રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ:૩)
રાજકોટ
સાઈડ સ્ટોરી (પ્રકરણ:૩)
“આ
બધુ તમે મંગાયવું સે?” શાલકીએ
પૂછ્યું.
“એક
મિનિટ.” કહેતા નિશાંત ધીરેનભાઈ અને દિનકરરાવ વચ્ચેથી આગળ આવ્યો. બ્હાર ઉભેલા
ડિલિવરીબોયના શર્ટનો લોગો જોઈ તે બોલ્યો:”તું રમણીકમાંથી આયવો છે?”
“હા.”
“તો
વાત કરવાની ભાન નથી તને? ડિલિવરી આપવા આયવો છે કે વસૂલી કરવા? લગાવું કિરણને ફોન?”
“કોણ
કિરણ?”
“ઊભો
રે’ કહું.” કહી નિશાંતે તેનો ફોન
કાઢ્યો.
“આ
બધુ હુ હાલી રયું સે?” દિનકરરાવે
કડક સ્વરે પૂછ્યું.
“બે
મિનિટ ખમો.” નિશાંત તેના ફોનમાં નંબર શોધી રહ્યો હતો.
દરમિયાન
પેલા આદમીએ બિલ ઉપર નામ વાંચ્યું, કિરણ કોઠારી. બાજુમાં તેનો નંબર વાંચ્યો. પછી તેના મગજમાં લાઇટ થઈ.
“ઓ
સા’બ રે’વા દ્યો... ફોન કરો મા.”
નિશાંતે
ફોન લગાવી દીધો હતો. રિંગ વાગી રહી હતી. પેલો આદમી બોલ્યો:
“સાયબ, મુ નવો મુકાયો સુ, મને ખબર નથી. રે’વા દ્યો.”
“હું
તારી ઓળખાણ કરાવું... રે’”
“ના.
સાયબ મને ખબર પડી ગીસે.”
“કિરણ...”
ફોન લાગી ગયો, તેણે લાઉડ સ્પીકર કર્યો.
“હા.
સર.”
“મેં
એક ઓર્ડર આયપો છે હમણાં. તારો માણસ આયવો તો ક્યે’ છે કે એ તને નથી ઓળખતો. પૂછે છે
કોણ કિરણ?”
“મારો
માણસ? સોરી સર. હું તેનું નામ જાણી શકું?”
“તારું
નામ બોલ.”
“એ
સા’બ, હું ભૂરો, કાળિયાનો ભાય. ઇ તો મારા
મોઢામાંથી ભૂલથી નિકરી જ્યુ.”
“તને
રાયખો સે કોણે? ગોસ્વામીને વાયત કરી હતી કે
જીવાણિને?”
કિરણે પૂછ્યું.
“ગોસ્વામીને.”
“હારુ.
ડિલિવરી પતાવીને ઉપર આવજે.”
“એ
હા.” ડિલિવરી બોયે કહ્યું.
“હલો.”
નિશાંતે ફોન સ્પીકરથી હટાવ્યો.
“હા
સર.”
“કાં
ભાઈ? તમારા માણસો તમને નો ઓળખે? થોડી ટ્રેનીંગ આપો વાત કરવાની, કામ કરવાની.”
“સ્યોર
સર. ચોક્કસ, આ નવો છોકરો છે. હું વાત કરું છું
હાલોને. કઈ પ્રોબલમ નથી થયને?”
“ના.
પણ પૈસા માંગવાની રીત હોય કે નય? જે રીતે માંગે છે, લાગે કે સ્ત્રીઓ જોડે હફતો લેવા આયવો હોય.” નિશાંત અતિરેકમાં આવી ગયો હતો, જેથી થોડી થોડી તેની કાઠિયાવાડી
લઢણ નીકળી રહી હતી. બાકી તે ચોખ્ખું ગુજરાતી જ બોલતો.
“માફી
ચાહું છું સર. તમે એને ફોન આપો.”
