રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ૨)
રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ૨)
[રવિવારે સવારે]
“થેન્ક યુ. મેં ક્યારેય
મારા બાપુને રસોડામાં નથી જોયા, ખાવા
સિવાય.” સુરભિએ કહ્યું.
“લે, એમાં શું વળી,
જમવાનું બનાવું એ પ્રાથમિક જરૂરિયાત છે. એમાં કઈ જાતિય બાંધછોડ ન હોવી જોઈએ. હું
એમ માનું છું.”
નિશાંત-સુરભિ બજારમાં સાંજના આયોજનનો સામાન લેવા
બજાર આવ્યા હતા. નિશાંત સિદ્ધાર્થને સાથે લાવવાનો હતો પણ સુરભિએ હઠ પકડી કે એને
આવવું છે, તક જાણી સિદ્ધાર્થ છટકી ગયો. સુરભિએ
માથામાં તેલ ન હતું નાખ્યું, વાળનો અંબોડો વાળ્યો હતો. જે
ક્યૂટ લાગી રહ્યો હતો. તેના કારણે તેની ઊજળી ગરદન દેખાઈ રહી હતી. તેણે ટોપ પહેર્યું
હતું, તે અક્કડ બેઠી હતી, ખોળામાં
કાપડની થેલી મૂકી હતી.
“ઘણા સમયે એક્ટિવા મેં
ચલાવી.” નિશાંત બોલ્યો. બંને શાલકીનું એક્ટિવા લઈ આવ્યા હતા.
“તમે ગાડીમાં ફરવાવારા નૈ?” પાછળ બેસેલી સુરભિ બોલી.
“મારી કંપનીએ મને સુવિધા
આપી છે. ઉપરાંત ગાડીમાં હું શાંતિથી કોલ પર મિટિંગમાં હાજર રહી શકું. કાચ બંધ હોય
એટલે બીજો કોઈ ઘોંઘાટ ન આવે. ટેબલેટમાં એક્સલ શિટ ચેક કરી શકું.”
એક બાઈકસવાર
ઘણી મિનિટથી તેમની પાછળ આવી રહ્યો હતો. ઘરેથી નીકળ્યા ત્યારથી નિશાંતે તેની નોંધ
લીધી હતી. તેના પીળા-સોનેરી વાળ અર્ધા ત્રાંસા, અર્ધા ઊભા હતા. તેના ચૂસાઈ ગયેલા ગાલમાં એક બાજુ માવો દબાવ્યો હોય એવું
લાગતું હતું. તેણે લાલ રંગનો શર્ટ પહેર્યો હતો, જેનો રંગ ઊડી
ગયો હતો. શર્ટના પહેલા બે બટન ખુલ્લા હતા. તે લાગતો હિન્દુ હતો પણ સ્ટાઈલ મારવા
ગળામાં ક્રોસ પહેર્યો હતો. તેના જીન્સના પેન્ટ પર સસ્તી ડિઝાઇન દોરી હતી. ઢીંચણ
તથા ઝાંઘ પરના કાપડ પર ચીરા પડેલા હતા. જેમાંથી તેના ટાંટિયાના વાળ બ્હાર નીકળતા
હતા.
નિશાંત અને સુરભિ વાત કરી રહ્યા હતા દરમિયાન ઘણીવાર
બાઈકસવાર તેમને જોઈ રહ્યો હતો. નિશાંત ચિડાયો, તેણે એક દુકાન પાસે એક્ટિવા ઊભું રાખ્યું અને પાછળ બાઈકવાળાને જોવા
લાગ્યો. બાઈકસવાર ધીમી ગતિથી તેમની તરફ આવી રહ્યો હતો.
“હુ થ્યું?” સુરભિએ પૂછ્યું.
બાઇકસવાર તેમની બાજુમાંથી પસાર થયો. તેણે નિશાંતની
સામે જોયું. નિશાંતની આંખોમાં તેને ખોફ દેખાયો. પસાર થયા પછી પણ નિશાંત એને જોઈ
રહ્યો છે. બાઈકસવારે સાઈડ ગ્લાસમાંથી નોંધ કરી. તે ડરથી સીધે સીધો આગળ જતો રહ્યો. તે
છેક સુધી દેખાતો બંધ થયો ન થયો,
ત્યાં સુધી નિશાંત તેને જોઈ રહ્યો. બાદ આગળ વધ્યા. બંને સામાન લઈ પાછા વળ્યા. પછી
બાઈકસવાર દેખાયો નહીં.
શુક્રવારે રાત્રે જ્યારે નિશાંતે બધા માટે જમવાનું
આમંત્રણ મૂક્યું, ત્યારે સૌ
કોઈ આશ્ચર્ય પામ્યા હતા, ધીરેનભાઈ,
દિનકરરાવ, સિદ્ધાર્થ પોતાની થાળી મોરીમાં મૂકી, સ્ત્રીઓને છૂટછાટ આપવાની વાત સાથે સહમત થઈ જબરા ફસાયા. નિશાંતે જમવાનું
બનાવાનો આગ્રહ કર્યો એમાંથી છટકી શકાય એમ ન હતું. છતાંય,
સિદ્ધાર્થ છટકવાનો લાગ જોઈ રહ્યો હતો.
“હવે આપણને હુ ગતાગમ
પડવાની રહોડામાં?” તે રાતે
પછી ધીરેનભાઈ બોલ્યા હતા.
“આપણને તો નુડલ્સ હીવાય
કાંય બનાવતા નથ આવડતું.” સિદ્ધાર્થે કહ્યું.
“તે શીખી જાવાનું. તાજ
મહેલ કાંય એક દિવસમાં ન હતો બન્યો. કાલનો દિવસ છે. રસોડામાં જઈ મહાવરો કરી જોવો.
ઇન્ટરનેટ પર રેસીપી છે. ત્યાંથી જાણો કેવી રીતે બનાવીશું.”
“અચ્છા, હમારે રેસીપી શીયખવાની, તમે હુ કરશો?” સિદ્ધાર્થે નિશાંતને પૂછ્યું.
“હું શાક સમારી,. વઘાર કરીશ, તળવાનું, શેકવાનું, ગરમ કરવાનું બધુ હું કરીશ.”
“એમ...?” ધીરેનભાઈએ પૂછ્યું.
“હા. મહિનામાં બે વાર હું
મારા ઘરે જમવાનું બનાવું છું.”
“કોઈને ભાવે સે ખરી?” સિદ્ધાર્થ બોલ્યો અને પછી હસતાં-હસતાં
આસપાસ બધાની સામે જોયું. એના સિવાય કોઈ ન હતું હસ્યું. તેનું હાસ્ય વેરાઈ ગયું.
“રવિવારે તમે ચાખીને
કહેજો...” નિશાંતે કીધું.
“તો કાંય વાંધો નય. આપડા
ઘરની સ્ત્રીઓ માટે બધુ કરવા હું રેડી સુ. રવિવારે જમવાનું બનાવવામાં હું તમારી
સાથે સુ. સ્ત્રીઓ આરામ કરશે.” સિદ્ધાર્થે કીધું.
