રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ:૧)
રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ:૧)
“જી, હું જાણું છું આ વાત તમને અટપટી લાગશે પણ એ
જરૂરી છે. આપની પાસેથી તમારી દીકરી સિવાય કાંઇ નથ જોયતું મારે... પણ સગાઈ પહેલા
હું તમારા ઘરે થોડો સમય રોકાવા માંગુ છું... જાણવા કે તમારા ઘરની રીત-ભાત અને
પ્રણાલી કેવી છે. એ બહાને તમે પણ મને જાણી લે’જો.” નિશાંતે
કહ્યું.
ધીરેનભાઈ તેની સામે જોઈ રહ્યા. તેમના મોટાભાઇ
દિનકરરાવ પણ વાત સમજવા પ્રયત્ન કરી રહ્યા હતા. બે ક્ષણ કોઈ કઇ બોલ્યું નહીં.
નિશાંતના પપ્પા રાવજીભાઈના હાથમાં ચાનો કપ હતો. તેમણે ધીરેનભાઈને જોઈ રહ્યા હતા.
નિશાંતની ચાનો કપ હજુ મેજ પર જ પડ્યો હતો. પિતા-પુત્રની ચા ઠંડી થઈ રહી હતી. તે
બંનેનું ધ્યાન ધીરજભાઈ કેન્દ્રિત થયું હતું.
“આપની જે કોઈ શરતો કે
કન્ડિશન હોય તે જણાવી દ્યો. તમે,
પપ્પા અને વડીલો પોતાની રીતે નક્કી કરી શકો છો.” નિશાંતે ઉમેર્યું.
“જોવો, નિશાંતકુમાર ઇમાં એવું સે કે હમારા ઘેરે ૧૨
વરહ પહી રૂડો પરસંગ થવા જય રયો સે ‘ને મારી મોટી દીકરીનો પરસંગ
સે. દીકરીયુને હંમેશા અમે આયપું જ સે. એમની પાંહેથી ક્યારેય કશું લેવાય નય. મારી
બે દીકરીયુ સે. આ મારા મોટાભાયનો એકનો એક દીકરો સ,
સિદ્ધાર્થ. આના લગન અમે કરાવ્યા ત્યારે અમારી આર્થિક સ્થિતિ એટલી હારી નો હતી.
માટે એના લગનમાં ઝાઝો ખર્ચો અમે ન’તા કયરી હક્યા. શાલ્કીના
અમે ધામધૂમથી લગન કયરવા માંગીયે સીયે. સમાજમાં આબરૂ સે અમારી, વટથી રયા સી અને આગર પણ માનભેર જીવવા માંગી સીએ. તમારી હંધિય વાતો મંજૂર સે
પણ આમ ઘેરે રે’વાની વાત કરો મા. તમને આંય રાખવામાં મુશ્કેલી
કોઈ સે નય પણ જો સમાજમાં વાત જાય તો કેવું લાગે? સમાજમાં બધા
હમારી હાંસી ઉડાવે કે ધનંજય-કરસનના પુત્રો થવા વારા જમાયને ઘર જમાય બનાય રાયખે સે
અને ઇ પણ લગન પે’લા? આ અંગે પણ તમે
વિચાર કરી જુઓ...”
“કમાલ છે, તમારી દીકરી આખી ઝીંદગી મારા ઘરે રહી શકે
પણ હું આપના ત્યાં ૩ માસ ન રહી શકું? ‘ને
કયા સમાજની વાતુ તમે કરો છો? આ સમાજ ઓળખ્યા-પારખ્યા વગર
પરણાવી દયે છે. માણસ તેના જિંદગીભરના સાથીદારને ક્યારેય પોતાના મનની વાત નથી કરી
શકતો. પરસ્પર એકબીજાના વિચારો-અભિરુચિની એકરૂપતા નથી હોતી. અરે, અભિરુચિની વાત બાજુમાં મૂકો. ઘણા એવા કિસ્સા બને છે લગ્ન પછી કે
પતિ-પત્ની એકબીજા માટે સામાન્ય સમજણ પણ નથી ધરાવતા હોતા. વિચારોની આપ-લે તો દૂરની વાત છે. ‘ને ત્યારે માણસ ત્રીજી
વ્યક્તિનો સહારો ઝંખે છે અને મર્યાદા ઓળંગી બેશે છે. આવા કિસ્સાઓથી ચોરી, મારામારી, વ્યસન, રોજ રોજના
ઝઘડા-કંકાસ જેવા અસામાજિક દૂષણો વધે છે.
હું અને શાલકી અથવા મારૂ પરિવાર એકમેકની સાથે સુખી
છે કે નય? એ જોવા સમાજ નહીં આવે. એ અમારે જ સોર્ટ આઉટ
કરવું પયડશે. સંકોચાઈને બેબાકળા બની મારે નથી રહેવું અને હું કોયને રાખવા પણ નથી
માંગતો. એકબીજાને અને એકબીજાના પરિવારને જાણી લઈએ તો શું એમાં આપના સૌનું હિત નથી? આપણે આગળની પેઢીને વધારે સમૃદ્ધ અને પૂરતી સામાજિક-બૌધિક સમજથી ઉછેરી
નહીં શકીએ?”
“ઈ તો તમે હગાઈ પસી પણ
એકબીજાને જાણી હકો સો ને? તમારે ૬,૯ મયના, વરહ, દોઢ વરહ હગાઈ રાયખવી
હોય રાયખજો. જ્યારે તમારા મનને પૂરતો હંતોષ થઈ જાય તીયારે લગન વિષે વિસારજો.”
સિદ્ધાર્થે કહ્યું.
“સગાઈ પછી તમારી બેનને
અને મને એકબીજાને જાણવાનો સમય બહુ ઓછો મળશે. કારણ કે અમારા ઘરની જીવનશૈલી જુદી છે.
તેને એ સમજતા વાર લાગશે. બધા વ્યવહારો કેવી રીતે થાય છે, શું
કરવાનું? કેટલીક બાબતો અમારા માટે પણ નવી થવાની તો એમાં એમણે
બધુ શીખવું પડશે.”
“હા, ઈ તો હીખવું પડે.” ધીરેનભાઈ બોલ્યા.
