્ઠીએ રોક્યો. એ હાથે લાકડી પકડી લીધી. એ હાથ મોટો જબરો હતો, જાડો-કડક. તે કાંડા પર કડુ હતું અને બહુ બધા દોરા-ધાગા બાંધ્યા હતા. જેથી એટલા ભાગમાં રુંવાટી દબાઈ ગઈ હતી. તો કલાઈમાં હળવો એવો ખાડો લાગતો હતો. એ માણસે એક હાથે લાકડી ઉઠાવી અને બીજા હાથે દિનકરરાવને ધક્કો માર્યો. આવા સામા પ્રહારની દિનકરરાવે ગણતરી નહીં કરી હોય, તેમણે જમીન ભેગા થઈ ગયા.

 

                    એ માણસે કપાળે ચંદન લગાવી, લાલ તિલક કર્યો હતો. તેના વાળ ઝીણા અને દાઢી ભરાવદાર હતી. તેણે કાળો જભ્ભો પહેર્યો હતો. જે તેના વિશાળ ખડતલ શરીર પર સજ્જડ લાગતો હતો. તેણે મોઢામાં ફાકી ભરાવી હતી. તેણે ૯૦ગરદન ફેરવી ઓસરીના ફરસ પર પિચકારી મારી. સફેદ ટાઇલ્સ પર લાલ પિચકારી વિચિત્ર રીતે ચોંટી. તેનું બીજી તરફ ધ્યાન હતું, એ જ ક્ષણે ધીરેનભાઈએ તેની ગળચી પકડી.

 

                    તે આદમીને ધીરેનભાઈના પ્રહાર માટે સાવચેત થવાની તક ન મળી. તે એક- બે ડગલાં પાછળ ખસયો. એની આંખોમાં ક્રોધની જ્વાળા ભભકી. તેણે હાથ ઉલાળી ધીરેનભાઈનો હાથ ફંગોળી દીધો. તેણે ધીરેનભાઈની ગરદન પકડી દીવાલમાં ભીંસ્યા. ધીરેનભાઈ ડઘાઈ ગયા. તેમના હોઠ ફફડવા લાગ્યા. સામે ઉભેલા મહાકાય માણસ સામે પ્રતિકાર કરવાનું હામ તેમનામાં ન રહ્યું. આ તરફ દિનકરરાવ ઊભા થઈ એ મહામાનવથી પોતાના ભાઈને છોડાવા ગયા. તેમણે બે-ચાર લાકડીના ફટકા એના બરડા પર લગાવ્યા પણ એને રતિભાર પણ અસર થઈ નહીં. ધીરેનભાઈનો જીવ અર્ધો થઈ ગયો. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આ ધૂની માણસ તેમનો જાન લેવા તુલ્યો હોય એમ લાગી રહ્યું હતું. જ્યારે મારથી પેલાને કઈ અસર ન થઈ તો દિનકરરાવ બોલ્યા:

”અય છોડ! છોડ મારા ભાયને.” એનો હાથ હચમચાવી દિનકરરાવ બોલ્યા પણ પેલાના મનમાં ધીરેનભાઈનું કાંસળ કાઢી નાખવાનું ઝનૂન સવાર થયું હતું. તે એમ આસાનીથી છોડવાનો ન હતો. દિનકરરાવે તેની ગરદન દબાવી. જેથી પેલાને વધુ ગુસ્સો આવ્યો, તેણે વધુ જોરથી ધીરેનભાઈની ગળચી દબાવી!