ઘરની સ્ત્રીઓને આ વાતનો વિશેષ આનંદ થઈ રહ્યો હતો પણ
મૂળ પ્રશ્ન એ ઊભો હતો કે ઘરના બીજા પુરુષો રસોડામાં કામ કરવા રાજી થશે કે કેમ? અન્ય કોઈ પુરુષ કશું બોલી ન હતા રહ્યા.
દિશાબેન આ બાબતે સકારાત્મક હતા. તેમને લાગતું હતું નિશાંત બધાને પોતાની વાત મનાવી
લેશે. તેમને નિશાંતની બધી વાતો ખૂબ જ ગમતી. તે બંનેના વિચાર સારા એવા મળતા હતા.
તેમણે સિદ્ધાર્થમાં આવા જ બધા ગુણોની ઝંખના કરી રહ્યા હતા. સિદ્ધાર્થને આ બાબતનો
ખ્યાલ આવી ગયો હતો. માટે તે દિશાબેનને રાજી કરવા નિશાંતની હા માં હા મિલાવી રહ્યો
હતો. સિદ્ધાર્થનો રાજીપો જોઈ નિશાંતે
કીધું:
“વાહ...! ખૂબ સરસ!”
“જમવાનું તમે બનાવશો પણ
વાહણ કોણ ઉટકશે?” જમવા બેઠા હતા
ત્યાંથી કાજલબેન મજાકમાં બોલ્યા.
“અમે. એ પણ રસોઈનો એક ભાગ
છે.” નિશાંતે કહ્યું.
શાલકી-સુરભિ નિશાંતની આપસૂઝથી ઇમ્પ્રેસ થયા અને
પુરુષો રસોડામાં જઈ શું કરશે? તે
જાણવા ઉત્સાહ અનુભવી રહ્યા હતા. સુરભિ બાજુમાં પડેલી ખુરશી નિશાંત પાસે પાસે લાવી, સભામાં જોડાઈ. દિનકરરાવ-ધીરેનભાઈ ક્યારના મૌન હતા. તેમને ચૂપ જોઈ સુરભિ
બોલી:
“પપ્પા અને મોટા પપ્પા, તમે હુ કરવાનું વિચાયરું?”
“જે આમણે ક્યે ઈ.”
ધીરેનભાઈ બોલ્યા.
“તમે બેય બધાને જમવાનું
પીરસજો...”
“હોવ, કોઈ વાંધો નય. કે’તા
હોવ તો વાહણ પણ ઉટકી દયશ.”
“એ તો આપણે ચારેએ કરવાનું
છે.” નિશાંતે જણાવ્યુ. બધી સ્ત્રીઓ હસવા લાગી.
પુરુષ મંડળી ગંભીર લાગી રહી હતી. મનમાં વિચારી
રહ્યા હતા જબરા ફસાયા!
*
રવિવારના બપોરે જમી પરવારી સૌએ લંબાવ્યું હતું.
સુરભિ-નિશાંત હીંચકા ખાતા-ખાતા વાતે વળગ્યાં હતા. શાલકી, કાજલબેન અને રમીલાબેન એક કક્ષમાં સૂતા હતા.
નિશાંતે તેનો ફોન હીંચકા પર વચ્ચે મૂક્યો. સુરભિએ તેનો ફોન લીધો. તે આઇફોન હતો, જેમાં સારા ફોટા પડતાં. સુરભિએ કેમેરા એપ્લીકેશન ખોલી કહ્યું:”મારે ફોટા
પડાવા સે.”
“ક્યાં?”
“અગાસીએ જાવુંસ?” સુરભિએ સુઝાવ આપ્યો.
“તડકો નય હોય?”
“જોતાં આયએ. તણ વાગસ એટલે
ભાયના રૂમનો સાંયો આવી ગ્યો હશે.”
“વારું.”
સુરભિ-નિશાંત પોચા પગલે ઉપર આવ્યા. સિદ્ધાર્થના
કક્ષના લીધે ફરસ પર થોડો છાયો આવી રહ્યો હતો. પાળીના કઠેડા પર સિંહાકૃતિ બનેલી
હતી. સુરભિએ સવારે પહેર્યો હતો એ ડ્રેસ અને લેગિસ પહેરી હતી. તેણે અંબોડો ખોલી
નાખ્યો. અત્યારે તેનો ચહેરો કુદરતી લાગી રહ્યો હતો. સાદો-નિર્મળ. છતાં, જો ત્રાંસી નજર કોઈના પર નાખે તો ભલ ભલાનું
મન ખળભળી ઊઠે. એક-બે ફોટા પાડી, નિશાંતે બતાવ્યા. ફોટામાં
તેનું અસલ સૌંદર્ય નિખર્યુ હતું. નિશાંત કહ્યા વગર રહી ન શક્યો:”અચ્છી સુરત કો
સવરને કી ઝરૂરત ક્યાં હે? સાદગીમેં ભી કયામતકી અદા હોતી હે!”
તે શરમાઈ ગઈ. બીજા અલગ
પોઝમાં બે-ત્રણ ફોટા પાડ્યા બાદ નિશાંતે કહ્યું:”થોડો મેકઅપ કેવો રહેશે?”
“ઘેરે મેકપ થોડી લગાવાય?”
“થોડો લગાવી લે, ખાલી લિપસ્ટિક અને કાજળ હોય એટલે બોવ.”
“હેઠે જાવું પડશે.”
“કાં? સિદ્ધાર્થના રૂમમાં નય હોય? ભાભી પાસે...”
“સૂતા હશે ઈમણે.”
“ખોલીને જોઈ જો.” નિશાંતે
કીધું.
હળવેથી સુરભિએ સિદ્ધાર્થના કક્ષનો દરવાજો ખોલ્યો.
બંને માણાં’ સૂતા હતા.
“ક્યાંથી રાજકોટ આગળ આવે? લોકો દિવસે ઘોરે છે!” નિશાંત બબડ્યો.
સુરભિ અરીસા સામે બેસી. અરીસા આગળ મેકપનો સામાન
પડ્યો હતો. એમાંથી તેણે લિપસ્ટિક ઉપાડી. નિશાંતે તેના હાથમાંથી લિપસ્ટિક લઈ લીધી
અને તેનો શેડ જોયો. પછી સુરભિના ચહેરા સામે જોયું. તે લિપસ્ટિક મૂકી દઈ, બે-ચાર શેડ તપાસી જોયા. અંતે મરૂન કથ્થાઇ
કલર જેવો એક શેડ તેને પસંદ આવ્યો. એ શેડ સુરભિને લગાવા કહ્યું. પછી તેણે એક રોલર
લઈ તેના કાન પાસેની લટ એમાં ભરાવી.
પાછળ દિશાબેન જાગી ગયા. નિશાંત પાછળ ફર્યો. તેણે
તેમની સામે જોઈ સ્મિત આપી, હાથ હલાવી
‘હાઇ’ કીધું. દિશાબેને પણ એમ કર્યું.
તેમણે વગર અવાજે હોઠ હલાવી પૂછી લીધું તેઓ શું કરી રહ્યા છે?