“માટે હું ચાહું છું, સગાઈ પછી તે અમારા ઘરની રીત-ભાત શીખે અને
પોતાના કરિયર અંગે નિર્ણય લેય. જો આપ પરવાનગી આપો તો હું તેમને અમારું ઘર બતાવી
બધી માહિતી આપવા માંગુ છું. સગાઈ બાદ તેમને અમારી રીત-ભાત ફાવી જાય ત્યારબાદ...”
“તમે બોવ બધી અશક્ય વાતું
કરી રયા સો નિશાંત...”ધીરેનભાઈ બોલ્યા. તેમના અવાજમાં થોડી નિરાસા-ચિંતા લાગી રહી
હતી.
“માટે જ મેં અંતમાં કહ્યું
‘જો તમે પરવાનગી આપો તો’ અને હું સગાઈ પછી વધુ સમય લંબાવા નથી માંગતો. બધી તૈયારી માટે છ મહિના
પૂરતા છે... સર, હું અત્યાર સુધીમાં બે વાર કન્યા જોવા ગયો
છું. આ ત્રીજી વાર છે. આની પહેલા મેં એકેય ઘરે આ પ્રસ્તાવ નથી મૂક્યો. તમારું ઘર
અને આપ સૌ મને પસંદ આવ્યા છો. ખાસ કરીને સમાજમાં તમારો જે મોભો છે, તમારા પરિવારના રૂઢિગત મૂલ્યો તમને અન્ય લોકોથી ઉત્તમ ઠરાવે છે. માટે મેં
આ પ્રસ્તાવ રજૂ કર્યો એમ સમજીને કે તમે બ્રોડ માઇન્ડથી વિચારતા હઇશો.” નિશાંત મેજ
પર પડેલા ચાના કપને જોઈ રહ્યો. તે ચા અડયો પણ ન હતો. ચા ઠરી ગઈ હશે.
થોડીવાર એમ જ સૌ મૌન રહ્યા. ધીરેનભાઈ-દિનકરરાવ
વિચારતા રહ્યા. સિદ્ધાર્થ પણ. રાવજીભાઇને લાગ્યું ધીરેનભાઈ પ્રસ્તાવ ઠુકરાવી દેશે.
દરવાજાની આડશે ઊભેલી સુરભિની નજર પરસાળમાં બેઠેલા મહેમાનમાં નિશાંતને શોધી રહી
હતી. નિશાંતની ખુરશી ધીરેનભાઈ સામે હતી. સુરભિ નિશાંતની પાછળના કક્ષમાં ઊભી હતી માટે તે એને જોઈ શક્તી ન હતી.
“કેવો લાગ સ?” શાલકી તેના કક્ષમાં પલંગ પર ગુજરાતી
ડ્રેસમાં તૈયાર બેસી હતી. તે નિશાંતને હજુ મળી ન હતી. બે
ક્ષણ વીતી સુરભિએ જવાબ ન આપ્યો માટે તેણે ફરી પૂછ્યું:”સુભી... કેવો લાયગે સે એ?”
“અલી પપ્પાની હામેની
ખુરશીમાં બેયઠો સ. આયાંથી નથ દેખાતું.” દીવાલની આડસે તે ઊભી ઊભી પરસાળમાં બેઠેલા
સૌને જોઈ રહી હતી.
શાલકી નર્વસ થઈ ગઈ હતી. કોઈપણ ક્ષણે તેના કક્ષમાં
નિશાંત વાત કરવા આવી શકે છે. જેના વિષે આટલું બધુ સાંભળ્યું હતું એને રૂબરૂ થવાની
ક્ષણ આવી ગઈ હતી. તે તેના પગ ટપ ટપાવા લાગી. બ્હાર નિશાંત તેના પપ્પા અને ફુવા
સાથે શાલકીને જોવા આવ્યો હતો. તે ધંધે બિઝનેસમેન હતો. તેની કંપની મોટી વેબસાઇટનું
કામ કરતી. ગુજરાતમાં કહી શકાય એવા ૩૦ વર્ષથી ઓછી ઉંમરમાં કરોડપતિ બની ચૂકેલા
યુવાનોમાં તે પ્રખર હતો. તેના પિતા સમાજમાં મોટું માથું કહેવાતા. ધીરેનભાઈ ઘણા
લોકોની વગ અને વિનંતીથી રાવજીભાઇને દિકરીની વાત જોવા બોલાવ્યા હતા. એમ વિચારી કે
મોટા ઘર સાથે સંબંધ બંધાય તો સમાજમાં માન વધે અને દીકરીનું સારી જગ્યાએ ઘર વસી જાય
પણ તેમણે વિચાર્યું નહીં હોય એવી પરિસ્થિતી અત્યારે આવી પડી હતી. નિશાંત જે વાત
કરી રહ્યો હતો તે એમને ગળે ન હતી ઉતરી રહી.
દિનકરરાવે ધીરેનભાઈને બાજુના કક્ષમાં આવવા જણાવ્યુ
અને રાવજીભાઈને કહ્યું:”બે મિનિટ અમને અમારા પરિવાર હારે વાત કરી લેવા દ્યો. પછી
તમને જવાબ જણાવીએ.” બંને ભાઈ શાલકીના કક્ષમાં આવ્યા. દિનકરરાવ બોલ્યા:”આવી મોટી
વાતું વારંવાર નય આવે. એકવાર જો શાલકીનું ગોઠવાય જાહે તો સુરભિનું શોધવામાં વધારે મે’નત નય કયરવી પડે. ઈને પણ હારો મુરતિયો મળી જાહે.
જો હવ રાવજીભાયની આ શરત ના પાયડી તો એમને શંકા જાહે કે આમના પરિવારમાં કાંઈક ખોટ હયશે
એટલે સોકરાને આંય રોકાવા નય દેવા માંગતા હોય. વળી, જો
સમાજમાં બીજા બધાને ખબર પયડી કે આપડે રાવજી પરમારના ઘરનું હગપણ નો થાવા દીધું. તો
બધા આયપડી જ વાતું કરશે કી આપણામાં કે આપડી સોડીમાં કાંયક દોષ હયશે. ‘ને આંયાં રે’વું હોય તો રય લેવા દ્યો. ઈમ કરવાથી
આપણી સમાજમાં આબરૂ વયધશે કે આવા કરોડપતિ આદમીને આપણે આપડા ઘેરે રે’વા દીધો. ‘ને જો આપણાં ન્યાં રયા પસી પણ ઈ હગાઈની ના
પાડે તોય આપણું નુકશાન નથી જાવાનું. એને આગર હોધવું અઘરું પયડશે, બીજે જ્યાં જશે ઈ વિચારશે કે આ ત-તણ મહિના રયા પછીય ના પાડે હે લગનની તો
એમનો તો ખોટો ટેમ જાવાનો. બાકી, આપડે આપડી સોડી માટે કય હકીશું
ઈ મોટા માણાં’ને આપણાં નાના મકાનમાં નો ફાવેની.” દિનકરરાવે
સમજાવ્યું. રસોડામાંથી કાજલબેન અને રમીલાબેન તેમની વાત સાંભળવા આવ્યા હતા. બધાને
દિનકરરાવની વાત ગળે ઉતરી.