દોઢ મિનિટ સુધી કિરણે
ડિલિવરીબોયને ખખડાવ્યો. ભૂંડી જ ગાળો દીધી. પેલો હા સર, હા સર. કહેતો સાંભળી રહ્યો. કિરણે
જણાવ્યુ એને નિશાંત કોણ છે. કેટલા વર્ષોથી તેમનો ગ્રાહક છે, વગેરે વગેરે. હમણાં તે જેટલો પાવર
કરી રહ્યો હતો, એ બધો ઉતરી ગયો. બે મિનિટ બાદ
તેણે નિશાંતને ફોન આપ્યો.
“હા, બોલ.”
“સર, માફી ચાહું છું. આવું ફરી ક્યારેય
નય થાય. હું તમને બાહેંધરી આપું છું. તમે એને પૈસા ન આપશો અને પ્લીઝ પેકેજ લઈ
લેજો.”
“ના, ના, પૈસા તો આપવા જ પડે ને. સેવી વાત
કરો સો.”
“નહીં
સર. બિલકુલ નહીં. તમારા ન્યાં કોઈ આવી રીતે વર્તે એ અયોગ્ય બાબત છે અને અમારા કોય
કર્મચારી આવું વર્તન કરે એ અમે ના ચલાવી લઈએ. પણ આ ભૂલ થઈ ગઈ એના માટે તમને વિનંતી
કરું છું પ્લીઝ પૈસા ના આપતા. જોકે, એ લેશે પણ નહીં. મેં એને કહી દીધું છે...”
નિશાંતે તેની સાથે ઘણી
આનાકાની કરી પણ કિરણે પૈસા લેવાની સાફ મનાઈ કરી દીધી. અંતે નિશાંત તેની વાત માની
કોલ પૂરો કર્યો. પેલો ડિલિવરીબોય હાથ જોડી નિશાંતને કરગરવા લાગ્યો:
“સા’બ, મને માફ કરજો, હું ન’તો જાણતો તમે કોણ સો.”
“વાંધો
નહીં ભાય પણ ક્યાંય પણ જાવ એક રીત હોય પાર્સલ આપવાની. હું શું બીજું કોઈ હોય તો પણ
આ રીતે તોછડાયથી નો મંગાય.”
“માફી
માંગુ સા’બ.” કહી તેણે પેકેજ આપ્યા.
તેના
ગયા બાદ શાલકીએ પૂછ્યું:”આ બધુ હુ હતું?”
“આ
મારા ડ્રાઇવરે ઓર્ડર આયપો લાગે છે. મેં એને કીધું હતું કે હું કહું પછી ઓર્ડર આપજે
તો પણ એમણે કેમ મારા કીધા વગર ઓર્ડર આયપો? હું એને પૂછી જોવ.” કહી તેણે
ડ્રાઇવરને કોલ લગાવ્યો.
“ભાઈ
દીપેન, મેં તમને કહ્યું હતું કે કોલ કરીશ
મારે જો ખાવાનું જોયતું હશે તો. તમે કાં મારા કીધા વિના મંગાવી દીધું?”
“સાહેબ
તમે ફોન કયરો હતો મને. “
“ક્યારે?”
“આઠ
વાગે. તમે કાંઈ બોયલા નય, હું હલો, હલો કરતો રયો... મને લાગ્યું તમે
વ્યસ્ત હશો એટલે મેં મંગાવી દીધું.”
“શું
વાત કરો છો?” કહી તેણે ફોન તપાસ્યો.
જ્યારે ઘરના બધા જમવા બેસ્યા, ત્યારે તે ફોન નિકાળી બોલ્યો હતો
કે ‘જો ખાવાની મજા ન આવે તો બ્હારથી
મંગાવી દઇશું.” તેણે છેલ્લો કોલ ડ્રાઈવરને કર્યો હતો. તો કદાચ ભૂલથી લાગી ગયો હતો.
માટે દિપેનભાઇએ ઓર્ડર આપી દીધો.