નિશાંતે ફોટા પાડવાની ચેષ્ટા કરી. સુરભિએ મેકઅપ કરી લીધો. તેણે નિશાંતને બોલાવી, પૂછ્યું બરાબર લાગે છે કે નહીં?
“સો ક્યૂટ!” તે ધીમેથી
સુરભિના કાનમાં બોલ્યો. પછી તેના માથે હાથ ફેરવી, ટચાકા ફોડયા. ટચાકાનો અવાજ સાંભળી તે બોલી:”એ ફૂટયા...!”
“શસસસસ...!”સિદ્ધાર્થ સૂતો
હતો તે જાગે નહીં માટે નિશાંતે ચૂપ રહેવા ઈશારો કર્યો. તેના ચહેરા પર નિખાલસ હાસ્ય
તરી આવ્યું. સુરભિએ રોલર ઉતાર્યું. તેની કાન પાસેની લટ સ્પ્રિંગ જેમ વળાંકમાં
દેખાઈ આવી. મેકપે સુરભિની સુંદરતા વધારે નિખારી દીધી. બંને બ્હાર જઈ ફોટો સેશન
ચાલુ રાખ્યું. દિશાબેન બાથરૂમમાં હાથ-મો ધોવા ચાલ્યા.
અગાશીની પાળી પર તે બેસી. નિશાંતે તેનો લાંબો
દુપટ્ટો પહોળો કરી, પાળી પર લંબાવી, ફોટોગ્રાફી ચાલુ કરી. દિશાબેન બ્હાર આવ્યા. સુરભિને તૈયાર જોઈ તે
બોલી:”નજર ના લાગે, અમારી સુભીને.”
જાણે લગ્નનું ફોટોશૂટ
ચાલતું હોય અને ફોટોગ્રાફરે હલવાની ના પાડી હોય એમ ખાલી હોઠ ફફડાવી તેણે ઉત્તર
આપ્યો:”થેન્ક યુ!”
નિશાંતે અન્ય પોઝમાં અલગ અલગ ફોટા પાડ્યા, બાદમાં સુરભિ-દિશાબેને સાથે ફોટા પડાવ્યા.
એક-બે ફોટા પછી નિશાંતે સૂચન આપ્યું:
“ભાભી, તમે પણ તૈયાર થઈ જાવ.”
“હા.” સુરભિએ કહ્યું.
“કાં?” દિશાબેને પૂછ્યું.
“તમારા ફોટા પાડીયે.”
“ના, મારે હાલશે.” તેમણે કહ્યું. નિશાંતને ઝાઝો
આગ્રહ કરવો યોગ્ય ન લાગ્યો, તે ચૂપ રહ્યો. સુરભિ તેમને કક્ષ
તરફ ધકેલતા બોલી:
“હવે, જાવને ફટાફટ લિપસ્ટિક અને થોડો મેકપ કયરી
લ્યો. સરસ ફોટા આવેસ.”
સુરભિના આગ્રહથી દિશાબેન ફોટા પડાવા રાજી થયા.
તેમણે કક્ષમાં તૈયાર થવા ગયા. સુરભિ દીવાલે ટેકો દઈ પાળી પર બેસી હતી. નિશાંત તેની
સામે ઊભો હતો. સવારે પેલો બાઈકવાળો નીકળ્યો હતો, તે થોડે દૂર નીચે ઊભો ઊભો સુરભિની સામે જોઈ રહ્યો હતો. સુરભિ બે ક્ષણ
તેને જોઈ રહી, પછી તેને સ્મિત આપ્યું. નિશાંતે આ નયન મેળાપ
જોયો. નિશાંત બાઈકવાળાને ખાર સાથે જોવા લાગ્યો. તેણે મો ફેરવી લીધું. પછી બાઇક
ચાલુ કરી ત્યાંથી જતો રહ્યો. નિશાંતે સુરભિને પૂછ્યું:
“તારો બોયફ્રેંડ છે?”
“કોણ? ના.” એકાએક આવેલા
સવાલથી તે ચમકી ગઈ.
“તો?”
“કોની વાત કરો સો?”
નિશાંત સુરભિની પાંગળી
દલીલ સાંભળી, તેની આંખોમાં નિરસતાથી
જોઈ રહ્યો. તેની આંખો જોઈ સુરભિને ખ્યાલ આવ્યો નિશાંતને ઉલ્લુ નહીં બનાવી શકાય.
“એ મારો બોયફ્રેંડ નથી
કાંય.”
“તો કોણ છે?”
“કોય નય.”
“તો કેમ તે દાંત કાઢ્યા
એને જોઈને?”
“મારી નિશાર આગર પણ ઈ ઊભો
રઈ મને જોતો હોય સે પણ ઈની હિમ્મત નથ થાતી મને બોલાવાની... અરધે રસ્તે મારી પાસર
આવે પસી વયો જાય.”
“ઓહ માય ગોડ! એ તને હેરાન
કરે છે? હું રિમાન્ડ લઉ એની?”
“ના... ના. અમથો ઈ તો, ઈ કાંય મને હેરાન નથ કરતો. ‘ને હું ખાલી ટાયમ પાસ કરું સુ. કાંય સિરિયસ નથી.”
“ઓકે. તારી પસંદગી પણ ખરી
છે!” તે મલકાયો.
“ચેવીસ મારી પસંદ?”
“એના બાઇકની હેડલાઇટ પર ‘રંગિલો રાજા’ લખ્યું
છે. આમ, તો રાજકોટના મોટા ભાગના જુવાનિયા પોતાને રાજા સમજે
છે પણ પાછળ તો વાંચ ‘FEAK LOVE’ લખ્યું છે... એનો મતલબ તને
સમજાયો?”
“હા(કહી તે હસવા લાગી) ઈ ફેક
લખવા માંગતો હયશે.”
“પણ લયખું છે શું? ‘ફીક લવ!’ આ અભણનું ભણતર શું હશે? એના પીળા વાળ જોય એમ લાગે
છે જાણે કોઈએ છોડને પાણી પીવડાવાનું બંયધ કરી દીધું હોય ‘ને
છોડ હૂકાય ગયો હોય.. મોઢામાં ફાકી ભયરી હોય છે. આવા છોકરા પાસે રોમાંસની વ્યાખ્યા
શું હોય? શેની આશા રાખી શકાય?”
“હું કોય આશા નથ રાખતી
બાપા! રિલેક્સ. હું કાંય આવા લૂઝરને નય જાવ.”
“તો કેવો છોકરો?”
“મને ખુશ રાખે... લોયલ રે’ એટલે બોવ...(બે ક્ષણ બાદ) અને હા ફાકી નો
ખાતો હોવો જોઈ. આપણાં ન્યાં એવો સોકરો હોધવો બોવ અઘરો સે.”
“બસ? આટલું જ? એક સંબંધમાં
તારે આટલું જ જોઈએ? એ તને ખુશ કેવી રીતે રાખે? શું કરે એવું કે જેનાથી તું ખુશ રહે?”
“ફરવા લય જાય, બ્હાર ખાવાનું, ફિલ્મ
જોવાની. બીજું શું હોય?”