બે-ચાર મિનિટ બાદ દિનકરરાવ-ધીરેનભાઈ પરસાળમાં
આવ્યા:”નિશાંત, તમે આટલા મોટા આદમી થયને
જો અમારા ઘેરે રે’વામાં નાનપ નો અનુભવતા હોય તો અમે ચઈ રીતે
તમને ના પાડી હકીએ? તમને જે ઠીક લાગે એ નિર્ણયનું અમે માન રાયખશું.”
આ સાંભળી નિશાન રાજી થયો. તેની યોજના મુજબ બધુ પાર
પડી રહ્યું હતું. આ ત્રણ માસમાં તે એવી ઘટનાઓનો સાક્ષી બનવાનો હતો જે સૌને વિચિત્ર
સ્થિતિમાં મૂકી દેવાની હતી. નિશાંત, તેના પપ્પા અને ફૂઆએ વિદાય લીધી. દિનકરરાવ અને ધીરેનભાઈ તેમને ગાડી સુધી
વળાવા ગયા. શાલકી એના કક્ષમાં નીરસ ભાવે બેસી રહી. જેને જોવા-મળવા તે તલપાપડ થઈ
રહી હતી, એ તેને મળ્યા વગર જ જતો રહ્યો.
દિવસ:૧
મર્સિડિઝ ગાડી પાછળ છોકરાઓ દોડી રહ્યા હતા.
ધીરેનભાઈના ઘર આગળ ગાડી ઊભી રહી,
ડ્રાઈવર બ્હાર ઉતરી બાળકોને ભગાડવા લાગ્યો. નાના છોકરાઓ ધૂમ મચાવી રહ્યા હતા.
નિશાંત તેના ટેબલેટમાં ગેમ રમી રહ્યો હતો. બારીની બ્હાર જોયું, ઘર આવી ગયું હતું. ટેબલેટ બંધ કરી સીટ પર મૂક્યું. ડ્રાઈવર ડેકીમાંથી
સામાન કાઢી રહ્યો હતો. નિશાંત તેની મદદે ગયો. બ્હાર કોલાહલ સાંભળતા ધીરેનભાઈ બ્હાર
આવ્યા, તેમની પાછળ પાછળ કાજલબેન આવ્યા. ફોરમલ પેન્ટ-શર્ટ
નિશાંતે પહેર્યા હતા, આંખો પર એવિયેટર પ્રકારના ગોગલ્સ ચઢાવી
તે ક્લીન શેવમાં ગ્રીક ગોડ જેવો લાગતો હતો. તેના ચુસ્ત શરીર પર શર્ટ સજ્જડ લાગી
રહ્યો હતો, શર્ટની બંને બાંય વાળેલી હતી. જે તેના હાથના
સ્નાયુઓ વધારે ઊપસેલા હોય એમ લાગી રહ્યું હતું.
સામાનની એક બેગ લઈ તે ધીરેનભાઈ પાસે આવ્યો અને
તેમને પ્રણામ કર્યા. કાજલબેન બ્હાર આવ્યા, નિશાંત તેમને પણ નમસ્તે કહી તેમની તબિયત પૂછી. બેય માણાંએ નિશાંતને આવકારયો.
બેગ લઈ તે ઘરમાં આવ્યો. બીજી બેગ ડ્રાઈવર લઈ તેની પાછળ ગયો. સુરભિ તેના કક્ષ પાસે ઊભી
હતી. સિદ્ધાર્થના પત્ની દિશાબેન રસોઈઘરમાં હતા. કામવાળા પ્રાંજલબેન મોરીમાં કપડાં
ધોઈ રહ્યા હતા. સિદ્ધાર્થના પત્નીને નિશાંતના આવવાના એંધાણ લાગતાં બ્હાર આવ્યા.
સૌ કોઈ નિશાંતને અવાક બની જોઈ રહ્યા હતા. તેણે
ચશ્મા ઉતારી શર્ટના ખિસ્સામાં મૂક્યા. બધાની નજરોનું કેન્દ્ર નિશાંત બન્યો હતો અને
નિશાંતની નજરો શાલકીને જોવા માંગતી હતી પણ ઘરમાં આવીને એને જોવું થોડું અસામાન્ય
લાગે માટે તે જાણી જોઈને શાલકીના કક્ષ તરફ જોઈ રહ્યો ન હતો. તેના બદલે તે ઘરનું
શિલ્પકામ નિહાળી રહ્યો હતો. શાલકી સુરભિની પાસે ઊભી હતી. ધીરેનભાઈનું ઘર જૂની
શૈલીનું હતું. આની પહેલા આવ્યો ત્યારે પરસાળમાં જૂના શિલ્પકામવાળી મેજ-ખુરશીઓ હતી.
જે અત્યારે દેખાઈ રહી ન હતી. તેની જગ્યાએ હિંચકો લગાવ્યો હતો. દીવાલને અડતા પલંગ
મૂક્યો હતો. ઘરનું પગલુછણિયું અને તોરણ જૂના હતા. બે દિવસ પહેલા આવ્યો ત્યારે નવું
પગલુછણિયું અને નવા તોરણ લગાવ્યા હતા. ઉપરાંત સૌએ આજે દૈનિક વસ્ત્રો પહેર્યા હતા.
“આજે તમે નોર્મલ લાગી
રહ્યા છો અને ઘર પણ.” નિશાંતે કહ્યું.
“હા...હા(વાત ઉડાવવા ધીરેનભાઈ
હસ્યાં) અંદર આવો, તમારો ખંડ
બતાવું.”