 

                    હાઈવોલ્ટનો કરંટ પ્રસર્યો હોય એમ ધીરેનભાઈ કંપી ઉઠ્યા. છેલ્લો ઉપાય દિનકરરાવને એક જ સૂઝયો પણ એમ કરવાથી તેમને ખબર હતી આ રાક્ષસ તેમને છોડશે નહીં. છતાં, ધીરેનભાઈનો જીવ બચાવા એવું કરવું જ યોગ્ય લાગ્યું. તેમણે અંગૂઠાનો નખ એની ગરદનમાં ઘુસાડી દીધો. એમ થવાથી તે આદમી દર્દથી બરાડી ઉઠ્યો. તેણે ધીરેનભાઈને છોડ્યા. ધીરેનભાઈ જમીન પર ફસડાઈ પડ્યા અને મોઢું ફાડી શ્વાસ લેવા પ્રયત્ન કરી રહ્યા. પેલો આદમી સહેજ ઝૂકયો અને બોલ્યો:”અય લકોટા! સોડ!”

 

                    હંમેશા માનથી રહેવાવાળા દિનકરરાવ આવો શબ્દોપ્રયોગ સાંભળતા, તેમનું લોહી ઉકળી ઉઠ્યું. દાંત ભીંસી તેમણે વધારે જોરથી અંગુઠો દબાવ્યો. “આહહહહહહ!” દર્દભરી રાડ નાખી તે અવળો ફર્યો. દિનકરરાવે અંગુઠો ઘુસાડી રાખ્યો. તેણે દિનકરરાવને ઉપરા છાપરી ૩-૪ ઝાપટ ઠોકી! પોતાના રક્ષણાત્મક તરીકે દિનકરરાવે અંગૂઠાનું જોર વધાર્યું. પેલો અઈઈઇઇઇઇ! ઊંહકારતો ઝાપટ મારતો અટક્યો. પછી દિનકરરાવે તેને સામે લાફા મારવાનું શરૂ કર્યું. એમ કરતાં કરતાં બંને ગોળ ગોળ ફરી રહ્યા. એકેએ એકેયને છોડ્યા નહીં.

 

                    આ તરફ શાલકીએ બારણું ખોલ્યું. બ્હારનું બિહામણું દ્રશ્ય જોતાં તે ડરી ગઈ. દિનકરરાવ અને કોક વિશાળ માણસ બાથ ભીડી ઝપાઝપી કરી રહ્યા હતા. નિશાંત અને ધીરેનભાઈને જમીન પર પડેલા જોઈ તેની આંખોમાંથી ટપોટપ આંસુ ટપકવા લાગ્યા. આટલો બધો કોલાહલ સાંભળતા સિદ્ધાર્થ તેના કક્ષમાંથી નીચે આવ્યો. તેની પાછળ દિશાબેન પણ પાલવ સરખો કરી દોડ્યા.

 

                    પેલા આદમીએ દિનકરરાવનો શર્ટ ખેંચ્યો. શર્ટના પહેલા ત્રણ બટન તૂટ્યા! દિનકરરાવ હ્રદયના દર્દી હતા, તેઓ હાંફી ગયા. તેમની છાતી શ્વાસ રૂંધાતા લાલ થઈ ગઈ. તે આદમીને ત્યાં ધબ્બો મારવાનું મન થયું. એણે ઊભી મુઠ્ઠી તાકાત લગાવી દિનકરરાવની છાતીમાં ઠોકી!

 

                    દિનકરરાવને ફેફસા પર હથોડો માર્યો હોય એવી અતિશય પીડા થવા લાગી. તેની ગરદન પરથી એમનો હાથ હટયો. એ આદમીને સહેજ નિરાંત થઈ. તેણે ગરદન પર હાથ મૂક્યો, ત્યાં અડતા જ તેને બળવા લાગ્યું. ઝરાક લોહી તેના આંગળીના વેઢે ચોંટયું. તેનું મગજ ગયું. એણે દિનકરરાવને એક ધોલ ચોંટાડી દીધો. દિનકરરાવ ભોય ભેગા થઈ ગયા અને ધીરેનભાઈ જેમ મોઢું ખોલી શ્વાસ લેવા તરફડવા લાગ્યા.