“દિપેનભાઇ
મને ફરી ફોન તો કરવો હતો. જો ના સંભળાયું હોય તો. અમે બધાએ જમી લીધું છે. આ બધુ
વેસ્ટ ગયું ને હવે?”
“માફી
સર.”
“હારુ.
નેક્સ્ટ ટાઈમ પ્લીઝ કોલ કરી વાત ક્લિયર કરી લેવી. ગૂંચવાતા નય.”
તેણે વાત પતાવી. બધાને
ઘટનાક્રમ અંગે ખ્યાલ આવી ગયો. જમવાની બંને થેલી લઈ અંદર આવ્યા. બધા હીંચકા પાસે
બેઠા.
“એ
રેસ્ટોરાં વાળો તમને કેમનો ઓળખે?”ધીરેનભાઈએ પૂછ્યું.
“એ
અમારા કેન્ટીનનો વેન્ડર છે. બે વર્ષથી અમારી ઓફિસમાં કામ કરે છે.”
“બરાબર.”
“હુ
કરશું તો હવે આનું?” સિદ્ધાર્થે
પૂછ્યું.
નિશાંતને
કઈ સૂઝ ન પડી. ચાર ક્ષણ બધા ચૂપચાપ નિશાંતને જોઈ રહ્યા. છેડો આડો રાખી દિશાબેન
બોલ્યા:”કાલાવાડ રોડ આસપાસ ફૂટપાથ પર ભૂયખા ગરીબો હુતા હોય સે. એમને આપી દેવાય.”
“એમ
કરી શકાય.” નિશાંતે કહ્યું.
ત્યારબાદ શાલકી-નિશાંત, દિશાબેન-સિદ્ધાર્થ એક્ટિવા અને
બાઇક લઈ રોડ પર સૂતેલા નિર્ધનોને જમવાના પેકેટ આપ્યા. વળતી વેળાએ આઇસ્ક્રીમ
પાર્લરે ઊભા રહી આઇસ્ક્રીમની ઉજાણી કરી અને
નીકળતા પહેલા ઘરના બધા માટે ફેમિલી પેક લેતા આવ્યા.
*
૧માસ
બાદ,
(૩૦.૦૩.૨૦૧૧)
માહોલ ગંભીર હતો. સૌના ચહેરા
પર ચિંતા અને અધીરાપણું દેખાઈ રહ્યું હતું. સોસાયટીના બાકડા-કમ્પાઉન્ડ ખાલીખમ હતા.
કોઈ માણસ/ વાહન/પસુ રોડ પર સંચાર કરી રહ્યું ન હતું. કદાચ આખા ભારતમાં બધે આ જ
સ્થિતિ હતી. પાનના ગલ્લે, ડેરીએ, દુકાને અને ઘરે ઘરે લોકો ટીવી
સામે ગોઠવાઈ ગયા હતા. છેલ્લા ૩ કલાકથી રોડ પર એક વાહન પસાર ન હતું થયું.
ભારત-પાકિસ્તાન સેમિફાઇનલ
વર્લ્ડકપ ક્રિકેટ મેચ ચાલી રહી હતી. છેલ્લી બે ઓવર બાકી હતી. થોડીવાર પહેલા ઘરમાં
દલીલ ચાલતી હતી. ભજીયા બનાવા કોણ જશે? નિશાંતે બધી સ્ત્રીઓને મેચ જોવા બેસાડી હતી. તેમને પણ ખૂબ જ રસ હતો. પુરુષો
મેચના કારણે બ્હાર લેવા જવા ન હતા માંગતા. અને સ્ત્રીઓને નિશાંત જવા દેવા ન હતો
માંગતો. નિશાંતે રમણીક રેસ્ટોરાંમાં કોલ કરી પૂછી જોયું પણ મેચના કારણે આપવા આવી
નહીં શકે એવું જાણવા મળ્યું. એ હદે રાજકોટમાં ક્રિકેટનું વળગણ લાગ્યું હતું. લોકો
ધંધા બાજુમાં મૂકીને મેચમાં તલ્લીન થઈ ગયા હતા.