ધીરેનભાઈ પ્રથમ ઓરડામાં
પ્રવેશ્યા. જે મહેમાન કક્ષ હતો. નિશાંતને ત્યાં ઉતારો આપી, તેનો સામાન ત્યાં મુકાવ્યો. ડ્રાઈવર બેગ
મૂકી બ્હાર ચાલ્યો ગયો.
“સરસ રૂમ છે.” તેના નવા
કક્ષનું નજરાણું મેળવતા તે બોલ્યો.
“ગયમું તમને?”
“હા. જોવોને પોતું મારેલું
પણ હજી સુકાયું નથી.” કહી પલંગ પાસે ફરસ પરનું પાણી બતાવ્યુ. તે મરક મરક હસ્તો
બારી પાસે ગયો.
“ઈ હમણાં જ પ્રાંજલબેને
પોતું માયરું હયશે. હવારનો કે’તો’તો કે’ નિશાંતકુમાર આયવાના સે,
તો રૂમ તેયાર રાયખજો... પણ ઈમણે કામમાં બોવ ધીમા.” ધીરેનભાઈ બોલી રહ્યા હતા, દરમિયાન કાજલબેન પ્રવેશ્યા.
“ફાવશેને તમને આયા?” કાજલબેને પૂછ્યું
“હા. કેમ નય?”
“તમારા ઘર જેવુ આલીશાન નથી, અમારું સાદું મકાન સે.” કાજલબેને કહ્યું.
“તમે જોયું છે મારૂ ઘર?” નિશાંતે પૂછ્યું.
“ના. અનુમાન લગાવું સુ.”
નિશાંત હસ્યો:”અમારે પણ
સાદું જ છે. તમારા જેવુ.”
“હોતું હશે કાઇ? ૧૨ બેડરૂમ અને ચાર ગેસ્ટરૂમને કાઈ સાદું
મકાન કે’વાય?” ધીરેનભાઈએ કટાક્ષમાં
પૂછ્યું.
“શું વાત છે ને... અહી
કોઇકે રિસર્ચ કયરી લાગે છે.”
“કોને નય્થ ખબર? આખા રાજકોટમાં બધાયને ખ્યાલ સે.” ધીરેનભાઈ
બોલ્યા. આ વાતચીત ચાલી રહી હતી દરમિયાન દિશાબેન આવ્યા:
“કાકી, ચા-નાસ્તો થઈ ગીયો સે. લગાવી દઉં?”
“હા, હા. હાલો બધા બારે. ચા નાસ્તો કરી લેવી.”
કાજલબેન બોલ્યા.
“હું ચા નથી
પીતો...”નિશાંતે કહ્યું.
“કાં?”
“મમ્મી, હું નાનપણથી જ નથી પીતો. ટેવ જ નથી પડી.” નિશાંત બોલ્યો.
‘મમ્મી’ સંબોધન સાંભળી કાજલબેનનું હ્રદય થડકી ઉઠ્યું. આશ્ચર્ય અને આનંદ એક સાથે
તેઓ અનુભવી રહ્યા હતા. નિશાંતના જવાબ સામે શું પ્રતિક્રિયા આપવી એ નક્કી કરે, એ પહેલા ‘મમ્મી’ શબ્દના
સંબોધને તેમને સ્નેહની વિચારશૃંખલામાં ઉતારી દીધા અને પછી તરત બ્હાર પણ આવી ગયા.
ચાર ક્ષણ બાદ શું પ્રતિક્રિયા આપવી એ સમજાયું:
“વારુ. તો કોફી બનાવડાવું?”
“ના. ચા નહીં, કોફી નહીં. કશું જ નહીં. ફક્ત ગ્રીન ટી!”
“ગ્રીન ટી? ઈ હું હોય?” કાજલબેને
પૂછ્યું.
“એ...(વિચારતા, થોડી ક્ષણો બાદ)ઉકાળા જેવુ પાણી આવે.
પાચનક્રિયા મજબૂત બનાવે અને ચરબી ઓછી કરવામાં મદદરૂપ બને.”
“બરાબર.” કાજલબેને કહ્યું.
“તમારે પણ પીવી જોઈએ. ફક્ત
પેટ ઓછું કરવા જ નહીં, જો તમને
વાયુની તકલીફ રહેતી હોય તો દરરોજ ગ્રીન ટી પીવાથી મટી શકે.” ધીરેનભાઈના આગળ આવેલા
પેટને જોઈ નિશાંતે સૂચન આપ્યું.
“હા, કેમ નય? આજે જ લય આયસુ
ગ્રીન ટી. આપણે બંને હારે પીયસુ.” ધીરેનભાઈએ બોલ્યા.
“દિનાભાઈ અને ભાભી માટે પણ
લેતા આવજો.” કાજલબેને કહ્યું.
“એક કામ કરીયે ઘરના હંધાય
માટે લેતો આવું. આજથી આપણે ગ્રીન ટી પીયશુ.” ધીરેનભાઈ ઉત્સાહમાં આવી બોલ્યા.
“એની જરૂર નથી, હું લાવ્યો છું મારી સાથે.” કહી તેણે તેનું
બેગ ખોલ્યું.
ગ્રીન ટીનું
પેકેટ લઈ બ્હાર આવ્યા. નિશાંત ગ્રીન ટી બનાવાની પ્રક્રિયા કહી રહ્યો હતો. ઘરમાં
સભ્યોની સ્થિતિ સહેજ બદલાઈ હતી. બધા પોત-પોતાનું કામ કરવાનો ડોળ કરી રહ્યા હતા.
ધીરેનભાઈ, કાજલબેન અને નિશાંતને ચાલતા ચાલતા વાત
કરતાં જોઈ સૌ એ તરફ આકર્ષાયા. સુરભિ-શાલકી તેમના કક્ષ પાસે જ ઊભા હતા. હજુ સુધી
નિશાંત-શાલકી એકબીજાને સત્તાવાર રીતે મળ્યા ન હતા. રસોડા પાસે શાલકીનો ખંડ પડતો.
ત્રણેય એ બાજુ આવ્યા. ધીરેનભાઈએ હવે ઓળખાણ કરાવી:
“આ મારી મોટી દીકરી. શાલકી.”
“હાઇ, નિશાંત.” નિશાંતે હાથ લંબાવતા કહ્યું.
“હાઇ, આઈ એમ શાલકી ધીરેન સોલંકી.” હાથ મળાવતા
શાલકીએ કહ્યું.