“તો એના માટે બોયફ્રેંડ કે
પતિની શી જરૂર? આ બધુ તો મિત્રો સાથે
પણ કરી શકાય ને? અને મિત્રો જેવી મજાક મસ્તી કદાચ એવા સંબંધ
ના પણ થાય. ફરવા જવું, બ્હાર જલ્સા કરવા. એ બધુ મગજને
રિલેક્સ કરવા માટે સારી બાબત છે. ભણવાથી અથવા કામથી થોડો સમય છુટકારો મેળવવા, રિલેક્સ થવા આ બધુ કરીયે તો સારું લાગે પણ રોજ એવી જિંદગી જીવાતી નથી.
વાસ્તવિકતામાં તો એવું જોવા મળ્યું છે કે ભણવાનું સ્ટ્રેસ,
કામનું પ્રેસર સહન કરવું પડે છે. સામેની વ્યક્તિ દર વખતે તમને હસાવી શકતી નથી. તમે
અથવા એ એકબીજાની શારીરિક જરૂરિયાતો દર વખતે પૂરી કરી શકતા નથી. શારીરિક શું કોઈપણ
જાતની અપેક્ષા તમે સાચા મનથી પૂરી કરવા માંગતા હોવ છતાં સામે વાળાની અપેક્ષાઓ પૂરી
કરી શકાતી નથી.”
“તો આ હંધિય બાબતો સંબંધ
ખરાબ નો કરી નાખે?”
“થઈ શકે એવું.”
“એવું નો થવા દેવું હોય તો?”
“તો સમયે-સમયે રિલેક્સ
થવું પડે. સંબંધને આરામ આપવો જોઈએ.”
“ઓકે. તમે ક્યો તમે હુ કરો? અથવા શાલકી હારે તમે હુ કરસો, જો બાધવાનું થાય તો?”
“હું... મારી અને શાલકી
વચ્ચે અણબનાવ બને તો હું એને અડાલજની વાવ લઈ જઉ.”
“ત્યાં હુ સ?”
“ઐતિહાશિક સૌંદર્ય. ત્યાં
વાવમાં સિક્કો નાખી કોઈ ઈચ્છા માંગો તો તે પૂરી થાય એવું માનવમાં આવે છે. મારે એ
સિક્કા નાખે એ જોવું છે, સિક્કાનો
અવાજ સાંભળવો છે. અંદરની પ્રકૃતિમાં ચુંબકીય આકર્ષણ છે. તેની સાથે ત્યાં પગથિયાં
પર અને કોતરણીકામ વાળા ગોખલામાં બેસી, વાત કરી સમસ્યાનો ઉકેલ
લાવું. એક સાંજ માટે વાવ ભાડે લઈ લઉ. મારી ઈચ્છા છે કે દિવાળીમાં દિવડા પ્રગટાવીએ
એમ પગથીયામાં, કઠેડાના ચોસલા, પિલ્લર
અને ગોખલામાં દિવડા પ્રગટાવી રાસ રમવા છે.”
“વાવ. આઈ મીન અંગ્રેજી
વાળું વાવ(Wow!) સરકાર વાવ ભાડે પણ
આપે સે?”
“આપે ને બધાને આપે, પણ એક કલાકનું ભાડું ૮૦,૦૦૦ હજાર છે.”
“એંસી હજાર?” આશ્ચર્ય સાથે સુરભિએ પૂછ્યું.
“હા. ચાર-પાંચ કલાક ઇનફ
છે. કારણ કે હું અફોર્ડ કરી શકું છું.” ખંધાઈથી નિશાંતે કહ્યું.
“કેવું પડે બાકી! બીજું?”
“મારે એની સાથે ગિરનારના
દસ હજાર પગથિયાં ચઢવા છે. પહેલો પર્વત અંબાજીનો છે. એ સર કર્યા બાદ આગળ ફક્ત
પ્રકૃતિ અને ઉડતા પંખીઓ અસ્તિત્વ ધરાવે છે. દૂર સુધી ચારેકોર વનસ્પતિ-પહાડો છે. ડિસેંબરની વહેલી પરોઢમાં ફક્ત સૂર્ય
દેખાય, બાકી આખી અવની ઉપર ધુમ્મસ છવાય જાય છે. તમારા કપડાં
પર તમે ઝાકળ અનુભવી શકો. મોઢામાંથી વરાળ નીકળે એવી તીવ્ર ઠંડીમાં તમારા શ્વાસની
ગરમી જ શરીરને હુંફ આપે. ફક્ત તમારી જીવનસંગિની અને તમારા હ્રદયના ધબકારા પુરાવા
આપે કે તમે જીવતા છો. બાકી, આખી શ્રુષ્ટિ ૩॰ ડિગ્રી ટાઢકમાં
જામી ગઈ હોય છે. દત્તાત્રેય શિખરના પગથિયાં સીધા અને ઊભી ચઢાણ જેવા છે. એકબીજાનો
સહારો બની ઉપર સુધી પહોંચવું છે...
મારે તેની સાથે કચ્છનું રણ જોવું છે. ત્યાની સફેદ
રેતમાં અક્ષર સહ અક્ષર તેનું નામ ખૂંદવું છે. કચ્છી ભૂંગામાં રહેવું છે. ત્યાંના
ભીલ આદિવાસી સંસ્કૃતિના માદળિયાં ખરીદી પહેરવા છે...
મારે વરસાદના ભીના મૌસમમાં તેની સાથે સાપુતારા
જાવું છે, ગિરા વોટરફોલ્સને નિહાળતા ગ્રીન ટી પીવી છે, પોળોના જંગલમાં કેમ્પ ફાયર કરી તુવેર ટોઠા અને જીરા રાઈસ ખાવા છે.”
નિશાંતે જણાવ્યુ.
“ઓહોહોહો! શું વાત સે!
વાહ... વાહ! વેરી બ્યુટીફુલ!” સુરભિએ જણાવ્યુ.
નિશાંત સ્મિત સાથે
બોલ્યો:”પેલા રંગીલા રાજા ની થિંકિંગ ફરવા જવા માટે ગેસ્ટ હાઉસથી આગળ ન હોય. ત્યાં
ટાઈમ પાસ કરવા માટે પણ ટાઈમ ન બગાડાય.”
સુરભિ ચૂપ રહી. દિશાબેન હજુ સુધી આવ્યા ન’તા. તે તપાસ કરવા એ બાજુ ગયો. દિશાબેન
ઝૂમખું પહેરી રહ્યા હતા. તેમણે નિશાંતને આવતા જોઈ પૂછ્યું:”એક જ મિનિટ.”
“હા, હા. વાંધો નહીં.”
“આ ચેવું લાગે સે?” દિશાબેને ડોક ફેરવી ઝૂમખું બતાવ્યુ.
નિશાંતે તેમનો ફોટો પાડી લીધો અને કહ્યું:”બ્યુટીફુલ! તમે પરણિત હશો લાગતું નથી.”
દિશાબેન સ્મિત સાથે શરમાયા. તેમણે પણ સુરભિની જેમ
કાજળ આંજી, લિપસ્ટિક લગાવી હતી.