“અય.....!!!!” સિદ્ધાર્થે રાડ નાખી, અત્યંત ગતિથી એ તરફ દોડતો ગયો અને તે આદમીના નાક સુધી પહોંચી શકે એમ કૂદયો અને કોણી મારી. કોણી નાક પર વાગતા પેલાની નસકોરી ફાટી! તેની આંખે ચાર ક્ષણ અંધારા આવી ગયા, ને થોડા તમ્મર પણ આવ્યા. નાકની હાડકીએ એવી પીડા થઈ રહી હતી કે તેની આંખે ઝળઝળિયા આવી ગયા, આંખોમાં લોહી તરી આવ્યું. તે એક ઘૂંટણ વાળી નીચે નમી ગયો. દર્દથી ત્રાહિ મામ્ થઈ ગાળો ભાંડવા લાગ્યો:

“પી#*, માદ@#*%!

 

                    ગુસ્સાથી તપેલા સિદ્ધાર્થે તેને લાત મારી. તે આદમી ધીરેનભાઈ પર જઈ પડ્યો. અર્ધસભાન અવસ્થામાં આંખો બંધ કરી સૂઈ રહેલા ધીરેનભાઈ પર અચાનક ૧૧૮ કિલોનો આદમી પડતા જાણે તેમની આખી નર્વસસિસ્ટમ એક જાટકે કાર્યરત થઈ ગઈ હોય એમ તેમણે જપકી ગયા. સુગંધ સિવાયની બધી સાંવેદનીક ચેતાઓ મગજને એક જ સંદેશો મોકલવા લાગી:”આ પાડાને મારા પરથી હટાવો!” તેમણે ચીસ પાડી. તે આદમીના નાકમાંથી લોહી અને પાણી નીકળી રહ્યું હતું. તેણે ધીરેનભાઈની ગરદન અને કાન પર નાક લૂંછયું. એમ પડ્યા રહી તેને થોડીવાર સારું લાગ્યું. બે ક્ષણ પરિસ્થિતીથી અજાણ બની તે મીઠી નીંદરમાં પોંઢી ગયો. પછી સિદ્ધાર્થ આવ્યો અને તેને ધીરેનભાઈ પરથી હટાવ્યો.

 

                    સિદ્ધાર્થ એ આદમી પર લાફા ઝીંકવા લાગ્યો. તે આદમીએ આંખો ખોલી. તે સભાન થયો, એની આંખો લાલચોળ થઈ ગઈ હતી. સિદ્ધાર્થે પેલાની આંખોમાં ખોફ જોયો પરંતુ તે જરાય ગભરાયો નહીં. તે આદમીએ સિદ્ધાર્થના વાળ ખેંચ્યા અને પછી તેને પાછળ ફેંક્યો. નિશાંત દીવાલના ટેકે બેસી આ બધુ નિહાળી રહ્યો હતો.

 

                    તે આદમી ઊભો થયો અને સિદ્ધાર્થને ખેંચીને એક ધોલ માર્યો. પછી, તેણે સિદ્ધાર્થનું મો દીવાલમાં ભટકાડયું. સિદ્ધાર્થ નીચે પડ્યો અને દર્દથી બે ક્ષણ કણસી ઉઠ્યો. દિનકરરાવે આ જોયું. પેલા આદમીને હજુય નાકમાં દુખી રહ્યું હતું, બાથરૂમના સિંક પાસેના ખીંટાએ નેપકિન લટકેલો હતો. તેણે એ નેપકિનથી નાક સાફ કર્યું. પછી તે સિદ્ધાર્થને મારવા આગળ વધ્યો. દિનકરરાવ ત્યાં સૂતા સૂતા ગંદી જ ગાળો બોલવા લાગ્યા. જેથી તે આદમી સિદ્ધાર્થને છોડી તેમને મારવા આવે.

“અય પી#$!”

 

                    એ આદમીને દિનકરરાવની આ યોજના સમજાઈ ગઈ. માટે તે એમને અવગણી સિદ્ધાર્થને મારવા આવ્યો.

“અય લૂખ્ખા સો##!”