“વાવ... ફૂલ ઇન્ટરવ્યુ
મોડમાં તમે લાગો છો.”
“ધેટ્સ વોટ આઈ લર્ન્ટ, ઓલવેયઝ સે ફૂલ નેમ.”
“વેલ, આઈ નેવર હેડ ટુ. એવરિવન ન્યુ હુ આઈ એમ.
આસ્ક યોર ફાધર.(જોકે, મારે ક્યારેય મારૂ નામ જણાવાની જરૂર
નથી પડી, બધા જાણે છે હું કોણ છું. તમારા પપ્પાને પૂછો)”
નિશાંતને લાગ્યું શાલકી એટીટ્યુડ બતાવી રહી છે, માટે
અંગ્રેજીમાં બોલી રહી છે. એટલે તેણે એવો જવાબ આપ્યો. નિશાંતના આવા જવાબથી શાલકીને
તે સડેલ અને અભિમાની લાગ્યો. તેણીએ કહ્યું:”ગુડ ફોર યુ.(સારું કહેવાય તમારા માટે)”
કહી તે પોતાના કક્ષમાં ચાલી ગઈ.
નિશાંત તેને જતાં જોઈ રહ્યો. બાદમાં તેણે કાજલબેન
સામે જોયું. ‘ને વિચારવા લાગ્યો. શું
જુવાનીમાં કાજલબેન પણ શાલકી જેવા હશે? રસોડા પાસે આસન
પાંથર્યા હતા. ધીરેનભાઈ-નિશાંત ત્યાં બેશયા. કાજલબેન અંદર ગયા અને ગ્રીન ટી બનાવી.
ચા પી સૌ કોઈ પોત-પોતાના કામ-ધંધે વળગયા. નિશાંતનો
ડ્રાઈવર ઘરની બ્હાર ગાડીની રખેવાળી કરી રહ્યો હતો. નિશાંત આવ્યો એટલે ડ્રાઇવરે
ગાડી ચાલુ કરી. ધીરેનભાઈ પાછા રસોડામાં ગયા અને ચા જોડે ૩ તળેલી રોટલી ખાધી. સાથે
સાથે ગ્રીન ટીની કડવાશ કાજલબેનને સંભળાવતા રહ્યા.
*
સાંજે ૬ વાગતા તે ઓફિસેથી ઘરે આવ્યો. ઘરમાં તે
પહેલો પુરુષ હતો જે પોતાના કામ-ધંધેથી સૌપ્રથમ ઘરે આવ્યો અને તે જ સૌથી વધારે સફળ
હતો, વધુ પૈસા કમાઈ રહ્યો હતો. હજુ બધા ઘરના
તેનાથી સમાયોજિત થવા પ્રયત્ન કરી રહ્યા હતા. સુરભિ-કાજલબેન હીંચકામાં તુવાર ફોલી
રહ્યા હતા. શાલકી થોડે દૂર દીવાલના ટેકે ભણવાનું કરી રહી હતી. કાજલબેને નિશાંતને
આવકારયો. નિશાત પ્રણામ કરી તેના કક્ષમાં ગયો, રાત્રિએ
પહેરવાના કપડાં અને ટુવાલ લઈ બ્હાર બાથરૂમમાં નાહવા ગયો.
રાત્રે જમતી વેળાએ સૌ ભેગા થયા. આસન પટ્ટાની બે
પંગત પાથરી હતી. એક તરફ સિદ્ધાર્થ, સુરભિ, દિનકરરાવ અને શાલકી દર્શાવેલ નામના અનુક્રમે
હરોળમાં બેઠા હતા. તેમની સામેના આસન પર નિશાંત અને ધીરેનભાઈ બેઠા. જમવા બેસેલા સૌ
કોઈ ભોજન આરોગી ઊભા થાય પછી ઘરની બાકી સ્ત્રીઓ જમવા બેસે. પ્રથમ પુરુષો-દીકરીઓને
જમવાનું પીરસી દીધું. ક્યારેક દીકરીઓ પણ મમ્મી-મોટા મમ્મી અને ભાભી સાથે જમતી.
ભાણામાં રીંગણનું ભરથુ, ખિચડી અને ભાખરી પીરસવામાં આવી. સિદ્ધાર્થ
રસોડા નજીક બેઠો હતો. એક-એક થાળી તે આગળ આપતો ગયો. બધાને ભાણું મળી ગયું પછી ઘીની
ટબૂડી આવી, પછી અથાણું આવ્યું. સિદ્ધાર્થે ખિચડી-ભાખરી પર ઘી
રેડી, ટબૂડી આગળ જવા દીધી. બે ચમચી અથાણું લઈ બરણી આગળ
ધપાવી. એમ ઘી-અથાણાંનું ચક્ર ફર્યું.
ધીરેનભાઈએ નિશાંતને ઘી
લેવા આગ્રહ કર્યો:”લ્યો, લ્યો ઘી
લ્યો...”
“ના, હું આટલું ભારે નથી જમતો.”
“હોતું હયશે, ઘી તો આપડા કાઠિયાવાડી માણા’નું સોમરસ કે’વાય. આના વગર ખાવાનું અધૂરું રે’…”
“ના રે ના, આ બહુ ભારે જમવાનું છે. રાત્રે હળવો ખોરાક
જ ખાવો જોઈએ.”
“તો તમે રાતે હુ જયમો શો?” સિદ્ધાર્થે પૂછ્યું.
ધીરેનભાઈ આગળ કઈ બોલ્યા નહીં. શાલકી ગંભીર ઢબે
ચૂપચાપ જમી રહી હતી. તેને નિશાંતની એ વાત ગમી. તે પણ ઘી ઓછું ખાતી પણ આજે સામે
ચાલીને તેણે ભાખરી પર વધારે ઘી લગાવ્યું. નિશાંતનું ધ્યાન તેના ભાણામાં હતું. બાકી
સૌએ શાલકીના ઘી પ્રકરણની નોંધ લીધી. ભાખરીનો બીજો રાઉન્ડ આવ્યો. કાજલબેન ભાખરી
લઈને આવ્યા અને નિશાંત આનાકાની કરે એ પહેલા તેના ભાણામાં બે ભાખરી મૂકી દીધી.
“મમ્મી હું બે જ ભાખરી ખાઉ
છું.” નિશાંત બોલ્યો.