બંને બ્હાર આવ્યા. બાદ તેણે દિશાબેનના સાડીમાં ફોટા પાડ્યા. ત્યારબાદ દિશાબેને
સુરભિ સાથે, સુરભિએ નિશાંત સાથે અને ત્રણેયે ફોન અવળો કરી
સમૂહમાં ફોટા પડાવ્યા.
*
ભોજન આજે ઘરના પુરુષો દ્વારા બનવાનું હતું. સાંજના
૬:૩૦ વાગ્યાના ચારેય પુરુષો રસોડામાં ઘુસી ગયા હતા. કાજલબેન કોઈકના કોઈક બહાને
કુતૂહલવશ ચાર વાર રસોડામાં આંટા મારી ગયા હતા. નિશાંત તેમને બ્હાર જવા સૂચવતો.
છતાં, તેઓ આવી જતાં. છેવટે તેણે બ્હાર એક ચોકિયાત
મૂકવાનો નિર્ણય કર્યો. દિનકરરાવ, સિદ્ધાર્થ અને ધીરેનભાઈ આ
કામ માટે પડાપડી કરવા લાગ્યા. નિશાંતે દિનકરરાવને બ્હાર રખેવાળી કરવા ઊભા રાખ્યા.
કારણ તે ઘરમાં વડીલ હતા, તેથી કોઈ તેમને ઓળંગવાની હિમ્મત
નહીં કરે. ધીરેનભાઈ અને સિદ્ધાર્થ વસવસો કરવા લાગ્યા. અંદર બંને ધોયેલાં મૂળા જેમ
ઊભા હતા. રસોઈ બધી નિશાંત બનાવી રહ્યો હતો. તેણે જાતે જ શાકભાજી સમારી. અત્યારે તે
ભાજીપાવની ભાજી બનાવી રહ્યો હતો.
આજે તે થોડો ગભરાયેલો હતો. કારણ આટલા બધા લોકો માટે
તેણે ક્યારેય સાથે જમવાનું બનાવ્યું ન હતું. ક્યાંક ભૂલ થઈ ગઈ તો ઉપાધિ થશે. તે નવ
જણની ગણતરીથી જ રસોઈ કરી રહ્યો હતો પણ અત્યારે તેના પર ખૂબ જ દબાણ હતું. મોટા
ઉપાડે ‘જમવાનું બનાવીશું!’
કહી તો દીધું પણ ક્યાંક ભોંઠા પડવાનું ન થાય એ બીકે તેને મૌન કરી દીધો હતો.
એકી કરવાના બહાને પાયખાનામાં જઈ તેણે ડ્રાઇવરને કોલ
કરી આપાત્કાલીન પરિસ્થિતિ માટે તૈયાર રહેવા કહ્યું. બ્હાર આવ્યો ત્યારે તેણે
સ્ત્રીઓની હીંચકા-પલંગ પર મંડળી જમાવેલી જોઈ. તે સૌના ચહેરા પર ચમક અને ખુશી દેખાઈ
રહી હતી. તેમને વિશ્વાસ હતો નિશાંત લહેજતદાર ભોજન બનાવશે. નિશાંતને પણ એવું લાગતું
હતું.
રસોડામાં સિદ્ધાર્થ સૂંઠ સૂંઘી રહ્યો હતો. તેણે
ધીરેનભાઈને બોલાવ્યા:“કાકા... આંય આવો.”
“આ હુંઘો તો...”
“એલા, આ સૂંઠ સે. હુંઘવા લાયગો તે, આંટા આઈ રયા સે કે હુ
તારા?” ધીરેનભાઈ બોલ્યા.
“હારું.”
“લાય, મનેય હુંઘવા દે.” કહી તેમણે સિદ્ધાર્થ
પાસેથી સૂંઠ લીધી.
સૂંઠ સૂંઘતા, તેની તૂરી કડવાશ મગજમાં ઘૂસતા ધીરેનભાઈના આખા શરીરમાં કંપારી છૂટી ગઈ.
તેમને ઊબકા આવવા લાગ્યા. સિદ્ધાર્થે પણ સામે એવું મો બનાવ્યું. ધીરેનભાઈની આંખે
પાણી આવી ગયું. તેમણે કહ્યું:”જબરું સ મારૂ બેટું! કડક!” સિદ્ધાર્થ હસવા લાગ્યો.
“આ શું કરો છો?” પાછળ નિશાંત આવ્યો.
સૂંઠ નીચે મૂકી તેમણે પાછળ ફર્યા. બંને ચૂપચાપ સીધા
ઊભા રહ્યા. નિશાંતે ભાજીનો ગેસ ધીમો કર્યો. ધીરેનભાઈ સૂંઠની તૂરી વાસ હટાવા ફાકી
ખાવાનું વિચાર્યું. ખીચામાંથી ફાકી કાઢી, મેળવવા લાગ્યા.
લગભગ બધી રસોઈ થઈ ગઈ હતી. નિશાંતે ચમચાથી થોડી ભાજી
હાથમાં લઈ ચાખી. પોતે એટલો ડરી ગયો હતો કે નક્કી ન કરી શક્યો કે ભાજી સ્વાદિષ્ટ
બની છે કે નહીં?” તેણે ધીરેનભાઈને
ચાખવા કહ્યું.
“(ચાવતા-ચાવતા)મારા
મોઢામાં માવો સે.” ધીરેનભાઈએ જવાબ આપ્યો.
“તમે સિદ્ધાર્થભાઇ
ચાખો...”
“હા, લાવો.
સિદ્ધાર્થે હમણાં જ સૂંઠ સૂંઘી હતી તો તે પણ ચોક્કસ
સ્વાદ ન કહી શક્યો. તેને થયું બ્હાર જો જમવાનું નહીં ભાવે તો? બધી મહેનત નિરર્થક નીવડશે. એવા વિચાર
બાજુમાં મૂકી તેણે ગુલાબજાંબુ તૈયાર કરવાનું શરૂ કર્યું. એ કામમાં તે પારંગત હતો.
એમાં અનુમાન ખોટું આવે એવી સંભાવના ઓછી હતી.
૭:૫૫ વાગ્યા. ત્રણેય બ્હાર આવ્યા. દિનકરરાવ ખુરશી
નાખી રસોઈઘરના દરવાજે સૂઈ ગયા હતા. નિશાંતે તેમને ઉઠાડયા. પછી ચારેય મહિલાઓ તરફ
ગયા. સાંજના આ સમયે ભાગ્યે જ સ્ત્રીઓ કામ વગર બેસી હોય. અન્યથા જમવાનું કે ઘરના
કામમાં વ્યસ્ત રહેતી. દોઢ કલાકથી અલક-મલકની વાતો અને હસી મજાક ચાલી રહી હતી.
પુરૂષોને એમની તરફ આવતા જોઈ સૌ એકાએક ચૂપ થઈ ગયા. બધાનું તેમની તરફ ધ્યાન દોરાયુ.
“મજા આવે સે ને?” નિશાનતે પૂછ્યું.
“હા.”
“બોવ જ.” સમૂહમાં જવાબ
આવ્યો.
“નાઇસ, ભૂખ લાગી સે હવે?”