કોઈ નાસ્તો બનાવા ન ઊભું
થયું. છેવટે દિશાબેન ઊભા થયા. સમૂહ પરિવારમાં કોઈ એક વ્યક્તિએ સંઘર્ષ કરવો પડતો
હોય છે. અન્યની ખુશી માટે પોતાની ખુશીનું બલિદાન આપવું પડતું હોય છે. દિશાબેને આ
સંઘર્ષ ઉઠાવાનું નક્કી કર્યું. આ ઐતિહાસિક મેચ મૂકી તેમણે રસોડામાં બધા માટે ભજીયા
બનાવા ચાલ્યા ગયા. નિશાંતે તેમને જતાં જોયા અને બે ક્ષણ વિચારમાં પડ્યો. તેને આ
યોગ્ય ન લાગ્યું. મેચમાં સૌ કોઈ તલ્લીન થઈ ગયા હતા. રસોડામાં દિશાબેન યંત્રવત બની
કામ કરી રહ્યા હતા. રસોડાના દરવાજે તેમની મદદે કોઈ આવ્યું. દિશાબેન બીજી તરફ ઊભા
હતા. કોઈ આવ્યું છે એવો ખ્યાલ આવ્યો:
“તમે
જાવ, હું બનાવીને લેતી આવું સુ.”
લાગ્યું નિશાંત આવ્યો હશે પણ તેમણે ખોટા હતા. સિદ્ધાર્થ રસોડામાં આવ્યો હતો.
તેમણે કલ્પના ન હતી કરી કે
સિદ્ધાર્થ ક્રિકેટ મેચ છોડી રસોડામાં તેમની મદદ કરવા આવશે પણ તે ચોક્કસ આવ્યો હતો.
સમૂહ પરિવારમાં જ્યારે સંઘર્ષ ખેડવાનો આવે અને તમારી/રો જીવનસાથી તમારો સાથ આપે તો
એ સંઘર્ષ ખેડવાની પણ મજા આવી શકે છે. લગ્નના ફેરામાં આ બાબતની વાત થઈ છે.
સુખ-દુખમાં સાથે અને એકબીજાના સંઘર્ષમાં પણ સાથે. મોટાભાગે પતિ-પત્ની એકબીજાના
સુખ-દુખમાં ભાગીદાર બને છે પણ સંઘર્ષ તો કોઈ એકે જ ઉઠાવો પડતો હોય છે. દિશાબેન આ
બધા વિચાર કરી રહ્યા હતા. આજે સિદ્ધાર્થે એ જુનવાણી રૂઢિવાદ બદલી નાખ્યો. તે
પોતાનો સ્વાર્થ(પોતાની અતિપ્રિય રમત ક્રિકેટ) બાજુમાં મૂકી દિશાબેન પાસે આવ્યો.
દિશાબેન પ્લેટફોર્મ પર
લોટ બાંધી રહ્યા હતા. સિદ્ધાર્થ આવ્યો અને તેણે દિશાબેનને કામ કરતાં જોયા. તે
રસોઈઘરની બ્હાર ડોકાચિયું કરી જોઈ લીધું બધા શું કરી રહ્યા છે. સૌ ટીવીમાં મશગુલ
હતા. તે પાછો અંદર આવ્યો અને દિશાબેનની પાછળ ઊભા રહી તેમની કમરે હાથ જવા દીધો.
સાડીની અંદર બદન પર સિદ્ધાર્થનો હાથ ફરી રહ્યો હતો. તેના હોઠ તેમની મુલાયમ ગરદન પર
ફરી રહ્યા હતા.
“કો’ક આવી જાશે...”
“અહહહ...
કોય નો આવે.” દિશાબેનના વાળની ખુશ્બુ લેતા તે બોલ્યો.
દિશાબેને
તેને ન રોક્યો. સિદ્ધાર્થે એમનો આભાર માન્યો:”થેન્ક યુ દિશું બધા માટે ગોટા બનાવા આવવા
માટે.”