“મમ્મી?
“મમ્મી!” સુરભિ અને
સિદ્ધાર્થ એકસાથે બોલ્યા. સુરભિ,
સિદ્ધાર્થ અને શાલકી નિશાંતના મોઢે ‘મમ્મી’ સંબોધન સાંભળી નવાઈ પામ્યા.
“હા તો અમારા ન્યાં તઈણ
ખાવાની.” કહેતા કાજલબેને ભાખરીની છાદડી આગળ જવા દીધી.
કાજલબેન મનોમન હસી રહ્યા
હતા:”શાક લાવુંસુ.” કહી તેમણે રસોડામાં ચાલ્યા ગયા. ત્રણેય નિશાંતને જોઈ રહ્યા.
નિશાંત થોડો શરમાઈ રહ્યો હતો. શાલકીને તેની આ નિખાલસતા ગમી. તે સ્મિત સાથે જમતા
જમતા તેની સામે જોઈ રહી હતી. કાજલબેન શાક લઈને આવ્યા, નિશાંતને પીરસ્તા હતા.
“મમ્મી... મમ્મી મને પણ
આપજો હોં!” કાકીની મશ્કરી કરતાં સિદ્ધાર્થ બોલ્યો. સુરભિથી હસી પડાયું. નિશાંતે
ભાણામાં ધ્યાન કેન્દ્રિત કર્યું. શાલકીને નિશાંત અજાયબ લાગી રહ્યો હતો.
ધીરેનભાઈએ સૌથી પહેલા જમી લીધું, તેમણે પોતાના સ્થાન પર નિશાંત જમી લે તેની
રાહ જોતાં બેઠા હતા. નિશાંત જમીને તેની થાળી લઈ ઊભો થયો. સૌએ આ જોયું.
“મોરી ક્યાં?”
“આ હુ કરો?” ધીરેનભાઈએ પૂછ્યું.
“કાં? મોરીમાં નથી મૂકવાની થાળી?”
“થાળી ભલે આયાં પડી, રે’વા દ્યો. ઇ હમણાં
ન્યાં મૂકયાવશે.”
“કાં?”
બે ક્ષણ રહી ધીરેનભાઈ
બોલ્યા:”ઈ બૈરાં ઉપાડી લેશે, તમે
રે’વા દ્યો.” ધીરેનભાઈએ કહ્યું. નિશાંત તેમને જોઈ રહ્યો.
ધીરેનભાઈએ થાળીમાં જ પાણીથી હાથ ધોયા હતા. એમની થાળી આસન પાસે પડી હતી.
“એવું કેવું? તમને અન્ન સ્ત્રીઓ આપે, પીરસી પણ દ્યે, ‘ને એઠી થાળી
એય ધોવે... જોકે તમારી એઠી થાળી ધોવે ઈ વાત પણ વ્યાજબી નથી. ઓછામાં ઓછું આપણે થાળી
તો મોરીમાં મૂકી હકીએ ને?” બે ક્ષણ શાંતિ છવાઈ ગઈ.
“અઅહીઇયા!(ઓડકાર બાદ) ઈમાં
એવું સ કે અમારા ઘેરે ભાયડાઓ જમીને ભાણાં નથી અડતા. ઈ આ સોડિયું અથવા ઘરના બૈરાં
કરે.” ધીરેનભાઈ બોલ્યા. દરમિયાન શાલકી જમીને તેની થાળી લઈ ઊભી થઈ. તે યંત્રવત રીતે
ધીરેનભાઈ પાસે આવી, તેમની
થાળી ઉપાડી. નિશાંતે તેને રોકી:
“એક મિનિટ.(રસોડામાંથી
દિનકરરાવના પત્ની રમીલાબેન અને કાજલબેન બ્હાર આવ્યા) કાં ફક્ત સ્ત્રીઓ જ થાળી
ઉપાડે? પુરુષો કેમ નય?(બધા
ચૂપ) ખરો દંભ છે તમારો. કો’કના લગનમાં જાવ તો ન્યાં ક્યાં
થાળી મૂકો? જ્યાં ખાધું હોય ન્યાં કે વાહણ ગહતા હોય ન્યાં?”
“ન્યાં.” ધીરેનભાઈ બોલ્યા.
નિશાંત ગૂંચવાયો. ધીરેનભાઈના ‘ન્યાં’નો અર્થ ખાધું હોય ત્યાં થતો હશે કે જ્યાં વાસણ ધોવાતા હોય ત્યાં? સર્વસામાન્ય ધારણા બાંધી તે આગળ વધ્યો.
“શાલકી...(પ્રથમવાર
નિશાંતના મોઢે તેનું નામ નિકળ્યું. શાલકી નિશાંતની સામે જોઈ રહી) લાવો, તમારા પપ્પાની ડિશ હું મૂકી આવું.”
“અરે, હોતું હયશે કુમાર. આવી જીણકી વાતમાં તમે
ખરું કરો સો...”કહી ધીરેનભાઈ હસ્યાં અને શાલકીના હાથમાંથી થાળી લઈ લીધી:”લ્યો, હું મારી થાળી મૂકી દઉં સુ, બસ?”
“બસ! શું? મારા માટે થોડી હું કહી રયો છું. તમને જેણે
જમવાનું આયપુ એના માટે આટલું તો કરી શકોને?”
“એ જ્ઞાન સાલુ!”ધીરેનભાઈ
મોરી તરફ ચાલતા મનોમન બબડ્યા. શાલકી અને નિશાંત ધીરેનભાઈની પાછળ પાછળ પોત-પોતાની થાળી મૂકવા ગયા.
“ખરો વેદિયો સે...”
સિદ્ધાર્થ ધીમે રહી બોલ્યો.
“એમનું તર્ક ખોટું સે?” સુરભિએ પૂછ્યું.
“એ હે, બધા નારી સશક્તિકરણ માટે લડવા લાયગા. તું રેસ્ટોરાંમાં
જમવા જાવ તો અંદર રસોડામાં થાળી મૂકવા જાય સે?” સિદ્ધાર્થ
બોલ્યો.
“આ ઘર સ કે રેસ્ટોરાં?” સુરભિએ પૂછ્યું.
“ઘર.”
“તો તમારે હુ કરવું સ?”