“હા... ઈની તો રાહ જોઇસી
ક્યારના!” સુરભિએ કહ્યું.
“બની ગ્યું?” રમીલાબેને પૂછ્યું.
“હા.”
“સરસ.”
“યાર, મમ્મી પેલી સૂંઠ ફેકી દ્યો, વાસી થઈ જય લાગે સે.”
સિદ્ધાર્થે કહ્યું.
“નો હોય, કાલ તો લાયવા સી.”
“તો કાં એવી વાસ મારે?”
“આ ભાઈએ સૂંઠ નાકે અડાડી
સૂંઘી છે. તેની સંવેદનચેતાઓ બહેર મારી ગઈ છે.” નિશાંતે કહ્યું. બધી સ્ત્રીઓ હસવા
લાગી. સિદ્ધાર્થ ઊભો-ઊભો માથું ખંજવાળવા લાગ્યો. નિશાંતે ધીરેનભાઈ-દિનકરરાવને
રસોડા તરફ કઈક ઈસારો કર્યો. બંને ત્યાં ગયા.
રમીલાબેને બેસવા માટે જગ્યા કરી, નિશાંતને આવકાર્યો. તે શાલકી અને
રમીલાબેનની વચ્ચે બેસ્યો. સિદ્ધાર્થ ખીચોખીચ સુરભિ, દિશાબેન
અને કાજલબેન વચ્ચે હીંચકા પર બેસ્યો. તેણે આરામથી સુરભિની પાછળ હાથ જવા દીધો. બધા
પાછા વાતે વળગ્યા. દરમિયાન દિનકરરાવ આસન પાંથરી રહ્યા હતા. ધીરેનભાઈ થાળીઓ સાફ કરી
રહ્યા હતા અને આસન પાસે મૂકી રહ્યા હતા. તેમણે બૂમ પાડી:”એ હાલો જમવા!”
બોલ્યા બાદ તેમને પોતાનો જ સ્વર વિચિત્ર લાગ્યો.
તેમને થયું હું આ શું બોલ્યો?
દિનકરરાવ અને કુટુંબજનોને પણ એ શબ્દો થોડા અજુગતા અને તેમના સ્વરે નવા લાગ્યા.
ઉત્સાહ સાથે બધા ઊભા થયા. નિશાંત-સિદ્ધાર્થ રસોડામાં ગયા. સ્ત્રીઓ હાથ પગ ધોવા
ચાલી. બાથરૂમ-વોશ બેઝિન પાસે ભીડ ભેગી થઈ. આરામથી બે-બે જણ હાથ-મોં ધોઈ આસન પર
સ્થાન ગ્રહણ કરવા લાગ્યા. બધા વાસણ બ્હાર લાવી નિશાંત પણ હાથ-મો ધોવા ગયો. તે ગયો
ત્યારે શાલકી નેપકિનથી મોં લૂછી રહી હતી. નિશાંતે શાલકીને કહ્યું:”જમવાનું સારું ન
બન્યું હોય તો અત્યારથી માફી માંગુ છું.”
“કોય વાંધો નહીં.
અમારામાંથી કોઈ ફરિયાદ નય કરે.”
“તો મને ખબર કેમની પડશે
સારું બન્યું સે કે ખરાબ?”
“હું તમને લગન પસી કઈસ.”
શાલકી બોલી અને હોઠ દાબી હાસ્ય રોકી રહી.
શાલકીના જવાબથી નિશાંત દંગ થઈ ગયો. તે જમવા ચાલી
ગઈ. નિશાંત વિચારોમાં જતો રહ્યો. ધીરેનભાઈ-દિનકરરાવ પીરસવા માટે તત્પર ઊભા હતા.
સિદ્ધાર્થ એ તરફ આવી રહ્યો હતો. નિશાંત સજાગ બન્યો અને હાથ-મો ધોઈ જમણવાર તરફ
ફર્યો. બધા આસન પર ગોઠવાઈ ગયા હતા. બે આસન વધારે મૂકવામાં આવ્યા હતા. તેના પર કોઈ
બેઠું ન હતું. ઘરની બધી સ્ત્રીઓ પહેલી વાર પુરુષોની હાજરીમાં પુરુષો કરતાં પહેલા
જમવા જઈ રહી હતી પણ નિશાંતે એવું થવા ન દીધું.
ધીરેનભાઈ-દિનકરરાવ રસોઈ પાસે ઊભા હતા. તેમની સામે તરફ
નિશાંત-સિદ્ધાર્થ ઊભા હતા. રસોડાની દીવાલ પાસે શાલકી-સુરભિ અને દિશાબેન બેઠા હતા, તેમની સામે રમીલાબેન અને કાજલબેન બેઠા હતા.
પાછળ સિદ્ધાર્થ-નિશાંત ઊભા હતા.
“તમે અને મોટા પપ્પા પણ
બેસી જાવ.” નિશાંતે ધીરેનભાઈને કહ્યું.
“ના. એવી વાત કરો મા, તમે અને સિદ્ધાર્થ બેહી જાવ અમે પીરસી
દેસુ. જમવાનું પીરસવા બે માણાં તો બોવ.” ધીરેનભાઈ બોલ્યા.
દિનકરરાવે સિદ્ધાર્થ-નિશાંત માટે આસન પાંથર્યા હતા.
“તમે બેસો ને...” નિશાંતે
આગ્રહ કર્યો.
“તમે સોકરાઓ બેહો. અમે
પુરુષો પીરસી દયસુ.” ધીરેનભાઈએ હઠ પકડી.
“અમે પણ પુરુષો જ છીયે, તમે વડીલ છો અને ઘરમાં મોટા છો તમે બેસી
જાવ.” નિશાંતે કહ્યું.
ઝાઝી દલીલ થાય એ પહેલા દિનકરરાવ આસન પર બિરાજમાન થઇ
ગયા. તેમણે હજી ઊંઘમાં લાગી રહ્યા હતા. ભૂખ લાગી હતી અને સ્ત્રીઓને પીરસવું થોડું
વિચિત્ર લાગી રહ્યું હતું માટે અવસર જાણી તેમણે બેસી ગયા. તેમને બેસેલા જોઈ
ધીરેનભાઈ પણ દલીલ છોડી.
“હવે થઇ સમાનતા... આપણે
કોઈ ભેદ નથી રાખવા માંગતા કે પુરુષો પહેલા જમે અથવા સ્ત્રીઓ પહેલા જમે. બધા હારે
જમીસુ. કોઈ આગળ નહીં, કોઈ પાછળ
નહીં. કદાચ, એને જ તો જીવનસાથી કહેવાય છે કે જે સાથે રહે
નહીં કે તમારી પાછળ... મારી તો ઈચ્છા છે કે લગ્નમાં ફેરા પણ હું સાથે ફરું. આગળ
પાછળ નય. (શાલકીએ તેની સામે જોયું) સાથે રહીએ, સાથે જમીએ અને
સૌને સાથે લઈને આગળ વધીએ.
“લ્યો હાલો વળી ખાવાનું
ઠરી જાહે.” ધીમે રહી દિનકરરાવ બબડ્યા.