“હો, એમાં હુ? તમે જોડે હો એટલે મારે બીજું કાંય
ના જોઈ.” કહેતા તેમણે સિદ્ધાર્થ સામે જોયું. તેમની આંગળિયો લોટ ખૂંદતી અટકી ગઈ.
સ્થિર અવસ્થામાં બંને ઊભા હતા. તેમના હોઠ આગળ વધવા સહેજ ઉઘડયા. સિદ્ધાર્થ થોડો નમી
તેની પાસે આવ્યો. દિશાબેને આંખો બંધ કરી દીધી.
સિદ્ધાર્થે તેમના ગાલ પર હોઠ
અડાડયા અને પછી રેફ્રીજરેટર પાસે ગયો. દિશાબેનની કમર પર લપાયેલા હાથ લસરતા છૂટ્યા.
તેમણે આંખો ખોલી. તેમને ન સમજાણુ કેમ સિદ્ધાર્થ દૂર જતો રહ્યો?. તેમણે તેની સામે જોઈ રહ્યા.
સિદ્ધાર્થે પાણીની બોટલ લીધી. કોઈ કઈ બોલે એ પહેલા બ્હારથી ધીરેનભાઈએ બૂમ
મારી:“તીજી(અડતાળીશમી ઓવર) ચાલુ થાય સે.. સિધ્ધુડા!”
દિશાબેનના
કાન નજીક તે ઊભો હતો અને જોરથી બોલ્યો:“એ આયવો.” તેમણે કાન આગળ હાથ આડો રાખ્યો અને દર્દથી ઉહંકારી ઉઠ્યા:”શશશ...”
“મારા
માટે મરચાંવારા એક-બે બનાવજે.” કહી સિદ્ધાર્થ પાણીની બોટલ લઈ ઝટપટ બ્હાર ભાગ્યો.
સિદ્ધાર્થનું એમ જતાં
રહેવું દિશાબેનને જરાય ન ગમ્યું. એ જ અવસ્થામાં થોડીવાર ઊભા રહ્યા, થોડા ખીજાયા હોય એવું લાગી રહ્યું
હતું. હમણાં જે વિચારો તેમને આવ્યા કે સંઘર્ષમાં જીવનસાથીનો સાથ હોય તો સંઘર્ષ
ખેડવાનો આનંદ આવે. ‘ને અત્યારે
સિદ્ધાર્થ તેમને એકલા છોડીને જતો રહ્યો, બીજું તે એમના કાન પાસે બૂમ પાડી એટલે પણ ગુસ્સો આવી રહ્યો હતો.
એક વાર્તાકાર તરીકે મને પણ
એવું જ લાગ્યું કે સંઘર્ષમાં બંને પતિ-પત્ની સહભાગી બનશે પણ વાસ્તવિકતામાં એવું
થતું નથી, ઉપર જોયું એમ. સંઘર્ષ એક
આધ્યાત્મિક બાબત છે. લૌકિક રીતે સંઘર્ષ આકારમાં જોઈ શકાતો નથી. તે આત્મીયતાનું
દર્શન છે, નિરાકાર છે. તેને ફક્ત વ્યક્તિ
આત્માથી અનુભવી શકે. સર્વ બાબતોનો મોહ છોડવાથી એક વસ્તુ પ્રાપ્ત થાય છે, તે છે મોક્ષ. એ જ રીતે કોઈ
વસ્તુને મેળવવા, ચાહના પૂરી કરવા અથવા સાંસારિક
મોહને પામવા સંઘર્ષ પણ ત્યાગ માંગે છે. બસ, આ મોહ જીવનનું આખું ચક્ર ફરાવે
છે. કોઈ વસ્તુના મોહને કારણે ખેડવામાં આવતો સંઘર્ષ જીવનને આગળ વધારે છે. સંઘર્ષથી
નવી સમસ્યાઓ ઊભી થતી હોય છે. એ સમસ્યાનો ઉકેલ લાવવા અન્ય વસ્તુઓનો મોહ કેળવવો પડે
છે. નવો મોહ એટલે નવો સંઘર્ષ, નવો સંઘર્ષ એટલે નવી સમસ્યા અને નવી સમસ્યા એટલે ફરી નવો મોહ. જીવનનું આ ચક્ર
ફર્યા કરે છે અને એક દિવસ આત્મા શરીરના આવરણમાંથી નીકળી જાય છે.