સિદ્ધાર્થ મૌન થઈ ગયો. જમ્યા બાદ સિદ્ધાર્થ અને
દિનકરરાવે પણ પોતાની થાળી મોરીમાં મૂકવી પડી. રસોઈમાંથી દિશાબેન, કાજલબેન અને રમીલાબેન બ્હાર આવી જોયું તો
તે દ્રશ્ય આહ્લાદક અને નૈનપ્રિય લાગ્યું. કોઈ એઠા વાસણ સ્થાન પર ન હતા.
ધીરેનભાઈ પંખો ચાલુ કરી હીંચકામાં બેઠા. નિશાંત
તેમની બાજુમાં પલંગ પર બેઠો. થાળી મૂકીને સિદ્ધાર્થ અને દિનકરરાવ પણ એ તરફ
આવ્યા:”આ તમે હારું કયરું, હુંય પે’લા મોરીમાં જ ડિશ મૂકી આવતો... આ તો કાકાએ અને બાપુએ આદત પડાવી દીધી સે.”
સિદ્ધાર્થે કહ્યું.
“બસ, હો બસ.” સુરભિ ત્યાંથી પસાર થતાં બોલી.
સિદ્ધાર્થ નેપકિનથી હાથ લૂંછી રહ્યો હતો, જે સુરભિએ એની
પાસેથી ખેંચી લીધો. તે બે ઘડી ચૂપચાપ ઊભો રહ્યો. ધીરેનભાઈ હીંચકા પર એક પગ ચઢાવી
ફાકી મેળવી રહ્યા હતા. દિનકરરાવ મોરી પાસે ભરાવેલા નેપકિનથી હાથ લુંછી હીંચકામાં
બિરાજમાન થયા. ધીરેનભાઈએ એમને ફાકી આપી. સ્ત્રીઓ જમવા બેસી. શાલકી-સુરભિ તેમના
કક્ષમાં ચાલી ગઈ.
“આવતી કાલે હુ કરશું?” સિદ્ધાર્થે પૂછ્યું,
તે નિશાંત પાસે બેઠો.
“શેનું?” નિશાંતે પૂછ્યું.
“જે આજે કયરું એનું.”
“એવો પ્રશ્ન જ કેમ થાય છે? તમે પોતાને એમની જગ્યાએ મૂકી જુવો. કોઈને
જમાડીને એમનું એઠ ઉપાડી સાફ કરવું. વિચારી જુઓ ખાલી.”
ફાકીએ બંને ભાઈને ચર્ચાના
મિજાજમાં લાવી દીધા હતા. દિનકરરાવે ચાલુ કર્યું:”અમે કમાહી સીએ, એંમ્ન ઘરના કામની જવાબદારી સ, ખવડાવાની, ઘર હંભાળવાની,
બાળબચ્ચાં હંભાળવાની એવી બયધી. અમારી સત(છત) પૂરું પાડવાની,
રક્ષા કરવાની અને જોયતી વસ્તુ લાઇ આપવાની સે.” બોલ્યા પછી દિનકરરાવ પિકદાનીમાં
થૂંકયા.
“તમે એક વસ્તુ આપો છો અને
સામે ત્રણ વસ્તુની આશા રાખો છો. આવું કેવું? તમે પૈસા આપો છો એની સામે તમારી પત્ની તમને ખવડાવે,
તમારું ઘર સંભાળે અને તમારા છોકરાઓને સાંચવે...”
“તો. પૈસામાં ચેટલી તાકાત સે
નય?” સિદ્ધાર્થે ડપકું પૂરયું.
“બાળકોને સાચવવાની
જવાબદારી શું ફક્ત સ્ત્રીઓની છે?
પુરુષોની કોઈ ભૂમિકા નથી? બાળક કેવી રીતે સમાજના વ્યવહારો
સમજતું થશે? કોણ તેને રક્ષા કરતાં,
જીવનના મૂલ્યોની સમજ આપશે? મારા જીવનમાં આ બધુ મને મારા
પિતાએ શીખવ્યું છે.”
“તો રાવજીભાઇ હારા માણાં
કે’વાય... કુડોસ ટુ રાવજીભાઇ!” સિદ્ધાર્થે ફરી
ડપકું પૂરયું. (કૂડોસ-જશ)
“પૈસા કમાવવું અઘરું નથી. ક્યાં કેટલો ખર્ચ કરવો એ
અઘરો છે. માટે જ તો માર્કેટમાં પૈસા રોકવાને લોકો જોખમ સમજે છે. સાધારણ મગજ તર્ક
એટલું જ સમજે છે કે આ કાર્ય કરીશ અથવા આ વસ્તુ વેચીશ એટલે મને પૈસા મળી જશે. પૈસા
કમાવા સાધ્ય છે, જ્યારે ક્યાં કેટલા પૈસા
વાપરવા અથવા રોકવા એ મગજ પર જોર નાખવાની બાબત છે. જેમાં ઘણી વાર વ્યક્તિ મગજથી
છેતરાઈ જાય છે. ‘ને આ જ અઘરું કામ સ્ત્રીઓને મયળે છે. પુરુષો
પૈસા આપીને છૂટા થઈ જાય, ઘર ચલાવા બધી બાજુ વિચાર કરી પૈસા
વાપરવા પયડે છે. ગ્રાહક એટલે જ ચીકણા હોય છે. નાની વસ્તુમાં ભાવતાલ કરવું ભલે
નગણ્ય લાગે પણ સ્ત્રીઓ મેનેજમેંટથી ચાલતી હોય છે. ગણતરી આખી ન ફેરવાઇ જાય માટે...
આ કામ સ્ટ્રેસ વાળું છે. તમે ક્યો છો ઘર ચલાવું
એમની જવાબદારી છે. ઘર ચલાવાના ક્યાંય કોર્સ નથ થાતા કે ન તો એની તાલીમ મળે છે. જેમ
ધંધામાં કે નોકરીમાં મળતી હોય છે. સમાજે સ્ત્રીઓ પર ઘરના કામ થોપી દીધા છે. જેમ
પુરુષો પર કમાવાની જવાબદારી થોપી છે. તમે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી થઈને
આંકડાશાસ્ત્રનો દાખલો ગણવા જશો તો ભૂલ પડવાની શક્યતા રહેશે. સમાજે સ્ત્રીઓને
કમાવાની ફરજ આપી નથી, તેથી ઘણી
સ્ત્રીઓ કમાઈ નથી શક્તી. ‘ને સામાજિક ભૂમિકા મુજબ ઘરવાળીનું
પાત્ર ભજવે છે.” નિશાંત બોલ્યો. શાલકી-સુરભિ કક્ષની બ્હાર આ લોકોની ચર્ચા સાંભળવા
આવ્યા. જમવા બેસેલા રમીલાબેન, કાજલબેન અને દિશાબેન પણ બધી
વાતો સાંભળી રહ્યા હતા.