“પપ્પા-મોટા પપ્પા તમે
બંને ઘરના વડીલ છો. તમે અમને પીરસો એ સારું નો લાગે. માટે તમને જમવા બેસાડયા.
જ્યાં સુધી ઘરમાં તમારા છોકરા-છોકરીઓ છે. ત્યાં સુધી તમારે પીરસવાની જરૂર નથી પણ
અર્થ ઇનો ઇ નથી કે તમે તમારી થાળી ન્યાં જ મૂકી રાખો.” કહી તે હસ્યો, સૌ હસ્યાં.
“’ને
છેલ્લી વાત આટલા બધા લોકો માટે સાથે જમવાનું બનાવાનો મારો આ પ્રથમ અનુભવ છે. તો
કદાચ સ્વાદમાં ૧૯-૨૦ થયું હોય તો માફ કરજો. છતાં, જો ખાવાની
મજા નો આવે તો આપણે બ્હારથી મંગાવી દઇશું. મેં મારા ડ્રાઇવરને કહી રાખ્યું છે.”
કહેતા તેણે તેનો ફોન બતાવ્યો. ફોનમાં લાઇટ થઈ. “હું એમને ફોન કરીશ એટલે તે ૧૫-૨૦
મિનિટમાં બધા માટે રેસ્ટોરાંમાંથી ખાવાનું લેતા આવશે.”
“પે’લા પીરસો તો ખરા!” દિનકરરાવ બોલ્યા.
“ઓકે.” નિશાંતે કહ્યું.
તે અને સિદ્ધાર્થ ફરીને વાસણો પાસે આવ્યા અને સૌને
પીરસવાનું શરૂ કર્યું. ભાજીપાવ,
પુલાવ અને ગુલાબજાંબુ. આજની રસોઈનું મેનૂ હતું. ભાજીની સુગંધથી બધાના મુખમાં પાણી
આવી રહ્યું હતું. પુલાવનું ઢાકણ ખૂલતાં મશાલેદાર સુગંધ વાતાવરણમાં ફેલાઈ. વરાળ
તેમાંથી છૂટી રહી હતી. એક તરફ નિશાંત અને બીજી તરફ સિદ્ધાર્થે પીરસવાનું શરૂ
કર્યું અને ઝટપટ બધાને પીરસી પણ દીધું. જમવાનો આરંભ થયો. પહેલો કોળિયો ખાતા સાથે જ
એક એક કરી બધાએ નિશ્ચલભાવે નિશાંત સામે જોયું અને આજુબાજુમાં ગુસપુસ કરવા લાગ્યા.
ત્યારબાદ જમવાનું જારી રાખ્યું. નિશાંતને તેની રસોઈનો રિવ્યુ જાણવાની તીવ્ર
જિજ્ઞાસા જાગી હતી. સામેથી કોઈ જણાવશે, એમ વિચારી તે મૌન
સાથે સહુને જોઈ રહ્યો હતો. ચૂપચાપ બધા જમતા રહ્યા. તે વિચારમાં પડ્યો કેમ બધા ચૂપ
છે? જમવાનું સારું નહીં બન્યું હોય? તો
કેમ બધા ચૂપચાપ ખાઈ રહ્યા છે? તેણે પોતાને પૂછ્યું. તેનો આત્મવિશ્વાસ
જાણે ડગી ગયો હોય. તેનું મો પડી ગયું. બધાનું મૌન રસોઈની સમીક્ષા લાગી રહી.
ત્રણ-ચાર મિનિટ વીતી ગઈ પણ કોઈ એક શબ્દ બોલ્યું ન
હતું. કોઈને કઈ જોઈતું કરતું હોય તો એનાં માટે તે તૈયાર બેઠો હતો પણ બધા જાણે
યંત્રમાનવ બની ગયા હોય એમ યંત્રવત રીતે આરોગી રહ્યા હતા. બહુ મોટી ભૂલ મેં કરી
નાખી, વગર અનુભવે આટલા બધા લોકો માટે ખાવાનું
બનાવાની. પુરૂષોને સમજાવા જતાં પોતે જ મેં મારી અશક્ત આવડત બધાની સમક્ષ છતી કરી
નાખી. આ લોકો મને મહેમાન માની ટીકા નથી કરી રહ્યા કે મેં સારું જમવાનું નથી
બનાવ્યું. નિશાંતને તેવું લાગી રહ્યું હતું.
જોકે, વાત ઉલ્ટી બની રહી હતી. જમવાનું સ્વાદિષ્ટ બન્યું હતું અને બધાને ભાવી પણ
રહ્યું હતું. ઘરના સભ્યો નિશાંતનો ડર જાણી ગયા હતા, તેથી એની
સાથે રમત રમી રહ્યા હતા. જ્યારે તે હાથ-મો ધોવા ગયો ત્યારે સૌએ નક્કી કર્યું કે
બધા ચૂપચાપ ખાવાનું ખાશે. કેવું જમવાનું બનાવ્યું નિશાંતને કોઈ નહીં જણાવે. તેમની
યોજના પાર પડી રહી હતી. નિશાંત રિવ્યુ જાણવા અધિરો બની રહ્યો હતો. તેનાથી રહેવાયું
નહીં, થોડી ક્ષણો બાદ હિમ્મત ભેગી કરી નિશાંતે પૂછી લીધું:“કેમ બધા ચૂપ છો?(તેનો અવાજ તૂટી રહ્યો હતો, લાગ્યું કે તે રડી પડશે. તે ખોંખારયો અને આગળ બોલ્યો) ખાવાનું કેવું
બન્યું છે?”
“શસસસસ! જમતા જમતા વાતું
નો કરાય.” દિનકરરાવે કહ્યું.
“હેં? કાલે તો તમે કરતાં’તા.”
કોઈએ કઈ જવાબ ન આપ્યો. સહુને નિશાંતની અધીરાઇ દેખાઈ
રહી હતી. બધા અંદરથી મલકાઈ રહ્યા હતા. થોડીવાર બાદ નીલભાવે ધીરેનભાઈ બોલ્યા:”પાવ
અને થોડી ભાજી આપો.” નિશાંતે તેમ કર્યું. બાદ તેઓ બોલ્યા:”થોડો સલાડ...”
“હા.” નિશાંતે કહ્યું અને
સલાડની થાળી નજીક કરી.
“ભાજીનો મસાલો?”
નિશાંતે મસાલાદાની આપી. ધીરેનભાઈએ ભાજી પર સલાડ
ભભરાવ્યા, બાદ ભાજીનો મસાલો છાંટ્યો. શાલકીએ તેમની
સામે જોયું. ‘ને જમવાનું ચાલુ રાખ્યું. બે ક્ષણ નિશાંત એમને
જોઈ રહ્યો. બાદ સૌને પૂછ્યું:”કોઈને કઈ જોઈતું કરતું હોય તો કહેજો...” તેના
અવાજમાં નર્વસનેસ લાગી રહી હતી. તે ભાજીનું વાસણ ઉપાડી દરેક જણ પાસે ફેરો મારી
આવ્યો. સૌને આગ્રહ સાથે ભાજી પણ આપી. છતાં, કોઈએ રસોઈ પર કશી
ટિપ્પણી ન કરી. તેના ચહેરા પર તણાવ અને ઉદાસીનતા તરી આવી. તેનું વીલું મોઢું
શાલકીથી ન જોવાયું. તે બોલી:”બસ કરો હવે બધાય. બોવ થઈ ગઈ મજાક!”