જ્યારે તમે કોઈ સંઘર્ષ પકડો
છો ત્યારે તમે નવી સમસ્યાઓને આમંત્રણ આપો છો અને તે જરૂરી પણ છે. જીવનને આગળ ધપાવા, જીવન જીવવા કોઈ ચાલકબળ હોવું
જરૂરી છે અને એ ચાલકબળ છે મોહ. કશુક મેળવવાની ઈચ્છા. કઈક બનવાની આકાંક્ષા. કોઇના
માટે કશુક કરવાની લગની. આ બાબતો સંઘર્ષ માંગે છે. નક્કી તમારે કરવાનું તમે શેના
માટે સંઘર્ષ કરી રહ્યા છો. ‘ને તમારો સંઘર્ષ શું એ બાબતને લાયક છે? સ્વયં વિચારી જુઓ.
તમારું શરીર અને તમારી આત્મા
બંને અલગ છે. શરીર નશ્વર છે. તે એક દિવસ નિર્જીવ બની જશે પણ આત્મા શાશ્વત છે. જે
સંઘર્ષની મોહતાજ નથી. તેને કશો મોહ નથી. જોકે, કહેવાય છે કે મોહનો ત્યાગ જ
આત્માને મોક્ષ તરફ લઈ જાય છે પરંતુ મોક્ષ મેળવવાનો મોહ તો ખરી ને? આત્માને મુક્તિ આપવાની ઈચ્છા તો
ખરી ને... તો કેવો સંઘર્ષ પસંદ કરવા જોઈએ? એ વ્યક્તિગત બાબત છે. માણસ માયા
મૂકે કે ન મૂકે આત્મા સમય આવે દેહ મૂકી દે છે. મારૂ લખવું એટલું જ છે કે તમારો
સંઘર્ષ વ્યાજબી હોવો જોઈએ. તમારી ચાહના પૂરી કરવા આત્માનો સાથ હોવો જોઈએ. આ બાબત
જાણવી જટિલ છે. મગજ/મન વ્યક્તિને ક્યારેક છેતરી દે છે. મનમાં તો હોય સંપૂર્ણ ઈચ્છા
કશુક મેળવવાની, કશાકને પામવાની. જે ક્યારેક
ક્ષણિક આકર્ષણ હોય શકે છે. સમય જતાં એ વસ્તુલક્ષી આકર્ષણ મટી જતું હોય છે. ત્યારે
થાય કે મેં મારી આત્માથી આ બાબતની ચાહના કરી હતી તો પણ હુ ‘ખાલી’ કેમ નથી? કેમ મારામાં હજુ પણ બીજું કશુક મેળવવાની/પામવાની
ઈચ્છા જાગે?
માણસનું મન આવા કપટમાં ન
સંડોવાય અને પોતાનું ધ્યેય નક્કી કરે એના માટે મનની સ્થિરતા જરૂરી છે અને મન તો
હોય છે ચંચળ. તેની તો નિયતિ છે વિચલિત થયા કરવું. આ વિચલનોને સ્થિર કરવા હોય તો
શું કરી શકાય? ઉત્તર છે:ધ્યાન.
મોક્ષની પ્રથમ અવસ્થા. ધ્યાન એટલે
વિચારોની એકાગ્રતા. પોતાના શરીરના દરેક અવયવો સ્પર્શ વિના અનુભવવાની ક્ષમતા.
મોક્ષનું પ્રથમ ચરણ તમે પ્રાપ્ત કરી લો ત્યારે મસ્તિષ્ક આત્માની ખરી વાંછના જાણી
લે છે. મન/મગજ જે શરીરનો ભાગ છે. એને ખ્યાલ આવી જાય છે. આત્મા અને શરીર અલગ બાબતો
છે, બંનેના ધ્યેય અને ઈરાદા અલગ છે.