તે આદમીએ સિદ્ધાર્થની ફેંટ પકડી. સિદ્ધાર્થના માથેથી લાલ પાણી નીકળવા લાગ્યું હતું. તે આદમીએ સિદ્ધાર્થને ઊભો કર્યો.

“અય નાગી રાં#ના!” દિનકરરાવ બોલ્યા અને ખાંસયા.

 

                    મા સામેની ગાળ ખાતા તે આદમી ખૂબ જ રોષે ભરાયો. તેને દિનકરરાવ પ્રત્યે અતિશય ખાર ચઢ્યો. નિશાંતે પણ ગાળ સાંભળી, તે ચૂપ રહ્યો. આજે આ ઘરમાં સૌ દિનકરરાવના નામનું છેલ્લી વાર જમી લેશે. એમ વિચારી સિદ્ધાર્થને પડતો મૂકી તે આદમી દિનકરરાવ પાસે ગયો. બ્હારથી બીજો એક આદમી આવ્યો. તે પણ અંદર આવેલા આદમી જેવો હટોકટ્ટો પહેલવાન લાગી રહ્યો હતો. તેણે ફોરમલ અર્ધી બાંયનો ઘાટો ભૂરો શર્ટ અને ફોરમલ કાળું પેન્ટ પહેર્યું હતું.

“સર!” નિશાંતને નીચે પડેલો જોઈ, તેને બેઠો કર્યો.

 

                    પેલો આદમી દિનકરરાવ પાસે આવી રહ્યો હતો. દિનકરરાવ ગભરાતા પાછળ ધસી રહ્યા. શાલકી વચ્ચે પડી. તે એ મહાકાય આદમી આગળ બોલી:”આઘો રે અય, દૂર રે મારા મોટા પપ્પાથી.”

“હરામજાદી!” કહેતા તે આદમીએ શાલકીને વાળમાંથી ઝાલી અને તેના વાળ ખેંચ્યા.

“શાલકી!”

“શાલકી!” રમીલાબેન-કાજલબેન એક સાથે બોલ્યા.

“આહહહ!” દર્દથી તે ઊંહકારી ઉઠી. ને પછી રડવા લાગી. નિશાંતે તે જોયું.

“પશા...” નિશાંત બોલ્યો. તે આદમીએ એની સામે જોયું, શાલકીએ નિશાંત સામે જોયું. તે આદમી અટક્યો.

“સોડી દે એન!” નિશાંતે આદેશ આપ્યો. તે આદમીએ શાલકીને છોડી દીધી.

 

                    આ જોઈ બધા દંગ રહી ગયા. સૌ કોઈ આશ્ચર્ય અને ભયથી તે આદમીને જોઈ રહ્યા. સિદ્ધાર્થ ઊભો થયો અને એનું ગળું દબાવ્યું. નિશાંતને જેણે ઊભો કર્યો એ આદમી પશા નામના માણસને છોડાવા ગયો. એણે સિદ્ધાર્થને પોતાની તરફ ફેરવી, આંખ નીચે મુક્કો માર્યો. સિદ્ધાર્થ હેઠે પડ્યો. સુરભિ તેની પાસે આવી:”ભઈ...ભઈ!” કહી તેણે સિદ્ધાર્થનું મો ખોળામાં મૂક્યું અને રડવા લાગી. દરમિયાન બીજા ચાર-પાંચ જણા લાકડી લઈ અંદર આવ્યા.

 

*

 

                    અંદર ઉભેલા બે મહાકાય માણસોને પાંચેય બે ક્ષણ જોઈ રહ્યા. તેમને અંદાજો આવી ગયો કોણ છે વિલન? પાંચેય આક્રોશ સાથે એમની તરફ દોડ્યા. બીજા આદમીએ ચોર ખિસ્સાની જગ્યામાં બંદૂક ભરાવી હતી. તેણે ઝડપથી બંદૂક નિકાળી સામે તાકી. પાંચેય ત્યાં અટક્યાં. તે બધા આડોશ-પાડોશમાં રહેતા હતા. તેમાંનો એક બોલ્યો:

“પી#@! ડેલાની બારે નીકળી બતાય...”