“અલી, રે’વા દે ને!” સુરભિ
બોલી.
“ના. નિશાંત આ લોકો મજાક
કરી ર’યાસ. એમને ખબર હતી તમે રસોઈનો રિવ્યુ જાણવા
એક્સાઈટેડ થાશો એટલે કોય કાય બોયલું નય. જમવાનું ખરેખર સ્વાદિષ્ટ બયનું સે. તમે
બધા હવે મોટા થય જાશો? Can we all please behave like
grownups for a while? (મહેરબાની કરી આપણે સૌ
થોડીવાર પુખ્ત માણસો જેમ વર્તન કરી શકીશું?”)
“બે યાર...” સુરભિ બોલી.
“એટલે આ મજાક હતી?” નિશાંતે પૂછ્યું.
“હા. માફ કરજો આવી મજાક
માટે.” શાલકીએ કહ્યું.
“વાંધો નહીં.”
“દોઢ ડાયી!” સિદ્ધાર્થ
બોલ્યો.
“It was not funny anymore…Did you
looked at his face just before?” (એ મજાક વિનોદી ન હતી રહી. તમે એનો ચહેરો જોયો હતો થોડીવાર
પહેલા?)
“યસ, આઈ ડિડ! ઈટ વોઝ અ ક્વાઇટ રિલિફ!”
(હા, મેં જોયું હતું અને મને એ જોઈ
રાહત મળી) સિદ્ધાર્થ બોલ્યો.
“It was a ridiculous prank! I could
not watch him like that! (એ ખૂબ જ વાહિયાત મજાક હતી, હું એને એ રીતે જોઈ નથી શક્તી)” શાલકીએ જણાવ્યુ.
“ઓહો...
I could not
watch him like that!” સિદ્ધાર્થ તેની નકલ કરતાં બોલ્યો.
“ઓહો...
I could not
watch him like that! હેં...!” સુરભિએ પણ સૂર પુરાવ્યો.
સીદ્ધાર્થ-દિશાબેન શાલકી સામે
જોઈ હસવા લાગ્યા. શાલકી શરમાઈ ગઈ, તેણે જમવાનું જારી રાખ્યું. નિશાંત સ્મિત સાથે તેને જમતા જોઈ રહ્યો. પછી બધાએ
નિશાંતની રસોઈની સાચી તારીફ કરી અને આજનો આ રૂડો દિવસ જે કોઈ પ્રસંગ અથવા ઉત્સવના
દિવસ જેવો સૌને લાગી રહ્યો હતો તો એના માટે પણ તેનો આભાર માની, વખાણ કર્યા.
સૌએ જમી લીધું, બાદ નિશાંત અને સિદ્ધાર્થ જમવા
બેઠા. ઘરના બીજા સભ્યો હીંચકા-પલંગ પાસે ગોઠવાયા. દિશાબેન નિશાંત-સિદ્ધાર્થને
પીરસવા રોકાયા. જોકે, પીરસવાની
જરૂર ન હતી. તેમણે ના પાડી. છતાં, દિશાબેન રોકાયા. કાજલબેન બંને માટે પાણીના પ્યાલા ભરી લાવ્યા, નીચે મૂકી, બંનેના માથે હાથ ફેરવી
સિદ્ધાર્થના ગાલ પર વ્હાલ કર્યું. બે ક્ષણ નિશાંત સામે જોઈ રહ્યા. પછી તેને પણ
ગાલે વ્હાલ કર્યું.
“બોવ
મોટું કામ કર્યું, આજ તમે બંનેએ, નિરાંતે જમજો.” કાજલબેને કહ્યું
અને સભા જામી હતી ત્યાં જોડાવા ચાલ્યા. ત્યાં બારણે ટકોરા થયા. શાલકી બારણે ગઈ.
નિશાંત-સિદ્ધાર્થ જમવાનું પરવારી ઊભા થઈ રહ્યા હતા. દરવાજે શાલકી કોઈકની સાથે
વાટાઘાટ કરી રહી હતી. તેનો અવાજ અંદર સુધી આવી રહ્યો હતો.
“અરે
ભાય, તમે ખોટા સરનામે આવી ગ્યાં સો...”
“અરે
મેડમ, મેં કુસ નહીં જાનતા, મુજે મેરે પૈસે દે દિજિયે...
ક્યાં ટાઈમ વેસ્ટ કર રહી હે મેરા!”
“એ
ભાઈ, તુજે કિસને રોકા? તું આયા હે, હમને નહીં બુલાયા.”
“મેડમ, આપ સા’બ કો બોલાઈએ.!” ગુજરાતી હોવા છતાં
હિન્દી બોલવાનો પ્રયત્ન કરતાં બ્હાર ઉભેલો આદમી બોલ્યો. શાલકી બ્હાર ઉભેલા આદમી
જોડે દલીલ કરી રહી હતી, તેનો અવાજ અંદર સંભળાતા હીંચકા સભા ચૂપ ગઈ.
“કોણ
સર?” તેણે પૂછ્યું.
“નિશાંત
પરમાર સર.” બ્હાર ઉભેલો આદમી બોલ્યો.
તે પાછળ ફરી. નિશાંત હાથ ધોઈ એ તરફ જ આવી રહ્યો હતો. ધીરેનભાઈ અને દિનકરરાવ દરવાજે આવ્યા. બીજા બધા પણ તેમની પાછળ ચાલ્યા. ધીરેનભાઈ શાલકીને પાછળ કરી પેલા ભાઈને શું સમસ્યા છે તે પૂછ્યું. બ્હાર ઉભેલા આદમીને જોઈ નિશાંત આશ્ચર્યચકિત થઈ ગયો. શાલકી ફાટેલી આંખે નિશાંતને જોઈ રહી. તે ગૂંચવાઈ ગઈ હતી. ધીરેનભાઈ-દિનકરરાવ બ્હાર ઉભેલા આદમીને જોઈ કઈ ખાસ ખુશ થયા હોય એવું લાગી ન હતું રહ્યું. જે રીતથી તેણે શાલકી સાથે વાત કરી હતી, ધીરેનભાઈને જરાય ન હતું ગમ્યું. તેમણે કોઈપણ ક્ષણે પેલા પર હાથ ઉઠાવાની તૈયારીમાં લાગી રહ્યા હતા. સિદ્ધાર્થે બ્હાર ઉભેલા આદમીને જોઈ કપાળે હાથ મૂક્યો અને બોલ્યો:”આ હુ કયરું તમે?” ગંભીર અને નિરાશાથી તે નિશાંત સામે જોઈ રહ્યો. ફક્ત સિદ્ધાર્થ બોલ્યો હતો પરંતુ પ્રશ્ન બધાના મનમાં ઘૂમી રહ્યો હતો. ‘નિશાંતે આ શું કર્યું?’

Comments
Post a Comment