તો જો ધ્યાનથી ભૌતિક મોહ જાણી શકાય, જે ક્ષણિક અથવા તો જીવનકાળ પૂરતો જ છે. જેને પામ્યા બાદ નવી સમસ્યાઓ, નવા સંઘર્ષને જ જન્મવાની તો
જીવનની બધી માયાના સંઘર્ષથી ઉઠી મોક્ષને પ્રાપ્ત કરવાની પસંદગી શું યોગ્ય પસંદગી
નથી? જીવનચક્ર પૂર્ણ કર્યા બાદ જે
બાબતનો મોહ રહે છે, જે એક બાબત
મૂલ્ય ધરાવે છે:મોક્ષ. તેને શરીરની કાયાથી જ પ્રાપ્ત કરી શકાય છે, તો શું ભૌતિક મોહ પાળવા કરતાં જે
શાશ્વત છે, એના નિજાનંદને પામવું યોગ્ય
પસંદગી ન હોય શકે?
આ બધી આધ્યાત્મિક બાબતોથી
સમાજનો મોટો વર્ગ અજાણ છે. સમાજે માણસથી અપેક્ષાઓ નક્કી કરી રાખી છે. એ અપેક્ષા
મુજબ વર્તવું માણસની ફરજ માનવામાં આવે છે. એવું નથી કે બધા જ લોકો સમાજે દર્શાવેલ
અપેક્ષાઓ પૂર્ણ કરે. અર્ધા સમાજથી પણ વધારે લોકો એવું કરી શકતા નથી. કારણ અન્યની અપેક્ષા
પૂર્ણ કરવા માણસે નિજ માટે કશુક ગુમાવવું પડે છે. કશાકનો ભોગ આપવો પડે છે, સંઘર્ષ ખેડવો પડે છે. બધામાં એટલી
તાકાત નથી હોતી. સમાજે સૂચવ્યું છે કે ઘરમાં કોઈ એક વ્યક્તિએ સંઘર્ષ કરવો જ પડતો
હોય છે. તો જ્યારે કુટુંબનો એક સભ્ય પરિપક્વતા માની સંઘર્ષ ખેડે છે પરિવાર માટે
ત્યારે પરિવારના સભ્યો એ વ્યક્તિથી સંઘર્ષ સહન કરવાની અપેક્ષા રાખવા લાગે છે. એમાં
વ્યક્તિની સાથે નથી કોઈ. તેના ભાગ્યમાં જે કરવાનું આવે છે, એ તેણે કરવું પડતું હોય છે. કોઈ
તેની નોંધ લે કે ન લે.
ટેકન ફોર ગ્રાન્ટેડ! અર્થાત
કોઈ માણસને હરહંમેશ પોતાની જરૂરિયાતો માટે હાજરાહજૂર સમજવી. જેમાં વ્યક્તિ અન્યોની
જરૂરિયાત પૂરતું જ અસ્તિત્વ ધરાવે છે. આ ઘડીએ માણસે જાણવાની જરૂર આવી પડે છે શું
તેનો સંઘર્ષ યોગ્ય માણસો માટે કે યોગ્ય પરિસ્થિતી માટે છે ખરો? આ અનુભૂતિથી અજાણ ઘરે ઘરે કોઈ બાપ, કોઈ મા, કોઈ દીકરો, કોઈ દીકરી, કોઈ પત્ની, કોઈ પતિ, કોઈ દાદા, કોઈ દાદી, કોઈ પૌત્ર કે પૌત્રી અથવા ઘરની
કોઈપણ વ્યક્તિ ઘર ચલાવા અથવા પરિવારને ખુશ રાખવા/રાજી રાખવા, સંઘર્ષ ખેડતી હોય છે. જે સંઘર્ષ
ક્યારેક મૂલ્યરહિત-નિરર્થક હોય છે પણ માણસ એમાંથી પસાર થાય છે. કારણ સમાજે આશા
રાખી છે. કોઈ એકે તો ભોગ આપવો પડે.