તારી માના એકના એક ધણીની ઓલાદ હોવ તો રોકી બતાય!” એ માણસે જવાબ આપ્યો.

“હેય!”

“હેય!

“ઓ!”

“હો!”

“એ...!” પાંચેય સાથે બોલી ઉઠ્યા.

 

                    તેણે સામે દીવાલમાં ગોળીબાર કર્યો. ધડાકાથી બધા સમસમી ગયા. દીવાલમાં કાણું પડ્યું. દિશાબેન ગોળીનો ધડાકો સાંભળી એકાએક બોલી ઉઠ્યા:”ઓ માડી રે!” તેમણે રમીલાબેન પાસે ગયા. તેમણે અને કાજલબેન જમીન પર જ બેઠા હતા. ઊભા થવાની હિમ્મત ન હતી થઈ રહી.

પ્રશાંતભાઈ, સરને લઈને બારે નીકળો.” સામે ઉભેલા પાંચેય આદમીઓ પર બંદૂક તાકી રાખી તે બોલ્યો. પ્રશાંત નિશાંત પાસે ગયો. સૌ તેને જતાં જોઈ રહ્યા.

“એક જ ગોળી વેયડફી સે. હજી પાંચ સે. તમને પાંચેયને એક એક ઉતારીશ તોય આરામથી વયો જયસ. એટલે કોઈ ચાપલાસ નો કરતાં.” તે આદમી બોલ્યો.

 

                    પ્રશાંતે નિશાંતને ટેકો આપ્યો. શાલકી આ બધાથી ફફડી ગઈ હતી. તેના ચહેરા પર ગભરાટની ગ્લાનિ તરી આવી હતી. તે રડી રહી હતી. નિખિલના મુખમાં લોહી ભરાયું હતું. તેણે શાલકીની સામે જોયું, ને પછી ઘરની દહલિજ પર થૂંકયો. પ્રશાંત તેને બ્હાર લઈ ગયો. જે માણસે બંદૂક તાકી રાખી હતી એ પણ સાવચેતીથી દરવાજા તરફ ખસયો અને બ્હાર નીકળી ગયો. ને બ્હારથી કડી લગાવતો ગયો.

 

                    પાડોશના આદમી ધીરેનભાઈ-દિનકરરાવની મદદે આવ્યા. ધીરેનભાઈને જુલામાં બેસાડયા, દિનકરરાવને પલંગ પર સુવડાવ્યા. દિશાબેન અને અન્ય સ્ત્રીઓ સિદ્ધાર્થ પાસે આવી. દિશાબેને તેના માથા પરથી લોહી સાફ કર્યું. શાલકી તેના માટે બરફ લેવા ગઈ. એ જ ક્ષણે ઘરના દ્વારે કઈક સંચાર થયો. આંકડો ખોલી કોઈક અંદર આવ્યું. સૌની આંખો દરવાજા પર કેન્દ્રિત થઈ. પેલો બંદૂકવાળો આદમી અંદર આવ્યો અને સામે બંદૂક તાકી ગોળીબાર કરવાની મુદ્રામાં ઊભો રહ્યો. બધા પોતાની સ્થિતિમાં સ્થિર થઈ ગયા.

“ક્યાં?” કાને ભરાવેલા બ્લૂટૂથમાં તે વાત કરી રહ્યો હતો.

“પાકુંને? ઓકે. કોપી!” કહી તેણે દિનકરરાવ પર બંદૂક તાકી. હાજર ઉભેલા સૌ કોઈ ખળભળી ઉઠ્યા. બંદૂક તાકી રાખી તે દિનકરરાવ પાસે આવ્યો.

 

*

(ક્રમશ:)

Comments

Popular posts from this blog

રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ:૫)