“અમે કોઈ દી’ અમારા ઘરમાં ના નથી પાયડી બ્હાર કમાવા જાવાની. ઈમને પોતાને નથી જાવું.”
દિનકરરાવ બોલ્યા.
“મેં એ જ તો ઉદાહરણ
આયપું, વિજ્ઞાન પ્રવાહ વાળું. આંકડાશાસ્ત્રનો દાખલો ગણવા જશો
તો ભૂલ પઇડશે. ‘ને પૈસા એવી બાબત છે કે એમાં ભૂલ પયડે તો
નુકશાન ક્યારેક રિકવર નથી થઈ શકતું.”
“એવું નો બને, એટલે જ મારી બેય સોકરીઓને હું ભણાવું સૂ.
જેથી ઈ વિજ્ઞાન પ્રવાહ પણ જાણે અને આંકડાશાસ્ત્ર પણ.” ધીરેનભાઈએ કહ્યું.
“જો, આટલું સરસ બ્રોડ માઇન્ડ હોવાનો દેખાડો કરી
શકો છો તો થોડો વધારે કેમ નથી કરતાં? આજની જેમ પહેલા કેમ
થાળી મોરીમાં ન હતા મુક્તા?”
“હું કાલથી મોરી પાંહે
જમવા બેહીશ. જમીને થાળી ન્યાં જ ધોય નાયખવાની.” સિદ્ધાર્થે ફરી પાછું ડપકું
પુરયું. સુરભિ હસવા લાગી તે બોલી:
“’ને તમારે ઘી જોયતું હયશે તો?”
“હું કાલે પેલી જીણકી
કોથળીયુ આવે ને ચુનાના પાઉચ જેટલી, ઈ લેતો આયીશ. આપડે ઘીની એવી નાની નાની પડીકીયુ બનાવીશું. મને પીરસો એટલે
ભાખરીની બાજુમાં એક ઘીની પડીકી મૂકી દેવાની.” સિદ્ધાર્થે જણાવ્યુ. શાલકી-સુરભિ અને
દિશાબેન હસી પડ્યા. સુરભિએ લંબાવ્યું:”અન તમને બીજીવાર ખિચડી કે શાક જોયશે તો?”
“તો કાંઈ નય, ત્યાં બાજુમાં એઠવાડ પડ્યો હોય સે ને, ન્યાંથી બપોરનો ભાત લઈ લયશ ‘ને ટાઢું શાક બપોરનું લય
લઇશ ઈમાંથી.”
“લ્યો... આમણે તો કુતરાના
પેટ પર પાટુ માર્યું.” શાલકી બોલી.
“હું કૂતરો જ સુ!”
સિદ્ધાર્થ મોટેથી બોલ્યો. શાલકી અને સુરભિ ખડખડાટ હસી પડ્યા. આગળ બીજી લપ્પન છપ્પન
થાય એ પહેલા ધીરેનભાઈ બોલ્યા:“આજે ડિશ મેલીને? રોજ મેલીશુ.”
“એ તો તમે તમારા માટે
કરશો... એમના પર કોઈ ઉપકાર નથી કરવાના, તમારે એમનો આભાર માનવા કઈક કરવું જોઈએ. એમનો આભાર માનવા કોઈ પ્રતિકાત્મક
ભેટ આપવી જોઈએ.”
“તી અમારે જ આભાર વ્યક્ત
કરવાનો? તમે પણ જમ્યા સો, તમે
હુ કરશો? અન કાકા સુપસાપ થાળી મૂક્યા’વ્યા
હોત તો? આટલું લાંબુ ખેંચવાની હુ જરૂર હતી?” સિદ્ધાર્થ બોલ્યો.
“ભાઈ, ખેંચી નથી રયાં,
વિચારોની આપ-લે કરી રહ્યા છીએ. હું ફક્ત તર્ક જણાવું છું. જે મને યોગ્ય લાગે છે.”
નિશાંતે કહ્યું.
“હા, યોગ્ય સે તમારી વાત. આપણે જરૂર ઘરની
સ્ત્રીઓનો આભાર વ્યક્ત કઈરવો જોઈ. હું તો કવ સુ સ્ત્રીઓનો આભાર જ્યાં કરવો હોય, જેવો કરવો હોય હું ન્યાં વ્યક્ત કરવા સૌથી આગળ રઈશ. આખું મલક ભેગું કરી
સ્ટેજ પર હાલ ઓઢાડી સન્માન આપવું સે? કે અમારા ઘરની સ્ત્રીઓ
રોજ અમને ખાવાનું આપે સે અને અમારી થાળી પણ ધોઈ નાયખે સે,
જેથી અમે બીજા દા’ડે એમાં ખાય હકી!”
સિદ્ધાર્થ કટાક્ષ સાથે અતિશયોક્તિ કરી રહ્યો હતો. જે તેને ભરાવાની હતી.
“તમારો શું વિચાર છે?” નિશાંતે દિનકરરાવ-ધીરેનભાઈને પૂછ્યું.
“ચોક્કસ કાંયક કરીયે.”
ધીરેનભાઈએ સહમતી દર્શાવી. સ્ત્રીઓ બધી વિચારમાં પડી કે આ લોકો શુ કરવા માંગે છે?
“ચલો, તો આ રવિવારે આપણે રસોઈ બનાવીશું અને
સ્ત્રીઓ આરામ કરશે!”
આ સાંભળતા સાથે કાજલબેને હાથમાં લીધેલો
કોળિયો હોઠે જ અટકી ગયો, રમીલાબેન
નિખિલ બાજુ પાછળ ફર્યા, દિશાબેન પૂતળાની જેમ ચોંટી ગયા, ધીરેનભાઈએ પગથી હિંચકો રોક્યો, સુરભિ-શાલકી
નિશાંતને જોઈ રહ્યા. દિનકરરાવ પિકદાનીમાં થૂકી, નિશાંત સામે
જોયું...
*

Comments
Post a Comment