આપણાં માનવીઓની કરુણતા એ છે, ક્યારેક સંઘર્ષ કરતા માણસને
અનુભૂતિ નથી થતી તેમણે જે જહેમત ઉઠાવી રહ્યા છે. એ તેમનો સંઘર્ષ છે. રોજ અસંખ્ય
માણસો પોતાની જાણબાર સંઘર્ષ ખેડતા હોય છે. જેમાંથી કેવી રીતે બ્હાર આવવું? અથવા શબ્દોથી પોતાની પીડા રજૂ
કરવાની આપસૂઝ પણ ધરાવતા હોતા નથી. ખેર, એ વિષય પર બીજા કોઈ દિવસે લખીશું. અત્યારે વાત એટલી છે કે માણસનું વર્તન અને
તેના વિચારોમાં એકરૂપતા હોય તો જીવન સંપૂર્ણ રીતે અર્થપૂર્ણ બને છે.
ધ્યાનથી આત્માની વાસ્તવિક
ચાહના જાણી આ પીડામાંથી બ્હાર આવી શકવું શું એટલું અઘરું છે?
એક ડીશમાં ભજીયા અને બીજી
ટ્રેમાં કઢીની ત્રણ વાટકી લઈ દિશાબેન પરસાળમાં આવ્યા. બધા આનંદથી શોરબકોર કરી
રહ્યા હતા. મેચ પૂરી થઈ હતી. બ્હાર રોડ પર વાહનોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. જેનો
અવાજ સંભળાઈ શકતો હતો. દિશાબેને મેજ પર ડિશ અને ટ્રે મૂકી. બધા વાતો કરતાં આનંદથી
ભજીયા ઉઠાવ્યા. સૌ કોઈ ખુશીના માહોલમાં હતા. ટીવીમાં હાઇલાઇટ્સ અને એક્ઝિટ
ઈંટરવ્યુઝ દેખાડી રહ્યા હતા. જેની કોઈ નોંધ લઈ રહ્યું ન હતું કારણ મેચ જીતવાથી ખુશ
હતા. દિશાબેને પરિવાર માટે કરેલા સંઘર્ષની નોંધ કોઈએ ન કરી. સૌ ભજીયાની ઉજાણી કરી
રહ્યા હતા અને મેચ અંગે ચર્ચા કરતાં રહ્યા. પુરુષો સૌ બધા હીંચકા પાસે ગોઠવાયા.
સ્ત્રીઓ રમીલાબેનના કક્ષમાં બિરાજમાન થયા.
દિશાબેન ટીવી પાસે બેસી
હાઇલાઇટ્સ જોવા લાગ્યા અને કેવી રીતે મેચ પૂરી થઈ એ જાણવામાં તલ્લીન બન્યા. તેમણે
ટીવીમાં પરોવાયા હતા. રમીલાબેને એમને અંદર આવવા કહ્યું. દિશાબેનના નસીબમાં
હાઈલાઈટ્સ જોવાનું પણ નહીં લખ્યું હોય. તેમણે કક્ષ તરફ ગયા અને બારણાં પાસે જ
બેસ્યા. ટીવી ચાલુ રહ્યું. મેજ પર પડેલી ડીશમાં ભજીયા પડ્યા રહ્યા.
નિશાંત મેજ તરફ ગયો અને એક
ભજિયું ઉઠાવ્યું. દિશાબેન તેને જોઈ રહ્યા. નિશાંતે નજર નમાવી તેમનો આભાર માન્યો.
તેમણે કૃત્રિમ હાસ્ય વેરયું. નિશાંત અગાસી પર ચાલ્યો ગયો. પાળીના ટેકે ઊભા રહી, આકાશમાં ફૂટી રહેલા રોકેટની
સિનેરી જોઈ રહ્યો.
*
(ક્રમશ:)

Comments
Post a Comment